Follow by Email

Sunday, March 13, 2011

કૅલીફોર્નિયા: ૧૯૯૨-૯૬

કહેવાય છે કે માણસે ભૂતકાળમાં વધુ વખત જીવવું ન જોઇએ! વચ્ચે વચ્ચે આજના કાળમાં પણ આપણાં પગ મજબૂત રીતે સ્થિર છે તેની ખાતરી કરી લેવી જોઇએ!
આજે આપણે કૅલીફૉર્નિયાની મુલાકાતે જઇશું અને આપણે જેમને થોડું ઘણું જાણતા હતા તેમને મળીને જોઇશું તેમના જીવનમાં શું થઇ રહ્યું છે.
*********
શૉન અને સુઝનના જીવનમાં એક શોકદાયક ઘટના બની ગઇ.
સુઝનના ગર્ભાશયમાં સીસ્ટ થઇ. કમભાગ્યે તે કર્કરોગયુક્ત જણાઇ અને તેના ઉપાય તરીકે તેની હિસ્ટરેક્ટોમી કરવી પડી હતી.
આખો પરિવાર દુ:ખી થયો. સુઝન તથા તેના પતિએ બે વર્ષ માટે પરિવાર નિયોજન કર્યું હતું. આ અણધારી ઘટનાથી સૌને દુ:ખ થયું. શૉન તથા સુઝન, બન્નેને બાળકો વહાલાં હતા. સુઝને બાલરોગ નિષ્ણાત થવાનું નક્કી કર્યું તેનું આ જ કારણ હતું. બન્ને એવા સેવાભાવી હતા, દર વર્ષે વૅકેશન પર જતાં પહેલાં અગાઉથી વ્યવસ્થા કરી, શૉનના વતન ટ્રિનીડૅડ કે બેલીઝ, ગ્વાતેમાલાના બાળકોનાં હૉસ્પિટલમાં દવાઓ તથા શસ્ત્રક્રિયાના સાધનો લઇ જતા અને બાળકોને વિનામૂલ્યે સેવા આપતા. ટ્રિનીડૅડમાં તેને બેવડો આનંદ મળતો: દાદા-દાદી અને ખાસ કરીને કમલાદાદીને મળવા ઉપરાંત બાળકો સાથે ક્રિકેટ રમવાની મઝા મળતી!
હિસ્ટરેક્ટોમી બાદ સુઝન ભાંગી પડી હતી. શૉન તેનો ભાવનાત્મક આધારસ્તથંભ બની ગયો. ગ્રેસ તથા ક્રિસે તેને સાચવી લીધી. પરિવારના પ્રેમને જોઇ સુઝનને એક વાત સતાવવા લાગી: આવા સ્નેહાળ પરિવારને એક સંતાનની ભેટ પણ તે ન આપી શકી?
શૉન ઘણો સમજદાર હતો. તેણે પત્નિના બાલપ્રેમને લક્ષ્યમાં લઇ પરિવારમાં એક નવો અભિગમ શરૂ કર્યો. દર વર્ષે નજીકના શહેર અૉરેન્જમાં આવેલા કાઉન્ટી સંચાલિત અૉરેન્જવૂડ ચિલ્ડ્રન્સ હોમનાં ચારથી છ વર્ષનાં બાળકોને તેમના ઘરમાં થૅંક્સગિવીંગ અને નાતાલના દિવસ ઉજવવા બોલાવવાનું શરૂ કર્યું. આખો પરિવાર, ખાસ તો સુઝન બાળકો સાથે સમુદ્રકિનારે આખો દિવસ આનંદમાં ગાળી, તેમને તથા તેમના ‘કી-વર્કર્સ’ને ગિફ્ટ્સ આપવા લાગ્યા.
ચાર વર્ષથી ચાલતા આ કાર્યક્રમમાં ક્રિસ તથા ગ્રેસ પણ એટલા જ ઉત્સાહ તેમાં ભાગ લેતા અને બાળકોએ તેમને ‘મિસ્ટર પરસૉદ’ કે ‘મિસેસ પરસૉદ’ કહેવાને બદલે ‘ગ્રૅમ્પૉ-ગ્રૅન’ કહેવાનું શરૂ કર્યું.
એક ક્રિસમસ-ઇવની રાતે જ્યારે બધા મળીને બાળકો માટેની પ્રેઝન્ટ પૅક કરતા હતા, ગ્રેસને વિચાર આવ્યો: પુત્ર-પુત્રવધુનો બાળકો પ્રત્યે આટલો સ્નેહ અને ઉત્સાહ છે, તો તેઓ એક બાળકને દત્તક લે તો કેવું? એક બાળક તેમના જીવનમાં આવે તો તે તેમના સ્નેહનું કેન્દ્ર બનશે અને સતત બાલઉછેરનો, બાળકના વિકાસમાં સહભાગી થવામાં તેમને અનન્ય આનંદ અનુભવવા મળશે. રાત્રે સૂતી વખતે તેણે ક્રિસને વાત કરી. તેમને આ વિચાર ઘણો ગમ્યો.
નાતાલનો દિવસ બાળકોના કિલ્લોલમાં ગાળી રાત્રે તેઓ ફાયરપ્લેસ પાસે બેસી, કૉફી પર વાત કરતા હતા, ત્યારે ગ્રેસે વાત છેડી.
સુઝન થોડી ગંભીર થઇ.
“લૂક, માય ચિલ્ડ્રન,” ક્રિસે કહ્યું, “અમે તમને ફક્ત વિચાર કરવાનું સૂચવીએ છીએ. અમે જાણીએ છીએ કે આ કામ ભારે જવાબદારીભર્યું છે. તમે બન્ને કમીટેડ ડૉક્ટર્સ છો. તમારા વ્યવસાયને ધ્યાનમાં રાખતાં તમારા માટે આ શક્ય થશે કે નહિ, તેનો વિચાર કરી અમારા સૂચન પર ધ્યાન આપવાનું છે.”
“સુઝન, શૉન, આ તો કેવળ અમારો વિચાર છે. તમારે તેને સ્વીકારવો જ એવું કશું નથી. તમારા બન્નેનાં કમીટમેન્ટ્સ, ભવિષ્યની યોજના - આ બધી વાતો ધ્યાનમાં લઇ, તમને શક્ય લાગતું હોય તો જ તેનો વિચાર કરજો. ક્રિસે કહ્યું તેમ તમારો જે નિર્ણય હશે તે અમને માન્ય છે. તમારી ખુશીમાં જ અમારો આનંદ સમાયો છે,” ગ્રેસે કહ્યું.
“હા, અને એક વાત: તમે કોઇ પણ વર્ણનું બાળક - છોકરો હોય કે છોકરી દત્તક લેવાનો નિર્ણય કરશો, અમે તેને હૃદયપૂર્વક મંજુર કરીશું. અમે બાળકનું એવું ધ્યાન રાખીશું કે દિવસ દરમિયાન તમને તમારા કામમાં જરા પણ વ્યત્યય આવવા નહિ દઇએ. અમને તેના દાદા-દાદી બનવાનો લહાવો મળશે.”
વાત એટલી ગંભીર હતી, સુઝન કે શૉન થોડો સમય શાંત બેસી રહ્યા. કૉફી ઠંડી પડી ગઇ. સુઝન કિચનમાં ગઇ અને કૉફીમશીનમાંથી ગરમ કૉફી લઇ આવી. તેની આંખમાં કોણ જાણે કેમ ઔદાસ્ય દેખાતું હતું. ગ્રેસને એકાએક આત્મદોષની લાગણી થઇ આવી. આ વાત છેડીને તેણે સુઝનને દુ:ખ પહોંચાડ્યું હોય તેવું તેને લાગ્યું.
“We did not mean to upset you, sweetheart!” ગ્રેસે આર્જવતાપૂર્વક કહ્યું. “અમે તારા હૃદયમાં બાળકો પ્રત્યેનો નિ:સીમ પ્રેમ જોતાં આવ્યા છીએ. અમારૂં સૂચન...”
“ના, મૉમ, ડૅડ, એવું કશું નથી. હું તમારી ભાવના ક્યાં નથી જાણતી? શૉન અને હું આ વાત પર જરૂર વિચાર કરીશું. કેમ શૉન?”
“હા, મૉમ. આમ અચાનક આ વાત નીકળી તેથી અમે જરા ચકિત થયા હતા, એટલું જ. તમે જરા પણ ક્ષોભ મહેસૂસ ન કરશો.”
ગ્રેસે સુઝન તરફ જોયું. તેણે મૉમ તરફ જોઇ સ્મિત કર્યું.
એક આનંદ સાથે ‘હાશ’ની લાગણીથી ક્રિસ અને ગ્રેસ ઉભા થયા, અને ગુડ નાઇટ કહી બેડરૂમ તરફ ગયા.
સુઝન તથા શૉન ઘણો સમય ઊંડા વિચારમાં ફાયરપ્લેસ પાસે બેસી રહ્યા.
આ વાતને એક અઠવાડીયું વિતી ગયું. એક દિવસે સાંજે અગાસીમાં બેસી િક્રસ અને ગ્રેસ પ્રશાંત મહાસાગરના હીલોળાં જોતાં હતા. હંમેશની જેમ થોડી વારે શૉન અને સુઝન ત્યાં આવ્યા. બન્નેના ચહેરા પર સ્મિત હતું. આજે શૉનના હાથમાં ટ્રે હતી, તેમાં મોએત્ એ શાન્દોંની બાટલી અને ચાર પ્યાલીઓ હતી.
“ડૅડ, મૉમ, અમે બાળક દત્તક લેવાનું નક્કી કર્યું છે!”