Wednesday, March 9, 2011

પરિક્રમા: મિલન

જગતે પાછળ વળીને જોયું. પોર્ચમાં માતા પિતા ઉભા હતા. માએ પાલવના છેડાને મુખ પર દાબી રાખ્યો હતો. પિતાજી ફરી એક વાર સ્તબ્ધ હાલતમાં ઉભા હતા. એ જ જગ્યાએ, જ્યાંથી વર્ષો અગાઉ તેમણે જગતના અશ્વની પાછળ ઉડતી ધુળ જોઇ હતી. આજે જગત ધીરે ધીરે ફાટક તરફ ચાલી રહ્યો હતો.
ફાટક પાસે એક સાઇસ પરિહારકાકાના ઘોડા ‘ઇમાની’ સાથે ખડો હતો. જગતે સાઇસને કશું કહ્યું. તે દોડતો અસ્તબલમાં ગયો, અને થોડી જ મિનીટોમાં બીજા ઘોડા પર સવાર થઇને આવ્યો. જગતે આખરી વાર પોતાની પૈતૃક હવેલી પર નજર નાખી. હાથ હલાવી તેણે માતા પિતાની રજા લીધી અને ચાલી નીકળ્યો. ઠાકુર ઉદય પ્રતાપ તેને જોતા જ રહી ગયા. તેમના જમાનામાં તેઓ પણ અંગ્રેજો સાથે અનેક વાર પોલો રમ્યા હતા. અનેક ઘોડેસ્વાર જોયા હતા, પણ જગતની ઘોડેસ્વારીની તોલે કોઇ ન આવી શકે. આ વખતે તેમના મુખેથી અંગ્રેજી વાક્ય નીકળી ગયું, “Elegant as ever!” જ્યોતિદેવીથી રહેવાયું નહિ. તેઓ અંદર પોતાના કક્ષ તરફ દોડી ગયા.
જગતે નિયાઝીપુરથી પગપાળા જવાનો નિર્ણય કર્યો હતો. ઘોડા પર જનાર માણસ તરત સૌની નજરે ચઢે. તે અજ્ઞાત રહેવા માગતો હતો. ગ્રામ્યવાસીની જેમ પગપાળો જાય તો કોઇ તેને પૂછે નહિ. નિયાઝીપુરના માછીમારોનાં ઝુંપડા પાસે તે ઉતરી ગયો અને સાઇસને ‘ઇમાની’ સોંપી પાછા જવાનું કહ્યું. માછીમારને સારા એવા પૈસા આપ્યા અને તેને સામા કાંઠે રૂદ્રપુર લઇ જવાનું કહ્યું.
*********
અહીં શરન ચિંતાથી બેજાર થઇ હતી. ત્રણ મહિના થઇ ગયા પણ જગતના કોઇ સમાચાર નહોતા. દરરોજ નવી નવી અફવાઓ આવ્યા કરતી હતી. વિપ્લવ આખા દેશમાં ફેલાઇ રહ્યો હતો. એક પછી એક દેશી પલ્ટન બળવામાં જોડાતી હતી. એવું સાંભળવામાં આવી રહ્યું હતું કે સરકારી ફોજ બળવો ડામવા સખત પગલાં લઇ રહી હતી. આ સખ્તાઇ કેટલી ક્રુર હતી તેનો અંદાજ કોઇને નહોતો. જગતનો રિસાલો જ્યારથી ભાગલપુર ગયો, તેના કોઇ સમાચાર નહોતા. શરનનું પિયર ભાગલપુરમાં હતું. તેના પિતાનો પત્ર આવ્યો હતો કે જગત તેમને મળવા ગયો નહોતો.
રૂદ્રપુર ગંગા કિનારે હતું. છપરા શહેર પણ સાવ નજીક હતું તેથી ત્યાંથી અનેક અફવાઓ ગામમાં આવી રહી હતી. એક રાતે ભાગેલા સિપાઇઓનું ધાડું રુદ્રપુરમાંથી પસાર થયું. તેમાં ઘણા ઘાયલ સૈનિકો હતા. અંગ્રેજ સેના જ્યાંથી પસાર થઇ હતી, રસ્તામાં પડતા ગામો તેમણે ઉધ્વસ્ત કર્યા હતા. બળવાખોરોને મદદ કરવાના શક પર ગામ લોકોને પકડી રસ્તા પરનાં વૃક્ષો પર ફાંસીએ ચઢાવ્યા હતા. પકડાયેલા સૈનિકોને ‘સમરી ટ્રાયલ’ કરી ફાયરીંગ સ્ક્વૉડ સામે ઉભા કરી ઉડાવી દેવામાં આવ્યા હતા.
તેવામાં એક દિવસ વહેલી સવારે જગત તેની સામે ઉભો રહ્યો, તેના આશ્ચર્ય અને હર્ષનો પાર ન રહ્યો. નાની તથા બાળકો ખુશ થઇ ગયા. પાડોશી કુતૂહલથી તેને મળવા આવ્યા. તેમને એટલી ખબર હતી કે જગત કંપની સરકારનો મુલાઝીમ હતો, પણ ક્યાં અને કયા ખાતામાં હતો તેની તેમને જાણ નહોતી. સંજોગો એવા હતા કે કોઇ કોઇને આ બાબતમાં પૂછવા કે કહેવા માગતું નહોતું. કંપની સરકારનો ઘણો ધાક હતો.
રાતે વહેલી સવાર સુધી પતિ પત્ની વાત કરતા રહ્યા. તેણે શરણને જ્યોતિદેવીએ આપેલી ચીજો આપી.
શરન બહાદુર યુવતિ હતી. તેણે જે રીતે દાનાપુરનું ઘર સંકેલ્યું, સામાન રૂદ્રપુર મોકલવાની વ્યવસ્થા કરી અને રુદ્રપુરમાં જાજરમાન ગૃહિણી તરીકે શાખ જમાવી હતી તેની પૂરી વાત કરી. જગતે તેને દાનાપુર છોડ્યા બાદ જે થયું તેની વાત કહી. જ્યારે જગતે તેના માતાપિતા સાથેની મુલાકાતનું વર્ણન કર્યું, તે ચોધાર આંસુએ રડી પડી.
“આપના જીવનમાં આવીને અમે આપના પરિવારનાં સુખ શાંતિ નષ્ટ કર્યા. પ્રેમાળ માતાપિતા પાસેથી તેમનાં એકના એક પુત્રને દૂર કર્યો. પરમાત્મા અમને કદી માફ નહિ કરે.”
“શરન, જે થયું તેને પ્રારબ્ધ સમજીને સ્વીકારવું જ પડે. અવધ અને શહાબાદનું એક પણ રજવાડું અંગ્રેજોના ખોફમાંથી બચી શકવાનું નથી. બધા પર કંપની સરકારનો ડોળો છે. કોઇ ને કોઇ બહાને બધી રિયાસતો જપ્ત થવાની છે. આપણે પિતાજીની સાથે રહ્યા હોત તો શક્ય છે કે અમે કદાચ બાબુ કુંવરસિંહની સાથે રહી અંગ્રેજો સામે યુદ્ધના મેદાનમાં હોત.
“જે હોય તે, આપણું જીવન હવે અસુરક્ષીત છે. આપણી રેજીમેન્ટ તહેસ નહેસ થઇ ગઇ છે. રિસાલદારસાહેબ અને મારા નામનાં વૉરંટ નીકળી ચૂક્યા છે. આપણે વહેલી તકે અહીંથી નીકળવું પડશે.”
જગતના મનમાં જે યોજના હતી તે તેણે કહી બતાવી. “આપણે તરાઇમાં જવું પડશે. નવું નામ, નવું જીવન. આવતા અઠવાડીયે અમે જનકપુર જઇને બધી તપાસ કરી આવીશું. ત્યાં જમીન સસ્તામાં મળે છે. આપ ખેડૂતનું જીવન જીવી શકશો?”
જગતના ખભા પર મસ્તક ઢાળી તેણે કહ્યું, “આપની સાથે તો હું સાત સમુદ્ર પાર પણ જઇશ.”
બે સપ્તાહ બાદ જગત મધુબની ગયો અને ત્યાંથી જનકપુર. નેપાળની સરહદ પર ચોકી પહેરો નહોતો તે જોઇ તેને નવાઇ લાગી. લોકોએ તેને કહ્યું કે નેપાળના પ્રધાન અને સેનાપતિ જંગ બહાદુર અત્યંત લાલચુ અને ભ્રષ્ટ માણસ હતો. શરૂઆતમાં ભારતના રજવાડાઓ સાથે ભાઇબંધી કરી હતી. પોતે રાજઘરાણાનું ફરજંદ હોવાથી તેમના તરફ રિશ્તેદારી રાખી હતી, પણ તેની નજર તેમના ખજાના પર હતી. અંગ્રેજોએ તેની મદદ માગતાં તેણે તરત હા કહી અને ખુલ્લી રીતે કહ્યું કે એક વિજેતા તરીકે તેને war bootyમાં જે મળે તે રાખવાનો અધિકાર હતો. નાનાસાહેબ, અવધના નવાબ, તેમના સરદારો અને પરગણાંઓના રાજ્યપાલોના ખજાના પર તેની નજર હતી. આથી તેણે ભારત-નેપાળ સરહદ પરથી પણ સેના ઉઠાવી લીધી હતી અને ભારતમાં મોકલી હતી.
૧૮૫૭નો બળવો નિષ્ફળ જવાના મુખ્ય કારણોમાં સૌથી અગત્યનું કારણ હતું તેમની સેનામાં જોડાયેલા સિખ, ગોરખા તથા સરહદના પઠાણો. તેમની વાત ફરી કદીક.
નેપાળની તરાઇમાં વસતા મધેસીઓમાં ફરી, તપાસ કરી જગત પાછો રૂદ્રપુર આવ્યો. તેમણે જવાની તૈયારી કરી. ઘરવખરી, રાચરચીલું પાડોશીઓમાં તથા ગામના ગરીબોમાં વહેંચ્યું. ભારે હૃદયે તેમણે નાનીને તેમને ગામ બલ્લીયા મોકલી આપ્યા. ગામના મહાજન સાથે વ્યવસ્થા કરી કે તેમને દર મહિને પૈસા મળતા રહે. હવે ફક્ત વાહનની વ્યવસ્થા કરવાની બાકી હતી.
નેપાળ જવા માટે ત્રણેક દિવસ બાકી હતા. તે રાતે મોડે સુધી પતિ-પત્ની વાતો કરતાં બેઠા હતા ત્યાં તેમના ઘરની પછીતની ખડકીની સાંકળ કોઇએ ખખડાવી હોય તેવું લાગ્યું. પહેલાં તો લાગ્યું કે પવનને કારણે અવાજ થયો. પણ જ્યારે ત્રીજી વાર અવાજ થયો ત્યારે જગત તેનું ખંજર લઇ ગયો અને હળવેથી પૂછ્યું, “કઉન આઇલ બા?”
“જગત, બારણું ખોલ. હું રિસાલદાર પાંડે છું.”

4 comments:

  1. "સેનાપતિ જંગ બહાદુર અત્યંત લાલચુ અને ભ્રષ્ટ માણસ હતો."
    દિવસે દિવસે આ દુષણ તો વધૂ વકરે છે!
    હાલ યાદ
    સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરી અમરસંિહ પહેલી જ વાર એક બંગાળી ફિલ્મમાં રાજકારણીની ભૂમિકા ભજવશે. શેષ સંઘટ પશ્ચિમ બંગાળ અને ઝારખંડના સીમાવર્તી ઈલાકાની પાર્શ્વભૂમિમાં આકાર લેતી આ ફિલ્મની કહાણીમાં આકાર લેતી આ ફિલ્મની કહાણીમાં જયા એક ગરીબ પરિવારની દીકરીની બૂમિકા ભજવશે. ગામ ઉપર ધાક જમાવીને બેઠેલા જોરૂકા જમીનદાર અને તેના મળતિયાઓ ગરીબ પરિવારની આ દીકરીને માનસિક અને શારીરિક યાતના આપી તબાહ કરી નાખે છે. શોષણ અને સતામણી છૂટવા માટે અને ન્યાય મેળવવા માટે આ મહિલા અંતિમવાદીઓનો સાથ મેળવે છે.અમરસંિહ ગામના રાજકીય નેતાનો રોલ ભજવે છે.લોકો અમરસંિહને રાજકીય નેતા તરીકે ઓળખે છે, આ જ કારણસર ફિલ્મમાં પોલિટિશયનના પાત્ર માટે એકદમ બંધ બેસતા હોવાથી તેમને આ ભૂમિકા સોંપવામાં આવી છે.
    સામાન્ય રીતે ફિલ્મોમાં રાજકારણીને લાલચુ અને ભ્રષ્ટ દેખાડવામાં આવે છે. પરંતુ અમરસંિહ આ ફિલ્મમાં મુશ્કેલીમાં મુકાયેલી ગરીબ પરિવાર પુત્રીના મદદગારની ભૂમિકામાં જોવા મળશે. જેકી શ્રોફને ભાગે આઈપીએસ ઓફિસરની ભૂમિકા આવી છે જે આજે પણ સત્તા, સંપત્તિ અને ગુંડાની તાકાતના જોરે ટકાવી રાખવામાં આવેલા જમીનદારશાહીના દુષણને ડામવાની કોશિશ કરે છે
    તેજ વખતે દીલ્હિમા
    બઝમે શેહનશાહમેં અશઆર કા દફ઼તર ખુલા
    રખિયો યારબ! યે દરે ગંજીના એ જોહર ખુલા
    શબ હુઇ, અંજુમે રખશંદા કા મંઝર ખુલા
    ઇસ તકલ્લુફસે કે ગોયા બુતકદેકા દર ખુલાઆ શેર માં ગ઼ાલિબે લાલ કિલ્લા માં જે મુશાયરાની મેહફિલો બહાદુરશાહ ઝફર ની હકુમત મા સજાતી તેનો ખુબસુરત ચિતાર આપ્યો છે. ગ઼ઝલ ની શરુઆત દુઆના શબ્દો થી કરી છે કે અલલાહ શહેનશાહ ની આ મુશાયરાની મેહફિ઼લ જે કાબેલિયત ના ભંડાર સમાન છે, તેના દરવાજા હંમેશા માટે ખુલ્લા રાખજે.પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
  2. @ પ્રજ્ઞાજુ,
    "બઝમે શેહનશાહમેં અશઆર કા દફ઼તર ખુલા
    રખિયો યારબ! યે દરે ગંજીના એ જોહર ખુલા
    શબ હુઇ, અંજુમે રખશંદા કા મંઝર ખુલા
    ઇસ તકલ્લુફસે કે ગોયા બુતકદેકા દર ખુલા"

    બહુત ખુબ, વાહ, ક્યા બાત કહી! ઇર્શાદ, પ્રજ્ઞાબહેન. આપના પ્રતિભાવે "ડાયરી"માં એક એવી બારી ખોલી જેમાંથી સાહિત્ય સૃષ્ટીનાં વિવિધ દર્શન થયા. બંગાળીમાં શબ્દ છે "બોઇ". આ પુસ્તક માટે અને ફિલ્મ બન્ને માટે વપરાય છે. આપે અમરસિંહ-જયા અભિનીત 'બોઇ'ની વાત કહી એક નુતન પાસા પર પ્રકાશ પાડ્યો છે. આભાર.

    ReplyDelete
  3. નેપાળે કમ્પનીને મદદ કરી હતી; તે આજે જ જાણવા મળ્યું.

    ReplyDelete
  4. નેપાળ જવા માટે ત્રણેક દિવસ બાકી હતા. તે રાતે મોડે સુધી પતિ-પત્ની વાતો કરતાં બેઠા હતા ત્યાં તેમના ઘરની પછીતની ખડકીની સાંકળ કોઇએ ખખડાવી હોય તેવું લાગ્યું. પહેલાં તો લાગ્યું કે પવનને કારણે અવાજ થયો. પણ જ્યારે ત્રીજી વાર અવાજ થયો ત્યારે જગત તેનું ખંજર લઇ ગયો અને હળવેથી પૂછ્યું, “કઉન આઇલ બા?”
    “જગત, બારણું ખોલ. હું રિસાલદાર પાંડે છું.” ...................
    Thus ended this Post...Milan of Jagat & his beloved wife....and at the end Pande at the door..
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Interesting.....we will read the next !

    ReplyDelete