Follow by Email

Thursday, March 10, 2011

પરિક્રમા: "...હમ તો વતન છોડ ચલે"

રિસાલદાર સાહેબનો અવાજ સાંભળી જગતને આશ્ચર્ય થયું. તેમણે જગતને લખેલા પત્રમાં ‘અંતિમ વિદાય' લખ્યું હતું તેથી તેમની સાથે ફરી મુલાકાત કદી નહિ થાય તેવું માન્યું હતું.
તેણે દરવાજો ખોલ્યો. પાંડે એકલા જ હતા અને તેમણે નાથપંથી સાધુનો વેશ પરિધાન કર્યો હતો. તેણે ઝુકીને ચરણસ્પર્શ કર્યો અને તેમને અંદર લઇ આવ્યો. પરસાળમાં શરન ઉભી હતી. તેઓ અંદર આવતાં તેણે પાલવ માથા પર ચડાવ્યો, તેમનાં બેઉ ચરણોને સ્પર્શ કરી ચરણરજ માથે લીધી. તેમણે તેના મસ્તક પર હાથ રાખી આશિર્વાદ આપ્યા અને અંદરના ઓરડામાં આવ્યા. શરન ઝટ રસોડામાં ગઇ અને પાણી લઇ આવી. જલદીથી તેણે રસોઇ બનાવી અને પાંડેસાહેબને ભોજન પીરસ્યું.
ભોજન લીધા પછી પાંડેએ કહ્યું, “જગત, દિકરા, આંબાવાડીયામાં તને અચાનક મૂકીને મારે જવું પડ્યું હતું. મારો જખમ વકર્યો હતો. વૈદ્યરાજે મને તરત સારવાર લેવાની ફરજ પાડી. એક અઠવાડીયું આરામ કરી હું મારા જુના સાથીઓને મળવા ગયો. તને યાદ છે મેં તને એક વાર કહ્યું હતું કે હું રિસાલાનો વેલ્ફેર અૉફિસર હતો? અમે દરેક જીલ્લામાં અમારા એક સાથીનું ઘર પહેલેથી નક્કી કરી રાખ્યું હતું જ્યાં અાપણા રિસાલાને લગતી સુખાકારીની કે અન્ય કોઇ ચિંતાની બાબત હોય તો ત્યાં પહોંચાડવી. ત્યાંથી તે જીલ્લામાં રહેનાર ભૂતપૂર્વ સૈનિકોને સમાચાર મળતા રહે. મારી તબિયત થોડી ઠીક થતાં મેં મારી ઓળખ છુપાવવા આ વેશ પરિધાન કર્યો. આપણા રિસાલાના લોકોની ભાળ કાઢવા મેં અવધ અને બિહાર પ્રાંતનો પ્રવાસ શરૂ કર્યો. બક્સરમાં અમે મળ્યા ત્યારે ગંગાના સામા કાંઠેથી આવેલા દફેદારે મને બલ્લીયા જીલ્લાની વાત કહી.
“સૌથી વધુ ચિંતાજનક માહીતી તને લગતી છે. તને પકડવા પોલીસ અવધના બલ્લીયા શહેરમાં ગયા હતા. તેમની હિલચાલની જાણકારી મને મારા વેલફેર નેટવર્ક પરથી મળી. તેમને અહીં આવતાં વધારે સમય નહિ લાગે તેથી તને ચેતવવા જાતે આવ્યો છું.”
“અમે પરમ દિવસે અહીંથી નીકળવાનું નક્કી કર્યું છે. પહેલાં મધુબની અને ત્યાંથી તરાઇ,” જગતે કહ્યું.
“હવે તે જગ્યા સુરક્ષીત નથી. ઘણા સિપાઇઓ ત્યાં ગયા અને પકડાઇ ગયા. જંગ બહાદુરે ત્યાં બધે માણસો રાખ્યા છે. એ તો તેણે પકડેલા દર સિપાઇ દીઠ કંપની સરકાર પાસેથી પૈસા મેળવે છે.”
“હવે?” શરને ચિંતાતુર સ્વરે પૂછ્યું.
“કાલે બપોરે તમને મધુબની લઇ જવા એક ગાડું આવશે. તમને બેસાડી મધુબનીના રસ્તે તો જશે, પરંતુ બે-ત્રણ માઇલ જઇ, રસ્તો બદલી તે દક્ષીણમાં આવશે. અહીં ગામમાં ન આવતાં ગાડીવાન તમને સૌને રૂદ્રપુરના નિર્જન કિનારા પર લઇ જશે. ત્યાં માછીમારની નૌકા તમારી રાહ જોતી હશે. આ એ જ માઝી છે જેમણે જગતને નિયાઝીપુર ઉતાર્યો હતો. તેઓ તમને સૌને મુંઘેરની નજીક ઉતારશે જ્યાંથી તું અહીં આવવા નીકળ્યો હતો. આગળની વ્યવસ્થા કૃષ્ણ નારાયણે કરી છે.”
શરને જગત તરફ ચિંતાગ્રસ્ત નજરથી જોયું. જગતે માથું હલાવી તેને હૈયાધારણ આપી: તે જગ્યા સુરક્ષીત છે.
“સાહેબ, મારા પિતાજીને મળીને દોઢેક મહોનો થઇ ગયો. આપ બક્સરથી આવો છો તો તેમના વિશે કોઇ સમાચાર?”
“સમાચાર ચિંતાજનક છે. ઠાકુરસાહેબ બાબુ કુંવરસિંહના મિત્ર હતા એ સહુ જાણે છે. કુંવરસિંહ તેમની ફોજ લઇને બીબીગંજમાં અંગ્રેજોને હરાવીને આગળ વધતા હતા, ત્યારે તેઓ રઘુરાજપુર પાસેથી નીકળ્યા હતા. તારા પિતાજીએ તેમની સેનાને છુપી રીતે રસદ પહોંચાડી હતી. તમારા કોઇ હિતશત્રુએ કંપની સરકારને ખબર કરી અને તેઓ આ બાબતમાં તપાસ કરી રહ્યા છે. તમારા ખેડુતો વફાદાર છે. દુકાળના સમયે ઠાકુરસાહેબે કરેલી ઇમદાદને તેઓ ભુલ્યા નથી. તેઓ તેમને આંચ નહિ આવવા દે.”
જગતના ચહેરા પર દુ:ખનું વાદળું છવાયું. અભાવિત રીતે તેનું મસ્તક નકારમાં હાલ્યું. તેને અફસોસ થયો કે પિતાજીના આવા કપરા સમયે તેણે તેમની પાસે હોવું જોઇતું હતું.
પાંડે જાણે તેના વિચાર વાંચી ગયા હોય તેમ બોલ્યા, “જગત, કંપની સરકારે આપણા રિસાલાને ગદ્દાર જાહેર કર્યો છે. તેના ભૂતપૂર્વ અમલદાર તરીકે તારી ઠાકુરસાહેબ પાસેની ઉપસ્થિતિથી તેમની સ્થિતિ વધુ ખરાબ થઇ હોત. તારો સ્વભાવ હું જાણું છું. રિસાલામાં જોડાયો ન હોત તો તું આજે બાબુ કુંવરસિંહના એક સેનાપતિના સ્થાને રહી અન્યાય અને જુલમ સામે કંપની સરકારના વિરોધમાં લડતો હોત. તું દુ:ખી ન થઇશ. આખરે તો ઇન્સાન પોતપોતાનું ભાગ્ય પહેલેથી લખાવીને આવે છે.”
પરોઢ થવા આવી હતી. બહાર કોઇ નાથપંથી સાધુની ટહેલ સંભળાઇ. “જય ગોરક્ષનાથ, જય મચ્છિંદરનાથ”
શરન તેને દાન આપવા ઉભી થવા જતી હતી ત્યાં રિસાલદારે તેને રોકી.
“આ મારા માટે છે. મારો સાથી મને બોલાવી રહ્યો છે. મારે જવું જોઇશે.” કહી તેઓ ઉભા થયા.
“સાહેબ આપનો સંપર્ક સાધવો હોય તો..”
“મારૂં કોઇ એક ઠેકાણું નથી. જરૂર પડતાં હું જ તને મળીશ, નહિતો તને મળવા બોલાવીશ. જય ગોરક્ષનાથ. આ મંત્ર યાદ રાખજે. આવજે ત્યારે. જય ગોરક્ષનાથ.”
જગત અને શરન ઉભા થયા અને રિસાલદારના ચરણોને સ્પર્શ કર્યો.
રિસાલદાર ઝડપથી નીકળી ગયા.
*********
એક અઠવાડીયા બાદ કૃષ્ણનારાયણ તેમના સો એકરના શેરડીના ખેતરમાં એક તેજસ્વી યુવાનને લઇ આવ્યા. ત્યાં વીસે’ક ખેડુતો કામ કરી રહ્યા હતા. તેમને એકઠા કરી તેમને કહ્યું, “આ તમારા નવા મુકાદમ છે. મારા દૂરના પિત્રાઇ છે.”