કમલાદાદીએ કહેલી વાતોનો અંશ
સારા અને નરસા સમાચાર જંગલની આગ જેમ ફેલાતા હોય છે. આમ તો અવધ અને બિહારમાં ઠેઠ ૧૮૪૦ના દશકથી ‘કાળા પાણી’ માટે મજુરોની ભરતી થતી હતી. ૧૮૫૭ના ગદર દરમિયાન ખેત કામદાર ભુખે મરવા લાગ્યા હતા. કોઇ પણ કામ, ગમે ત્યાં મળે, જમીનવિહોણા ખેતમજુર, વેઠીયાઓ જવા માટે તૈયાર હતા. તેવામાં ગામેગામ આરકટીયા - ગિલૅન્ડર આર્બથનૉટ કંપનીના દલાલ ઉતરી પડ્યા.
“લોકો ભલે તેને કાળા પાણી કહે. સાચી વાત તો એ છે કે પાંચ વરસની ગિરમીટ બાદ કંપની તમને મફત જમીન આપશે. દર મહિને એટલો પગાર આપશે કે પાંચ વર્ષ બાદ તમે હિંદુસ્તાન પાછા આવશો તો વતનમાં જમીન વેચાતી લઇ તમે પોતે જમીનદાર બની જશો. જવા આવવાનો ખર્ચ કંપનીનો.”
દરેક જમીનવિહોણા ખેતમજુર અને વેઠીયા કામદારનું સ્વપ્ન હોય છે કે તેની પોતાની જમીન હોય અને તેના પર તે મહેનત કરે. આ મહેનતમાં એક વધારાનું, પ્રેમનું અદૃશ્ય ખાતર નાખી મબલખ પાક ઉતારે. ગામમાં, કોમમાં તથા સગાંવહાલાંઓમાં પ્રતિષ્ઠા વધારનારી આવી તક કોણ જતી કરે?
આરકટીયાઓ ગામોમાં જઇ પરદેશ જવા માટે તૈયાર હોય તેવા મજુરોને નજીકના શહેરમાં એકઠા કરતા. જ્યારે ૨૫-૫૦ મજુરો ભેગા થાય, તેમને લઇ ફૈઝાબાદ, બક્સર, પટના, મુંઘેર કે ભાગલપુર જેવા શહેરના કોઇ ગોડાઉનમાં કે એવી કોઇ જગ્યાએ જતા. અહીં બસો-ત્રણસો જેટલા મજુરો એકઠા થતાં તેમને ગંગાનદીમાં ચાલતી મોટી નૌકાઓમાં બેસાડી કલકત્તાના મોટા વેરહાઉસ - જેને ‘હોલ્ડીંગ ડેપો’નું પ્રતિષ્ઠીત નામ આપ્યું હતું, ત્યાં લઇ જવામાં આવતા. અહીં દક્ષીણ આફ્રિકા, ફિજી, મૉરીશસ, જમેકા, ટ્રિનિડૅડ, ગયાના રાજ્યોના પ્રતિનિધિઓ તેમની પાસેથી ગિરમીટ - Agreement of Indentureમાં સહિ કરાવી જે તે દેશમાં મોકલતા.
કલકત્તાના ડાયમન્ડ હાર્બરમાં લાંગરેલા જહાજોમાં આ મજુરોને ‘ભરી’ને મોકલવામાં આવતા. હોલ્ડીંગ ડેપોમાં એકઠા થયેલા મજુરોએ કે તેમની પત્નિઓ તથા બાળકોએ જીંદગીમાં કદી સમુદ્ર જોયો નહોતો.
મુંઘેરની નજીકના ગામમાં ભરતી થયેલ એક મજુર, તેની પત્ની તથા તેમનો છ વર્ષનો પુત્ર બસો’એક ગિરમીટીયાઓ સાથે મુંઘેરના કિલ્લામાં બે દિવસથી રાહ જોઇને બેઠા હતા. બીજા બધા મજુર પટનાથી આવનારી રિવરબોટની રાહ જોતા હતા. આપણો મજુર અને તેની પત્નિ ગંગાનદીના ઓતરાદા પ્રવાહ તરફ જોવાને બદલે મુંઘેર શહેર તરફ નજર તાકીને બેઠા હતા.
સાંજના સમયે આ મજુરથી ન રહેવાયું. તે આરકટીયાએ નિયુક્ત કરેલા સરદાર પાસે ગયો. “સાહેબ, મારો નાનો દિકરો હજી સુધી અહીં પહોંચ્યો નથી. મહેરબાની કરી મને ગામમાં જવા દો. કદાચ ધર્મશાળામાં આવ્યા હશે. હું તપાસ કરીને તરત પાછો આવીશ.”
“ના. હવે અહીંથી કોઇને બહાર જવાની રજા નથી.”
મજુરની પત્નિએ સરદારને હાથ જોડીને વિનંતિ કરી, પણ સરદાર ટસનો મસ ન થયો. થોડી વારે મજુરે સરદારના કાનમાં શું કહ્યું કોણ જાણે, પણ તેણે તેને જવા દીધો. એક કલાકમાં પાછા આવવાની શરતે. મજુર ગયો અને એક કલાકમાં પાછો આવ્યો.
તેનો દિકરો હજી પહોંચ્યો નહોતો.
બીજા દિવસની વહેલી સવારે સરદારોએ બધા ગિરમીટીયાઓને સાબદા કર્યા. પટનાથી જહાજ આવી રહ્યું છે. બધાએ પોતપોતાનો સામાન ઉપાડી, લાઇનબંધ થઇ ગંગા કિનારે જહાજ લાંગરવાના ઘાટ તરફ ચાલવા તૈયાર થવાનું છે. પેલા ગિરમીટીયાની પત્નિ રડી પડી. “મારા જીગરના ટુકડાને છોડી હું કેવી રીતે જઉં? સરદાર સાહેબ, તમે જહાજને એક કલાક રોકી રાખો! મારા બિમાર દિકરાને લઇ મારા બાપુ આવતા જ હશે. મહેરબાની કરો!”
સરદારનું હૃદય પિગળ્યું. “બાઇ, તને અને તારા પતિને સૌથી છેલ્લા કાઢીશું. ત્યાં સુધીમાં તારો દિકરો આવે તો ઠીક, નહિ તો તારા અને તારા દિકરાના નસીબ.”
“એવું હશે તો હું નહિ જઉં,” બાઇ બોલી ઉઠી.
“ના, તમે અંગુઠો માર્યો છે. હવે તમે પાછા ફરી ન શકો.”
ગંગા કિનારે નૌકા આવી ચૂકી. પેલી સ્ત્રીનો બાબો આવ્યો નહિ. તે ભાંગી પડી. તેની સ્થિતિ એટલી બુરી હતી કે તેના પતિએ તેને આધાર ન આપ્યો હોત તો તે ઢગલો થઇને પડી ગઇ હોત.
આ નાનકડા પરિવારના સામાનમાં ફક્ત એક મોટું પોટલું હતું, જે મજુરે પોતાની પીઠ પર બાંધ્યું. તેના છ વર્ષના પુત્રનો તેણે હાથ ઝાલ્યો અને બીજો હાથ પત્નિની કમર પર રાખી, તેને આધાર આપી ચાલવા લાગ્યો. તેની પત્નિની આંખમાંથી ચોધાર આંસુ વહેતા હતા. જ્યારે તેઓ જહાજ પર ચઢવા માટેના પાટિયા પાસે આવ્યા, તેમણે ફરી એક વાર પાછા વળીને જોયું અને જહાજ પર ચઢ્યા.
જહાજના કપ્તાને હુકમ આપ્યો: “Weigh anchor!” જહાજ ધીરે ધીરે આગળ વધવા લાગ્યું. કુલીની સ્ત્રી બેહોશ થઇને પડી ગઇ. તેનો પતિ તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
જહાજ નદીના વળાંકમાં ખોવાઇ ગયું.
ગંગા કિનારે પોતાના પુત્ર, ભાઇ, પતિને મૂકવા આવેલા ગ્રામ્યવાસીઓ રડી રહ્યા હતા. આ એવો વિયોગ હતો, જેમાં કોઇને ખબર નહોતી કે જહાજમાં બેસીને જઇ રહેલા તેમનાં આપ્ત કદી પાછા આવશે કે નહિ. આખી રાત નદી કિનારે બેસી રહ્યા બાદ એક કતારમાં જઇ રહેલા તેમના સગાંઓને તેઓ છેલ્લું આલિંગન પણ નહોતા આપી શક્યા. જહાજ નીકળી ગયા બાદ સુદ્ધાં ઘણા વૃદ્ધ પતિ-પત્નિ કિનારા પર બેસી રહ્યા હતા. તેમનામાં ઉઠીને પાછા ઘેર જવા જેટલી શક્તિ નહોતી રહી. એકના એક જુવાનજોધ પુત્રને વિદાય આપ્યા બાદ તેમની શી સ્થિતિ થઇ હશે એ તો પરમાત્મા જાણે.
તેવામાં એક ડોસો અને તેનો યુવાન પુત્ર સિગરામમાંથી ઉતરીને મુંઘેરના ચોક તરફ દોડી રહ્યા હતા. યુવાનના ખભા પર એક ચાર વર્ષનું બાળક હતું. ડોસો હાંફી રહ્યો હતો. ચોકમાં બેસેલા એક માણસને યુવાને પૂછ્યું, “મુંઘેર કિલા તરફ જવાનો રસ્તો બતાવશો?”
“કેમ, કોઇને મૂકવા કે મળવા આવ્યા છો?”
“હા, અમારી બહેન અને બનેવીને...”
“અરે ભૈયા, તમે થોડા મોડા પડ્યા. જહાજ તો નીકળી ગયું લાગે છે. ગિરમીટીયાઓને મૂકવા આવેલા લોકો આ...સામેથી આવી રહ્યા છે.”
ડોસો રસ્તામાં ફસડાઇ પડ્યો. યુવાનની આંખમાંથી અસહાયતાના આંસુ નીકળી આવ્યા.
“મારા બાબુજી અને મા ક્યાં છે, મામા? નાનાજી?” યુવાનના ખભા પર બેસેલા બાળકે પૂછ્યું.
આનો જવાબ કોઇની પાસે નહોતો.
*********
જહાજ હુગલી પહોંચ્યું. ગિરમીટીયાઓને ખિદીરપુરના મોટા વેરહાઉસમાં લઇ જવામાં આવ્યા. આ હતો તેમનો ‘હોલ્ડીંગ ડીપો’.
બીજા દિવસે ‘બડા ડાક્તર સાહેબ’ તથા મોટા સાહેબ આવ્યા.
મોટા સાહેબે ફૉર્મ ભર્યું. આપણા કુલીનો વારો આવ્યો ત્યારે તેના ગામઠી સરદારે સરકારી અફસરને વિગતો લખાવી:
નામ: રામ પરસાદ. કારકૂને લખ્યું, “રામ પરસૉદ”
તેની સ્ત્રીનો વારો આવ્યો ત્યારે નામ લખાવ્યું: સંદ્રા દેબી. અંગ્રેજ કારકૂને લખ્યું, “સાન્દ્રા ડેબી” ખરૂં નામ હતું ચંદ્રા દેવી!
બાળક: નરાયણ પરસાદ: કારકૂને લખ્યું, “નેરાઇન પરસૉદ”.
આ નામ કાયમ માટે લખાઇ ગયા, અપાઇ ગયા. તે દિવસથી તેમનાં નામ જેવા લખાયા, તેવા વંચાયા.
આરકટીયાના સરદારને દર વ્યક્તિ દીઠ દસ શીલીંગ આપવામાં આવ્યા. આરકટીયાની ફી જુદી હતી.
ફૉર્મ ભરાયા બાદ દાક્તરી તપાસ થઇ. દાક્તરે દરેક સ્ત્રી, પુરુષ અને બાળકને તપાસી સર્ટીફીકેટ આપ્યું: તેમણે તપાસેલ વ્યક્તિ શારીરિક તથા માનસિકરીતે પ્લાન્ટેશનમાં જવા અને કામ કરવા સક્ષમ છે. તેમની સાથે ભરતી કરનાર સરકારના પ્રતિનિધિઓએ સહિ કરી.
રામ પરસૉદ, સાન્ડ્રા ડેબી અને નેરાઇન પરસૉદને ગયાના રાજ્ય માટે ફાળવવામાં આવ્યા.
બીજા દિવસે રામપ્રસાદ તેના સરદારને મળ્યો. “અમે ઉતાવળે નીકળ્યા તેથી ઘરવખરીની ચીજો લઇ શક્યા નહોતા. અહીં આવ્યા ત્યારે ખબર પડી કે આ વસ્તુઓ અહીંથી લઇ જવાની છે. મને રજા આપો તો જઇને વસ્તુઓ લઇ આવું.”
આ એ જ સરદાર હતો જેણે રામપ્રસાદને મુંઘેર શહેરમાં જવાની રજા આપી હતી. “સાંભળ, તને મારી જવાબદારી પર જવા દઉં છું. તું પાછો ન આવે તો મારી આવી બને,”
“ભલા માણસ, મારી પત્નિ અને બાળકને અહીં ડેપોમાં છે, તેમને મૂકીને કેવી રીતે જઇ શકું?”
“તારે સામાન લેવા જ જવું હોય તો બડા બઝારમાં જા. ત્યાં બધી વસ્તુઓ મળી જશે. અમે સાધારણ રીતે જોઇતી વસ્તુઓની યાદી બનાવી છે. જોઇએ તો તેની નકલ કરી લે.”
“મારી સ્ત્રીએ મને કહ્યું છે તેને શું જોઇશે.” કહી રામપ્રસાદ ખિદીરપુરથી બડા બઝાર જવા નીકળ્યો. રસ્તામાં કુમારટુલીના માટીકામના કારીગરોને સુંદર મૂર્તિઓ બનાવતા જોઇ તે એક વૃદ્ધ મૂર્તિકાર પાસે ગયો. ભાંગી તુટી બંગાળી-ભોજપુરીમાં તેણે પૂછ્યું કે તે આપે તે માપ પ્રમાણે કૃષ્ણભગવાનની મૂર્તિ બનાવી શકશે કે કેમ. અને તે પણ ચાર કલાકમાં. તે પૈસા પણ બમણા આપશે. ડોસો ખુશ થઇ ગયો. “હા, ચાર કલાકમાં બની જશે.”
“બાબા, હું તો કાળા પણી જઉં છું. આત્માના ઉદ્ધાર માટે સંસ્કૃતના શ્લોકનું પુસ્તક લઇ જવું છે. તમે જાણો છો તે ક્યાં મળશે?”
“ખબર નથી, પણ સાંભળ્યું છે કે સંસ્કૃત કૉલેજમાં આવી ચોપડીઓ મળી જાય છે,” કહી તેનું સરનામું આપ્યું.
પાંચેક કલાક બાદ રામપ્રસાદ એક ફીટનમાં મોટું પોટલું લાદીને કુમારટુલી ગયો. ત્યાંથી કન્હાઇની મૂર્તિ લઇ ડેપોમાં પહોંચી ગયો. ચંદ્રાદેવી - હવે સાન્ડ્રા ડેબીના નામથી ઓળખાતી તેની પત્નિ હજી પણ તેના પુત્રશોકમાં હતી. રામપ્રસાદે તેને હૈયાધારણ આપી. તેમનો પુત્ર સાચે જ ઘણો બિમાર હતો તેથી જ તેને સારવાર માટે તેના નાનાને ત્યાં રાખ્યો હતો. કાળાપાણીનો લાંબો પ્રવાસ તે જીરવી શક્યો ન હોત. દૂર રહીને જીવંત રહેલ બાળક સારૂં કે સતત મૃત્યુના ઓછાયા નીચે તેને પરદેશ લઇ જવું? અને તે પ્રવાસમાં જ...સાન્ડ્રાએ રામપ્રસાદના મ્હોં પર હાથ મૂક્યો અને કહ્યું, “શુભ-શુભ બોલો.”
બીજા દિવસે પરોઢ પહેલાં, ત્રણ વાગે ગયાના જનારા ગિરમીટીયાઓને ગિલૅન્ડર્સ આર્બથનૉટ કંપનીએ ચાર્ટર કરેલ જહાજ ‘ગૉસ્પોર્ટ’ પર ચઢાવવામાં આવ્યા. મજુરોએ ચાર સઢ વાળું આટલું મોટું જહાજ જીંદગીમાં પહેલી વાર જોયું. ફરી એક વાર Weigh Anchorનો હુકમ, કરૂણ-ગંભીર અવાજના હુંકાર જેવા અવાજ સાથે ગૉસ્પોર્ટના ક્લૅક્સનના અવાજ સાથે કલકત્તાના ડાયમન્ડ હાર્બરથી નીકળ્યું.
આપણા લોકો જેને કાળા પાણી કહેતા હતા, તે યુરોપીયનો માટે ‘એલ ડોરાડો’ - સોનાની લંકા હતી. પહેલાં ત્યાંનું પીળું સોનું લૂંટવા કૉંકીસ્તેડોર ગયા હતા. હવે સફેદ સોનું - ખાંડના રૂપમાં મળતી સોનાની મહોર માટે અંગ્રેજ જમીનદારો પહોંચી ગયા હતા. યુરોપમાં સોનું કમાવી, પાર્લમેન્ટના સભ્યોને ખરીદી તેમણે એક નવો ધંધો શરૂ કર્યો હતો. વેસ્ટ ઇંડીઝના ગુલામોને છુટા કરી તેમના સ્થાને ગરીબ ભારતીયોને ઇન્ડેન્ચર્ડ લેબરરના પ્રતિષ્ઠીત નામથી અભિનવ ગુલામી શરૂ કરી હતી.
હિંદુસ્તાન! પહેલાં તેનું સુવર્ણ, હિરા, પન્ના લૂંટવા પરદેશીઓ આવ્યા. ત્યાર પછી બીજા પરદેશી આવ્યા, હિંદુસ્તાનીઓનાં માથાં વાઢી, તેના મિનારા બનાવી ગાઝીનો ખિતાબ જીતવા. તેમની પાછળ પાછળ સામ્રાજ્ય સ્થાપવા તુર્ક, તેજાના ખરીદવાના નામે યુરોપીયનો આવ્યા, રાજ્ય સ્થાપ્યું અને સાથે સાથે ‘અજ્ઞાન’માં ભટકતા મૂર્તિપૂજક ભારતીય ‘જંગલીઓનાં’ આત્માનો ઉદ્ધાર કરવા ધર્મગુરુઓ આવ્યા. હજી જાણે કંઇ બાકી રહ્યું હોય, તેમ ગુલામોની અવેજીમાં ‘કુલી’ઓની જથ્થાબંધ ભરતી થઇ રહી હતી. ત્રીસ-પાંત્રીસ વર્ષમાં ત્રણેક લાખ ભારતીયો ફિજી, દક્ષીણ આફ્રિકા, મૉરીશસ, યુગૅંડા-કેન્યા અને વેસ્ટ ઇન્ડીઝ મોકલાયા.
આ કુલીઓમાં હતા શૉનના પૂર્વજ, રામ પ્રસાદ, સાન્ડ્રા અને ‘નરાઇન પરસૉદ’.
પૂર્વજોનો આ ઇતિહાસમા ઘણું નવું જાણવા મળ્યું.કાળાપાણી એ યાદ આપી...આમ તો અમારું વાંસદા ડાંગ ગુર્જરી માના ખોળામાં બેઠેલા બાળક જેવું, પણ ૫૦-૫૫ વર્ષ પહેલા વર્ષ પહેલાં તો કાળાપાણી જેવું લાગતું કારણમાં વાહન અને સંદેશા વ્યવહારની મુશ્કેલી.!અને મેલેરિયા જેવા રોગમા મૂત્રમાં હીમોગ્લોબિન નું ઉત્સર્જન જેનાથી કાળાપાણી તાવ બ્લૈક વૉટર ફ઼ીવર કહેતા! અને ત્યાર બાદ ફિજી, દક્ષીણ આફ્રિકા, મૉરીશસ, યુગૅંડા-કેન્યા અને વેસ્ટ ઇન્ડીઝ મા જવા હોંશે તૈયાર થતા.Pragnaju
ReplyDeleteગિરમિટીયાઓ વિશે સાંભળ્યું કે આછું પાતળું વાંચ્યું હતું. આજે આટલી વિગતે વાર્તા/ માહિતી જાણવા મળી.
ReplyDeleteગુલામીનો કાળો ઈતિહાસ.
મુન્શી પ્રેમચન્દે આ બાબત દીર્ઘ કવિતા લખી હતી. અમારે હિન્દી વિનીતની પરીક્ષામાં આવતા હતી.