Follow by Email

Tuesday, January 13, 2015

સુરૈયા - પહેલી મલિકા-એ-તરન્નૂમ

ઉનાળાના બળબળતા તડકામાં કોયલનો ટહૂકો સંભળાય તો મનમાં શિતળતા જરૂર ઊપજે. આવી પ્રખર ગરમીમાં અનપેક્ષિત વર્ષાનું ઝાપટું આવે અને તન-મનને આહ્‍લાદનું સચૈલ સ્નાન કરાવે તેવો અનુભવ કોઈના ગીતમાં અનુભવ્યો છે ? જરા ભૂતકાળમાં ડોકિયું કરીએ તો યાદ આવશે એક ગીત. આનંદની છોળ ઉડાવતું શ્રાવણની વરસતી હેલી સમું આ ગીત લીલીછમ ધરા પર અને શ્રોતાઓના તન મનમાં છવાઈ જતું આ ગીત ગાયું છે ભારતની ભુલાયેલી સૂરસામ્રાજ્ઞી સુરૈયાએ :
આ ગીત વાંસળીથી શરૂ થાય છે, અને પરિવર્તીત થાય છે એવા જ મીઠા સ્વરમાં! વચ્ચે જ તેમાં બંસરી ક્યાં પૂરી થાય છે, તેનું શબ્દોમાં રૂપાંતર ક્યારે થાય છે, સોનામાં સુગંધ ભળે તેમ વેણુનાદ અને સ્વર-શબ્દ એક ઢાળમાં ક્યારે ઢળાય છે તે શ્રોતા ઓળખી શકતો નથી ! આ ચમત્કાર નહિ તો બીજું શું !! આ ગીતમાં સાધન અને શબ્દનો આવો અદ્‍ભૂત મેળ બીજા કોઈ ગાયક કે ગાયિકાના ગીતોમાં સંભળવામાં આવ્યો નથી. (હોય તો મને જરૂર જણાવશો ! આપના શ્રવણ આનંદમાં હું ભાગીદાર થઈશ !)
સુરૈયાએ ગાયેલાં ગીતોમાંનું આ એક માત્ર ગીત નહોતું જેણે સંગીતના રસિકોનાં હૃદયોમાં અવિરત આનંદ પેદા કર્યો હોય. તેમણે ગાયેલાં ગીતો સાંભળીએ તો બસ સાંભળતાં જ રહીએ એવું લાગ્યા વગર ન રહે.
મૈં દિલમેં દર્દ બસા લાયી..
યહ મૌસમ યહ તન્હાઈ…
તડપ અય દિલ….

હવે એક ગીત સાંભળીશું - જે સુરૈયાના હૃદયનો આનંદ વ્યક્ત થતો હોય તેવું લાગશે! હા, તે સમયે તેમને દેવ આનંદ સાથે પ્રણય થયો હતો અને 'વિદ્યા' ફિલ્મમાં તેમણે ગાયેલા ગીતમાં અને અભિનયમાં તેનો રંગ જોઈ શકાય છે! કમ નસીબે તેમના પ્રણયની પરિણતી સફળતામાં ન થઈ. દોષ તેમનો કે દેવ આનંદનો નહોતો. બસ--- સંજોગોનો સામનો કોઈ ન કરી શક્યું. પ્રેમભગ્ન સુરૈયાએ કદી લગ્ન ન કર્યા.
લાયી ખુશીકી દુનિયા…

અને દુ:ખીત મનનું ગીત

ચાર દિનકી ચાંદની

સુરૈયા એ એવું સુંદર ગીત ગાયું કે નિર્માતા - દિગ્દર્શકે તેને ત્રણ અભિનેત્રીઓ - શ્યામા, નિમ્મી અને ખુદ સુરૈયાના અભિનયમાં ઢાળ્યું! !
સુરૈયાનાં ગીતોની  range – કેટલી વિશાળ હતી ! સાદાં પંજાબી લોકગીતોની ઢબથી માંડી મહાન શાયરોની કૃતિઓને સંવેદનાપૂર્વક ગાવાનું મુશ્કેલ કામ તેમણે સહજતાથી સિદ્ધ કરી બતાવ્યું. ઉર્દૂ કવિઓની કૃતિઓનું વૈશિષ્ઠ્ય હતું તલફ્ફૂઝ – ઉર્દૂ શબ્દોના ઉચ્ચારોની પવિત્રતામાં. સુરૈયાએ તેમના શબ્દોને કેવળ અવાજ ન આપતાં તેમની વિશિષ્ટતા જાળવી રાખી હતી :

અને ફિલ્મ 'મિર્ઝા ગાલિબ'નાં ગીતો, જેમાંનું એક તલત મહેમૂદ સાથે ગાયું:
આ જાણે ઓછું હોય તેમ તેમની કલાને સ્વ. અનિલ બિશ્વાસે રવીંદ્ર સંગીતનો ઓપ ચડાવ્યો હતો – તે પણ ફક્ત ત્રણ-ચાર પંક્તિઓ ગવડાવીને. જે ગીતનું અનિલદાએ રૂપાંતર કર્યું તે હતું ওরে গৃহবাসী খোল্, দ্বার খোল্,  লাগল যে দোল। স্থলে জলে বনতলে লাগল যে দোল। (ઓ રે ગૃહવાસી, ખોલ દ્વાર ખોલ,લાગલો જે દોલ/ સ્થલે જલે વનતલે લાગલો જે દોલ..ખોલ દ્વાર ખોલ)અહીં રજૂ કરેલ મૂળ ગીત શ્રાવણી સેને ગાયું છે.)
આ ગીત તલત મહેમૂદે ગાયું અને તેની છેલ્લી કડી સુરૈયાએ ગાઈ:
રાહી મતવાલે…

અહીં એક નવાઈની વાત કહીશું>
સુરૈયાએ કદી પણ સંગીતની તાલીમ નહોતી લીધી ! પ્રભાતના ઝાકળબિંદુ જેવો તેમનો તાજગીભર્યો અવાજ તેમને મળેલી પરમાત્માની પ્રસાદી હતી. વિકિપીડિયાના એક લેખ મુજબ સુરૈયા હિંદી / ઉર્દૂ ફિલ્મ જગતનાં પહેલાં મલિકા-એ-તરન્નૂમ હતાં. ત્યાર પછી વર્ષો બાદ આ ખિતાબ મૅડમ નૂરજહાઁને અપાયો.
આજે તેમની યાદમાં બેસીએ તો કયા કયા ગીત યાદ રાખીએ ? મારી વાત કહું તો એક ગીત હંમેશાં આનંદની છોળ ઉડાવતું રહેશે. હા, અફસર ફિલ્મનું અહીં પ્રસ્તુત કરેલું પહેલું ગીત – મન મોર હુવા મતવાલા !
આજનો લેખ તેમને આદરપૂર્ણ ભાવાંજલિ છે – તેમના જીવનચરિત્રની ઝાંખી નથી. કદાચ ભવિષ્યમાં તેમની વાત કરીશું…