Follow by Email

Monday, March 21, 2011

પરિક્રમા: પટના બિહાર - ૧૯૯૭

લંડનમાં કરેલા તેમના રીસર્ચ દરમિયાન સુઝને ઘણી ઝીણવટથી નોંધ કરી હતી. જ્યારે શૉન પુસ્તકો અને રાઇટર્સ બિલ્ડીંગના દસ્તાવેજ તપાસતો હતો, તેણે બ્રિટીશ લાયબ્રરીના નકશા વિભાગમાંથી ૧૮૫૦-૬૦ના દશક દરમિયાન બનાવેલા નકશા મેળવ્યા અને જગતસિંહે લખેલા તથા કમલાદાદીએ તેમની યાદદાસ્ત મુજબ કહેલા સ્થળોનું રેખા ચિત્ર બનાવ્યું. ત્યાર પછી બન્નેએ મળીને પ્રવાસનો કાર્યક્રમ બનાવ્યો. પ્રવાસનો મૂળ ઉદ્દેશ જ્યોતિપ્રકાશના વારસોને શોધવાનો હતો તેથી સૌ પ્રથમ તેમણે પટનાને કેન્દ્રસ્થાન બનાવવાનું નક્કી કર્યું. લંડનના તેમના અલ્પ વાસ્તવ્યમાં તેમને મળેલા ‘પ્રવાસી ભારતીય’ના કહેવા પ્રમાણે હિંદીના જ્ઞાન વગર બિહારમાં તેમને ઘણી મુશ્કેલી નડશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બોલાતી હિંદી સમજવી ઘણી મુશ્કેલ હોય છે.
પટનામાં તેઓ હૉટેલ મૌર્યમાં ઉતર્યા. બીજા દિવસે તેમણે રાજીવ પ્રસાદને ફોન કરી તેમની અૅપોઇન્ટમેન્ટ લીધી અને તેમને મળવા ગયા.
“તમને વાંધો ન હોય તો મારા સ્ટેનોગ્રાફરને બોલાવું? તમે અાપશો તે માહિતીના મુખ્ય મુદ્દા તે નોંધી લેશે. તે વાંચી તમને તે બરાબર લાગે, તે પ્રમાણે મારા સાથીઓને તે બાબતમાં તપાસ કરી તમને મદદ કરવાનું કહી શકું.”
“જરૂર. અમને વાંધો શાનો હોય? અમે તો તમારી મદદની હૃદયપૂર્વક કદર કરીએ છીએ.”
તેમણે રાજીવને પાંડે, ઝા, ઉદયપ્રતાપસિંહ અને રામ અવધ માથુરના પરિવાર અને તેમના રઘુરાજપુર, આરા, મુંઘેર તથા ભાગલપુરના વાસ્તવ્ય વિશે વાત કહી.
“મને લાગે છે આપણું ધ્યાન મુંઘેરના પાંડે પરિવાર તરફ કેન્દ્રીત કરીએ તો ઘણી વાતોનો ઉકેલ મળશે. Any way, મુંઘેરના ડીસ્ટ્ર્ીકટ મૅજીસ્ટ્રેટ મારા ખાસ મિત્ર છે તેમને વિનંતિ કરીશ. મને આશા છે કે તમને ત્યાં સફળતા મળશે. રામ અવધ માથુરના પરિવાર વિશે હું જરા સાશંક છું. એક તો તે ભાગલપુરમાંથી એવી રીતે ગુમ થઇ ગયા હતા, કોઇ નિશાની પાછળ નહોતી મૂકી ગયા. જગતના પાંડે પરિવારની સાથેના ઘનીષ્ઠ સંબંધ જોતાં તેણે કદાચ તેમનો ક્યારેક સંપર્ક કર્યો હોય તે બનવા જોગ છે. આપણે મુંઘેર પર વધુ ધ્યાન આપીશું.
“તમે ઝા પરિવાર વિશે જે કહ્યું તેના પરથી મને લાગે છે તેમને આપણે જુદી રીતે શોધીશું. તમને ખબર નહિ હોય, પણ અમારા ગયા ક્ષેત્રના ગયાવળ બ્રાહ્મણો પાસે ભારતના અનેક લોકોના પૂર્વજોની નોંધ હોય છે. આ એક એવું સ્થાન છે, જ્યાં ભારતના દરેક હિંદુ પોતાના માતા-પિતા અને પૂર્વજોના શ્રાદ્ધ કરવા અહીં આવે છે અથવા આવવાની ઇચ્છા રાખે છે. ઝા પરિવાર આરાના પંડિતો હતા. તેમની માહિતી ગયાના કોઇ પ્રખ્યાત પંડા પાસે હોવી જોઇએ. આપણે તે પણ જોઇશું.”
થોડા સમય બાદ સ્ટેનોગ્રાફર તો પૂરી મિનિટ્સ લીધી હોય તેમ ટાઇપ કરેલ માહિતી લઇ આવ્યો. પરસૉદ દંપતિએ તે જોઇ અને હકારમાં માથું હલાવ્યું.
“હું સંબંધીત અફસરો સાથે વાત કરીશ. મને આશા છે કે એકાદ અઠવાડીયામાં કોઇક સમાચાર તો મળશે.”
“એક વિનંતિ છે, મિસ્ટર પ્રસાદ. અમે કેટલાક સ્થળોની મુલાકાત લેવા માગીએ છીએ, અને બને તો ત્યાંના લોકો સાથે વાત કરવી છે. આપ કોઇ દુભાષિયાની વ્યવસ્થા ન કરાવી શકો?”
રાજીવે થોડો વિચાર કર્યો અને ફોન ઉપાડ્યો. કોઇકની સાથે વાત કરીને તેણે કહ્યું, મારા ભત્રીજાને કૉલેજમાં રજા છે. તે તમારી સાથે આવવા તૈયાર છે.”
*********
રાજીવના ભત્રીજા શશી રંજન સાથે તેઓ પહેલાં રઘુરાજપુર ગયા. એક જમાનામાં સમૃદ્ધ હોય તેવું આ ગામ અત્યારે બિસ્માર હાલતમાં હતું. ત્યાંનો દરબારગઢ ઉજ્જડ થયો હતો. તેની આસપાસની જમીનોમાં ઘાસ ઉગી નીકળ્યું હતું. ભીંતો ભાંગી પડવાની અણી પર હતી. નજીકમાં થોડાં ઘર હતા તેમાંથી બે ત્રણ બાળકો અને સ્ત્રીપુરૂષો મોટી મોટર જોઇને બહાર આવ્યા. એક ગોરી સ્ત્રીને બહાર નીકળતી જોઇ થોડા વધુ લોકો તેને જોવા આવ્યા.
“આ કોઠીના માલિક ક્યાં છે?”
“કોઇક ઠાકુર છે. અમે તો તેમને લાંબા સમયથી જોયા નથી. અમે સાંભળ્યું છે કે તેમના એક બે સગાં વહાલાં ગામમાં રહે છે અને બાકીના પટના. અમારા દાદાજી કદાચ જાણતા હશે. થોડા ખમી જાવ, તેમને બોલાવીએ.”
થોડી વારે એક વૃદ્ધ પુરૂષ લાકડીના સહારે બહાર આવ્યા. તેમણે જાડી લેન્સના ચશ્મા પહેર્યા હતા અને હાથવણાટના કપડાં. શૉને પૂછેલા અને શશી રંજને ભાષાંતર કરેલા સવાલના જવાબમાં બાબાએ કહ્યું કે તે થોડું ઘણું જાણે છે અને મોટા ભાગની વાતો તેણે સાંભળી હતી.
તેમના કહેવા પ્રમાણે એક જમાનામાં આ સમૃદ્ધ ગામ હતું. ગદર બાદ તેની પડતી દશા આવી. અંગ્રેજોએ આ નાનકડી રિયાસત ખાલસા કરી હતી. રાજાસાહેબે સરકારના હુકમ સામે કેસ કર્યો અને ઠેઠ મોટી અદાલત સુધી ગયા. અંતે તે જીત્યા તો ખરા, પણ એટલું કરજ થઇ ગયું કે તેમને મોટા ભાગની જમીનો વેચવી પડી. તેમનો વારસ ગદરમાં ગુમ થઇ ગયો હતો તેથી બાકી બચેલી તેમની અસક્યામત તેમની દિકરીને મળી, પણ હવે પિત્રાઇઓએ તેના પર દાવો કર્યો. દિકરીના ભાગે ખાસ કંઇ ન આવ્યું. જો કે તે પહેલાં તેના લગ્ન થઇ ગયા હતા મધ્યપ્રદેશના કોઇ નાનકડા સંસ્થાનમાં. તેના સાસરિયા શ્રીમંત હતા અને તેમને તેના ભાગે આવેલી પચાસ-સો એકર જમીનમાં રસ નહોતો. મુખ્ય તો તેને અહીંની કરૂણ યાદોથી છૂટકારો જોઇતો હતો. કોરટ-કચેરીનાં લફરાંમાંથી છૂટવા તે કદી પાછી ન આવી અને જમીનો દુષ્ટ પિત્રાઇઓને મળી. વૃદ્ધ બાબાના પૂર્વજ જુના ઠાકુરના ખેડૂત હતા. “ઘણા ભલા રાજા હતા. કિસ્મત ખરાબ હોય ત્યાં માણસ શું કરે?”
શૉન અને સુઝનને અત્યંત દુ:ખ થયું. તેમણે દરબારગઢમાં જવાનો પ્રયત્ન કર્યો પણ તેને જૂનાં કટાઇ ગયેલા તાળાં હતા. બહારથી મસ મોટી પોર્ચ જોઇતે તે પાછા વળ્યા. તેમને જગતસિંહના પિત્રાઇઓના વંશજોને મળવામાં રસ નહોતો. જે ગિધની જેમ આ મહામૂલી જમીન પર તૂટી પડ્યા હતા તેમને મળીને શો ફાયદો?
મોડી સાંજે તેઓ પાછા પટના ફર્યા.