બીજા દિવસે કમલાદાદીએ ક્રિસ અને મહેશને બોલાવ્યા અને જગતપ્રતાપસિંહનો અંતિમ ઇચ્છા-પત્ર વાંચી સંભળાવ્યો. તેમને કોઇને સ્વપ્ને પણ કલ્પના નહોતી કે તેમના પૂર્વજ કેવી પશ્ચાદ્ભૂમાંથી આવ્યા હતા. તેમના જીવનના સંઘર્ષની વાત સાંભળી તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે સૌએ તેમની અંતિમ ઇચ્છાનો નમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો. સૌને ખુશી એ વાતની હતી કે તેઓ ઉચ્ચ પરંપરાના સંતાન હતા અને તેમના પૂર્વજની જેમ મહેનત કરી આપબળે આગળ આવ્યા હતા.
શૉન અને સુઝને હવે આગળના કાર્યની યોજના હાથ ધરી. તેમની પાસે હવે કેટલાક નક્કર નામ હતા. રઘુરાજપુરના રાજા ઉદયપ્રતાપ સિંહ, જગદીશપુરના બાબુ કુંવરસિંહ, તેમના ભાઇ અમરસિંહ, રિસાલદાર બ્રિજ નારાયણ અને કૃષ્ણનારાયણ પાંડે તથા તેમનું મુંઘેર નજીક આવેલ ગામ અને પંડિત વિદ્યાપતિ ઝા; તેમની પાસે રામ અવધલાલનું કેવળ નામ હતું, બસ. તેમના બીજા કોઇ સગડ નહોતા.
ગામની વાત કરીએ તો તેમાં સૌથી અગત્યના ત્રણ નામ હતા: કલકત્તા, મુંઘેર તથા રઘુરાજપુર. રામ અવધ તથા દદ્દાના પુત્ર જ્યોતિને શોધવાનો વિચાર કર્યો તો મદદ માટે સૌથી મોટી શક્યતા કૃષ્ણનારાયણ પાંડેના પરિવારની હતી. રામપ્રસાદદાદા તેમની પાસે લાંબો સમય રહ્યા હતા. કદાચ તે શરનરાનીના પરિવારના સંપર્કમાં હોઇ શકે. મુંઘેર અને ભાગલપુર ગંગા કાંઠે છે અને બન્ને વચ્ચે અંતર ચાલીસેક માઇલનું હતું. કદાચ બિહાર છોડી જતાં પહેલાં રામઅવધ તેમની પાસે કોઇ સમાચાર મૂકી ગયા હોય?
તેણે નક્કી કર્યું કે તેમણે શરૂઆત બ્રીજ નારાયણ પાંડેનું સરનામું શોધવાથી કરવી જોઇએ. તેણે સાંભળ્યું હતું કે વૉરન હેસ્ટીંગ્ઝના સમયથી લઇને ભારતમાં અંગ્રેજ સરકારના છેલ્લા દિવસ સુધીના બધા રૅકર્ડઝ બ્રિટીશ લાયબ્રરી, લંડનમાં મોજુદ છે. તેણે બ્રિટીશ કૉન્સ્યુલેટમાં ૧૮૫૭ના વિપ્લવના રેકૉર્ડ ક્યાં મળી શકે તેની તપાસ કરી. તેને જાણવા મળ્યું કે દક્ષીણ લંડનના વુલીચમાં વિપ્લવ વિષયક મોટા ભાગના દફતર છે. બ્રિટીશ અફસરોના પત્રવ્યવહાર તથા ‘રાઇટર્સ બિલ્ડીંગ’થી મોકલવામાં આવેલા બધા કાગળ પત્રો યુસ્ટનમાં આવેલી બ્રિટીશ લાયબ્રરીમાં મળશે. પાંચમા રિસાલાના દેશી અને અંગ્રેજ અફસરોનાં Nominal Rolls અને સરનામાં વુલીચમાં મળી શકશે. તેણે લંડન જવાનું નક્કી કર્યું.
મહેશે આગ્રહ કર્યો કે ક્રિસ અને ગ્રેસ પોર્ટ અૉફ સ્પેનમાં રહે. શૉન તથા સુઝને લંડન જવાની તૈયારી કરી.
*********
નીચે કેટલાક જુના ફોટોગ્રાફ્સ તથા ચિત્રોની પ્રતિકૃતિ મૂકી છે, જેના પરથી ખ્યાલ આવશે કે આ કથાના પાત્રો કેવા દેખાતા હશે! ડાબેથી જમણે:
દિલ્લીના કુખ્યાત કૅપ્ટન હડસન; પાંચમા રિસાલાનો સ્વાર ટેન્ટપેગીંગ સ્પર્ધામાં; પાંચમા રિસાલાના દેશી અફસર. પાંડે કદાચ આવા દેખાતા હશે.
સ રસ
ReplyDeleteજાણકારીભરી માહિતી સાથે
આજે ચિત્રો માણવાની ખૂબ મઝા આવી
Pragnaju
આ સતયકથા છે - એવું અનુમાન ચિત્રો પરથી કરું તો, તમે એક ગુજરાતી સાહિત્યને એક અદભૂત વાર્તા આપી છે.
ReplyDeleteઆમાં થોડાક કલ્પનાના રંગ ભલે હોય; સત્યકથા હોય તો તેનું મૂલ્ય અનેકગણું વધી જાય છે.
આભાર પ્રજ્ઞાજુ, સુરેશભાઇ!
ReplyDeleteશું કહું? કલમ ભલે કૅપ્ટન નરેન્દ્રની હોય, પણ તેમાં પ્રોત્સાહની શાહી આપે ભરી છે, તેથી તે ચાલી રહી છે. જે દિવસે તે ખૂટશે, પાનાં કોરાં રહેશે!