Follow by Email

Sunday, March 20, 2011

પરિક્રમા: બ્રિટીશ લાયબ્રરી લંડન - એક અણધારી મુલાકાત (૨)

સાંજે ઘેર જતાં પહેલાં શૉને મને પૂછ્યું, “કાલે રવિવાર છે અને તમારી પાસે સમય હોય તો લંચ માટે તમે અમારી હોટેલ પર આવી શકશો? અગિયાર વાગે?”
“અમારા સંશોધન વિષયક કેટલીક વાતો સંવેદનશીલ છે, તેથી અહીં જાહેર સ્થળે તે વિશે વાત કરી શકતા નથી,” સુઝને કહ્યું
“જરૂર.”
તેમણે મને સ્ટ્રૅન્ડમાં ઇંડીયા હાઉસની સામે આવેલી તેમની હૉટેલનું નામ અને રૂમ નંબર જણાવ્યા.
હું જ્યારે તેમને તેમના કમરામાં મળ્યો, તેમણે મને કહી શકાય એટલી ટૂંકાણમાં તેમની ‘ખોજ’ વિશે વાત કહી તથા તેમના પૂર્વજે આપેલી પુરાતન વસ્તુઓના પોલરોઇડ ફોટોગ્રાફ બતાવ્યા. મને એક પછી એક વિસ્મયના આંચકા લાગતા હતા. કમાલ છે આ ડૉક્ટર દંપતિ, કમાલ છે તેમનો પરિવાર અને પરિકથા જેવી તેમની ગાથા પણ અભૂતપૂર્વ હતી.
“અમને મુંઘેરના પાંડે કુટુમ્બની શોધ છે. રાણી વિક્ટોરીયાની અૅમ્નેસ્ટીમાંથી બાકાત રખાયેલા જે બળવાખોર હતા, તેમાં એક રિસાલદાર પાંડે હતા. અમને કહેવામાં આવ્યું હતું કે બળવાને લગતા મોટા ભાગના દસ્તાવેજોનો સંગ્રહ વુલીચના રૉયલ આર્ટીલરી સેન્ટરમાં છે. અમને આશા છે કે રિસાલદાર પાંડેના ગામનું નામ કદાચ ત્યાં મળી આવે તો અમારૂં કામ સરળ થાય. એકાદ અઠવાડીયું ત્યાં સંશોધન કર્યા પછી અમે ભારત જઇશું. નવી દિલ્લીમાં એકા’દ દિવસ રહી પટના જઇશું. બને તો કોઇ ખાનગી ઇન્વેસ્ટીગેટર રોકીશું.
“સાચું કહું તો આ કામ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે, તેમ છતાં અમારી ઉમેદ કાયમ છે. અમે જે પરિવારને શોધીએ છીએ તે અમારી છેલ્લી આશા છે. કેવળ તેમના થકી અમે અમારા વડદાદાજીના ભારતમાં રહેલા વંશજોને શોધી શકીશું.”
સામાન્ય રીતે એક કે બે વાર મળેલી વ્યક્તિને તેના અંતરંગની વાત કહેતાં મેં કદી સાંભળી ન હતી. આ યુગલને કોણ જાણે કેમ મારા પર આટલો બધો વિશ્વાસ બેસી ગયો. એક તો તેઓ બન્ને સરળ મનના સહૃદયી સજ્જન હતા. મેં તેમને કરેલી નાની સરખી મદદ તેમના હૃદયની નિખાલસતાને સ્પર્શી હતી.
લંચ પર શાર્ડોનેની પ્યાલી લેતાં મને મારા જુના મિલીટરીના દિવસો યાદ આવ્યા. મારી બટાલિયનમાં એક કમાંડો અૉફિસર હતો, લેફ્ટનન્ટ સુધીર ગૌરિહર. તે પટનાનો હતો અને તેના કાકા બિહાર સરકારમાં IAS અફસર હતા. શૉનને બિહારના એક ઉંચો હોદ્દો ધરાવતા અફસરની મદદ મળે તો તેમનું કામ આસાન થઇ જાય. વર્ષો વિતી ગયા હતા તો પણ સુધીર સાથે મારો સંપર્ક ચાલુ જ હતો.
મેં શૉનને પૂછ્યું કે તેને અને સુઝનને વાંધો ન હોય તો હું સુધીર સાથે વાત કરૂં.
“Any help is welcome,” સુઝને કહ્યું.
ઘેર ગયા પછી મેં સુધીરને ફોન કર્યો.
“અરે સર, બાય અૉલ મીન્સ. મારા કાકા હવે બિહાર સરકારમાં રેવેન્યૂ સેક્રેટરી છે. બિહારના બધા કલેક્ટર સાથે તેમનો સિધો સંપર્ક હોય છે. મને ખાતરી છે કે તમારા મિત્રનું કામ થઇ જશે. હું તેમને અત્યારે જ ફોન કરૂં છું અને તેમનો જવાબ તમને જણાવીશ.”
બીજા દિવસે સુધીરનો મને ફોન આવ્યો. શૉન અને સુઝન શ્રી. રાજીવ પ્રસાદને જઇને મળશે તો તેઓ તેમને મદદ કરવામાં ખુશી અનુભવશે. તેણે તેમનાં ઘરના અને અૉફિસના સરનામાં આપ્યા.
એક અઠવાડિયા બાદ તેઓ હીથરો ટર્મિનલ ૩ પરથી દિલ્લી જવા નીકળ્યા.