Thursday, March 3, 2011

પરિક્રમા - ભાગ ૩: બિહાર ૧૮૫૭

૩.
ભરતીના દિવસે જગતપ્રતાપ પાંચમા રિસાલાના પરેડના મેદાનમાં દસ વાગ્યા પહેલાં જ પહોંચી ગયો. ભરતી માટે કેટલાય યુવાનો પોતાના ઘોડા સાથે આવી રહ્યાા હતા. એક દફેદાર તેમને એક કતારમાં ખડા રહેવાની સૂચના આપી રહ્યો હતો. નિયમ મુજબ દરેક ભાવિ રિક્રુટે ઘોડાની ડાબી બાજુએ ઉભા રહેવાનું હતું અને લગામ જમણા હાથમાં પકડવાની. યુવાનો લાઇનબંધ થયા ત્યાં સીઓ, મેડીકલ અૉફિસર તથા રિસાલદાર પાંડે તેમના ઘોડા પર સવાર થઇને ત્યાં પહોંચ્યા.
“રિસાલદાર સાહીબ, આપને ઉ ઘોરા ડેક્કા?” સીઓએ ભાંગી તુટી ભોજપુરીમાં પૂછ્યું. “મને તો એ કાઠી નસલનો લાગે છે.”
“જી સાહેબ. આપનું નિરીક્ષણ સહી છે. આ ઘોડાના કાન તેની નસલની સાક્ષી પૂરે છે. બન્ને કાનની ટોચ એકબીજાને અડે તે અશ્વ કાં તો મારવાડી નહિ તો કાઠી હોવો જોઇએ.” કાઠી અને મારવાડી નસલના મૂલ્યવાન ઘોડા કોઇ રાજા મહારાજાના અસ્તબલમાં જ હોય. બીજા કોઇને રાખવા પોષાય નહિ.
પહેલી ચકાસણી થઇ ઘોડાની ચાલની. બાકીના બધા ઘોડા ત્રણ માત્રાની ‘ટ્રૉટ’ કરતા હતા જ્યારે કાઠી ચાર માત્રાની રેવાલ ચાલ કરી રહ્યો હતો. બાકીના ઘોડા કરતાં અર્ધો હાથ ઉંચો આ અશ્વ સાવ જુદો તરી આવતો હતો. જેવો ઘોડો તેવો તેનો અસવાર. લગભગ છ ફીટ લાંબા, પાતળા જવાન પાસે જ્યારે સીઓ તથા પાંડે પહોંચ્યા, તેમણે પહેલો સવાલ કર્યો, “આ ઘોડો તમે ક્યાંથી લાવ્યા?”
“અમારા નાનાએ અમને અમારી બારમી વર્ષગાંઠના નિમીત્તે ભેટ આપેલો આ ઘોડો છે.”
“ક્યા અસ્તબલનો છે?”
“રીવા રાજ્યના.”
મધ્યપ્રદેશના રીવાના મહારાજા બઘેલ વંશના - જે મૂળ સૌરાષ્ટ્રના વાઘેલા પરિવારના રાજકર્તાઓ હતા. જ્યારે તેઓ મધ્યપ્રદેશમાં ગયા, તેમની પરંપરા સાથે અશ્વ પણ લઇ ગયા હતા.
દાક્તરી પરીક્ષા થઇ ગઇ. હવે સરકારી કાગળપત્રોમાં નોંધણી શરૂ થઇ.
નામ: જગતસિંહ, વલ્દ ઉદયસિંહ”
વય: ૧૭ વર્ષ.
ગામ: બલ્લીયા”
કારકૂને લખ્યું, “બલ્લીઆ, અવધ.”
વારસ: શરન રાની,પત્ની.
રિસાલદાર સાહેબે મૅજીસ્ટ્રેટનું ફારસીમાં લખેલા પ્રમાણપત્રો વાંચ્યા. સહી-સિક્કા બરાબર હતા તેની તસદીક કરી અને બધા દસ્તાવેજ મુન્શી - રેજીમેન્ટલ કારકૂનને આપ્યા..
રિક્રૂટ જગતસિંહની નીમણૂંક રિસાલદાર પાંડેની ટ્રૂપમાં થઇ.

*********
સમય સૂર્યની પરિક્રમા પ્રમાણે વહે છે. મનુષ્ય માટે સમય અને અવકાશ પરિસ્થિતિ-સંબંધીત હોય છે. કોઇક માટે તે એટલી ધીમી ગતિએ વહે છે, તેની એક એક ક્ષણ તેને અસહ્ય લાગે છે. જાણે ઘડીયાળની સોય અટકી ગઇ. આનંદના વર્ષો ક્ષણમાં વિતી ગયા હોય તેવું લાગે છે.
જગતને તેના જીવનમાં વર્ષની છએ ઋતુઓની ઝાંખી જોવા મળી. કેટલીક વાર તો બે ઋતુઓનું દર્શન એકી સાથે થયું. શરદના હિમ-શીત વાયરામાં વસંતનો આવિર્ભાવ જોવા મળ્યો. હેમંતની મીઠી શીતલતામાં કોઇ વાર ગ્રીષ્મની ભિષણ ઉષ્ણતા ભાસી. પિતૃગૃહ છોડ્યાને પાંચ વર્ષના વહાણાં વાયા હતા. આ પાંચ વર્ષ તેના જીવનમાં કેટલી વાતો બની ગઇ!
રઘુરાજપુરથી નીકળી તે પશ્ચિમમાં ગંગા કિનારે આવેલા બક્સર શહેરમાં ગયો. આખા પ્રવાસ દરમિયાન તેણે આગળ શું કરવું તેનો વિચાર કર્યો. રાતે શિવમંદિરમાં બેસી નિર્ણય કર્યો. પહેલાં તો રહેવા માટે નાનું સરખું કેમ ન હોય, મકાન લેવું જોઇશે, જ્યાં તે શરનને લાવી શકે. બીજો નિર્ણય કર્યો આવક વિશે. તે આત્મનિર્ભરતામાં માનતો હતો. જ્યારે જ્યારે તે પટના જતો, દાનાપુર કૅન્ટોનમેન્ટમાં પોલો રમવા અવશ્ય જતો. ત્યાં પાંચમા રિસાલાની પરેડ જોવા મળતી. તેમના સવારોનો લાલ અચકન, સફેદ ઝાલરની કૉલર, લોખંડની જાળીવાળા ખભા પરના એપૉલેટ, ઘેરી નીલી પાટલૂન, સફેદ સાફો અને ઘૂંટણ સુધીના બૂટનો ગણવેશ તેને ગમ્યો હતો, પણ તેમની કોઇ વાત તેને ગમી હોય તો તે હતી તેનો અશ્વપ્રેમ! અહીં તે તેના 'મેઘ' સાથે રહી શકશે! તેણે રિસાલામાં જોડાવાનું નક્કી કર્યું.

(Painting of Bengal Irregular Cavalry: Image courtesy google images)
દિવાન ગૌરી પ્રસાદ માથુર પાસે તેને બે વિષયોમાં અગત્યની કેળવણી મળી હતી: યોજના અને નિર્ણય. કોઇ કામ કરવું હોય તો તેની પૂર્વ યોજના કરવી. ધ્યેય નક્કી કર્યું હોય તો તેની પ્રાપ્તિ માટે યોજના કરવી સરળ બને છે. જો ધ્યેય જ સાફ ન હોય તો યોજના શાની કરવાની હોય? યોજનામાં સંજોગોને ધ્યાનમાં રાખી, સમય, પ્રાપ્ય સાધન અને તેનો સમજદારીપૂર્વક વિનિમય અને ઇસ્તેમાલ કરવાથી ધ્યેયપ્રાપ્તિની શક્યતા વધી જાય છે. પ્રતિકૂળ સંજોગોમાં પોતાનાં સાધનો અને જ્ઞાનનું ઊંડાણ પ્રતિસ્પર્ધીથી છુપાવવું અને તેનો અણીના સમયના શસ્ત્ર તરીકે ઉપયોગ કરવો તેમાં શાણપણ છે, તેના પર દિવાને ખાસ ભાર આપ્યો હતો. માતા પિતા પાસેથી વચનબદ્ધતા, નમ્રતા અને સિદ્ધાંતોનું પાલન તેના જહેનમાં પૂરા ઉતર્યા હતા. રાજવી ઘરાણાનો હતો તેથી કે પૂર્વ જન્મના સંસ્કાર, નિડરતા અને નેતૃત્વ ભારોભાર ભર્યા હતા. તેથી જ તો નવ માનવોની હત્યા કરી ચૂકેલા શ્વાપદનો શિકાર એકલા હાથે કરી શક્યો હતો. અને નિર્ણયની બાબતમાં તો સમજી ગયો હતો કે એક વાર નિર્ણય લીધા પછી તેની સિદ્ધતા માટે એકાગ્રતાપૂર્વક કાર્ય કરવું.
ગંગા કિનારે આવેલા બલ્લીયા ગામમાં તેની દાઇમા રહેતી હતી. તે તેમને નાની કહીને બોલાવતો. નાની જ્યોતિદેવીની દાઇ હતી, અને તેમની સાથે જ રહી હતી. લગ્ન પછી પણ તે તેમની સાથે રઘુરાજપુર આવી અને જગત તથા તેની નાની બહેન તેજેશ્વરીની સારસંભાળ રાખી. ૭૦ વર્ષની થતાં તેણે વતન જવાનું નક્કી કર્યું. “આખરી શ્વાસ મારે ગંગા કિનારે, મારા ગામમાં લેવો છે” એવું કહ્યું ત્યારે જ્યોતિદેવીએ તેમને જવા દીધા. નાનીના જવા બાદ પણ જગતે તેમની સાથે સમ્પર્ક જાળવી રાખ્યો, એટલું જ નહિ, તેમને દસ કટ્ટા જમીન અને નાનકડું મકાન લઇ આપ્યા.
જગત પહેલાં નાની પાસે ગયો અને તેમને પૂરી વાત કરી.
“બેટા, તું લગ્ન કરી વહુને અહીં મારી પાસે લઇ આવ. હું તમારૂં બન્નેનું ધ્યાન રાખીશ. તારી નાની હજી એટલી બુઢ્ઢી નથી થઇ કે તારૂં, વહુનું અને તમને થનારા બાળકોની દેખભાળ ન રાખી શકું.”
“નાની, અમે તારી પાસે આવીએ તેના કરતાં તું અમારી સાથે રહેવા આવે તો કેવું? હું રિસાલામાં ભરતી થવા જઉં છું. મારે તો હંમેશા ફરજ પર જવાનું રહેશે. તમે બધાં નજીક હશો તો હું તમને મળવા આવતો જતો રહીશ.”
નાની માની ગઇ. જગતને ખ્યાલ હતો કે કદાચ તેને શોધવા લોકો નાનીને ગામ જાય. તેણે છપરાની નજીકના રૂદ્રપુરમાં ગામની સીમમાં મકાન જોઇ રાખ્યું હતું. બાનાની રકમ પણ આપી હતી. તેણે છપરામાં થોડી વધુ જણસ વેચી બાકીની રકમ ભરી. નાનીને ઘરવખરી, જરૂરી રાચરચીલું લેવા માટે પૈસા આપી ભાગલપુર ગયો.
ગંગા નદીના કિનારે રહેવાનો આ જ ફાયદો હતો. વિશાળ ગંગા મૈયાના પટ પર મુખ્ય વાહનવ્યવહારનું સાધન નૌકાઓ હતી. કંપની સરકારની મોટી નૌકાઓમાં તેમની સેનાની અવરજવર રહેતી.
શરનનાં માતા પિતાને ખ્યાલ તો હતો જ કે રૂઢિચુસ્ત રાજપુત ખાનદાનના ઉદયપ્રતાપસિંહ કદી પણ આ લગ્ન માટે તૈયાર નહિ થાય. તેમનાં બે સંતાનોમાં દીકરો રામ અવધ મોટો અને શરન તેનાથી ચાર વર્ષ નાની. પુત્રીની ખુશીને ખાતર તેમણે લગ્ન માટે મંજુરી આપી. સાદગીથી લગ્ન કરી બીજા દિવસે તે શરનને લઇ રૂદ્રપુર ગયો. બે મહિના પત્નિ સાથે રહી તે દાનાપુર ભરતી માટે ગયો હતો.
*********
પાંચ વર્ષના અરસામાં ઘણી વાતો થઇ. રીક્રુટ ટ્રેનીંગ પૂરી થયા બાદ યુદ્ધના અભ્યાસ માટે બે મહિના બહાર રહ્યા બાદ રિસાલદાર સાહેબે શિફારસ કરી જગતના પરિવારને દાનાપુરના સદર બજારમાં રહેવાની રજા અપાવી. શરનકુમારી - હવે શરનરાની - ને બે પુત્ર થયા. મોટો ઉદય પ્રકાશ અને તેનાથી બે વર્ષ નાનો જ્યોતિ પ્રકાશ. રિસાલદાર બ્રિજ નારાયણે તેમના માનદ્ દાદા થવાનું સ્વીકાર્યું. આ પાંચ વર્ષમાં જગતે નોકરીમાં ઘણી પ્રગતિ સાધી. એક તો નોકરીની શરુઆતના સતત ત્રણ વર્ષ તે દાનાપુર બ્રિગેડની ટેન્ટ-પેગીંગ સ્પર્ધામાં ચૅમ્પિયન થયો તેથી તેને લાન્સ કૉર્પોરલ - ‘એક્ટીંગ લાન્સ દફેદાર’નું પ્રમોશન મળ્યું.
ચોથા વર્ષની નોકરી દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં શિકારના મોસમની શરૂઆત થઇ. હંમેશ મુજબ જગદીશપુરના રાજા બાબુ કુંવરસિંહ દાનાપુર બ્રિગેડના અફસર તથા પટનાના કમિશ્નર મિસ્ટર ટેલરને નિમંત્રણ મોકલતા. આ વર્ષે પાંચમા રિસાલાના સીઓના ખાસ મિત્ર અને બૅંગાલ લાઇટ કેવેલ્રીના કૅપ્ટન જ્યોર્જ રીડ દાનાપુરમાં રોકાયા હતા. તેઓ ઘોડેસ્વારીના દર્દી-શોખીન હતા તેથી સીઓએ તેમને શિકાર પર જવાનો આગ્રહ કર્યો. જગતસિંહને તેમના રક્ષક તરીકે નીમ્યા.
જગદીશપુર રિયાસતમાં મોટું જંગલ હતું. તેમાં બાબુ કુંવરસિંહની શિકારગાહ હતી. ત્યાં રાતવાસો કરી વહેલી સવારે લાંબા ભાલા સાથે શિકાર પાર્ટી નીકળી પડી.જંગલમાં એકાદ કલાક આંટો માર્યા બાદ શિકારી પાર્ટીની સામેથી એક ૪૦૦-૫૦૦ રતલના વજનનું, તીક્ષ્ણ દંતશૂળવાળું ડુક્કર દોડી ગયું. કંપનીની ઇંગ્લંડમાં એડીસકુમ્બમાં આવેલી અફસર ટ્રેનીંગ સ્કૂલમાંથી આવેલા નવા લેફ્ટનન્ટે શિકારના બધા શિરસ્તા તોડી ભાલાનો છુટો ઘા કર્યો. ડુક્કર ઘાયલ થયું અને જંગલમાં દોડી ગયું. શિકારીઓએ તેની પાછળ ઘોડા દોડાવ્યા. સૌથી આગળ હતા કૅપ્ટન રીડ અને તેમના રક્ષક જગતસિંહ. તેમણે શ્વાપદનું પગેરૂં બરાબર પકડ્યું હતું. જંગલની વચ્ચે નાનકડી ખુલ્લી જગ્યામાં રીડ અને જગતે ઘોડા ઉભા રાખ્યા. અચાનક રીડની ડાબી બાજુએથી ઘાયલ ડુક્કર તેમના પર ધસી ગયું. જગતે અંગ્રેજીમાં બૂમ પાડી, “Sahib, to your left..”
શિરસ્તો એવો હતો કે પહેલો ઘા મહેમાન કરે. જગત નજીક હતો છતાં તેણે કૅપ્ટનને આગાહ કર્યા. રીડનો ભાલો તેના જમણા હાથમાં હતો અને જંગલી સુવર ડાબી બાજુએ. તે રીડના અશ્વની એટલી નજીક હતું કે અંગ્રેજ પાસે ઘોડો વાળી, ભાલો મારવા જેટલો પણ સમય નહોતો. તેણે જગતને હુકમ આપ્યો, “Trooper, get him!”
જગત તૈયાર હતો. તેણે ઘોડા પરથી સીધો કુદકો સુવરની દિશામાં માર્યો, બન્ને હાથમાં પકડેલો ભાલો સીધો તેના પડખા તરફ સધાયેલો હતો. ક્ષણાર્ધમાં તેણે ભાલો સુવરના હૃદયમાં પરોવ્યો. તે જગ્યાએ જ તરફડવા લાગ્યું.
એટલામાં મુખ્ય શિકારી પાર્ટી ત્યાં પહોંચી. જગત હજી સુવર પર જ પડેલો હતો. બાબુ કુંવરસિંહે જગત તરફ જોઇ ભવાં ચડાવ્યા. શિકાર પર વાર કરવાનો તેને અધિકાર નહોતો. કેવળ મહેમાન અથવા તેમના મેજબાન, બેમાંથી એક જણ વાર કરી શકે.
જ્યૉર્જ રીડે જ્યારે વાતનો ખુલાસો કર્યો, અને જગતની શાલિનતાનો તેમને ખ્યાલ આવ્યો, તેમણે જગતને બોલાવ્યો. ભોજપુરીમાં શાબાશી આપી તેને ભેટમાં ખોસેલું મ્યાન સાથેનું નાનું ખંજર કાઢ્યું. જગદીશપુરની રાજમુદ્રા સાથેનું, સુવર્ણના નક્ષીકામ સાથેનું આ ખંજર તેમણે જગતને આપવા હાથ લાંબો કર્યો. જગતે કૅપ્ટન રીડ તરફ જોયું. તેમના હુકમ સિવાય તે કશું લઇ શકે નહિ. રીડે મસ્તક હલાવી હા કહી ત્યારે તેણે આ ભેટ સ્વીકારી. જ્યારે તે ખંજર લઇ રહ્યો હતો, કુંવરસિંહે તેની તરફ જોઇને ભોજપુરીમાં પૂછ્યું, “સ્વાર, અમને લાગે છે અમે આપને પહેલાં મળ્યા છીએ. મહારાજા રીવાને ત્યાં કે પછી રઘુરાજપુરમાં...?”
જગતે તેમની સાથે એક નાની ક્ષણ નજર ભીડાવી, સહેજ મસ્તક હલાવીને કહ્યું, “રાજાસાહેબ, અમે એક નાનકડા ગામડાનાં રહેવાસી છીએ. આપની નજીક પણ ક્યાંથી આવી શકીએ?”
કુંવરસિંહ સમજી ગયા. યુવાન કશું છુપાવવા માગે છે. સમયની નજાકત સમજી, તેમણે ડોકું હલાવ્યું. જગત તેમને સૅલ્યૂટ કરી બાકીના રક્ષક તથા સિપાઇના ટોળા તરફ જતો રહ્યો.
રેજીમેન્ટમાં પહોંચ્યા બાદ કૅપ્ટન રીડે જગતના સીઓને પૂરી વાત કરી સીઓ પાસે શિફારસ કરી: આ હોનહાર જવાન રેજીમેન્ટનું નામ ઉંચું કરશે. તેને પ્રમોશન મળવું જોઇએ.
બીજા દિવસે પરેડમાં તેના કામની સરાહના કરતાં સીઓએ તેને લાન્સ દફેદારના હોદ્દા પર તરક્કી બક્ષી.
૧૮૫૭ના વર્ષની શરૂઅાત હતી. કેન્ટોનમેન્ટમાં શાંતિ હતી. અફસર મેસમાં પાર્ટીઓ ચાલતી હતી. દેશમાં શાંતિ વર્તાતી હતી - ઉકળતા ચરૂ પરના ઠંડા દેખાતા ઢાંકણાની જેમ. પરંતુ ઉકળતો લાવા ક્યારે ચરૂ ફાડીને બહાર નીકળશે, તેનો કોઇને ખ્યાલ નહોતો.

4 comments:

  1. Enjoying lucid language. Feeling like living the period of that time.

    ReplyDelete
  2. જગતપ્રતાપ સાથે તેમના ઘોડા અંગે રસપ્રદ માહિતી!
    "ઇસ્ટ ઈન્ડિયા કંપનીનો એ હથિયારધારી જવાન. તરવરિયા તોખાર જેવો જવાંમર્દ. સૈનિકોને અપાયેલી ‘બ્રાઉનબેન’ નામની બંદૂકને બદલે ‘અનફીલ્ડ’ નામની બંદૂકો અપાણી. આ બંદૂકમાં કારતૂસ ભરતા પહેલાં તેના પરનો કાગળ દાંતથી તોડવાનો રહેતો.
    દેશી પાયદળ છાવણીમાં વાત ફેલાણી કે હિંદુ સિપાઈને અપાયેલા કારતૂસના કાગળ પર ગાયની ચરબી અને મુસલમાન સિપાઈને અપાયેલા કારતૂસના કાગળ પર સુવ્વરની ચરબી લગાડી પરદેશીઓ અભડાવવા માંગે છે. મંગળ પાંડેથી આ સહેવાયું નહીં." વાત હજુ યાદ કરાય છે.જાણીતો ઈતિહાસ ફરી વાંચતા આનંદ થાય છે

    ReplyDelete
  3. અદભૂત.
    મને પણ પ્રજ્ઞાબેનની જેમ આ ભાગ વાંચતાં ' મંગળ પાંડે' અને 'જુનૂન' ફિલ્મો યાદ આવી ગઈ હતી.

    પણ મૂળ વાત સાથે અંકોડા ક્યાં અને ક્યારે મળશે.. તે હજી રહસ્ય જ છે.

    ReplyDelete
  4. રેજીમેન્ટમાં પહોંચ્યા બાદ કૅપ્ટન રીડે જગતના સીઓને પૂરી વાત કરી સીઓ પાસે શિફારસ કરી: આ હોનહાર જવાન રેજીમેન્ટનું નામ ઉંચું કરશે. તેને પ્રમોશન મળવું જોઇએ.
    બીજા દિવસે પરેડમાં તેના કામની સરાહના કરતાં સીઓએ તેને લાન્સ દફેદારના હોદ્દા પર તરક્કી બક્ષી.
    ૧૮૫૭ના વર્ષની શરૂઅાત હતી
    And the Act of Bravery rewarded !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Narendrabhai Thanks for your visits/comments on Chandrapukar

    ReplyDelete