Wednesday, January 28, 2015

પારિજાત

પારિજાતનાં પુષ્પ  કદી તોડવા પડતાં નથી.  વહેલી સવારે ઝાકળના ભારથી તો કદી હવાની હળવી લહેર આવતાં વૃક્ષની નીચે કેસરી ડૂંટીવાળા આ મખમલી સફેદ ફૂલો ખરી પડીને આપણા માટે ગાલિચાની જેમ બીછાઈ જાય છે. દૂરથી જ આ પુષ્પોની સુવાસ આહ્લાદદાયક લાગે છે, મન - મગજને મસ્ત બનાવે છે. એવું થાય છે, બસ તેના દર્શન અને શ્રવણના આનંદમાં મહાલતા જ રહીએ!

ગીત-પારિજાતની પણ એવી જ વાત છે. તેનો અણસાર જ આમંત્રણ આપે છે, ‘આવો, બેસો, થોડો સમય અમારી સાથે ગાળો!’ આવા સમયે કદાચ યાદ આવે છે તલત મહેમુદે તેમના સૌમ્ય સ્વરોમાં ગાયેલું મૃદુલ ગીત : “અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ…” અને ગીતને અનુરૂપ અભિનય આપ્યો છે દિલીપ કુમારે:



***
ઘણી વાર આપણા મનમાં જિજ્ઞાસા થતી હોય છે કે ચિત્રપટ માટે ગીત ફિલ્માય તે પહેલાં સંગીતકારને શું કરવું પડે છે? વિચાર થાય, તેઓ ગીતની તરજ કેવી રીતે બનાવે છે? અને ગીત સુઝે, ત્યારે તેની સાથે વગાડાતા સંગીત, વાદ્ય અને વાદક વચ્ચેનો સંવાદ તેઓ કેવી રીતે સાધે છે? આપ સંગીતના શોખીન છો તેથી જાણતા હશો કે બે કે ત્રણ કલાકારો ભેગા થાય ત્યારે તેમની વચ્ચે ગીત -સંગીતનો વાર્તાલાપ નહિ કહું, પણ સૂરાલાપ જરૂર કહીશ, જેને અંગ્રેજીમાં jamming કહે છે તે કેવી રીતે થાય છે. આપની સામે આવો એક jamming session રજુ કરીશ. તેની પ્રસ્તાવના કરી છે લતાજીએ. તેમાં આપણે જોઈએ છીએ સંગીતકાર મદન મોહન ગીતના સૂર ગણગણે છે, ગીતના interludeમાં સાથ આપનાર ઉસ્તાદ રઈસ ખાન તેની તરજ વગાડે છે, અને ત્યાર પછી થાય છે ગીતનું પ્રત્યક્ષ રેકોર્ડીંગ. અંતમાં જોવા મળે છે ગીતનું ફિલ્મ ચિત્રણ. ગીત એકદમ સુંદર, મોહક અને ભાવપ્રધાન છે. ગીત પૂરૂં થયા બાદ પણ આપણે રાહ જોઈએ છીએ આગળની કડીની! 
એક વિચાર આવ્યો ; ‘હંસતે ઝખમ’નું આ ગીત પ્રિયા રાજવંશને બદલે મીના કુમારીએ ગાયું હોત તો કેટલું ખિલી ઉઠ્યું હોત!  ગીત છે : આજ સોચા તો આંસુ ભર આયે…દિલકી નાજુક રગેં ટૂટતીં હૈં/યાદ ઈતના ભી કોઈ ના આયે… 




મીના કુમારીની વાત નીકળી તો તેમના અભિનયમાં લતાજીએ ગાયેલું ફિલ્મ બહુ બેગમનું ગીત યાદ આવ્યું. “દુનિયા કરે સવાલ તો હમ, ક્યા જવાબ દેં?” સાચે જ, સમાજના એવા કેટલાય પ્રશ્નો છે, જેનો આપણી પાસે જવાબ નથી હોતો. ફક્ત સમાનહૃદયી વ્યક્તિ આપણા અંતરમાંથી નીકળતા જવાબ અનુભવી શકે છે, જેને ઉચ્ચારવાની જરૂર નથી હોતી. બાકી દુનિયા તો પૂછતી રહે…





***
સ્વ. મદન મોહનની વાત નીકળે તો તેમની કલા એટલે અલીબાબાનો ખજાનો! ખુલ જા સીમ સીમ કહેતાં દરવાજો ખુલી જાય અને અઢળક રત્નોનો પ્રકાશ નજરે આવે! તેમના ખજાનામાંનું એક ગીત યાદ આવ્યું : આવી સુંદર રાત ફરી મળે કે ન મળે, આખર આ જ્ન્મમાં આપણી મુલાકાત ફરી થાય કે ન થાય, કોણ જાણે? આવો, એક સ્નેહના આલિંગનમાં ખોવાઈ જઈએ...



***

ઓ.પી. નૈયર સાહેબ અને આશાજી વચ્ચે એક એવું રસાયણ હતું, તેમનાં ગીતો નાયાબ નજરાણાં બની ગયા. તેમાંનું એક ગીત… જાઈયે આપ કહાં જાયેંગે ફિલ્મમાં કદાચ ન પણ ગમે, પણ તેના સૂર અને સ્વર સ્મૃતિમંદિરમાં હંમેશ ગુંજતા રહે તેવા છે.





આજે જતાં જતાં પારિજાતના વૃક્ષની નીચે સાંપડેલું ખાસ માણેક રજુ કરીશું. ઓ.પી. નૈયર સાહેબના સંગીતમાં આશાજી અને પરમાત્માએ પૃથ્વીને આપેલ અણમોલ ભેટ રફી સાહેબે ‘કાશ્મિર કી કલી’માં ગાયેલું એક બેજોડ ગીત.


આવતા અંકમાં પરમાત્માની ઈચ્છા હશે તો નવી વાત, નવા પ્રસંગ લઈ જિપ્સી હાજર થશે.


Thursday, January 22, 2015

મૃદ્ગંધ...

અષાઢની પહેલી હેલી બાદ ભુમિ પરથી પમરાતી સુગંધને સંસ્કૃતમાં નામ અપાયું છે ‘મૃદ્ગંધ’. આવો જ પમરાટ આવે છે યાદોની ગલીમાંથી - જ્યારે વિસરાયેલા ગીતોની સેર તેને સ્પર્શ કરે છે. એક  યુગ પહેલાં લખનૌથી કલકત્તા ગયેલા એક યુવાન ગાયકે પહેલું ગીત ગાયું, “સબ દિન એક સમાન નહિ…” ગીત-ગઝલની દુનિયામાં એક તાજી હવા ફેલાઈ. ગાયક હતા તલત મહેમૂદ. ત્યાર પછી તેમણે એક ગઝલ ગાઈ અને ઘર ઘરમાં તેમનું નામ ગુંજતું થયું. ગઝલ હતી  “ગમ-એ-ઝિંદગીકા યા રબ, ન મિલા કોઈ કિનારા”. આજનો અંક આ ગીતોથી શરૂ કરીશું.


અને, ગમ-એ-ઝિંદગીકા યા રબ 




***
આશાજીના કૅબરે, મુજરા, પ્રેમ ગીત અને હૃદય હલાવી નાખે એવા વિવિધ genreના ગીતો સૌએ સાંભળ્યા અને માણ્યાં. અહીં રજુ કરેલું મરાઠી નાટ્ય સંગીતનું ગીત - જે “સંગીત માનાપમાન”માં ગવાયું હતું, તે આશાજીએ ગાયું. ગીતોની સૃષ્ટિમાં પ્રવેશ કર્યા પછીનાં તેમના સંઘર્ષપૂર્ણ દિવસોમાં તેમણે જે ગીતો ગાયાં, તેમાં “યુવતી મના દારૂણ રણ..” અપ્રતિમ ગણાય છે. તેમાં તેમની શાસ્ત્રીય સંગીતમાં કેળવેલી હથોટી, તાનની range અને તાલ-સૂર પરનું પ્રભુત્વ સહેજે પારખી શકાય છે.



અને સુરેશ ભટે લખેલ મરાઠી ગઝલ "કેવ્હાં તરી પહાટે" - જે તેમના ભાઈ પં. હૃદયનાથ મંગેશકરે સંગીતબદ્ધ કર્યું. આ ગીત ગમે એટલી વાર સાંભળીએ, કદી કંટાળો નહિ ઉપજે! શબ્દોનું મહત્વ બરકરાર રાખવા સંગીતકારે બૅકગ્રાઉન્ડમાં તાનપુરો પણ નથી રાખ્યો! ફક્ત ‘ઈન્ટરલ્યૂડ’ - બે કડીઓની વચ્ચે સિતારના ઝણકાર સિવાય કોઈ સંગીત નથી. ગઝલના શબ્દો (જેનું ભાષાંતર નીચે આપ્યું છે) હૃદયને સ્પર્શી જાય તેવા છે:





પરોઢિયાની કેવી ક્ષણે 
રાત વહી ગઈ
ભૂલથી આંખ મિંચાઈ ગઈ
અને રાત ખોવાઈ ગઈ.

કેવી રીતે કહું, કોમળ તડકાનુું વય?
મારો શ્વાસ વિખેરી,
મને છેતરીને રાત નિસરી ગઈ.

મને સમજાયું પણ નહિ, ક્યારે
આલિંગન થોડું’ક ઢિલું પડ્યું;
અને ક્યારે રાત છટકી (ને ચાલી) ગઈ.

હૃદયમાં કશું બચ્યું હોય તો તે
કેવળ ચાંદનીનો અવાજ હતો;
(અને) આકાશમાંના તારાઓને 
સંકેલીને રાત ચાલી ગઈ..

ત્યારે તો મને મારી પોતાની ગીતપંક્તિઓ (પણ)
યાદ ન રહી..
છેલ્લે અંતિમ લિટી સૂચવીને
રાત ચાલી ગઈ..

કોણ જાણે પરોઢિયાની કેવી ક્ષણે
રાત વહી ગઈ…

***
મૃદ્ગંધનું શિર્ષક સૂચવવા માટે લતાજીના આ ગીતનો આભાર વ્યક્ત કરી રજુ કરૂં છું. 'પરખ' ફિલ્મનું આ ગીત હજી વર્ષાની પહેલી ઝડીની જેમ ચિરપ્રસન્નતા બક્ષે છે. અહીં આ ગીતનાં હિંદી તથા બંગાળી સંસ્કરણો રજુ કર્યા છે:




ભારતીય સંગીતના વિશ્વમાં ખાંસાહેબ બિસમિલ્લાખાં સાહેબ અને પં. ભીમસેન જોશીની જેમ લતાજી અને પંડિત રવિશંકર સંગીત-સપ્તર્ષિના તારક બન્યા છે. પં. રવિશંકર અને લતાજીની જોડીએ ફિલ્મમાં જે ગીતો આપ્યાં, બેમિસાલ છે. અહીં તેમનું ફિલ્મ ‘અનુરાધા’માંનું  ગીત સાંભળીએ. સપ્ત સૂરો સાથે સાતતાળી ખેલતી યુવતી લગ્ન પછી તેની સૂર-સાહેલીઓ અને તેના વિશ્વથી અળગી પડી જાય છે. ભુલાઈ ગયેલી એ ક્ષણોને યાદ કરીને તે ગાય છે "કૈસે દિન બિતે, કૈસે બિતી રતિયાં, પિયા જાને ના…"



સિતારમાંથી નિકળતી મીંડની જેમ ગવાતો શબ્દ ‘રતિયાં’ મનમાં ઉતરી જાય તેવો છે!


***
અાજના અંકના અંતમાં વ્રજની ગોપીના અંતર્મનની ભાવનાઓનો અનુભવ કરાવશે એક ભક્તી ગીત. ખય્યામ સાહેબે સંગીતબદ્ધ કરેલ અને રફી સાહેબે ગાયેલું આ ભાવ ગીત.  

મોરે શ્યામ:

Monday, January 19, 2015

સમયનાં ઝુલ્ફો નીચે છુપાયેલાં કર્ણફૂલ



ફિલ્મી કે ગેર ફિલ્મી સંગીત ક્ષેત્રમાં અનેક કર્ણ મધુર ગીતો છે. તેમાંના કેટલાયે ગીતો એવાં છે જે આપણાં હૈયે હોય છે પણ હોઠે નથી આવતાં! અને જે  હૈયાનાં પડળ નીચે સંતાયા છે, તેને કોઈ બહાર કાઢે નહિ ત્યાં સુધી તેમની યાદ પણ નહિ આવે! જુઓને, મુકેશજીના ગીતોની વાત કરીએ તો સૌ કહેશે, "વાહ! તેમનું  'દિલ જલતા હૈ તો જલને દે..' હજી પણ એવું જ લોકપ્રિય છે જેટલું તે બહાર આવ્યું તે વખતે હતું. અમે હજી ગાઈએ છીએ!" પહેલાં રેડિયો અને હવે વિડિયો પર. મુકેશજીના મશહૂર થયેલા આ ગીતો લોકો સાંભળે છે અને સાંભળતા રહે છે. કોઈ રસિક શ્રોતા કહે, 'તેમનાં ઓછા જાણીતા, પણ પરોઢિયાની તાજી હવાની લહેર જેવા આ ગીતો યાદ છે?'  ત્યારે આપણે સહેજે વિચારમાં પડી જઈએ. એવા ક્યા ગીતો છે જે અમને યાદ નથી?

જે ગીતોની અમે વાત કરીએ છીએ તેમાં નથી ચાલીસ-પચાસ વાયોલિનોનો ઓર્કેસ્ટ્રા કે સૅક્સોફોન કે ગિટાર. તેમાં આપણે કેવળ મુકેશજીના અવાજની તાજગી અનુભવીએ છીએ!

તેરે લબોં કે મુકાબિલ, ગુલાબ ક્યા હોગા!


કૈસે મનાઊં પિયવા, ગુન મેરે એક હૂં નાહી 


પં. રવીશંકરે સંગીતબદ્ધ કરેલ ‘હિયા જરત રહત દિન રૈન
***
આડમ્બર રહિત, મધુર અવાજે ગવાતા ગીતોમાં રફી સાહેબનું સ્થાન અનન્ય છે. તેમણે હજારો ગીત ગાયા ; અનેક ગીતો હિરાના હાર જેમ ચમકતા રહ્યા છે. તેમાંથી બે-ત્રણ ગીતો ચૂંટવા જેવું કઠણ કામ બીજું કોઈ ન હોય! આજે તો તેમના બે સદાબહાર ગીતો યાદ આવે છે

પુકારતા, ચલા હું મૈં.. 


તુમને મુઝે દેખા


તલત મહેમૂદનું એક ભુલાયેલું ગીત - સલીલદા’ના સંગીતમાં: 

રાતને ક્યા ક્યા ખ્વાબ દિખાયે


ભુલાયેલા સંગીતકાર એન.દત્તાએ સંગીતબદ્ધ કરેલ ગીત: 

અશ્કોને જો પાયા હૈ


આશાજીને તેમણે ગાયેલા સૌથી જુદી ભાતનાં યાદગાર ગીતો વિશે પૂછ્યું, તો આ ગીત તેમના પ્રિય ગીતોમાંનું એક હતું.  તેમણે જે છટાથી આ ગીત ગાયું,  એવી જ છટા અને લોક કલાની શૈલીમાં તેને અભિનયમાં ઉતાર્યું હતું વહિદા રહેમાને. શાસ્ત્રીય નૃત્યની કેળવણી મેળવેલ વહિદાજીએ આ ગીતનું અસ્સલ બિહારી નૌટંકીની કલાકારની જેમ સીધા સાદા ઠુમકાં, નખરાં અને ગામ્રજનોના મનોરંજન માટે કરાતો ‘નાચ’ રજુ કર્યો છે. નાનકડા સ્ટેજ પર ફેર ફૂદરડી મારી, રજુ કરેલાં લટકાં ને મટકાં તેમણે એવી કૂશળતાથી રજુ કર્યા છે, આ નૃત્ય અને ગીત 'તિસરી કસમ'નું સિમાચિહ્ન બની ગયું. આ જ ફિલ્મમાં મુકેશજીના પણ ગીતો એવા જ અદ્ભૂત છે - જેની વાત ફરી કદી…
પાન ખાયે સૈંયા હમારો 



અંતમાં યાદ કરીશું ફિલ્મ બાદબાન - અશોક કુમાર/દેવ આનંદ/મીના કુમારી/ઉષા કિરણદ્વારા અભિનીત. ફ્રેન્ચ લેખિકા ફ્રાન્સ્વા સાગાઁની  નવલકથા 'બૉં જૂઁ ત્રિસ્તેસ' જેવી કથા પર બનાવવામાં આવેલ ફિલ્મનું ગીત ગીતા રૉય તથાા હેમંત કુમારે સોલો તરીકે ગાયું. બન્નેએ પોતપોતાની છટાથી તેમાં પ્રાણ રેડ્યા ! ગીત છે:

‘કૈસે કોઈ જીયે 

આજે બસ આટલું જ! ફરી મળીશું ત્યારે આપના માટે આવા જ અપ્રતિમ ગીતોનો પુષ્પગુચ્છ લઈ આવીશ!




Tuesday, January 13, 2015

સુરૈયા - પહેલી મલિકા-એ-તરન્નૂમ

ઉનાળાના બળબળતા તડકામાં કોયલનો ટહૂકો સંભળાય તો મનમાં શિતળતા જરૂર ઊપજે. આવી પ્રખર ગરમીમાં અનપેક્ષિત વર્ષાનું ઝાપટું આવે અને તન-મનને આહ્‍લાદનું સચૈલ સ્નાન કરાવે તેવો અનુભવ કોઈના ગીતમાં અનુભવ્યો છે ? જરા ભૂતકાળમાં ડોકિયું કરીએ તો યાદ આવશે એક ગીત. આનંદની છોળ ઉડાવતું શ્રાવણની વરસતી હેલી સમું આ ગીત લીલીછમ ધરા પર અને શ્રોતાઓના તન મનમાં છવાઈ જતું આ ગીત ગાયું છે ભારતની ભુલાયેલી સૂરસામ્રાજ્ઞી સુરૈયાએ :
આ ગીત વાંસળીથી શરૂ થાય છે, અને પરિવર્તીત થાય છે એવા જ મીઠા સ્વરમાં! વચ્ચે જ તેમાં બંસરી ક્યાં પૂરી થાય છે, તેનું શબ્દોમાં રૂપાંતર ક્યારે થાય છે, સોનામાં સુગંધ ભળે તેમ વેણુનાદ અને સ્વર-શબ્દ એક ઢાળમાં ક્યારે ઢળાય છે તે શ્રોતા ઓળખી શકતો નથી ! આ ચમત્કાર નહિ તો બીજું શું !! આ ગીતમાં સાધન અને શબ્દનો આવો અદ્‍ભૂત મેળ બીજા કોઈ ગાયક કે ગાયિકાના ગીતોમાં સંભળવામાં આવ્યો નથી. (હોય તો મને જરૂર જણાવશો ! આપના શ્રવણ આનંદમાં હું ભાગીદાર થઈશ !)
સુરૈયાએ ગાયેલાં ગીતોમાંનું આ એક માત્ર ગીત નહોતું જેણે સંગીતના રસિકોનાં હૃદયોમાં અવિરત આનંદ પેદા કર્યો હોય. તેમણે ગાયેલાં ગીતો સાંભળીએ તો બસ સાંભળતાં જ રહીએ એવું લાગ્યા વગર ન રહે.
મૈં દિલમેં દર્દ બસા લાયી..
યહ મૌસમ યહ તન્હાઈ…
તડપ અય દિલ….

હવે એક ગીત સાંભળીશું - જે સુરૈયાના હૃદયનો આનંદ વ્યક્ત થતો હોય તેવું લાગશે! હા, તે સમયે તેમને દેવ આનંદ સાથે પ્રણય થયો હતો અને 'વિદ્યા' ફિલ્મમાં તેમણે ગાયેલા ગીતમાં અને અભિનયમાં તેનો રંગ જોઈ શકાય છે! કમ નસીબે તેમના પ્રણયની પરિણતી સફળતામાં ન થઈ. દોષ તેમનો કે દેવ આનંદનો નહોતો. બસ--- સંજોગોનો સામનો કોઈ ન કરી શક્યું. પ્રેમભગ્ન સુરૈયાએ કદી લગ્ન ન કર્યા.
લાયી ખુશીકી દુનિયા…

અને દુ:ખીત મનનું ગીત

ચાર દિનકી ચાંદની

સુરૈયા એ એવું સુંદર ગીત ગાયું કે નિર્માતા - દિગ્દર્શકે તેને ત્રણ અભિનેત્રીઓ - શ્યામા, નિમ્મી અને ખુદ સુરૈયાના અભિનયમાં ઢાળ્યું! !
સુરૈયાનાં ગીતોની  range – કેટલી વિશાળ હતી ! સાદાં પંજાબી લોકગીતોની ઢબથી માંડી મહાન શાયરોની કૃતિઓને સંવેદનાપૂર્વક ગાવાનું મુશ્કેલ કામ તેમણે સહજતાથી સિદ્ધ કરી બતાવ્યું. ઉર્દૂ કવિઓની કૃતિઓનું વૈશિષ્ઠ્ય હતું તલફ્ફૂઝ – ઉર્દૂ શબ્દોના ઉચ્ચારોની પવિત્રતામાં. સુરૈયાએ તેમના શબ્દોને કેવળ અવાજ ન આપતાં તેમની વિશિષ્ટતા જાળવી રાખી હતી :

અને ફિલ્મ 'મિર્ઝા ગાલિબ'નાં ગીતો, જેમાંનું એક તલત મહેમૂદ સાથે ગાયું:
આ જાણે ઓછું હોય તેમ તેમની કલાને સ્વ. અનિલ બિશ્વાસે રવીંદ્ર સંગીતનો ઓપ ચડાવ્યો હતો – તે પણ ફક્ત ત્રણ-ચાર પંક્તિઓ ગવડાવીને. જે ગીતનું અનિલદાએ રૂપાંતર કર્યું તે હતું ওরে গৃহবাসী খোল্, দ্বার খোল্,  লাগল যে দোল। স্থলে জলে বনতলে লাগল যে দোল। (ઓ રે ગૃહવાસી, ખોલ દ્વાર ખોલ,લાગલો જે દોલ/ સ્થલે જલે વનતલે લાગલો જે દોલ..ખોલ દ્વાર ખોલ)અહીં રજૂ કરેલ મૂળ ગીત શ્રાવણી સેને ગાયું છે.)
આ ગીત તલત મહેમૂદે ગાયું અને તેની છેલ્લી કડી સુરૈયાએ ગાઈ:
રાહી મતવાલે…

અહીં એક નવાઈની વાત કહીશું>
સુરૈયાએ કદી પણ સંગીતની તાલીમ નહોતી લીધી ! પ્રભાતના ઝાકળબિંદુ જેવો તેમનો તાજગીભર્યો અવાજ તેમને મળેલી પરમાત્માની પ્રસાદી હતી. વિકિપીડિયાના એક લેખ મુજબ સુરૈયા હિંદી / ઉર્દૂ ફિલ્મ જગતનાં પહેલાં મલિકા-એ-તરન્નૂમ હતાં. ત્યાર પછી વર્ષો બાદ આ ખિતાબ મૅડમ નૂરજહાઁને અપાયો.
આજે તેમની યાદમાં બેસીએ તો કયા કયા ગીત યાદ રાખીએ ? મારી વાત કહું તો એક ગીત હંમેશાં આનંદની છોળ ઉડાવતું રહેશે. હા, અફસર ફિલ્મનું અહીં પ્રસ્તુત કરેલું પહેલું ગીત – મન મોર હુવા મતવાલા !
આજનો લેખ તેમને આદરપૂર્ણ ભાવાંજલિ છે – તેમના જીવનચરિત્રની ઝાંખી નથી. કદાચ ભવિષ્યમાં તેમની વાત કરીશું…