Follow by Email

Monday, March 7, 2011

પરિક્રમા: કતલમાંથી બચાવ
જ્યારે તે મેદાનની વચ્ચે પહોંચ્યો, જમીન પર હજી અસંખ્ય જવાનો પડ્યા હતા. તેમના માટે તે કશું પણ કરવા અસમર્થ હતો. તે રિસાલદાર પાંડે પાસે પહોંચ્યો ત્યારે તેમને હોશ આવવા લાગ્યો હતો અને બેઠા થવાનો પ્રયત્ન કરતા હતા. જગત ’મેઘ’ પરથી ઉતર્યો, તેમને ખભો આપી ઉભા કર્યા અને ‘મેઘ’ પર બેસાડ્યા. નજીકમાં સીઓ કે અૅજુટન્ટ બેમાંથી એકનો ઘોડો હતો તેને પલાણવા ગયો ત્યાં તેને પાછળ હલચલ થતી હોય તેવું લાગ્યુ.
અંગ્રેજ સેનાએ તેમની એક કંપનીને તેમના પર ગોળીબાર કરી રહેલ જગતની ટુકડી પર હુમલો કરવા મોકલી હતી, પરંતુ બીજી કંપનીની બે ટુકડીઓ રાઇફલ પર સંગીન ચડાવી જમીન પર પડેલા ઘાયલ પણ જીવીત સ્વારો પર બેયોનેટ ઘોંચીને ખતમ કરવા બહાર પડી હતી. આને મિલીટરી ભાષામાં Mopping-up કહેવાય છે. જેવો તેણે તેમના રેજીમેન્ટલ સાર્જન્ટ મેજરનો હુકમ “ચાર્જ!” સાંભળ્યો તેણે પાછળ જોયું. અંગ્રેજોએ તેમનું કામ શરૂ કર્યું હતું. તેણે જોયું તો લોહિયાળ સંગીન સાથે એક સિપાઇ તેની તરફ દોડી આવતો હતો, જગતસિંહે ખભા પરથી સંગીન ચડાવેલી પોતાની રાઇફલ ઉતારી, સામનો કરવા તૈયાર રહ્યો. જેવો દુશ્મને તેના પેટનું સંધાન લઇને સંગીન ઘોંચવા રાઇફલનો વાર કર્યો, જગતે પોતાની રાઇફલ વતી parry - એટલે ઘાને બાજુએ કરવાની કાર્યવાહી કરી, રાઇફલનો કુંદો તેના જડબા પર માર્યો. અંગ્રેજ જમીન પર પડતાં વેંત તે કુદીને ઘોડા પર સ્વાર થયો. ‘મેઘ’ની લગામ પકડી તેણે એડી મારી. બન્ને ઘોડા મિલીટરીની કાર્યવાહી માટે પ્રશિક્ષીત હતા. તે વાડ કુદીને પરેડગ્રાઉન્ડની બહાર પડ્યા. કાચી સડક પાર કરી ખુલ્લા મેદાનમાં ગયા ત્યાં તેમના પર ગોળીબાર શરૂ થયો. સો-બસો ગજ ગયા હશે ત્યાં જગતસિંહને ડાબા પડખા પર કોઇએ ગરમ છરા વતી ઘા કર્યો હોય તેવું લાગ્યું. બે ગોળીઓ તેના ઘોડાને વાગી. લથડીયું ખાઇને તે ઢળી પડે તે પહેલાં જગતે પેંઘડામાંથી પગ કાઢ્યા અને જમીન પર કુદી પડ્યો. આગળ જતો ‘મેઘ’ રોકાઇ ગયો. જગત ઘડીનો વિલંબ કર્યા વગર રિસાલદારની પાછળ બેસી ગયો અને ઘોડો દોડાવ્યો. એકાદ માઇલ ગયા બાદ જગતે ઘોડાને રોક્યો અને પાછળ જોયું કે કોઇ તેનો પીછો કરે છે કે કેમ. કોઇને ન જોતાં તે મેઘને નજીકના વૃક્ષોના ઝુંડમાં લઇ ગયો. તેણે રિસાલદાર પાંડેને નીચે ઉતાર્યા. તેમની અચકન ઉતારીને તેમનો ઘા તપાસ્યો. ગોળી તેમના ખભાની આરપાર નીકળી ગઇ હતી. એક રીતે આ સારી વાત હતી, નહિ તો તાત્કાલિક શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડી હોત. તેને પોતાને ગોળી વાગી હતી ત્યાં પડખાના માંસનો નાનકડો હિસ્સો ગોળીની સાથે જ ઉડી ગયો હતો. પાંડેસાહેબનું ઘણું લોહી વહી ગયું હતુ.
કિશોર વયથી જગતસિંહની ટેવ હતી: ક્યાંયે જવાનું હોય તો એક તરફની સૅડલબૅગમાં બે દિવસ ચાલે એટલું કુલેર જેવું સત્તુ, શેકેલા ચણા અને ગોળ જેવું ભોજન તથા પાણીની મસક હંમેશા રાખે. બીજી તરફ ઘોડા માટે ચણા અને કાળો ગોળ ભરે. રિસાલામાં દાખલ થયા બાદ રેગ્યુલેશન મુજબ આપવામાં આવેલો હળવો બેડ-રોલ તથા મુફ્તી (સિવિલીયન કપડાંની જોડી) રાખતો. યુદ્ધના અનુભવી પીઢ સૈનિકોની સલાહથી એક રતિ અફીણ સાથે રાખતો. સૈનિકો યુદ્ધમાં ઘાયલ થાય તો તેની પીડા ઓછી કરવા અફીણ રાખતા. હજી પણ સૈનિકોને મૉર્ફિનના ઇન્જેક્શનની એક નાનકડી ટ્યુબ આપવામાં આવે છે. ઘાયલ સિપાહી રેજીમેન્ટલ એઇડ પોસ્ટ સુધી પહોંચે ત્યાં સુધી સૈનિકનું દર્દ ઓછું કરવા આ ઉપયોગમાં લેવાય છે. તેણે રિસાલદારને અર્ધી રતિ જેટલું અફીણ અને ગોળ અને પાણી આપ્યું. પાણી પીને તેમણે જગતને કહ્યું, “જગત, આપણે પરેડ ગ્રાઉન્ડ છોડી જવું જોઇતું નહોતું. હું રેજીમેન્ટનો સૌથી વરીષ્ઠ દેશી અફસર છું. અંગ્રેજી સેના સાથે ૪૦ વર્ષથી નોકરી કરૂં છું. મારી વાત તેમણે માની હોત. આજે આપણે બન્ને ભગોડા જાહેર થઇશું. મને લાગે છે, આપણે પાછા જવું જોઇએ.”
“સાહેબ, એવું હોત તો તેમણે આપના પર ગોળી ન છોડી હોત. આપણી અર્ધા ઉપરાંત રેજીમેન્ટ તેમના ગોળીબારમાં ખતમ થઇ છે. આ જાણે ઓછું હોય, તેઓ જમીન પર ઘાયલ પડેલા સ્વાર તથા આપણને સંગિન વડે મારી નાખવા મેદાનમાં ઉતર્યા હતા.”
“તેમણે મારી રૅંક જોઇને એવું ન કર્યું હોત....”
“આપણે બધા ગદ્દાર છીએ એ નિર્ણય તો તેમણે ગોળીઓની પહેલી રમઝટમાં જ લઇ લીધો હતો. સાહેબ, મરેલો માણસ પોતાની રૅંક, વફાદારી કે નિર્દોષતા પૂરવાર કરી શકે નહિ.”
“જગત, ગદ્દારી તો આપણે ત્યારે કરી જ્યારે નંબર વન ટ્રૂપના જવાનોએ સીઓ સાહેબ અને અૅજુટન્ટ પર ગોળી ચલાવી.” રિસાલદાર સાહેબ હજી પણ શૉકમાં હતા.
“આપના મતે આપણે શું કરવું જોઇએ?”
રિસાલદારે વિચાર કર્યો. એક વાર પરેડ ગ્રાઉન્ડ છોડ્યા બાદ ત્યાં પાછા જવું એટલે મૃત્યુ નક્કી છે એવું લાગ્યું. તેઓ કશું બોલ્યા નહિ.
“સાહેબ, હું તો ગાર્ડ ડ્યુટી પર કૅમ્પમાં હતો. પરેડગ્રાઉન્ડ પર શું થયુ?”
પાંડેએ પૂરી વાત કરી. જગતે તેનો પોતાનો અનુભવ કહ્યો.
“મને લાગે છે વાત આપણા હાથમાં રહી નથી. હું આ ઇલાકાથી પરિચિત છું. અહીંથી અસરગંજ નજીક છે. મને ત્યાં મૂકીને તમે તમારા પરિવાર પાસે પહોંચી જાવ.”
“જી ના, સાહેબ. હું એટલું જાણું છું કે આપ મુંઘેરની નજીકના છો. આપને આપના પરિવાર પાસે પહોંચાડ્યા વગર હું ક્યાંય નહિ જઉં. મને ડર એક જ વાતનો છે. અાપનું સરનામું અને વારસ વિશેની નોંધ સરકારી ચોપડામાં છે. આપના જહેનમાં કોઇ અન્ય જગ્યા છે?”
“મુંઘેરથી દસે’ક માઇલ દૂર એક સ્થાન છે. અહીંથી ત્યાંનો પ્રવાસ બે દિવસનો છે. પાસેના જંગલમાં એક પુરાતન મંદિર છે. હાલ પુરતું ત્યાં જઇએ. હું રસ્તો બતાવીશ.”
જગત અને રિસાલદાર પાંડે બન્ને યુનિફૉર્મમાં હતા. જગતસિંહે એક વૃક્ષની નીચે બૅયોનેટ વતી ખાડો ખોદી બન્નેનાં યુનિફૉર્મ દાટ્યા. તેમનાં સાફા સફેદ મલમલના હતા. તેનો રિસાલદાર માટે ધોતિયા અને ઉપરણા તરીકે કર્યો. જગત પાસે મુફ્તી હતી તે તેણે પહેરી લીધી. છેલ્લે ઘોડાના પલાણની નીચેના કામળા પર રેજીમેન્ટનું ચિહ્ન હતું, તેથી કામળો પલટાવીને નિશાન છુપાવ્યા.
ઢળતી બપોર સુધી તેઓ જંગલમાં રહ્યા અને અંધારૂં થતાં આગળ વધ્યા. મોડી સાંજના તેઓ એક પુરાતન શિવમંદિરના ભગ્નાવશેષ પાસે પહોંચ્યા. ત્યાં શિવલીંગ પર થોડાં સુકાયેલા ફૂલ હતા, પણ આસપાસ કોઇ માણસ હોય તેવું લાગ્યું નહિ. મંદિરની નજીક ઢાળ હતો અને નીચે એક વહેળો હતો. જગતે મશક ભરી. કિનારા પરથી એક મોટો લીસો પત્થર લીધો અને મંદિરમાં આવ્યો. આસપાસ ઘણાં વૃક્ષ હતા. તેણે લીમડાનાં પાંદડા તોડ્યા, તેને વાટી લેપ બનાવ્યો. પાણી વડે રિસાલદારનો ઘા સાફ કર્યો અને લીમડાનો લેપ લગાવ્યો. ત્યાર પછી પોતાના જખમ પર. પાંડે ઘણા થાકી ગયા હતા. તેમને ભાથાંમાંથી સત્તુ કાઢીને મેસટીનમાં પીરસ્યો. તે જમતા હતા તે દરમિયાન જગતે આસપાસથી સુકાં લાકડાં અને ઝાંખરા ભેગા કર્યા અને અગ્નિ ચેતાવ્યો. મંદિરનો ઓટલો સાફ કરી ત્યાં બેડ-રોલ પાથર્યો અને પાંડે સાહેબને ત્યાં આારામ કરવાનું કહ્યું.
“જગત, તમે?”
“મારી ચિંતા ન કરશો. હું સવારે આરામ કરી લઇશ.”
*********
સવારે પાંચ વાગે રિસાલદાર જાગી ગયા. જગત રાઇફલ લઇ નજીક અગ્નિ પાસે બેઠો હતો.
દસે’ક વાગે તે સતર્ક થઇ ગયો. દૂરથી કોઇ મંત્રોનું રણ કરતું હોય તેવું તેને લાગ્યું. તેણે ઝડપથી મેઘને તથા તેમનાં હથિયાર લઇ ઢાળ ઉતરી વહેળાના કિનારે દૂર જઇ ત્યાં ઘોડાને બાંધ્યો અને ચપળતાપૂર્વક પાછો આવ્યો. રાઇફલ તૈયાર રાખી એવી રીતે છૂપાઇ ગયો કે તે પગદંડી તથા મંદિર પર નજર રાખી શકે પણ આગંતુક તેને જોઇ ન શકે. મિલીટરી ટ્રેનીંગ!.
ધીમે ધીમે મંત્રજાપ નજીક આવ્યો અને તેણે એક વૃદ્ધ ગ્રામ્યજનને એક હાથમાં હાથમાં લોટો અને બીજા હાથમાં નાનકડી છાબડી લાવતાં જોયો. ડોસો મંદિરના ઓટલા પર પાંડેને જોઇ ગભરાઇ ગયો અને પૂતળાની જેમ સ્તબ્ધ થઇ ગયો.