Follow by Email

Tuesday, March 1, 2011

પરિક્રમા - કિશોરનું નવજીવન

૧૧.

વિષ્ણુપુર અને “કૉલોની” વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. વિષ્ણુપુરની વસ્તી બે હજારથી પણ ઓછી હતી. જમીન ફળદ્રુપ હોવાથી ત્યાં શાકભાજી અને ફળ મબલખ પ્રમાણમાં ઉગતા અને ગાડાંમાં ભરી નજીકના ઇસ્લામપુરના બજારમાં મોકલવામાં આવતા. સ્વચ્છ હવા અને મુક્ત વારાવરણના આ ગામમાં કોઇ ઘોંઘાટ થતો હોય તો તે કેવળ સાંજના સમયે જ્યારે પક્ષીઓનાં જુથ પોતાનાં માળામાં અને ગોચરમાં ચરવા ગયેલ પશુ ઘેર આવતા. ગામ એટલું નાનું હતું કે ગામમાં બધા એકબીજાને ઓળખતા.

કૉલોનીની વાત જુદી હતી. પટનાથી આરાની ધોરી સડકની બન્ને બાજુએ કૉલોની બિલાડીના ટોપની માફક ઉગી નીકળી હતી. સડકને અડીને દુકાનો હતી. જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ - ફોટો ફ્રેમ કરવાની દુકાનથી માંડી શાકભાજી, કરિયાણું, છાપાં, બૂટ-ચંપલ, કોઇ એવી ચીજ નહોતી જે ત્યાં વેચાતી નહોતી. અરે, બાટા કંપનીના ‘સેકંડ્ઝ’ના બૂટ પણ અહીં મળતા. વ્યાવસાયીકોની વાત કરીએ તો દરજી, ‘ડર્રાઇ ક્લીનીંગ’, વૈદ્ય અને RMP થયેલા ડાગદરબાબુનું લાકડાના ખોખા જેવી દુકાનમાં દવાખાનું પણ હતું. રસ્તા પર વાહન વ્યવહારને કારણે હૉર્નનો અવાજ સતત ગાજતો. ધોરી માર્ગ આવ્યો કે ત્યાં ચ્હા નાસ્તાની દુકાનો અને ઢાબાં પણ આવ્યા જ સમજવા. લીમડાની નીચે બૂટ ચંપલ રીપેર કરનાર બુઢા બાબા પણ ત્યાં હતા.
કૉલોનીમાં એક વિભાગ થોડો જુદો પડી ગયો હતો. અહીં થોડા પાકા મકાન હતા. જેમની પાસે જમીન ખરીદી, ઘર બાંધવાના પૈસા હતા તેમને માફીયાઓએ પૈસા લઇ મકાન બાંધવાની ‘રજા’ આપી હતી. વર્ષો બાદ ગ્રામ પંચાયતે તેમને અધિકૃત રહેઠાણની માન્યતા આપી હતી, અને ગટર કનેક્શન પણ આપવામાં આવ્યું હતું. સુબેદાર સાહેબ પાસેથી મળેલી માતબર રકમને કારણે રામ અભિલાષે ત્યાં નાનકડા આંગણાનું બેઠા ઘાટનું મકાન બાંધ્યું હતું. આખી વસ્તીમાં નાની નાની ગલીઓ હતી. કૉલોનીમાં થોડા ઘણા વૃક્ષ હતા. તેમાંના પીપળાના એક મોટા ઝાડ ફરતા પ્લૅટફોર્મ જેવો ચોરો કોઇ ધર્માત્માએ બાંધ્યો હતો. કૉલોનીની વસ્તીના વૃદ્ધ તથા બેકાર યુવાનોનું આ અનૌપચારીક ‘કમ્યુનીટી સેન્ટર' હતું. ત્યાં પોસ્ટમેન પણ કોઇ વાર ટપાલનું સૉર્ટીંગ કરવા બેસે. ચોરાની નજીક હનુમાનજીની નાનકડી દેરી હતી. આ ઉપરાંત ગામમાં બે નાનાં મંદિર હતા, શ્રીરામજી મંદિર અને શંકર ભગવાનનાં. ત્યાંથી થોડે દૂર બે મસ્જીદો હતી, સુન્ની અને શિયા પંથના અનુયાયીઓ માટે. કૉલોનીના પાછળના ભાગમાં આયરીશ પ્રોટેસ્ટંટ મિશનનું ચર્ચ હતું. આ ચર્ચ એટલે ઇંટ-ગારાનો મોટો ઓરડો, જેમાં પ્યૂના સ્થાને લાકડાના બાંકડા હતા, નાનું સરખું પુજાસ્થાન અને પલ્પીટ. પાદરીનું કામ કરતા હતા પૅટ્રીક મસીહ. ચર્ચની પાસે એક નાનકડું મેદાન હતું અને તેની આજુબાજુ થોડાં કાચા પાકા મકાન.

કૉલોનીમાં તમામ મોટા મોટા ધર્મના લોકો રહેતા હતા તેમ છતાં અહીં કદી કોમી રમખાણ થયા નહોતાં. ગરીબી અને બેરોજગારી એવા સામાન્ય ગુણાંક - common factors હોય છે, તે લોકોને નજીક આણે છૈ, એકબીજાની સામે નહિ. આનો પરચો જોવા મળતો ચોરામાં.

કૉલોનીની પશ્ચિમ દિશામાં શાળાઓ હતી. શરૂઆતમાં પ્રાથમિક શાળા બંધાઇ હતી. જેમ જેમ વસ્તી વધતી ગઇ, શાળાના ચોગાનની બાજુમાં મિડલ સ્કૂલ શરૂ કરવામાં આવી. રાકેશ અને સરિતા મિડલના બીજા અને ત્રીજા વર્ષમાં હતા અને નીતા પ્રાથમિકમાં હતી. બે-ત્રણ દિવસ બાદ રૂપવતીએ કિશોરને મિડલ સ્કૂલના પ્રથમ વર્ષમાં દાખલ કરાવ્યો.

*********

કિશોર જ્યારે તેના વર્ગમાં ગયો ત્યારે ત્યાંના જુના વિદ્યાર્થીઓ તેના તરફ કુતુહલથી જોવા લાગ્યા. માસ્ટરજીએ પૂછેલ સવાલના ઉત્તરમાં તેણે ગામનું નામ કહ્યું તે અગાઉ કોઇએ સાંભળ્યું નહોતું. મોજુદા વિદ્યાર્થીઓ તો ‘શહેર’ના હતા તેથી તેમનામાં થોડી ગુસપુસ તો થઇ કે ગામડા ગામનો એક અણઘડ જણ આવ્યો છે. કોઇએ તેને પોતાની પાટલી પર બેસવા જગ્યા ન કરી તેથી કિશોર છેલ્લી પાટલીના છેવાડા પર જઇને બેઠો. શાળાનો અભ્યાસક્રમ રાજ્ય સ્તરે યોજવામાં આવેલો હોવાથી તેની પાસે પુસ્તકો હતા, પણ ત્રણેક અઠવાડીયાની ગેરહાજરી બાદ તે શાળામાં ગયો હોવાથી તે પાછળ પડી ગયો હતો. નવી જગ્યા, નવા શિક્ષક અને નવા વાતાવરણમાં તે એટલો ગુંચવાયો હતો, તે કેટલીક વાતો જાણતો હોવા છતાં પ્રશ્નોના જવાબ આપતાં અચકાવા લાગ્યો. અંતે તેણે જવાબ આપવાનું ટાળાવનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓ અને શિક્ષક તેને ગામડાનો ડોબો સમજી તેની ઉપેક્ષા કરવા લાગ્યા.

એક દિવસ અચાનક પરિસ્થિતિમાં ફેરફાર થયો. કિશોરના વર્ગશિક્ષક શાળા છોડી ગયા અને તેમની જગ્યાએ એક યુવાન, આદર્શવાદી શિક્ષક આવ્યા. તેમણે ટીચર્સ ટ્રેનીંગ કોર્સમાં નવી ઇન્ટરઅૅક્ટીવ પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો, જેનો ઉપયોગ તેમણે આવતાં વેંત શરૂ કર્યો.

તેમના પહેલા દિવસે હિંદીનો પાઠ હતો પ્રેસિડેન્ટ લિંકન વિશે. તેમણે વર્ગમાં પ્રશ્ન પૂછ્યો: અબ્રાહમ લિંકન કોણ હતા?
વર્ગમાંથી કોઇએ જવાબ ન આપ્યો. શિક્ષકે પહેલી પાટલી પર બેસેલા વિદ્યાર્થી પ્રેમ મસીહ અને અબ્દુલ રઉફને પૂછ્યું.

“અમને ખબર નથી, સાહેબ.”

શિક્ષકે વર્ગ સામે જોયું. કિશોર નીચે જોવા લાગ્યો તે શિક્ષકના ધ્યાનમાં આવ્યું. તેણે તેને ઉભા થવાનું કહ્યું. “બચ્ચે, તુમ્હેં માલુમ હૈ?”

“માસ્ટરજી, વહ ગઁવાર હૈ. કુછ નહિ જાનતા,” એક છોકરો બોલ્યો.

શિક્ષકે કિશોરને ફરી પૂછ્યું: તું જાણે છે?

સાામાન્ય રીતે સૌને ઉદ્દેશાયેલા પ્રશ્નનો જવાબ આપવો કે નહિ તે તેની મરજીની વાત હતી. અહીં તો સીધો પ્રશ્ન હતો અને તે જવાબ જાણતો હતો. સત્યભાષી કિશોરે માથું હલાવી હા કહી.

શિક્ષક આશ્ચર્ય પામી ગયા. તેમના મુખમાંથી ઉદ્ાર નીકળ્યો, “ક્યા??? અચ્છા તો બતાઓ હમેં વે કૌન થે”

“સાહેબ તેઓ અમેરીકાના રાષ્ટ્રપતિ હતા અને તેમણે તેમના દેશમાંથી ગુલામીનો અંત આણ્યો હતો.”

“તેમના વિશે બીજું શું જાણે છે?”

“તેમના કેટલાક દેશવાસીઓને તે પસંદ ન પડ્યું. તેમાંના એક જણાએ ગોળી મારી તેમની હત્યા કરી.”

હવે શિક્ષકની સાથે આખો વર્ગ ચકિત થઇને તેની તરફ જોવા લાગ્યો.

“તેમના વિશેની આ બધી વાતો કોણે કહી?”

“મારા બાબુજીએ.”

“તેમણે બીજી કોઇ મહાન વ્યક્તિઓ વિશે વાત કરી હતી?”

“ગાંધી બાપુ, સ્વામી વિવેકાનંદ, લોકનાયક...”

“શાબાશ. તારા બાબુજીને મળીને મને ખુશી થશે. તેમને એક દિવસ શાળામાં લઇ આવજે.”

“સાહેબ, એના બાબુજી તો ગુજરી ગયા છે,” એક છોકરાએ જવાબ આપ્યો.

શિક્ષકને અત્યંત દુ:ખ થયું. પણ એક વાત જરૂર કરી. તેમણે કિશોરને પહેલી પાટલી પર બેસવાનો હુકમ આપ્યો.

તે દિવસથી કિશોરનું વ્યક્તિત્વ પુનર્જીવિત થયું. તેનું તેજસ્ પ્રકાશવા લાગ્યું.