બૅરેકપુરની ઘટના પછી સરકાર ચેતી ગઇ હતી. તેમને દેશી પલ્ટનો પર વિશ્વાસ નહોતો રહ્યો. સૌ પ્રથમ તો તેમણે બ્રહ્મદેશ સ્થિત તેમની ધોળી બટાલીયનોને કલકત્તા ઉતારવાનું શરૂ કર્યું. સાથે સાથે ઇંગ્લંડથી ખુંખાર ગણાતી હાઇલૅન્ડર્સ તથા આયરીશ બટાલીયનો મોકલવી શરૂ કરી. દરેક કૅન્ટોનમેન્ટમાં એક કે બે આવી પલ્ટનો તથા ‘હૉર્સ આર્ટીલરી’ના ટુકડીઓને આધુનિક શસ્ત્રો સાથે મૂકી. તેમને હુકમ હતો કે દેશી પલ્ટનોની જરા જેટલી શંકાસ્પદ હિલચાલ કરે જેમાં બળવાનાં ચિહ્ન દેખાય, તેમને ગોળીએ દેવા. કંપની કોઇ પણ જોખમ ઉઠાવવા માગતી નહોતી.
રિસાલદાર પાંડેનો પાંચમો રિસાલો જ્યારે ભાગલપુર પહોંચ્યો અને શહેરથી બે માઇલ દૂર તેમના પડાવ માટે નક્કી કરેલા ખેતરોમાં કૅમ્પ કર્યો, તે પહેલાં જ કલકત્તાથી અંગ્રેજોની બે કંપનીઓ ત્યાં પહોંચી હતી. તેમણે ‘યોગ્ય’ મોરચાબંધી કરી હતી.
અહીં પણ અફવાઓ આવતી જ હતી. એક વાત એવી પણ આવી હતી કે દાનાપુરમાં બળવો શરૂ થવાની તૈયારીમાં છે. પટનાના માતબર મુસ્લીમ અગ્રણીઓને જેલમાં મોકલવાની તૈયારી થઇ હતી. ગયાના ફારસી છાપખાનાના માલિક પીર અલીને બળવા સંબંધી સાહિત્ય છાપી વહેંચવાના આરોપ હેઠળ પકડવામાં આવ્યો હતો. બધી ઘટનાઓના ‘સિચ્યુએશન રિપોર્ટ’ તાર દ્વારા રેજીમેન્ટલ હેડક્વાર્ટરમાં આવતા હતા, તેમ છતાં દેશી અફસરોને તેની જાણ થવા દેવામાં આવતી નહોતી. જો કે શું થઇ રહ્યું છે તેનો અંદાજ પાંડે જેવા અનુભવી અફસરને હતો.
એક સાંજે રિસાલદાર પાંડેએ જગતને બોલાવ્યો.
“મારૂં એક અંગત કામ કરી શકશો?”
“જરૂર. શો હુકમ છે?”
પાંડેએ જગતને રેશમના નાના કકડામાં લપેટેલો પુરાતન સોનાનો સિક્કો આપ્યો. અમેરીકન ક્વાર્ટર કે દસ રૂપિયાના સિક્કાથી થોડો નાનો એવો રામ-સીતાના ચિત્રથી અંકિત આ મહોર વંશ પરંપરાથી તેમના પૂજાગૃહમાં રાખેલી હતી. તેઓ જ્યાં જતા, સાથે લઇ જતા.
“તમારે આારા જઇ મારી પુત્રી પાર્વતિ અને જમાઇ પંડિત વિદ્યાપતિ ઝાને મારો સંદેશ આપવાનો છે. તેમને કલકત્તાની સુપ્રીમ કોર્ટના જજ રૉબિન્સનસાહેબે ત્યાંની સંસ્કૃત કૉલેજમાં પ્રાધ્યાપકની જગ્યા અૉફર કરી છે. તેમને મારા વતી કહજો, તે સ્વીકારી પરિવાર સાથે તરત કલકત્તા જાય. તમારી વાત પર તેમને એકદમ વિશ્વાસ નહિ આવે તેથી આ સિક્કો તેમને આપશો. તેઓ જાણી જશે કે આ સંદેશ મેં જ આપ્યો છે.”
વિદ્યાપતિ સંસ્કૃત અને પાલીના જાણીતા વિદ્વાન હતા. આરા શહેરના અરણ્યાદેવીના મંદિર સાથે જોડાયેલી સંસ્કૃત વિદ્યાપીઠના તેઓ વરીષ્ઠ આચાર્ય હતા. રૉબિન્સન જ્યારે પટના હાઇકોર્ટના જજ હતા ત્યારે હિંદુ સંયુક્ત કુટુમ્બના જટીલ કેસમાં મનુનાં ધર્મશાસ્ત્રો શું કહે છે તેની સમજુતિ લેવા જજ ઘણી વાર તેમને મળવા જતા. કલકત્તા ગયા બાદ તેમણે પંડિતજીને વૉરન હેસ્ટીંગ્ઝ દ્વારા સ્થપાયેલી સંસ્કૃત કૉલેજના પ્રાધ્યાપકપદે કલકત્તા નિમંત્ર્યા હતા. વિદ્યાપતિ ત્યાં જવા તૈયાર નહોતા. આરામાં તે આરામથી રહેતા હતા.
“તેમને કહેજો, આરા તો શું, આખો બિહાર વિપ્લવની આગમાં બળી ઉઠશે. તેમણે વહેલી તકે કલકત્તા જવું જોઇએ, એવો મારો સંદેશ તેમને આપજો,” કહી તેને ‘રાહદારી’ - Movement Order - રજા મંજુરીનો હુકમ આપ્યો.
બીજા દિવસે વહેલી સવારે જગત ભાગલપુરથી ઉત્તર જતી નૌકામાં બેઠો. આરા જવા માટે સાધારણ રીતે લોકો પટના ઉતરી બીજી વ્યવસ્થા કરતા. રાત થઇ ત્યારે તે દાનાપુર ઉતર્યો. ત્યાંથી ઘણી વાર મિલીટરીના કૉમિસરીયેટ ખાતાની રસદની વણઝાર જતી, તેમાં ‘રાઇડ’ મળી જતી. દાનાપુરમાં ઉતર્યો ત્યારે જાણવા મળ્યું કે ૭મી અને ૮મી કાળી પલ્ટનમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. દાનાપુરના ગૅરીસન કમાંડર જનરલ લૉઇડે હુકમ આપ્યો હતો કે બીજા દિવસે સવારે બન્ને બટાલિયનો હથિયાર સાથે પરેડ ગ્રાઉન્ડમાં લાઇનબંધ થાય. અફવા એવી હતી કે તેમનાં હથિયાર કબજે કરી દેશી અફસરો તથા જવાનોને બરખાસ્ત કરવામાં આવશે.
જગતના સદ્ભાગ્યે પરોઢિયે કેન્ટોનમેન્ટમાંથી રસદ અને અન્ય સામગ્રી સાથે ઉંટની એક વણઝાર આરા જઇ રહી હતી. તેને એક સાંઢણીસ્વારે જગ્યા આપી.
બપોરના સમયે વણઝાર રોંઢા માટે રોકાઇ. ઉંટને ચારો અપાયો અને વણઝારના લોકો ભોજન કરતા હતા ત્યાં તેમને દૂરથી કોલાહલ સંભળાયો. બધા ભેગા થઇ ગયા અને જોયું તો દેશી સિપાઇઓની ટોળીઓ તેમના તરફ આવી રહી હતી. સૈનિકો જે મળ્યું તે વાહન લઇને તો કેટલાક દોડતા તેમની પાછળ આવી રહ્યા હતા. તેઓ દાનાપુરની ત્રણે દેશી પલ્ટનોના જવાન હતા.
વાત એમ હતી કે તે દિવસે સવારે ૭મી અને ૮મીના જવાનોને તેમની રાઇફલની બધી પરકશન કૅપ્સ ક્વાર્ટરમાસ્ટર-બટાલિયનના સ્ટોર્સ અૉફિસરને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો. પર્કશન કૅપ રાઇફલમાંના દારૂને સળગાવવા જામગરીનું કામ કરતી. તેના વગર રાઇફલ નકામી. જવાનોએ ઇન્કાર કરતાં જનરલ લૉઇડે ૪૦મી કાળી પલ્ટનને ૭મી અને ૮મી ના જવાનો પર ગોળીબાર કરી શરણે લાવવાનો હુકમ કર્યો. ૪૦મીના સિપાઇઓ બિહાર-અવધના હતા તેથી તેમણે પોતાના ભાઇઓ પર ગોળી ચલાવવાનો ઇન્કાર કર્યો. આ જોઇ દાનાપુરમાં હાજર ગોરી પલ્ટન, 10th Footને ત્રણે દેશી પલ્ટનો પર ગોળી વરસાવવાનો હુકમ કર્યો, જેનું તેમણે ખુશીથી પાલન કર્યું. ત્રણે બટાલિયનોના બચેલા જવાન આરા તરફ જઇ રહ્યા હતા. તેમને સંદેશ મળ્યો હતો કે તેઓ વિપ્લવમાં સામેલ થવા બાબુ કુંવરસિંહને મળે.
વૃક્ષોની છાયામાં બેસેલી ઉંટની વણઝાર જોઇ સિપાઇઓ તેમની પાસે આવ્યા. બંદુકની અણીએ ઉંટસ્વારોને લાઇનબંધ કર્યા અને તેમની ઝડતી લીધી. જગતની ઝડતી લેનાર સૈનિકે તેની પાસે ખંજર જોયું, અને હવાલદારને બોલાવ્યો. હવાલદાર જગતને ઓળખી ગયો! આખરે તે દાનાપુરનો ચૅમ્પિયન ઘોડેસ્વાર હતો. ટેન્ટ-પેગીંગમાં તેણે અંગ્રેજ ઘોડેસ્વારોને પણ હરાવ્યા હતા.
“અરે, તમે પણ વિપ્લવમાં જોડાયા છો? બાબુ કુંવરસિંહ પાસે જાવ છો?”
“ના, હું વિપ્લવી નથી. અંગત કામ માટે આરા જઉં છું.”
“હજી કંપની સરકારના સૈનિક છો?”
જગતે હા કહેતાં તેણે પોતાના સૈનિકોને જગતને કેદ કરવાનો હુકમ આપ્યો, “પકડી લો આ દગાબાજને.”
“મારી નાખો!” એક બળવાખોર બોલ્યો.
“ના, આનો ફેંસલો બાબુ કુંવરસિંહ કરશે. હાલમાં તો તેને કબજામાં લો.”
*********
બાબુ કુંવરસિંહ પાસે જગતને ખડો કરવામાં આવ્યો. તેમની સમક્ષ જપ્ત કરાયેલું રજુ કરાયું. ખંજર જોતાં જ બાબુએ તેને પૂછ્યું, “આપની પાસે આ હથિયાર ક્યાંથી આવ્યું?”
“રાજાસાહેબે પોતે જ અમને આપ્યું હતું.”
કુંવરસિંહ વિચારમાં પડી ગયા. તેમને શિકારનો પ્રસંગ યાદ આવ્યો.
“આપે શિકાર વખતે આપની પહેચાન ન આપી, પણ અમે આપને ઓળખી ગયા હતા. આપ મારા મિત્ર ઠાકુર ઉદયપ્રતાપના પુત્ર છો, ખરૂં ને?”
“જી, રાજાસાહેબ.”
કુંવરસિંહે જગતને બેસવાનું કહી બાકી બધાને ત્યાંથી જવાનું કહ્યું. તેમણે પૂરી વાત પૂછી.
“જુઓ જગતસિંહ, આરા શહેરમાં પ્રવેશ કરવો સહેલું નથી. ત્યાં સિખ મિલીટરી પોલિસનો સખત પહેરો છે. શહેરમાં અંદર કોઇને પ્રવેશ નથી. બહાર જનારની પૂરી તપાસ થાય છે. અાપના કામમાં અમે મદદ કરીશું. આજ સાંજથી અમારી કેટલીક ટુકડીઓ આરા શહેરને ઘેરો ઘાલી ગોળીબાર કરશે. આનો ફાયદો લઇ આપ શહેરમાં ઘુસી જશો અને કામ પૂરૂં કરશો. સુરજ ઉગતાં પહેલાં ઘેરો ઉઠશે. આપને શહેરના પૂર્વના દરવાજા પરથી બહાર નીકળવું આસાન થશે. આપના નદી તટ સુધીના પ્રવાસ માટે અમે વ્યવસ્થા કરીશું.
“આપની સરકારે અમને ખતમ કરવા દાનાપુરથી સેના મોકલી છે. અમારે તેમના સ્વાગત માટે થોડી વારમાં નીકળવાનું છે, તેથી આપની સાથે ફરી મુલાકાત નહિ થાય. જો કંપની સરકાર આપને બરખાસ્ત કરે, અને અમે જીવીત હશું તો અમારી પાસે આવજો. આપ અમારા અંગરક્ષક થશો તો અમને ઘણી ખુશી થશે.”
“રાજાસાહેબ, આપનો ઉપકાર...”
“તેની વાત ન કરશો. પાંડે અમારા મિત્ર છે, અને આપના પિતાજીના અમારા પર ઘણા અહેસાન છે. આવજો ત્યારે. હર હર મહાદેવ."
(આ પોસ્ટમાં બાબુ કુંવરસિંહની છબી જગદીશપુરના વીર કુંવરસિંહ સંગ્રહસ્થાનના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે.)
Great! I am always fan of war stories and "1857 VIPLAV" has special in my heart.
ReplyDeleteઆ સત્યકથા છે, એમ હવે લાગ્યું
ReplyDeleteઅને વાર્તામાં રસ વધી ગયો. જોઈએ આગળ શું થાય છે?
આપની સરકારે અમને ખતમ કરવા દાનાપુરથી સેના મોકલી છે. અમારે તેમના સ્વાગત માટે થોડી વારમાં નીકળવાનું છે, તેથી આપની સાથે ફરી મુલાકાત નહિ થાય. જો કંપની સરકાર આપને બરખાસ્ત કરે, અને અમે જીવીત હશું તો અમારી પાસે આવજો. આપ અમારા અંગરક્ષક થશો તો અમને ઘણી ખુશી થશે.”
ReplyDelete“રાજાસાહેબ, આપનો ઉપકાર...”
“તેની વાત ન કરશો. પાંડે અમારા મિત્ર છે, અને આપના પિતાજીના અમારા પર ઘણા અહેસાન છે. આવજો ત્યારે. હર હર મહાદેવ."
Kunvarsinh..& Jagat Samvaad !
Interesting !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Will read the Next Post !