જગતે રિસાલદાર સાથે જવાનો નિર્ણય કર્યો તે સાંભળી શરનને ચિંતા કરતાં પતિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ થઇ. પતિમાં નિષ્ઠાની ભાવના કેટલી તીવ્ર છે એ તેના કરતાં કોણ વધુ જાણી શકે? નિષ્ઠાને ખાતર તેણે માતા-પિતા, મોભો, જમીન-જાગિર, અને શ્રીમંત રહેણી કરણી છોડી હતી. સૌથી મહત્વની વાત તો એ હતી કે તેણે કદી પણ શબ્દ, કૃતિ, વૃત્તિ કે વર્તણુંકથી શરનને કે અન્ય કોઇને એવું ન ભાસવા દીધું કે તેણે કોઇ ‘ત્યાગ’ કર્યો હતો. તેની દૃષ્ટીએ તેણે વાસ્તવમાં ત્યાગ નહોતો કર્યો - ફક્ત મેળવ્યું હતું. તે ખરેખર અંતરથી શરનને ચાહતો હતો અને માનતો હતો કે પરમાત્માએ તેને શરનરાનીના રૂપમાં એક અદ્ભૂત બક્ષીસ આપી હતી. રિસાલામાં તો કોઇને ખબર પણ ન હતી કે તે કોઇ જાગિરદારનો પુત્ર હતો. ‘ઊંચા’ ગણાતા વર્તુળોમાં વાત થઇ હતી કે ઠાકુર ઉદય પ્રતાપના પુત્ર જગતપ્રતાપસિંહે પ્રેમને ખાતર પરિવાર છોડ્યો હતો. લાન્સ દફેદાર જગતને કોઇ જાણતું - ઓળખતું નહોતું.
લગ્ન પછી તે દાનાપુર રહેવા આવી ત્યારથી રિસાલદારસાહેબે તેને પિતાનો સ્નેહ આપ્યો. બાળકો માટે તેઓ નાના અને દાદા હતા. જગતની તેમણે પુત્રની જેમ સ્નેહપૂર્વક કાળજી રાખી હતી. આજે પતિને આવા અનોખા વડીલની સેવા કરવાનો મોકો મળ્યો એ વાતનો શરનને ફખ્ર હતો.
“અમારી ચિંતા ન કરશો. તમે દાદાજી સાથે જાવ. અમે અહીં સુખેથી રહેશું,” તેણે કહ્યું હતુ.
*********
નાથપંથી સાધુઓનાં રંબેરંગી વાઘાં અને ઉનનાં કાળા દોરડા વિંટાળેલાં વક્ષ તથા હાથ જોઇ પોલિસ પણ તેમને દૂરથી જ જવા દેતા. આવા અલગારી સાધુની ઝડતી લેવી સમય બરબાદ કરવા જેવું હતું. ખાલી કમંડળ-ચિપીયાધારી બુઢા નાથબાબા અને તેમના યુવાન ચેલાને કોઇએ રોક્યા નહિ. એકાદ ગામના પોલિસપટેલે તેમને રોક્યા હતા, પણ તેમના પુત્રને લાગેલી નજર ઉતારવા માટે!
બક્સરથી પાંચ માઇલ પહેલાં પાંડે અને જગત નૌકામાંથી ઉતરી ગયા. અહીં તેમના માટે ઘોડા તૈયાર રાખવામાં આવ્યા હતા. અમરસિંહના પડાવ પર પહોંચ્યા ત્યારે અમરસિંહ ત્યાંથી નીકળવાની તૈયારીમાં હતા.
રિસાલદાર આ વિસ્તારથી વાકેફ હતા અને અંગ્રેજોની વ્યૂહરચનાથી પણ. અમરસિંહ પાસે કેવળ ચારસો ઘોડેસ્વાર હતા. અંગ્રેજો બક્સરના સામા કાંઠેથી ફોજ ઉતારીને તેમના પર સીધો હુમલો કરી શકે તેમ હતા. સાથે સાથે દાનાપુરથી અને દક્ષીણમાં ગયાથી તેમની સેના આવવાની શક્યતા હતી. ફક્ત પશ્ચિમમાં કૈમૂરના ડુંગરાઓ તરફ તેમની કોઇ સેના નહોતી. કૈમૂરની તળેટીમાં તેમનો સામનો કરી બને એટલું નુકસાન કરી પહાડોમાં છટકી જવું, અને ત્યાંથી ગેરિલા પદ્ધતિથી તેમને હંફાવવા એવી યોજના અમરસિંહે કરી. તે પ્રમાણે તેમણે કૈમૂરની તળેટીમાં આવેલા નૌનદી ગામ તરફ કૂચ શરૂ કરી.
નૌનદીમાં તેઓ મોરચાબંધી કરી રહ્યા હતા ત્યાં મણેરથી forced march કરતી કંપનીની મોટી સેના આવી પહોંચી. યુદ્ધ શરૂ થયું. અમરસિંહની સેનાએ કરેલા જબરજસ્ત કાઉન્ટરઅૅટેકમાં કંપનીની સેના પાછી હઠવા લાગી, ત્યાં ઉત્તરમાંથી જનરલ ડગલસની સેના આવી પહોંચી અને વીસેક મિનીટમાં ગયાથી ભારે સંખ્યામાં ફોજ આવી. કંપની સરકારે નક્કી કર્યું હતું કે કોઇ પણ હિસાબે આ યુદ્ધમાં અમરસિંહનો અંત આણવો. લડાઇમાં અમરસિંહના ત્રણસો સૈનિકો ખપી ગયા. નૌનદીની બાજુમાં સલીઆ દહારનું ગામડું હતું ત્યાં અમરસિંહની સેના ખસી. હજી પણ તે હાથી પર બેસી યુદ્ધનું સંચાલન કરી રહ્યા હતા. એક પછી એક તેમનો જવાન પડવા લાગ્યો. રિસાલદારે તેમને હાથી પરથી ઉતરી અશ્વ પર સવાર થવા સલાહ આપી. હાથી પર તે અંગ્રેજ નિશાનબાજનો સહેલાઇથી ભોગ બને. તેઓ નીચે ઉતર્યા. તેમને એક વર્તુળની વચ્ચે રાખી દેશી સૈનિકો લડત આપી રહ્યા હતા. પોતાની સ્થિતિ એટલી નાજુક થઇ હતી કે તેમનું ટકવું અશક્ય હતું. જગત અને રિસાલદારે નક્કી કર્યું કે અહીંથી અમરસિંહને કૈમૂરના ડુંગરાઓમાં લઇ જવા. આના માટે ફક્ત એક જ ઉપાય હતો.
છેલ્લા પચીસ જવાન બાકી રહ્યા. અંધારૂં થવા આવ્યું હતું. રિસાલદારે નક્કી કર્યું કે અમરસિંહને લઇ જંગલમાં આદિવાસીઓની વસ્તી બહાર દેવીના મંદિર પાસે જવું.
અંધારૂં થાય અને અમરસિંહ છટકી જાય તે પહેલાં અંગ્રેજોએ ધસારો કર્યો. એક અંગ્રેજ લાન્સર તેના ભાલા સાથે અમરસિંહ સુધી પહોંચ્યો અને તે ઘોંપે તે પહેલાં રિસાલદાર તેની અને અમરસિંહની વચ્ચે પોતાનો ઘોડો આણ્યો અને અમરસિંહપર થનારો ઘા પોતે ઝીલી લીધો. જગતે અમરસિંહને તેમના ઘોડાની લગામ ઝાલી નિર્ધારીત સ્થળે ઘોડા દોડાવવા કહ્યું. “હું અાપને ત્યાં આવીને મળીશ,” કહી તેમનો સફેદ પીંછાવાળો ટોપ ઉતારી પોતે પહેરી લીધો. ત્રણ સવાર - અમરસિંહ, રિસાલદાર અને જગત નૌનદીના મેદાનમાંથી નીકળ્યા. અંગ્રેજોએ તેમનો પીછો કર્યો. અચાનક જગતે ઘોડો વિપરીત દિશામાં લીધો. તેમની પાછળ પડેલા અંગ્રેજ સૈનિકો તેને અમરસિંહ ધારી તેની પાછળ પડ્યા. અમરસિંહ અને અર્ધમૃત અવસ્થામાં રહેલા રિસાલદાર પહાડોમાં આદિવાસીઓની વસ્તી તરફ ગયા.
ઘોડેસ્વારીમાં જગતને કોણ પકડી શકે? તેણે ઘોડાના કાનમાં કોણ જાણે શું કહ્યું, તે જાણે ઉડવા લાગ્યો. જોતજોતામાં તે એટલો આગળ નીકળી ગયો, તેમને હાથ ન લાગ્યો.
મધરાતે તે જ્યારે જંગલની વચ્ચે આવેલા મંદિરમાં પહોંચ્યો, રિસાલદાર આખરી શ્વાસ લઇ રહ્યા હતા. તેમણે જગતને નજીક બોલાવ્યો.
“મારા ગળામાં તાંબાનું માદળીયું છે તે કાઢીશ, દિકરા? તેમાં છીદ્ર કરી તેમાંનું ગંગાજળ મારા મ્હોંમાં મૂક.”
“સાહેબ..”
“મારી પાસે સમય નથી, બેટા. જલદી કર.” જગતે તેમની આજ્ઞા માની. તેમનું શિર પોતાના ખોળામાં લઇ તેમના મુખમાં ગંગાજળ મૂક્યું. રિસાલદારે તેની સામે એક અવર્ણનીય આનંદથી જોયું અને સ્મિત સાથે પ્રાણ ત્યાગ્યા.
સંધ્યા થઇ ગઇ હતી તેમ છતાં તેમણે રિસાલદારનો અંત્યવિધિ કર્યો. રિસાલદારસાહેબ સૅડલબૅગમાં પૂજાનો સામાન રાખતા. તેમાં તાંબાનું પાત્ર હતું. તેમાં તેમના અવશેષ મૂક્યા અને એક કપડામાં બાંધ્યા. અમરસિંહનું હૃદય ભરાઇ આવ્યું. તેમણે જગતના ખભા પર હાથ મૂક્યો. જીવનમાં પહેલી વાર જગતની આંખોમાંથી અવિરત આંસુની વર્ષા થઇ.
એક યુગનો અંત આવ્યો હતો.
"અવર્ણનીય આનંદથી જોયું અને સ્મિત સાથે પ્રાણ ત્યાગ્યા.સંધ્યા થઇ ગઇ હતી તેમ છતાં તેમણે રિસાલદારનો અંત્યવિધિ કર્યો"શત શત વંદન
ReplyDeleteહિન્દુસ્તાનની તવારીખમાં અભૂતપૂર્વ લેખાતા એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ભારતની આગેવાની હેઠળ બંગાળ, બિહાર અને ઊડિયા સહિતના પ્રાંતો આઝાદીના હવનકૂંડમાં સ્વયંની આહુતિ આપવા તત્પર હતા. કમળ અને રોટી સ્વીકારે એ સાથે સાધુઓ લાલઘૂમ આંખે ચિત્કારી ઊઠતા હતા,
‘કંપની કિસકી જોરૂ,
સિંધિયા કિસકા સાલા..
પી પ્યાલા,
માર ભાલા!’
પ્રજ્ઞાજુ
૧૮૫૭ના વિપ્લવમાં નિષ્ક્રિય રહેવા અંગે ગુજરાતને કાયમ કાળી ટીલી ચોંટાડવામાં આવે છે ત્યારે શહીદ મંગલ પાંડેની ૧૫૨મી પૂણ્યતિથિએ પ્રસ્તુત છે, વિપ્લવના તાંડવમાં ઝઝૂમી ચૂકેલા ગુજરાતી શુરાપૂરાઓની પરાક્રમકથા
ReplyDelete-----
http://www.divyabhaskar.co.in/2009/04/08/0904081913_gujarat_nama_of_1857.html
૧૮૫૫માં હરદ્વાર ખાતે યોજાયેલ કુંભમેળાના માઘ્યમથી કમળ અને રોટીના પ્રતીક સ્વરૂપે સમગ્ર હિન્દુસ્તાનના કાનમાં આઝાદી અને વિપ્લવનો મંત્ર ફૂંકનાર એ શ્વેત વસ્ત્રધારી સાધુને ભાવિકો સ્વામી દયાનંદ સરસ્વતીના નામથી ઓળખતા હતા, જેમનું પૂર્વાશ્રમનું નામ હતું મૂળશંકર કરશનજી ત્રિવેદી! ટંકારા ગામે જન્મેલા એ ગુજરાતી! ‘‘‘ હિન્દુસ્તાનની તવારીખમાં અભૂતપૂર્વ લેખાતા
ReplyDeleteસંધ્યા થઇ ગઇ હતી તેમ છતાં તેમણે રિસાલદારનો અંત્યવિધિ કર્યો. રિસાલદારસાહેબ સૅડલબૅગમાં પૂજાનો સામાન રાખતા. તેમાં તાંબાનું પાત્ર હતું. તેમાં તેમના અવશેષ મૂક્યા અને એક કપડામાં બાંધ્યા. અમરસિંહનું હૃદય ભરાઇ આવ્યું. તેમણે જગતના ખભા પર હાથ મૂક્યો. જીવનમાં પહેલી વાર જગતની આંખોમાંથી અવિરત આંસુની વર્ષા થઇ.
ReplyDeleteએક યુગનો અંત આવ્યો હતો.
What a Fight..against so many..& the daring escape..& the death.
Touching moments !
DR. CHANDRAVADAN MISTRY
Chandrapukar !