Follow by Email

Thursday, January 22, 2015

મૃદ્ગંધ...

અષાઢની પહેલી હેલી બાદ ભુમિ પરથી પમરાતી સુગંધને સંસ્કૃતમાં નામ અપાયું છે ‘મૃદ્ગંધ’. આવો જ પમરાટ આવે છે યાદોની ગલીમાંથી - જ્યારે વિસરાયેલા ગીતોની સેર તેને સ્પર્શ કરે છે. એક  યુગ પહેલાં લખનૌથી કલકત્તા ગયેલા એક યુવાન ગાયકે પહેલું ગીત ગાયું, “સબ દિન એક સમાન નહિ…” ગીત-ગઝલની દુનિયામાં એક તાજી હવા ફેલાઈ. ગાયક હતા તલત મહેમૂદ. ત્યાર પછી તેમણે એક ગઝલ ગાઈ અને ઘર ઘરમાં તેમનું નામ ગુંજતું થયું. ગઝલ હતી  “ગમ-એ-ઝિંદગીકા યા રબ, ન મિલા કોઈ કિનારા”. આજનો અંક આ ગીતોથી શરૂ કરીશું.


અને, ગમ-એ-ઝિંદગીકા યા રબ 
***
આશાજીના કૅબરે, મુજરા, પ્રેમ ગીત અને હૃદય હલાવી નાખે એવા વિવિધ genreના ગીતો સૌએ સાંભળ્યા અને માણ્યાં. અહીં રજુ કરેલું મરાઠી નાટ્ય સંગીતનું ગીત - જે “સંગીત માનાપમાન”માં ગવાયું હતું, તે આશાજીએ ગાયું. ગીતોની સૃષ્ટિમાં પ્રવેશ કર્યા પછીનાં તેમના સંઘર્ષપૂર્ણ દિવસોમાં તેમણે જે ગીતો ગાયાં, તેમાં “યુવતી મના દારૂણ રણ..” અપ્રતિમ ગણાય છે. તેમાં તેમની શાસ્ત્રીય સંગીતમાં કેળવેલી હથોટી, તાનની range અને તાલ-સૂર પરનું પ્રભુત્વ સહેજે પારખી શકાય છે.અને સુરેશ ભટે લખેલ મરાઠી ગઝલ "કેવ્હાં તરી પહાટે" - જે તેમના ભાઈ પં. હૃદયનાથ મંગેશકરે સંગીતબદ્ધ કર્યું. આ ગીત ગમે એટલી વાર સાંભળીએ, કદી કંટાળો નહિ ઉપજે! શબ્દોનું મહત્વ બરકરાર રાખવા સંગીતકારે બૅકગ્રાઉન્ડમાં તાનપુરો પણ નથી રાખ્યો! ફક્ત ‘ઈન્ટરલ્યૂડ’ - બે કડીઓની વચ્ચે સિતારના ઝણકાર સિવાય કોઈ સંગીત નથી. ગઝલના શબ્દો (જેનું ભાષાંતર નીચે આપ્યું છે) હૃદયને સ્પર્શી જાય તેવા છે:

પરોઢિયાની કેવી ક્ષણે 
રાત વહી ગઈ
ભૂલથી આંખ મિંચાઈ ગઈ
અને રાત ખોવાઈ ગઈ.

કેવી રીતે કહું, કોમળ તડકાનુું વય?
મારો શ્વાસ વિખેરી,
મને છેતરીને રાત નિસરી ગઈ.

મને સમજાયું પણ નહિ, ક્યારે
આલિંગન થોડું’ક ઢિલું પડ્યું;
અને ક્યારે રાત છટકી (ને ચાલી) ગઈ.

હૃદયમાં કશું બચ્યું હોય તો તે
કેવળ ચાંદનીનો અવાજ હતો;
(અને) આકાશમાંના તારાઓને 
સંકેલીને રાત ચાલી ગઈ..

ત્યારે તો મને મારી પોતાની ગીતપંક્તિઓ (પણ)
યાદ ન રહી..
છેલ્લે અંતિમ લિટી સૂચવીને
રાત ચાલી ગઈ..

કોણ જાણે પરોઢિયાની કેવી ક્ષણે
રાત વહી ગઈ…

***
મૃદ્ગંધનું શિર્ષક સૂચવવા માટે લતાજીના આ ગીતનો આભાર વ્યક્ત કરી રજુ કરૂં છું. 'પરખ' ફિલ્મનું આ ગીત હજી વર્ષાની પહેલી ઝડીની જેમ ચિરપ્રસન્નતા બક્ષે છે. અહીં આ ગીતનાં હિંદી તથા બંગાળી સંસ્કરણો રજુ કર્યા છે:
ભારતીય સંગીતના વિશ્વમાં ખાંસાહેબ બિસમિલ્લાખાં સાહેબ અને પં. ભીમસેન જોશીની જેમ લતાજી અને પંડિત રવિશંકર સંગીત-સપ્તર્ષિના તારક બન્યા છે. પં. રવિશંકર અને લતાજીની જોડીએ ફિલ્મમાં જે ગીતો આપ્યાં, બેમિસાલ છે. અહીં તેમનું ફિલ્મ ‘અનુરાધા’માંનું  ગીત સાંભળીએ. સપ્ત સૂરો સાથે સાતતાળી ખેલતી યુવતી લગ્ન પછી તેની સૂર-સાહેલીઓ અને તેના વિશ્વથી અળગી પડી જાય છે. ભુલાઈ ગયેલી એ ક્ષણોને યાદ કરીને તે ગાય છે "કૈસે દિન બિતે, કૈસે બિતી રતિયાં, પિયા જાને ના…"સિતારમાંથી નિકળતી મીંડની જેમ ગવાતો શબ્દ ‘રતિયાં’ મનમાં ઉતરી જાય તેવો છે!


***
અાજના અંકના અંતમાં વ્રજની ગોપીના અંતર્મનની ભાવનાઓનો અનુભવ કરાવશે એક ભક્તી ગીત. ખય્યામ સાહેબે સંગીતબદ્ધ કરેલ અને રફી સાહેબે ગાયેલું આ ભાવ ગીત.  

મોરે શ્યામ:

Monday, January 19, 2015

સમયનાં ઝુલ્ફો નીચે છુપાયેલાં કર્ણફૂલફિલ્મી કે ગેર ફિલ્મી સંગીત ક્ષેત્રમાં અનેક કર્ણ મધુર ગીતો છે. તેમાંના કેટલાયે ગીતો એવાં છે જે આપણાં હૈયે હોય છે પણ હોઠે નથી આવતાં! અને જે  હૈયાનાં પડળ નીચે સંતાયા છે, તેને કોઈ બહાર કાઢે નહિ ત્યાં સુધી તેમની યાદ પણ નહિ આવે! જુઓને, મુકેશજીના ગીતોની વાત કરીએ તો સૌ કહેશે, "વાહ! તેમનું  'દિલ જલતા હૈ તો જલને દે..' હજી પણ એવું જ લોકપ્રિય છે જેટલું તે બહાર આવ્યું તે વખતે હતું. અમે હજી ગાઈએ છીએ!" પહેલાં રેડિયો અને હવે વિડિયો પર. મુકેશજીના મશહૂર થયેલા આ ગીતો લોકો સાંભળે છે અને સાંભળતા રહે છે. કોઈ રસિક શ્રોતા કહે, 'તેમનાં ઓછા જાણીતા, પણ પરોઢિયાની તાજી હવાની લહેર જેવા આ ગીતો યાદ છે?'  ત્યારે આપણે સહેજે વિચારમાં પડી જઈએ. એવા ક્યા ગીતો છે જે અમને યાદ નથી?

જે ગીતોની અમે વાત કરીએ છીએ તેમાં નથી ચાલીસ-પચાસ વાયોલિનોનો ઓર્કેસ્ટ્રા કે સૅક્સોફોન કે ગિટાર. તેમાં આપણે કેવળ મુકેશજીના અવાજની તાજગી અનુભવીએ છીએ!

તેરે લબોં કે મુકાબિલ, ગુલાબ ક્યા હોગા!


કૈસે મનાઊં પિયવા, ગુન મેરે એક હૂં નાહી 


પં. રવીશંકરે સંગીતબદ્ધ કરેલ ‘હિયા જરત રહત દિન રૈન
***
આડમ્બર રહિત, મધુર અવાજે ગવાતા ગીતોમાં રફી સાહેબનું સ્થાન અનન્ય છે. તેમણે હજારો ગીત ગાયા ; અનેક ગીતો હિરાના હાર જેમ ચમકતા રહ્યા છે. તેમાંથી બે-ત્રણ ગીતો ચૂંટવા જેવું કઠણ કામ બીજું કોઈ ન હોય! આજે તો તેમના બે સદાબહાર ગીતો યાદ આવે છે

પુકારતા, ચલા હું મૈં.. 


તુમને મુઝે દેખા


તલત મહેમૂદનું એક ભુલાયેલું ગીત - સલીલદા’ના સંગીતમાં: 

રાતને ક્યા ક્યા ખ્વાબ દિખાયે


ભુલાયેલા સંગીતકાર એન.દત્તાએ સંગીતબદ્ધ કરેલ ગીત: 

અશ્કોને જો પાયા હૈ


આશાજીને તેમણે ગાયેલા સૌથી જુદી ભાતનાં યાદગાર ગીતો વિશે પૂછ્યું, તો આ ગીત તેમના પ્રિય ગીતોમાંનું એક હતું.  તેમણે જે છટાથી આ ગીત ગાયું,  એવી જ છટા અને લોક કલાની શૈલીમાં તેને અભિનયમાં ઉતાર્યું હતું વહિદા રહેમાને. શાસ્ત્રીય નૃત્યની કેળવણી મેળવેલ વહિદાજીએ આ ગીતનું અસ્સલ બિહારી નૌટંકીની કલાકારની જેમ સીધા સાદા ઠુમકાં, નખરાં અને ગામ્રજનોના મનોરંજન માટે કરાતો ‘નાચ’ રજુ કર્યો છે. નાનકડા સ્ટેજ પર ફેર ફૂદરડી મારી, રજુ કરેલાં લટકાં ને મટકાં તેમણે એવી કૂશળતાથી રજુ કર્યા છે, આ નૃત્ય અને ગીત 'તિસરી કસમ'નું સિમાચિહ્ન બની ગયું. આ જ ફિલ્મમાં મુકેશજીના પણ ગીતો એવા જ અદ્ભૂત છે - જેની વાત ફરી કદી…
પાન ખાયે સૈંયા હમારો અંતમાં યાદ કરીશું ફિલ્મ બાદબાન - અશોક કુમાર/દેવ આનંદ/મીના કુમારી/ઉષા કિરણદ્વારા અભિનીત. ફ્રેન્ચ લેખિકા ફ્રાન્સ્વા સાગાઁની  નવલકથા 'બૉં જૂઁ ત્રિસ્તેસ' જેવી કથા પર બનાવવામાં આવેલ ફિલ્મનું ગીત ગીતા રૉય તથાા હેમંત કુમારે સોલો તરીકે ગાયું. બન્નેએ પોતપોતાની છટાથી તેમાં પ્રાણ રેડ્યા ! ગીત છે:

‘કૈસે કોઈ જીયે 

આજે બસ આટલું જ! ફરી મળીશું ત્યારે આપના માટે આવા જ અપ્રતિમ ગીતોનો પુષ્પગુચ્છ લઈ આવીશ!
Tuesday, January 13, 2015

સુરૈયા - પહેલી મલિકા-એ-તરન્નૂમ

ઉનાળાના બળબળતા તડકામાં કોયલનો ટહૂકો સંભળાય તો મનમાં શિતળતા જરૂર ઊપજે. આવી પ્રખર ગરમીમાં અનપેક્ષિત વર્ષાનું ઝાપટું આવે અને તન-મનને આહ્‍લાદનું સચૈલ સ્નાન કરાવે તેવો અનુભવ કોઈના ગીતમાં અનુભવ્યો છે ? જરા ભૂતકાળમાં ડોકિયું કરીએ તો યાદ આવશે એક ગીત. આનંદની છોળ ઉડાવતું શ્રાવણની વરસતી હેલી સમું આ ગીત લીલીછમ ધરા પર અને શ્રોતાઓના તન મનમાં છવાઈ જતું આ ગીત ગાયું છે ભારતની ભુલાયેલી સૂરસામ્રાજ્ઞી સુરૈયાએ :
આ ગીત વાંસળીથી શરૂ થાય છે, અને પરિવર્તીત થાય છે એવા જ મીઠા સ્વરમાં! વચ્ચે જ તેમાં બંસરી ક્યાં પૂરી થાય છે, તેનું શબ્દોમાં રૂપાંતર ક્યારે થાય છે, સોનામાં સુગંધ ભળે તેમ વેણુનાદ અને સ્વર-શબ્દ એક ઢાળમાં ક્યારે ઢળાય છે તે શ્રોતા ઓળખી શકતો નથી ! આ ચમત્કાર નહિ તો બીજું શું !! આ ગીતમાં સાધન અને શબ્દનો આવો અદ્‍ભૂત મેળ બીજા કોઈ ગાયક કે ગાયિકાના ગીતોમાં સંભળવામાં આવ્યો નથી. (હોય તો મને જરૂર જણાવશો ! આપના શ્રવણ આનંદમાં હું ભાગીદાર થઈશ !)
સુરૈયાએ ગાયેલાં ગીતોમાંનું આ એક માત્ર ગીત નહોતું જેણે સંગીતના રસિકોનાં હૃદયોમાં અવિરત આનંદ પેદા કર્યો હોય. તેમણે ગાયેલાં ગીતો સાંભળીએ તો બસ સાંભળતાં જ રહીએ એવું લાગ્યા વગર ન રહે.
મૈં દિલમેં દર્દ બસા લાયી..
યહ મૌસમ યહ તન્હાઈ…
તડપ અય દિલ….

હવે એક ગીત સાંભળીશું - જે સુરૈયાના હૃદયનો આનંદ વ્યક્ત થતો હોય તેવું લાગશે! હા, તે સમયે તેમને દેવ આનંદ સાથે પ્રણય થયો હતો અને 'વિદ્યા' ફિલ્મમાં તેમણે ગાયેલા ગીતમાં અને અભિનયમાં તેનો રંગ જોઈ શકાય છે! કમ નસીબે તેમના પ્રણયની પરિણતી સફળતામાં ન થઈ. દોષ તેમનો કે દેવ આનંદનો નહોતો. બસ--- સંજોગોનો સામનો કોઈ ન કરી શક્યું. પ્રેમભગ્ન સુરૈયાએ કદી લગ્ન ન કર્યા.
લાયી ખુશીકી દુનિયા…

અને દુ:ખીત મનનું ગીત

ચાર દિનકી ચાંદની

સુરૈયા એ એવું સુંદર ગીત ગાયું કે નિર્માતા - દિગ્દર્શકે તેને ત્રણ અભિનેત્રીઓ - શ્યામા, નિમ્મી અને ખુદ સુરૈયાના અભિનયમાં ઢાળ્યું! !
સુરૈયાનાં ગીતોની  range – કેટલી વિશાળ હતી ! સાદાં પંજાબી લોકગીતોની ઢબથી માંડી મહાન શાયરોની કૃતિઓને સંવેદનાપૂર્વક ગાવાનું મુશ્કેલ કામ તેમણે સહજતાથી સિદ્ધ કરી બતાવ્યું. ઉર્દૂ કવિઓની કૃતિઓનું વૈશિષ્ઠ્ય હતું તલફ્ફૂઝ – ઉર્દૂ શબ્દોના ઉચ્ચારોની પવિત્રતામાં. સુરૈયાએ તેમના શબ્દોને કેવળ અવાજ ન આપતાં તેમની વિશિષ્ટતા જાળવી રાખી હતી :

અને ફિલ્મ 'મિર્ઝા ગાલિબ'નાં ગીતો, જેમાંનું એક તલત મહેમૂદ સાથે ગાયું:
આ જાણે ઓછું હોય તેમ તેમની કલાને સ્વ. અનિલ બિશ્વાસે રવીંદ્ર સંગીતનો ઓપ ચડાવ્યો હતો – તે પણ ફક્ત ત્રણ-ચાર પંક્તિઓ ગવડાવીને. જે ગીતનું અનિલદાએ રૂપાંતર કર્યું તે હતું ওরে গৃহবাসী খোল্, দ্বার খোল্,  লাগল যে দোল। স্থলে জলে বনতলে লাগল যে দোল। (ઓ રે ગૃહવાસી, ખોલ દ્વાર ખોલ,લાગલો જે દોલ/ સ્થલે જલે વનતલે લાગલો જે દોલ..ખોલ દ્વાર ખોલ)અહીં રજૂ કરેલ મૂળ ગીત શ્રાવણી સેને ગાયું છે.)
આ ગીત તલત મહેમૂદે ગાયું અને તેની છેલ્લી કડી સુરૈયાએ ગાઈ:
રાહી મતવાલે…

અહીં એક નવાઈની વાત કહીશું>
સુરૈયાએ કદી પણ સંગીતની તાલીમ નહોતી લીધી ! પ્રભાતના ઝાકળબિંદુ જેવો તેમનો તાજગીભર્યો અવાજ તેમને મળેલી પરમાત્માની પ્રસાદી હતી. વિકિપીડિયાના એક લેખ મુજબ સુરૈયા હિંદી / ઉર્દૂ ફિલ્મ જગતનાં પહેલાં મલિકા-એ-તરન્નૂમ હતાં. ત્યાર પછી વર્ષો બાદ આ ખિતાબ મૅડમ નૂરજહાઁને અપાયો.
આજે તેમની યાદમાં બેસીએ તો કયા કયા ગીત યાદ રાખીએ ? મારી વાત કહું તો એક ગીત હંમેશાં આનંદની છોળ ઉડાવતું રહેશે. હા, અફસર ફિલ્મનું અહીં પ્રસ્તુત કરેલું પહેલું ગીત – મન મોર હુવા મતવાલા !
આજનો લેખ તેમને આદરપૂર્ણ ભાવાંજલિ છે – તેમના જીવનચરિત્રની ઝાંખી નથી. કદાચ ભવિષ્યમાં તેમની વાત કરીશું…

Monday, December 29, 2014

રવીંદ્રસંગીત : સે દિન દુજને...

એકાંતની ઘડીમાં અંતરની ગુફામાંથી નીકળતા સૂરોનાં વલય આવીને હૃદયવીણાને સ્પર્શ કરી જાય અને તે નો ઝણકાર આખો દિવસ સંભળાતો રહે. એવું સૌના જીવનમાં બનતું હોય છે. આવા પ્રસંગની અનુભુતિ આપણે કદી ભુલી શક્યા છીએ? 
આ કેવી અનુભૂતિને શું કહેવું? 
તેને શું નામ આપવું? 

આવાં પ્રશ્નો મનમંા ઊઠે તે પહેલાં પેલો પ્રસંગ યાદ આવે છે…આપણે તેમને કદી’ક મળ્યા હતા. અરસ પરસ નજરો મળી હતી અને તેમની આંખોમાં સ્મિત જોયું હતું! ભ્રમ તો નથી ને થયો તે જોવા માટે ફરી એક વાર શરમાળ નજરે તેમની તરફ જોયું . આ વખતે આ અવર્ણનીય હાસ્યની છટા કેવળ તેમની આંખોમાં જ નહિ, તેમના ઓષ્ઠદ્વય પરથી સરકી જતી જોવા મળી હતી! હૃદયો મળ્યાં અને ઘડી બે ઘડી મિલાપ થયો ત્યાં તો વિદાયનો સમય આવી ગયો. જતાં જતાં તેમણે આપણી સામે જોયું. તેમની આંખોમાંથી એક કાવ્ય નિતરતું હતું. આપણી પાસે પણ આપણા હૃદયની ભાવના કહેવાનો સમય નથી રહ્યો, પણ તેમનાં નેત્રોમાંથી નીકળતી કવિતા ઊડીને આપણા હૃદયમાં જડાઈ ગઈ, અને તેમાંથી નીકળતા શબ્દ વારે વારે કહેતા હતા, ‘આપણાં હૃદયોને સ્નેહની જે દોરીએ બાંધ્યાં તે દિવસને ભુલશો ના! ના ભુલશો!

કવીવર રવીંદ્રનાથે તેમને થયેલી આ દિવ્ય અનુભુતિને ગીતમાં આલેખી અને તેને જે સૂર આપ્યા. અનેક દશક વિતી ગયા પણ ગીત રાત દિવસ લોકોનાં મનમાં હજી ઘૂમ્યા જ કરે છે! બંગાળ - અને ભારતના અન્ય પ્રદેશોમાંના  ગાયક-ગાયિકાઓએ આ ગીત ગાયું, પુરુષના સ્વરમાં, સ્ત્રીના સૂરમાં, દ્વંદ્વગીત તરીકે. ન તો ગાયકો કદી આ ગીત ગાતાં થાક્યાં, ન સાંભળનારા! આજે આપણે બે ગાયકોના સ્વરમાં આ ગીત સાંભળીશું. પહેલાં શ્રી. દેવવ્રત વિશ્વાસના સ્વરમાં. બન્ને ગાયકોએ દરેક કડીના અંતમાં આવતા શબ્દ ‘ભુલો ના…” એવી આર્જવતાપૂર્વક ગાયા છે, શ્રોતા તેમાં વહી જાય! ગીત છે :

સે દિન દુજોને અને ગાયક છે દેવવ્રત વિશ્વાસ

હવે સાંભળીશું શ્રીમતી જયતિ ચક્રવર્તીના અવાજમાં. બેઉ ગાયકોની ગીતના ભાવોની પ્રસ્તુતી (expression) સાંભળીને વિચાર થાય, શું પુરષ અને સ્ત્રીની સંવેદનામાં કોઈ ફેર હય છે? તેમની એકબીજા પ્રત્યેની લાગણીઓની ઉત્કટતામાં કશું અંતર હોય છે?

ખરી વાત તો એ છે કે ભાવનાઓ સૌના હૃદયમાં એક સરખી હોય છે. સ્ત્્રીઓ આ યાદોને તેમના હૃદયની વિશાળ તિજોરીમાં મહામૂલા આભુષણની જેમ સાચવી રાખે છે. કોઈ એકાંતની ક્ષણમાં આ સંદૂક ખોલી, તેમાંથી યાદોનું આભુષણ કાઢી હૃદય પર રાખી 'એ' પળો યાદ કરે છે. શંખમાંથી નીકળતા મહાસાગરના ઘૂઘવાટની જેમ આવું ગીત કદાચ તેમના કાનમાં ગૂંજે તે સાંભળી તેને પાછું પેલા છૂપા ખજાનામાં મૂકી દે છે.

અને પુરૂષ? એની ઢબ કદાચ જુદી હોઈ શકે છે. કોઈ તેની વાંસળીના સૂરમાં યાદોનું ગીત વહાવીને, કે અાવું કોઈ ગીત સાંભળીને તે યાદોને ફરી એકાદ બે ક્ષણ જીવી લે છે...


આ ગીતનો આનંદ લેવા માટે ગીતની સાથે તેના મૂળ બંગાળી શબ્દો જોઈશું - અને તેની સાથે એક અણઘડ વ્યક્તિ દ્વારા થયેલ તેનો ગુજરાતી ભાવાનુવાદ મૂક્યો છે. 

સે દિન દૂજોને દૂલેછિનૂ વને, ફૂલડોરે બાંધા ઝૂલના
સેઈ સ્મૃતિટૂકૂ કભૂ ખને ખને જેનો જાગે મને ભૂલોના, ભૂલો ના, ભૂલો ના, ભૂલોના…
સેદિન બાતાસે છિલ તુમિ જાન - આમારિ મનેર પ્રલાપ જડાનો,
આકાશે આકાશે આછિલ છડાનો તોમાર હાસિર તૂલના ।। ભુલો ના

જેતે જેતે પથે પૂર્ણિમારાતે ચાંદ ઊઠે છિલ ગગને
દેખા હયે છિલ, તોમાતે-આમાતે કિ જાનિ કિ મહાલગને - ચાંદ ઊઠે છિલ ગગને… 
એખન આમાર, બેલા નાહિ આર, બહિબ એકાકી બિરહેર ભાર-
બાંધિનૂ જે રાખી પરાને તોમાર સે રાખી ખૂલો ના, ખૂલો ના ।। ભૂલોના 

તે દિન આ બે જણાં, વનમાં શું ઝૂલ્યાં, ફૂલ-દોર બાંધેલા ઝૂલે
સ્મૃતિ તેની બેઊ મને ક્ષણે ક્ષણે જાગે, કદી ભૂલો ના!
તે દિન હવામાં હતો, તમે જાણો, અમારા મનનો પ્રલાપ એવો તે જડાયો,
આકાશે ફેલાયું, તમારૂં એ હાસ્ય, કેવું તે રેલાયું, તે તમે ભૂલો ના!

જતાં જતાં પથ પર, પૂનમની રાતે, ચાંદ ખિલ્યો કેવો ગગને! 
આપણાં મહા મિલનની ઘડી કેવી, કેવી રે મહિમ…ચાંદ કેવો ખિલ્યો ગગને!
હવે તો સમય રહ્યો ના બાકી, એકાકી વિરહનો ભાર
પ્રેમનાં બંધન, બાંધ્મા તમ સંગ, કદી ખોલો ના, ભુલો ના,
Wednesday, December 24, 2014

યાદોની પગદંડીની આસપાસ વિખરાયેલાં પુષ્પ…પહાડોમાં ટ્રેકીંગ કરવા જઈએ ત્યારે લીલાંછમ આસમંતમાં ઉગી નીકળેલાં રંગબેરંગી ફૂલ જોઈ મન કેટલું પ્રસન્ન થતું હોય છે એ આપે અનુભવ્યું છે. જીવનના ચઢાણ પણ કંઈક એવા જ હોય છે. ચાલતાં ચાલતાં  તન કે મન થાકી જાય, ત્યારે આ પગદંડીની આસપાસ પડેલાં ગીતોનાં ફૂલ નિરખીયે ત્યારે  કાનમાં તેમનો સુમધુર ઝંકાર સંભળાય.  તેમાં એક એવો પમરાટ હોય છે, જેની સરખામણી આપણી ડાયરીમાં રાખેલાં પુષ્પોની પાંખડીઓ સાથે કરી શકાય.  પાનું ખોલતાં તેમાંથી સૌરભ નીકળે એવાં ગીતો જે આધુનિક જગતની ગતિમાં ખોવાઈ ગયા છે. પણ તેનું માધુર્ય એવું જ તાજું રહ્યું છે! આજે  સૌથી પહેલાં યાદ આવી સ્વ.ગીતા રૉયની. તેમનાં ઓછાં જાણીતા પણ અત્યંત મધુર ગીતોની વાત કરીએ તો યાદ આવે છે,ફિલ્મ ‘અનુભવ’નું આ ગીત ગીતા રૉયે ગાયું અને અભિનય છે તનુજાનો.  આ ફિલ્મમાં તનુજાનો અભિનય એટલો તો સુંદર હતો, તે સમયના વિવેચકોએ આ ફિલ્મને ‘તનુભવ’ કહીને બીરદાવી હતી. આ જ ફિલ્મનું બીજું ગીત…


અને તેમના જીવનનાં છેલ્લાં ચઢાણમાં તેમણે આ ગીત ગાઈને તેમના હૃદયને અને તેમના ચાહકોનાં હૃદયોને વલોવી નાખ્યાં: 


***
મુકેશજીએ પહેલું ગીત ગાઈને સૌનું ધ્યાન ખેંચી લીધું. તે વખતે તેમણે સીધી સાયગલ સાહેબની ઢબથી ગાવાનો પ્રયત્ન કર્યો. કોણ જાણે કોણે તેમને કહ્યું કે ચિત્ર, કથા કે કલામાં નકલ કરતાં મૌલિકતાનું મૂલ્ય અનેકગણું હોય છે. તમે તમારા આનંદ માટે તમારા સ્વત્વને બહાર લાવે તેવું ગાશો તો બીજા કોઈને તે ગમશે કે નહિ, પણ તમે તેનો આનંદ જીવનભર લઈ શકશો! મારી અનભિજ્ઞ દૃષ્ટીમાં તેમણે ગાયેલાં બિન-ફિલ્મી કે ફિલ્મી ગીતોમાં જુદી ભાત પાડી ગયા તે ગીતો છે :

જીયેંગે મગર મુસ્કુરા ન સકેંગે/ કિ અબ ઝીંદગીમેં મુહબ્બત નહિ હૈ…’  અને

‘કિસે યાદ રખ્ખું, કિસે ભુલ જાઉં..’ જાણે આપણા ઘરમાં જામેલી મહેફીલમાં મુકેશજી આવીને ગાઈ રહ્યા છે!

***

ઓ.પી. નૈયર માટે કહેવાય છે કે તેમણે સંગીતબદ્ધ કરેલા પહેલા ગીત બાદ સંગીતના ક્ષેત્રમાંથી વિદાય લીધી હોત તો પણ તેઓ ચિરસ્મરણીય થયા હોત! આ ગીત રચવા માટે HMV કંપનીએ તેમને અૉફર આપી : રોકડા વીસ રુપિયા અથવા ‘વેચાય તો રૉયલ્ટી’. પહેલા ગીત માટે તેમણે ‘રોકડી’ કરી લીધી. ગાયકે રૉયલ્ટી પસંદ કરી અને તે જમાનામાં દોઢ લાખ  કમાયા. તે જમાનામાં સરકારી ક્લાર્કનો પગાર ૭૫ રૂપિયા હતો! ગીત હતું ‘પ્રિતમ આ ન મિલો/દુખિયા જીયા બુલાયે…’ અને ગાયક ચંદ્રુ આત્મા - જેમનું સૂરજ્ઞાન શૂન્યવત્ હતું પણ આત્માની જેમ અમર થઈ ગયા! શ્રેય તો અલબત્ નૈયર સાહેબને!

સદ્ભાગ્યે નૈયર સાહેબે ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને અનેક અણમોલ ગીતોનો વારસો છોડી ગયા.

આ ગીત યાદ છે? ‘ચૈનસે હમ કો કભી…’

આશાજીએ આ ગીત ગાઈને તો કમાલ કરી! ભારતીય સિને સંગીતનો Hall of Fame કદી બનાવવામાં આવે, તેમાં આ ગીત અચૂક આવે!

અાશાજીએ ગાયેલાં અદ્વિતિય ગીતોમાં યાદ આવે છે. એક વસમી વિદાયની યાદ આપતું બીજું ગીત:  જીવનની બંદીશાળામાં પૂરાયેલી બહેન શ્રાવણની અમિધારા જોઈને ગાય છે- પિતાજી, સાવન આવ્યો છે. આ વરસે તો ભાઈને મોકલી મને પિયર બોલાવો…'અબ કે બરસ ભીજ ભૈયા કો, બાબુલ" 

***

સ્મૃતિવનની વાત કરીએ તો પંકજદા’ની યાદ આવ્યા વગર ન રહે! યાદ છે આ ગીત?

આજનો અંક નાતાલના શુભ દિન માટે ખાસ છે. ક્રિસમસ કૅરલ હંમેશા ગવાય છે પણ તે પાશ્ચાત્ય સંગીતના ઢાળમાં. પરંપરાગત ભારતીય સંગીત, તે પણ કર્ણાટક પદ્ધતિમાં ગવાયેલું આ કૅરલ યાદ છે આપને? એ. આર. રહેમાન જેવા પ્રતિભાશાળી સંગીતકાર જ આવી અપ્રતિમ કૃતિ આપી શકે:


આજના અંકની આખરમાં એક મહાન ગાયકના કંઠે ગવાયેલ અદ્ભૂત ગીત રજુ કરીશ. આ ગીત પણ લગભગ ભુલાઈ ગયું છે. જો કે તેની તાજગી હજી પણ એવીને એવી જ રહી છે. સ્વ. સાયગલ સાહેબે ગાયેલું ચંડીદાસનું કિર્તન …


Tuesday, December 9, 2014

સંગીતની કેડીએ..


સમયના પેટાળનમાંથી એક ખજાનાનું ઢાંકણું નજરે પડે, અને તે ખોલતાં તેમાં સંતાઈ રહેલાં રત્નો નજર આવે તેમ કેટલાક ગીતો ઝળહળ્યા. કેટલાક અજાણ્યા અને કેટલાક જાણીતા કલાકારોનએ ઘડેલા આ ઘરેણાં આજે રજુ કરૂં છું.

પ્રથમ ગીત છે ભુલાઈ ગયેલા સંગીતકાર જમાલ સેનના સંગીતમાં લતાજીએ તેમની કારકિર્દીની શરૂઆતમાં ગાયેલું ગીત. સુંદર કાવ્યના લાલિત્ય પર સંગીતકારે ચઢાવેલ સૂરોનો ઓપ અને તેને સ્વરસુંદરીએ આપેલું મૂર્તસ્વરૂપ antique jewellery જેવું લાગશે:


આજે સ્વ. સી. રામચંદ્ર તો ભુલાઈ ગયા, પણ તેમની કલાના ચાહકો જાણે છે કે તેમણે સંગીતબદ્ધ કરેલ ગીતોએ લતાજીને પ્રસિદ્ધીના શિખર પર પહોંચાડ્યા હતા. જેમની પાલખીમાં તેઓ બેઠાં હતા તે ઉંચકનાર ભુલાઈ ગયા! વાચકોને યાદ હશે કે અનારકલી, પરછાઈયાઁ, જેવી ફિલ્મોનાં ગીતોએ ધૂમ મચાવી હતી. તેમણે સંગીતબદ્ધ કરેલ “અય મેરે વતન કે લોગો” સાંભળીને આજે આખો દેશ ભારતના સૈનિકોની સાથે ખડો થઈ જાય છે, પણ તેના રચયિતાન વિશે કોઈ જાણતું નથી. અહીં જે ગીત રજુ થયું છે તેની તો વાત જ નિરાળી છે. ફિેલમનું નામ પણ કોઈને યાદ નથી, પણ યાદ છે લતાજીના હૃદયમાંથી નીકળેલા સૂરોની ગૂંજ, શબ્દ અને સી. રામચંદ્રના હૈયાનો ધબકાર: 'તુમ ક્યા જાનો, તુમ્હારી યાદમેં...'

હવે જે ગીત રજુ થાય છે તે દેવોને દુર્લભ છે! આપણે સૌએ મદન મોહનજીએ સંગીતબદ્ધ કરેલા ગીતો માણ્યાં છે, પણ તેમણે પોતે ગાયેલું ગીત ભાગ્યે જ સાંભળ્યું હશે! અહીં રજુ થયેલ ગીત તેમના પોતાના જ સ્વરમાં છે - અને તેનું અનુસરણ લતાજીએ કર્યું છે. 'દસ્તક' ફિલ્મમાં પિતા તેની દીકરીને ગીત શીખવે છે, અને તે ગાય છે - જે સાચા જીવનમાં સ્વ. મદન મોહન અને લતાજીની બાબતમાં થયું હોય તેવું લાગે. આવો અનન્ય યોગ અનુભવીએ ત્યારે બસ એક શબ્દ નીકળે : વાહ!


“અય દીલે નાદાઁ” શબ્દોથી નવાજાયેલાં અનેક ગીતો છે, પણ ફિલ્મ ‘રઝિયા સુલ્તાન’નું ગીત લતાજીને કંઠે સાંભળીએ તો તેનું હાર્દ સમજાય!  સંગીત છે ખય્યામ સાહેબનું.


સ્વ. અનિલ બિશ્વાસને આજે ચાહકો હિંદી ફિલ્મોના ભિષ્મ પિતામહ ગણે છે. તેમણે રચેલા ગીતોમાં રસિકોને પાટણના પટોળા જેવું ગીત લાગ્યું હોય તો તે છે “તુમ્હારે બુલાને કો…” એનાં શબ્દો લતાજીએ એવા ઉલ્લાસથી રજુ કર્યા છે, બસ સાંભળતા જ રહીએ!


“ઉનકો યહ શિકાયત હૈ..” આ ગીતનો રસાસ્વાદ એક સંગીતકાર મિત્રે કરાવેલ.  દરેક કડીના અંતમાં લતાજી પાસે મદન મોહનજીએ “કુછ નહિ કહેતે..” જુદી જુદી ભાતમાં ગવડાવ્યું, અને દરેક પંક્તિ હૃદયમાં સોંસરવી ઉતરી જાય છે. એક વૃદ્ધાના અભિનયમાં મૅડમ નરગીસે આ ગીત જે રજુ કર્યું છે તે જોઈ મારા સમવયસ્ક શ્રોતાઓએ આંખના અશ્રુથી દાદ આપી હતી!


હવે પ્રસ્તુત થાય છે તે ગીત એટલા માટે વિશિષ્ઠ છે, તે ગાયું છે લતા દીદીએ, અને અભિનય છે નુતનજીનો. શાત્રીય સંગીતમાં ગવાયેલ ગીત માટે જેટલાં લતા દીદી વખણાયા, એટલા જ નુતન, કારણકે ગીતમાંની તાનનાં આવર્તનો નુતનજીએ એવી સૂક્ષ્મતાથી સમજીને રજુ કર્યા છે, આ ગીત શંકર જયકિશનનાાં ભાથાંમાંના અનેક દિવ્યાત્ર્ોમાંનાં એકહવે  જેવું અનન્ય લાગે! ફિલ્મ હતી ‘સીમા.


આ ગીત અમારા ખાસં વાચક માટે રજુ કરીશું. કોઈ ફિલ્મનું આ ગીત નથી! ગાયિકા છે શ્રીમતી જ્યુથિકા રૉય અને સંગીતકાર કમલ દાસગુપ્તા. એક વિરહીણીનું ગીત છે - મેરી વીણા રો રહી હૈ!


હવે ‘જિપ્સીનું એક પ્રિય ગીત રજુ કરવાની રજા લઈશ. વાંસળીના સૂરોનું અચાનક શબ્દોમાં પરિવર્તન થાય ત્યારે એક ચમત્કાર થયા જેવું લાગે. કોયલના લાંબા ટહૂકાર જેવા ગીતમાં મોરનો સ્વર જોડાય તેમ તેમાં વાંસળી ફરીથી જોડાય છે ત્યારે ગંગામાં યમુના ભળી હોય તેવા આ સંગમમાં શ્રોતા ડૂબકી લે અને બહાર નીકળે ત્યાં ગીત પૂરૂં થાય! આ અદ્ભૂત ગીત ગાયું છે ભારતીય ફિલ્મ જગતનાં પ્રથમ મલિકા-એ-તરન્નૂમ સુરૈયાએ. ફિ્લમ છે અફસર: 

અંતમાં રજુ કરીશું સિને સંગીતના સર્વ શ્રેષ્ઠ ગાયક - જેમની કોઈ મિસાલ નથી, અનેક ગાયકોએ તેમના અવાજની નકલ કરી ફિલ્મ સંગીતનું શિખર આંબ્યું!  જી હા, અહીં વાત છે સ્વ. કુંદન લાલ સાયગલની. તેમનું બિન-ફિલ્મી ગીત “કૌન બુઝાયે…” પ્રસ્તુત છે. આગળ જતાં સાયગલ સાહેબની biopic બની તેમાં આ ગીત બે ભાગમાં રજુ થયું. પહેલું ગાયું છે પદ્માદેવીએ અને ત્યાર બાદ સાયગલ સાહેબના youthful અવાજમાં:

આશા છે અાજનો અંક આપને ગમશે!

Friday, November 28, 2014

સંબંધોનો સેતુ - ઉપસંહારમાં એક નવું પરિમાણ

સંબંધોના સેતુ વિશેના બ્લૉગમાં આપે લખેલ એક વ્યક્તિના અન્ય વ્યક્તિ સાથેના પારસ્પરિક સંબંધોની શ્રુંખલા ખુબજ ઉત્તમ રહી.તેના વાચન દરમ્યાન મારા મનમાં અનેક વિચારો આવ્યા. હું એક એન્જીનીયર હોવાના નાતે ગણિત ના આધારને એક નક્કર પાસા તરીકે 
લખવા પ્રેરિત થયો. આપે આપેલ દિશામાં સરળતા એ આવી કે મને આપના દ્વારા તૈયાર કરેલ આકૃતિઓ પરથી એક ગણિતિક માળખું (મેથેમેટીકલ મોડેલ) તૈયાર મળી ગયું. 
 
મારો એક નમ્ર પ્રયાસ કરીને મેં ફક્ત તેમાં પારસ્પરિક સંબંધોને અંકોને આધાર આપીને એક વધુ પરિમાણ ઉમેર્યું.  મોડેલનો 
વિવેચનાત્મક (critically)ભ્યાસ કરીને તે ઉપર આપના સૂચનો, ટીકા ટીપ્પણી કરીને જરૂરથી જણાવશો.  આ મોડેલ માં 
પરિણામાત્મક આંક નો કોઠો કેવળ મારા સીમિત અનુભવના આધારે બનાવેલ છે તો તેમાં આપના દ્વારા જરૂરથી સૂચનો કરવા વિનંતી છે
 
 ઉત્તમ આદર સહ,
આપનો 
નિરંજન કોરડે

આમ ઉપરના કોઠાના નંબર ૪ માં વર્ણવેલ ચરણ આવા એક થી અનેક દાખલા ગણી શકાય.

આ મોડેલની ખાસિયત એ છે કે કેન્દ્રમાાં રહેલ વર્તુળમાં આસપાસની બધીજ વ્યક્તિઓના મૂકેલા ગૂણના સરવાળા/ બાદબાકી કરીને છેલ્લો મળેલ આંક કેન્દ્રમાાં રહેલ વર્તુળમાં મળેલ ગુણ પરથી વ્યક્તિ પોતે પોતાનું સાંસારિક મૂલ્ય કાઢી શકે છે અને પોતાના સ્વભાવને સહેલાઈથી જાણી શકે.  અને જો આ સકારાત્મક હોય તો સારૂં, પણ નકારાત્મક પરિણામ તે વ્યક્તિને હકારાત્મક દિશામાં જવા જરૂર પ્રેરણા આપશે.

ગુણાંકની સીમા ા
આંકલન
૧૦ થી ૯
સવોત્તમ
૮થી ૭
સારા
૬થી ૫
સરેરાશ
૪થી ૩
સરેરાશ થી નીચે
૨થી ૧
સરેરાશ થી ઘણાં નીચે
(શન્ૂ ય)
ઔપચારિક
-2 થી -1
ઔપચારરક કરતાં નીચે
-4 થી -3
સારા નહિ
-6 થી -5
ઘૃણાયુક્ત
-8 થી -7
વ ધ ુ પ ડ ત ા ઘૃણાયુક્ત
-૯ થઈ -૧૦
સામે પક્ષે નુકસાન કરવા સુધીની  
ભાવના વાળા