Follow by Email

Sunday, March 27, 2011

પરિક્રમા: પૂર્ણ વર્તુળ

એપીલોગ
બ્રિટીશ સોશિયલ વર્કરની ડાયરીમાંથી...
નિવૃત્તિના જીવનનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે માણસ પાસે પુષ્કળ ફાજલ સમય હોય છે. આ અમૂલ્ય ધનનો અભાવ તેની કિશોરાવસ્થાની અને ગૃહસ્થાશ્રમની જવાબદારી નિભાવવાતી વખતે તેને વિશેષ રૂપથી ભાસ્યો હશે. તેના વ્યક્તિગત શોખ અને વિવિધ કલાવૃત્તિને વિકસાવવાનો તેની પાસે સમય ન હોય તેવું ઘણી વ્યક્તિઓના જીવનમાં બન્યું હશે. મારી પોતાની વાત કહું તો તે સો ટકા સાચી હતી. મેં મારા પ્રિય વિષય ભારતના પ્રાચિન ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. ડિસેમ્બરના એક રવિવારની સાંજે ઘેર આરામથી બેઠો હતો ત્યાં ટેલીફોન રણક્યો.
“Hi, ભૂતકાળના પડછાયામાંથી આવતો અવાજ ઓળખી શકો છો?” સામે છેડેથી કોઇ અમેરીકન મહિલાનો અવાજ આવ્યો.
“માફ કરશો, હું આપને ઓળખી ન શક્યો,” મેં કહ્યું.
“હું સુઝન, સુઝન પરસૉદ બોલું છું. ક્ષમા તો અમારે માગવાની કે એક વર્ષ પહેલાં તમને બાય-બાય કહીને અમે જે ગયા, ત્યાર પછી તમારો સંપર્ક સાધી ન શક્યા.”
“તમે કયાંથી બોલો છો?”
“અમે લંડનમાં જ છીએ. અમારે તમને ખુશ ખબર આપવાની છે. તમે કહો તો અમે તમારા ઘેર આવીએ, જો કે તમે અમારી હોટેલ પર આવી શકશો તો તમારા ઋણી થઇશું. અમારી સાથે કોઇક છે, તેની તમારી સાથે મુલાકાત કરાવવી છે. તે જેટ લૅગથી થાકી ગયો છે અને ઉંઘે છે તેથી અમને આવવામાં મુશ્કેલી પડશે. અમે રાત પૂરતો હૉલ્ટ લીધો છે અને કાલે બપોરની ફ્લાઇટથી અમે લૉસ અૅન્જેલીસ જઇએ છીએ.”
હૉટેલ પહોંચીને લૉબી પરથી મેં તેને ફોન કર્યો. શૉન તરત નીચે આવ્યો અને અમે તેમના સ્વીટમાં ગયા. ત્યાં નાની સરખી લાઉન્જમાં સુઝન હતી અને તેની સાથે દસ-અગિયાર વર્ષનો બાળક હતો. એક વિશીષ્ટ પ્રકારના આનંદનું અજવાળું આ બાળકના ચહેરા પર દમકતું હતું.
“આ અમારો પુત્ર કિશોર છે,” સુઝને કહ્યું.
કિશોરે મારી તરફ શરમાળ નજરે જોયું અને સ્મિત કરીને કહ્યું,“નમસ્તે!”
*********
લંડનથી તેઓ ગયા ત્યાર બાદ તેમને થયેલા બધા અનુભવો તેમણે કહ્યા.
“શૉનને મળીને રૂપવતીનાં આંસુ રોકાતાં નહોતાં. તેના અંતરના જખમ ફરી તાજા થયા હતા. શૉન તથા મારા માટે આ સાવ નવો અનુભવ હતો,” સુઝને કહ્યું. “ભારતનાં ગામડાંના લોકોનાં મન કેટલા સરળ હોય છે, તેમની ભાવનાની નિર્બંધ અભિવ્યક્તિ જોઇ અમે ચકિત થઇ ગયા. શૉનનો પીંડ આખરે ભારતીય જ હતો. અભાવિત રીતે જ તે રૂપવતીની નજીક ગયો અને તેના મસ્તક પર હાથ રાખી “It’s OK, sister. I am indeed your brother,” કહી તેને સાંત્વન આપવા લાગ્યો. હું પણ તેની નજીક ગઇ અને તેને બાથમાં લીધી. થોડી વારે તે સ્વસ્થ થઇ અને મોટી દિકરીને તેના ડૅડીને બોલાવવા દોડાવી. થોડી વારે તે આવ્યા. અમને કર્નલ તથા મિસેસ ચંદ્રાએ ઘણી મદદ કરી. તેમના વગર આ મુલાકાત અને તેમની સાથે વાતચીત શક્ય જ નહોતી. આ મુલાકાતમાં જ અમને જણાઇ આવ્યું કે અમારી શોધ અહીં પૂરી થાય છે. હવે રૂપવતી તથા તેના પતિ સાથે આ વિષયમાં વાત કેવી રીતે કરવી એ અમારા માટે સમસ્યા હતી.”
“મારા મનમાં એક સવાલ ઉભો થાય છે. તમે કેવી રીતે માની લીધું કે આ પરિવાર જ્યોતિ પ્રતાપના વંશજ છે? શૉન અને રામેશ્વરના ચહેરાની સામ્યતા ઉપરાંત બીજા કોઇ પુરાવા જરૂર જોયા હશે?”
“અલબત્! અમારી સામે સૌથી મહત્વની ત્રણ વાતો આવી. કર્નલ ચંદ્રાએ રૂપવતીને તેના પિતાને મળેલા વીર ચક્ર વિશે પૂછ્યું ત્યારે તે તેમના જુના કાગળપત્ર અને મેડલનો બૉક્સ લઇ આવી. તેમાં તેમની સર્વિસબુક, મેડલ્સ અને જુના કાગળપત્ર હતા. તેમાંના ત્રણ પત્રો ઘણા જ જુના, એટલે પાંચમા જ્યૉર્જની પોસ્ટેજ સ્ટૅમ્પના કવર સાથેના પત્ર હતા.
“રૂપવતીએ કહ્યું કે તેને ખબર નહોતી તેના પિતાજીએ આ જુના કાગળ કેમ સાચવી રાખ્યા હતા. હા, એક વાર તેમણે તેને કહ્યું હતું કે આ તેમના દાદાજી રામ નરેશના વખતના પત્ર છે, મુંઘેરના કોઇ પાંડેસાહેબના છે કહી, તેને સાચવી રાખવાનું કહ્યું હતું,” રૂપવતીએ કહ્યું.
“કર્નલે તેમને કહ્યું કે તેઓ પત્રમાં જણાવેલા મુંઘેરના પાંડે છે, અને તેઓ તથા સુબેદાર સાહેબ એક જ રેજીમેન્ટમાં હતા. તેમને વાંધો ન હોય તો પત્રનો મજમૂન તેમને જણાવી શકશે કે કેમ.
“તેણે પત્ર વાંચ્યો. આ પત્ર કર્નલના દાદાજીએ રામ નરેશને લખ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે તેમને જાણીને ખુશી થઇ કે તેમના દાદાના પગલે રામનરેશનો પૌત્ર ફૌજમાં ભરતી થાય છે. મોકલનાર કર્નલના દાદા જ હતા. તેના પરનું સરનામું તેમના પૈતૃક ગામનું હતું. આ અમે પાછળથી follow up કર્યું. કડીઓ મળતી ગઇ. જો કે સૌથી મહત્વની કડી હતી DNA ટેસ્ટની. આનાથી અમારૂં કામ બધી બાજુએથી સરળ થઇ ગયું. દત્તક માટેની કાયદેસર વિધિમાં આની અમને ઘણી મદદ મળી.”
“તમે કહ્યું હતું કે રૂપવતીનો કિશોર પર અપાર સ્નેહ હતો. તેના ભાઇની ‘અમાનત’ હતી. તે કેવી રીતે તેને છોડવા તૈયાર થઇ?”
“આ વિષય એવો હતો કે તેને ઘણી સંવેદનશીલતાથી છેડવાની આવશ્યકતા હતી. તે દિવસે અમે આ બાબતમાં વાત ન કરી. બીજા દિવસે અમે તેમને અમારી હૉટેલમાં લઇ ગયા. અમે અમારા પરિવારના ફોટોગ્રાફ બતાવ્યા અને કહ્યું કે આ સહુ તેમના જ આપ્તજન હતા. આ વખતે વિનય તથા તેની પત્નિએ અમારી ઘણી મદદ કરી.
“મિસેસ ઝાએ જ્યારે તેને અમારી વિનંતિ તેની આગળ રજુ કરી, એ સાંભળતાં જ તે રડી પડી! એ તો ઠીક, તેની દિકરી સરિતા અને નીતા પણ રડવા લાગ્યા! તેમના ‘ભૈયા’ને ક્યાંય જવા નહિ દઇએ કહી આંસુ ઢાળતી રહી. વિનયે અમને ઘણી મદદ કરી. તેણે જ રૂપવતી અને રામ અભિલાષને સમજાવ્યા કે જો તેમને શૉનમાં તેના દિવંગત ભાઇના દર્શન થયા હોય તેને ભાઇ તરીકે સ્વીકારી લેવો જોઇએ અને સૌના ભલા માટે કિશોરને દત્તક આપવામાં વાંધો ન આવવો જોઇએ. અંતે તેમણે વિચાર કર્યો કે કિશોરના ભવિષ્યનો વિચાર કરતાં શૉનની વિનંતિને માન આપવું જોઇએ. તેમણે તેમની વાત કબુલી.” સુઝને કહ્યું.
“અમે કોર્ટમાં અરજી કરી ત્યારે જજ પાસે અમે કરેલી રજુઆતથી તેમને પણ ઘણું આશ્ચર્ય થયું. અમે બધા પુરાવા રજુ કર્યા અને તેમણે અમારી અરજી માન્ય કરી,” સુઝને કહ્યું.
“આ કાર્યવાહીમાં અમારો ઘણો સમય નીકળી ગયો. આખું વર્ષ દોડધામમાં વિતી ગયું. કહેવાય છે ને, કે All’s well that ends well!”
“તમે અમને જે અમૂલ્ય મદદ કરી તેનો આભાર કેવી રીતે માનવો તે સમજાતું નથી. તમે અમને રાજીવ પ્રસાદનો સંપર્ક કરાવ્યો ન હોત તો આજે અમારી સાથે અમારો પુત્ર ન હોત!”
“હું તો કેવળ નિમીત્ત માત્ર હતો. નિષ્ઠાપૂર્વક પ્રયત્ન તો તમે બન્નેએ કર્યો. તમારી ભાવના નેક હતી તેથી તમને તેમાં સફળતા મળી છે. હું તો એવું પણ માનું છું કે જગતપ્રતાપ અને શરનના દિવ્યાત્માઓનો હાથ તમારા મસ્તક પર હતો તેથી તમારા ઉદ્દૈશ્યની સફળ પૂર્તિ થઇ .
___________

વાચકોના મનમાં કદાચ પ્રશ્ન ઉભા થયા હશે: જગતપ્રતાપે જ્યોતિના વારસ માટે રાખેલી તેની માતાની સુવર્ણમુદ્રાનું શું થયું?
શૉને અમને કિશોરના જન્મદિવસ પર તેમના ઘેર કૅલીફૉર્નિયા બોલાવ્યા. અમેરીકાનો મોટો તહેવાર Thanksgiving પણ તે સમયે આવતો હતો. અમે-એટલે હું તથા મારાં પત્નિ ત્યાં ગયા હતા ત્યારે તેણે આ વાત કહી.
તેમણે તેમના વકીલ દ્વારા તપાસ કરાવી કે શાહજહાંનો સિકકો પુરાતત્વ વિશેના કાયદામાં આવે કે કેમ, અને તેવું હોય તો તેને ભારત લઇ જવા માટેની કાયદેસરની વિધિ કરવાની સૂચના આપી. વકીલે તેમના ભારતમાંના એસોસિએટ પાસે તપાસ કર્યા બાદ જણાવ્યું કે આ સિક્કો ક્રિસ્ટી અથવા સોધબી જેવી પ્રતિષ્ઠિત પેઢી પાસે તેનું મૂલ્યાંકન કરી એટલી રકમ રૂપવતિના પરિવારને મોકલવાથી તેમને ઘણી કામ આવી શકશે. ભારતમાં તેની એટલી સારી કિંમત નહિ ઉપજે. શૉને તેનો નિર્ણય રૂપવતી પર છોડવાનું નક્કી કર્યું.
રૂપવતીએ એક પણ પૈસો લેવાનો ઇન્કાર કર્યો. તેને આ સિક્કો પણ નહોતો જોઇતો. “મને મારો ભાઇ મળ્યો અને કિશોરને તેના પિતા. આથી વધુ અમને શું જોઇએ?” તેણે કહ્યું હતું.
“પછી તમે શું કર્યું?”
“અમે સોધબી પાસે તેનું વૅલ્યુએશન કરાવ્યું. તેમણે તેની કિંમત પાંચ આંકડામાં આંકી. અમે તેમાં એટલી જ રકમ ઉમેરી રૂપવતીના નામે ટ્રસ્ટ ફંડ બનાવ્યું અને તેને તેની ટ્રસ્ટી બનાવી.
“આ કામ પતી ગયા પછી જ્યારે અમે અૅડોપ્શનની છેલ્લી સુનાવણી માટે ભારત ગયા ત્યારે અમે આ ટ્રસ્ટના દસ્તાવેજ સાથે લઇ ગયા. ભારત છોડતાં પહેલાં અમે રૂપવતીને આ દસ્તાવેજ આપવાનું નક્કી કર્યું હતું. હું આ બાબતમાં રૂપવતી સાથે વાત કરૂં તે પહેલાં તેણે મને કહ્યું, ‘હું ભુલી જઉં તે પહેલાં એક જવાબદારીમાંથી મુક્ત થવા દે!’ કહી તે અંદરના ઓરડામાં ગઇ અને એક કોતરકામ કરેલો લાકડાનો ડબો લઇ આવી. તેમાંથી તેણે એક સોનાની ચેન, કાનની બૂટીઓ, નોઝ રીંગ અને ચાંદીના ઝાંઝર કાઢ્યા અને હસીને કહ્યું, ‘મારા કિશોરનાં લગ્ન થાય ત્યારે તેની વહુને આ પહેરાવજે. આ તેની માની નિશાની છે.’ આ વાત મારા હૃદયને એવી રીતે સ્પર્શી ગઇ, હું કશું બોલી ન શકી. અમે તેના માટે ટ્રસ્ટ ફંડ બનાવ્યું હતું તેના કરતાં આ વધુ મૌલ્યવાન ભેટ હતી એવું મને લાગ્યા વગર ન રહ્યું,” સુઝને કહ્યું.
*********
અમે લંડન પાછા જવા નીકળ્યા ત્યારે લગભગ આખા પ્રવાસમાં હું આ અદ્ભૂત પરિવારની બિહારમાં શરૂ થયેલી અને ત્યાં જ પૂરી થયેલી પરિક્રમાનો વિચાર કરતો રહ્યો.