Follow by Email

Wednesday, January 28, 2015

પારિજાત

પારિજાતનાં પુષ્પ  કદી તોડવા પડતાં નથી.  વહેલી સવારે ઝાકળના ભારથી તો કદી હવાની હળવી લહેર આવતાં વૃક્ષની નીચે કેસરી ડૂંટીવાળા આ મખમલી સફેદ ફૂલો ખરી પડીને આપણા માટે ગાલિચાની જેમ બીછાઈ જાય છે. દૂરથી જ આ પુષ્પોની સુવાસ આહ્લાદદાયક લાગે છે, મન - મગજને મસ્ત બનાવે છે. એવું થાય છે, બસ તેના દર્શન અને શ્રવણના આનંદમાં મહાલતા જ રહીએ!

ગીત-પારિજાતની પણ એવી જ વાત છે. તેનો અણસાર જ આમંત્રણ આપે છે, ‘આવો, બેસો, થોડો સમય અમારી સાથે ગાળો!’ આવા સમયે કદાચ યાદ આવે છે તલત મહેમુદે તેમના સૌમ્ય સ્વરોમાં ગાયેલું મૃદુલ ગીત : “અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ…” અને ગીતને અનુરૂપ અભિનય આપ્યો છે દિલીપ કુમારે:***
ઘણી વાર આપણા મનમાં જિજ્ઞાસા થતી હોય છે કે ચિત્રપટ માટે ગીત ફિલ્માય તે પહેલાં સંગીતકારને શું કરવું પડે છે? વિચાર થાય, તેઓ ગીતની તરજ કેવી રીતે બનાવે છે? અને ગીત સુઝે, ત્યારે તેની સાથે વગાડાતા સંગીત, વાદ્ય અને વાદક વચ્ચેનો સંવાદ તેઓ કેવી રીતે સાધે છે? આપ સંગીતના શોખીન છો તેથી જાણતા હશો કે બે કે ત્રણ કલાકારો ભેગા થાય ત્યારે તેમની વચ્ચે ગીત -સંગીતનો વાર્તાલાપ નહિ કહું, પણ સૂરાલાપ જરૂર કહીશ, જેને અંગ્રેજીમાં jamming કહે છે તે કેવી રીતે થાય છે. આપની સામે આવો એક jamming session રજુ કરીશ. તેની પ્રસ્તાવના કરી છે લતાજીએ. તેમાં આપણે જોઈએ છીએ સંગીતકાર મદન મોહન ગીતના સૂર ગણગણે છે, ગીતના interludeમાં સાથ આપનાર ઉસ્તાદ રઈસ ખાન તેની તરજ વગાડે છે, અને ત્યાર પછી થાય છે ગીતનું પ્રત્યક્ષ રેકોર્ડીંગ. અંતમાં જોવા મળે છે ગીતનું ફિલ્મ ચિત્રણ. ગીત એકદમ સુંદર, મોહક અને ભાવપ્રધાન છે. ગીત પૂરૂં થયા બાદ પણ આપણે રાહ જોઈએ છીએ આગળની કડીની! 
એક વિચાર આવ્યો ; ‘હંસતે ઝખમ’નું આ ગીત પ્રિયા રાજવંશને બદલે મીના કુમારીએ ગાયું હોત તો કેટલું ખિલી ઉઠ્યું હોત!  ગીત છે : આજ સોચા તો આંસુ ભર આયે…દિલકી નાજુક રગેં ટૂટતીં હૈં/યાદ ઈતના ભી કોઈ ના આયે… 
મીના કુમારીની વાત નીકળી તો તેમના અભિનયમાં લતાજીએ ગાયેલું ફિલ્મ બહુ બેગમનું ગીત યાદ આવ્યું. “દુનિયા કરે સવાલ તો હમ, ક્યા જવાબ દેં?” સાચે જ, સમાજના એવા કેટલાય પ્રશ્નો છે, જેનો આપણી પાસે જવાબ નથી હોતો. ફક્ત સમાનહૃદયી વ્યક્તિ આપણા અંતરમાંથી નીકળતા જવાબ અનુભવી શકે છે, જેને ઉચ્ચારવાની જરૂર નથી હોતી. બાકી દુનિયા તો પૂછતી રહે…

***
સ્વ. મદન મોહનની વાત નીકળે તો તેમની કલા એટલે અલીબાબાનો ખજાનો! ખુલ જા સીમ સીમ કહેતાં દરવાજો ખુલી જાય અને અઢળક રત્નોનો પ્રકાશ નજરે આવે! તેમના ખજાનામાંનું એક ગીત યાદ આવ્યું : આવી સુંદર રાત ફરી મળે કે ન મળે, આખર આ જ્ન્મમાં આપણી મુલાકાત ફરી થાય કે ન થાય, કોણ જાણે? આવો, એક સ્નેહના આલિંગનમાં ખોવાઈ જઈએ...***

ઓ.પી. નૈયર સાહેબ અને આશાજી વચ્ચે એક એવું રસાયણ હતું, તેમનાં ગીતો નાયાબ નજરાણાં બની ગયા. તેમાંનું એક ગીત… જાઈયે આપ કહાં જાયેંગે ફિલ્મમાં કદાચ ન પણ ગમે, પણ તેના સૂર અને સ્વર સ્મૃતિમંદિરમાં હંમેશ ગુંજતા રહે તેવા છે.

આજે જતાં જતાં પારિજાતના વૃક્ષની નીચે સાંપડેલું ખાસ માણેક રજુ કરીશું. ઓ.પી. નૈયર સાહેબના સંગીતમાં આશાજી અને પરમાત્માએ પૃથ્વીને આપેલ અણમોલ ભેટ રફી સાહેબે ‘કાશ્મિર કી કલી’માં ગાયેલું એક બેજોડ ગીત.


આવતા અંકમાં પરમાત્માની ઈચ્છા હશે તો નવી વાત, નવા પ્રસંગ લઈ જિપ્સી હાજર થશે.