એક બ્રિટીશ રીસર્ચરની નોંધપોથીમાંથી......
નવેમ્બર ૧૯૯૭ ગ્રેટર લંડનના એક બરોના સમાજ સેવા ખાતામાંથી હાલમાં જ નિવૃત્ત થયો હતો. ફાજલ ટાઇમનો સદુપયોગ કરવા એક વિષયમાં સંશોધન કરવા યુસ્ટન ખાતે આવેલી બ્રિટીશ લાયબ્રરીના ઇંડીયા અૉફિસ લાયબ્રરી વિભાગમાં લગભગ નિયમીત જતો હતો. અહીંના રેકૉર્ડઝ્ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયો હતો.
બ્રિટીશ લાયબ્રરી, યુસ્ટન:
કંપની સરકારના સમયમાં - જ્યારથી કલકત્તામાં તેમની કચેરી સ્થપાઇ, તેમણે અનેક કારકૂનોને લંડનમાં ભરતી કરીને ભારત મોકલ્યા હતા. કારકૂનોને ‘રાઇટર્સ’ની ઉપાધિ અપાઇ હતી. આપને યાદ હશે કે રૉબર્ટ ક્લાઇવ 'રાઇટર' તરીકે ભરતી થઇને ભારત આવ્યો હતો. આ કારકુનોનું કામ તેમના હોદ્દા પ્રમાણે, લખવાનું હતું. તે સમયે ભારતની સરકારના કામકાજની રાજભાષા ફારસી હતી. ભારતના દરેક દેશી રાજ્યમાં રહેતા બ્રિટીશ રેસીડેન્ટ્સ ત્યાંના દરબારમાં થતી વાતો, ત્યાંના ફારસી ભાષામાં લખાયેલા દસ્તાવેજ કલકત્તા મોકલતા. ભાષાંતરકારો તેનો અંગ્રેજી અનુવાદ કરી આ રાઇટર્સને આપતા. રાઇટર્સ તેની બે નકલ કરતા. એક કલકત્તામાં તેમની મુખ્ય કચેરીમાં રહેતી અને એક લંડન જતી. સમય જતાં કલકત્તામાં સેંકડો ‘રાઇટર્સ’ થયા અને તેમના માટે બાંધવામાં આવેલ ભવ્ય ઇમારતનું નામ પણ ‘રાઇટર્સ બિલ્ડીંગ’ પડ્યું. આજે તે પશ્ચિમ બંગાળનું સેક્રેટરીએટ છે.
હું વડોદરા રાજ્યના દફતર તપાસતો હતો. બે ફીટ ઉંચા, દોઢ ફૂટ પહોળા અને છ ઇઁચ જાડા બાઇન્ડરમાંના દસ્તાવેજમાં લખાયેલી માહિતી એટલી વિગતવાર હતી, હું નવાઇ પામી ગયો. એટલામાં મારી બાજુના ટેબલ પર એક યુગલ આવીને બેઠું. પુરૂષ ભારતીય લાગતો હતો. સ્ત્રી યુરોપીયન. અમારી નજર મળી અને પુરૂષે મારી સામે જોઇ સ્મિત કર્યું. તેને જોઇ સ્ત્રીએ પણ. બન્નેના ચહેરા પર સૌજન્ય દેખાતું હતું. બસ, સ્મિતની આપ-લે કર્યા બાદ તે તેમના અને હું મારા કામે વળગ્યા. બપોરના બારે’ક વાગ્યા હતા. ભોજનનો સમય થયો હતો તેથી મેં મારા ચોપડા સમેટવા માંડ્યા. જ્યાં સુધી અાપણા કામના રેકૉર્ડઝ કાઉન્ટર પાછા ન આપીએ, ત્યાંનો સ્ટાફ તેને લઇ ન જાય. મને ઉભો થતો જોઇ, પેલી સ્ત્રીએ મને પૂછ્યું, “ એક્સક્યુઝ મી સર, અહીં કોઇ કૅફેટેરીયા છે?” ઉચ્ચાર પરથી જાણી ગયો કે આ અમેરીકન યુગલ છે.
“હા, મૅ’મ, નીચેના માળ પર સારૂં રેસ્તૉરાંત્ છે. હું ત્યાં જ જઉં છું. આપ મારી સાથે આવી શકો છો.”
અમે સાથે નીકળ્યા. એલીવેટર પાસે તેમણે મારી સાથે હાથ મીલાવી પરિચય આપ્યો.
“હું શૉન પરસૉદ, અને આ મારાં પત્નિ સુઝન. અમે કૅલિફૉર્નિયાથી આવ્યા છીએ,” કહી તેમણે તેમનાં કાર્ડ આપ્યા. ડૉ. શૉન પરસૉદ, MD તથા ડૉ. સુઝન ગુન્નરસન-પરસૉદ, MD.
મેં મારો પરિચય આપ્યો, અને અમે ભોજનગૃહમાં ગયા. તે દિવસની ખાસ વાનગી હતી લેમન સોલ. મેં તેમને કહ્યું, “આ ખાસ પરંપરાગત બ્રિટીશ વાનગી છે.”
“માફ કરશો, હું શાકાહારી છું, જો કે શૉનને તે ભાવશે!” સુઝને સ્મિત સાથે કહ્યું, સાંભળી મને નવાઇ લાગી.
ભોજનની ટ્રે લઇ અમે એક ખૂણા પરના ટેબલ પર ગયા અને અમારા સંશોધન વિષયક વાત કરવા લાગ્યા. તેઓ શૉનના પૂર્વજોના ઇતિહાસની શોધમાં અમેરીકાથી બ્રિટન, અને અહીંથી ભારત જવાના હતા. વાત વાતમાં શૉને બાબુ કુંવરસિંહની વાત કરી. તેના પૂર્વજનો સંબંધ હુંવરસિંહ અને તેમના ભાઇ અમરસિંહ સાથે હતો સાંભળી મને સાચે જ રોમાંચ થઇ આવ્યો. એક તો હું મિલિટરી હિસ્ટરીનો અભ્યાસુ હતો. અને બાબુ કુંવરસિંહે ૧૮૫૭માં યોજેલી વ્યૂહરચના, યુરોપમાં યુદ્ધનો અનુભવ લઇ ચૂકેલા સેનાપતિઓને કારમો પરાજય આપી એવો ઇતિહાસ રચ્યો હતો, જે વાંચી હું કુંવરસિંહનો ‘ભક્ત’ હતો!
“ડૉક્ટર...”
“મને શૉન કહીને બોલાવશો તો ચાલશે.”
“મને સુઝન..”
“હા, શૉન, હું કહેવા જતો હતો કે મારી પાસે બાબુ કુંવરસિંહને લગતા બે પુસ્તકો છે. એક અંગ્રેજીમાં તેમનું જીવનચરિત્ર છે જે ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હાએ લખ્યું છે. જનરલ સિન્હા આસામ અને જમ્મુ-કાશ્મીર રાજ્યોના ગવર્નરપદે પણ રહી ચૂક્યા છે. તેમાં તમને ઘણી માહિતી મળી જશે. બીજું પુસ્તક મારી માતૃભાષા ગુજરાતીમાં છે. તેમાં કુંવરસિંહનું ખાસ જુદું પ્રકરણ છે. તમને કામ લાગે તેમ હોય તો જનરલ સિન્હાનું પુસ્તક અને ગુજરાતી પુસ્તકના પ્રકરણનું ભાષાંતર કરીને આપી શકીશ.”
“We would certainly appreciate it if you could do that for us.”
*********
તે દિવસે મોડી રાત સુધી બેસીને મેં પંડિત સુંદરલાલના ‘ભારતમાં અંગ્રેજી રાજ્ય’ના બીજા ભાગમાં અપાયેલ કુંવરસિંહના પ્રકરણનું ભાષાંતર કર્યું, અને બીજા દિવસે શૉનને આપ્યું. પહેલાં તેણે મેં આપેલ ભાષાંતરનો પ્રિન્ટઆઉટ વાંચવા લીધો.
હું મારૂં કામ કરતો હતો ત્યાં મેં અચાનક શૉનને “I can’t believe this!” કહેતાં સાંભળ્યો. મારૂં ધ્યાન તેની તરફ જતાં તેણે કાગળની ચબરખી પર લખ્યું, “માન્યામાં ન આવે તેવી વાત છે. કૅફેટરીઆમાં વાત કરીશ,” અને મને આપી. અર્ધા કલાક બાદ અમે નીચે ગયા ત્યારે તેણે કહ્યું, “નૌનદીના યુદ્ધની જે વિગતો પંડિત સુંદરલાલે લખી છે, તે અક્ષરશ: અમારી દાદી-ફોઇએ વર્ણવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે દાદી કદી વેસ્ટ ઇન્ડીઝની બહાર ગયા નથી. તેમને હિંદી વાંચતા’યે આવડતું નથી.”
શૉન શું કહેતો હતો તે મારી સમજ બહારની વાત હતી. તે ક્યા પૅરેગ્રાફની વાત કરતો હતો તે પૂછતાં તેણે મારા પ્રિન્ટઆઉટના હાંસિયામાં કરેલી નિશાની કરેલો ભાગ બતાવ્યો. તેની છેલ્લી કેટલીક પંક્તિઓ નીચે ઉદ્ધૃત કરી છે:
“નૌનદીનો સંગ્રામ
કંપનીની સેનાએ અમરસિંહનો પીછો લીધો. (૧૮૫૮ની) ૧૯મી અૉક્ટોબરે નૌનદી નામના ગામમાં આ સેનાએ અમરસિંહને ઘેરી લીધો. અમરસિંહની સાથેકેવળ ચારસો માણસો હતા. આ ચારસોમાંથી ત્રણસો નૌનદીના સંગ્રામમાં જ કપાઇ મૂઆ. બાકીના સો જણાએ એક વાર કંપનીની સેનાને પાછી હઠાવી, એટલામાં અંગ્રેજોની મદદે વધારાની નવી સેના આવી પહોંચી. અરસિંહના સો માણસોએ માથું હાથમાં લઇને યુદ્ધ કર્યું. આખરે અમરસિંહ તથા તેના બે સાથીઓ મેદાનમાંથી નાસી ગયા. બાકીના સત્તાણું જણા ત્યાં જ કપાઇ મૂઆ.....”
(“ભારતમાં અંગ્રેજી રાજ્ય” ભાગ ૨, પાનાં નં. ૧૧૦૬- પં. સુંદરલાલ)
“અમરસિંહની સાથે જે બે સ્વાર નૌનદીના યુદ્ધમાંથી બચીને નીકળ્યા, તેમાંના એક મારા પૂર્વજ હતા.”
હવે I can’t believe this કહેવાનો વારો મારો હતો.
It's going good. I am following it.
ReplyDeleteરસ પડે તેવી સુંદર રીતે ઇતિહાસ માણવાની મઝા...
ReplyDeleteરાઈટર અંગે એક જાણકારી--હિન્દી કે લેખક ઔર અંગ્રેજી કે રાઇટર શબ્દોં કે અર્થ ન સિર્ફ એક હૈં બલ્કિ દોનોં શબ્દોં કા ઉદ્ગમ ભી એક હી હૈ । લેખક શબ્દ લેખ્ સે બના હૈ વહીં રાઇટર શબ્દ રાઇટ સે બના હૈ।
પ્રજ્ઞાજુ
ભારતમાં અંગ્રેજી રાજ્ય...
ReplyDeleteકાશ મેં માત્ર પાનં ઉથલાવ્યા અને માત્ર ચિત્રો જોવા કરતાં આખું પુસ્તક વાંચ્યું હોત.
તમે આટલું બધું સંશોધન અમેરિકામાં બેઠાં બેઠાં કર્યું- તે એક અદભૂત બાબત છે.