૨૧મી ફેબ્રુઆરી ૧૮૬૦ની વહેલી સવારની ભરતીમાં ૪૦૮ કુલીઓથી છલોછલ ભરેલું ગૉસ્પોર્ટ કલકત્તાના ડાયમંડ હાર્બરથી નીકળ્યું. ઉપર-નીચેના ડેક પર ‘ભરેલા’ ભારતીયોમાં હવે નાતજાતના વાડા નહોતા રહ્યા. નહોતા રહ્યા હિંદુ મુસલમાન વચ્ચે કોઇ ભેદ. બધાની હવે એક જાતિ હતી. પુરૂષો એકબીજાના ‘જહાજીભાઇ’ થયા અને બહેનો ‘જહાજીન’. એક જહાજમાં પ્રવાસ કરનારાઓ વચ્ચે વધુ ઘનીષ્ઠ સંબંધો થયા.
શરૂઆતના થોડા દિવસો બધા માટે મજાના ગયા, પણ જેવું જહાજ બંગાળના ઉપમહાસાગરમાંથી િંહદી મહાસાગરમાં પ્રવેશ્યું, સાગરની મહાનતા સાથે તેના મોજાંઓની મહાશક્તિ તેમને ભાસવા લાગી. જહાજ એટલા જોરથી pitching અને rolling કરવા લાગ્યું, પ્રવાસીઓના પેટમાં ખાવાનું ટકતું બંધ થઇ ગયું. સ્ત્રીઓ, બાળકો અને પુરૂષો, કોઇ તેમાંથી બચ્યું નહિ. જહાજમાં ડૉક્ટર હતો અને તેમની સાથે બે-ત્રણ પુરૂષ સ્ટાફ. દવાઓના સ્ટૉકમાં તે સમયે ‘સી-સિકનેસ’ માટે તે સમયે કોઇ દવા નહોતી. જહાજીઓને પોતે જ પોતાની આસપાસની જગ્યા સાફ કરવી પડતી હતી. સ્ત્રીઓ તથા બાળકોની સ્થિતિ વધુ ગંભીર હતી. સાન્ડ્રા ડેબી પુત્ર વિયોગનું દુ:ખ બાજુએ મૂકી તેમને મદદ કરવા લાગી ગઇ. પતિને થોડું અંગ્રેજી આવડતું હતું. તેને ડૉક્ટર સાથે વાત કરવાનું કહ્યું. આવા દર્દીઓને કઇ પ્રાથમિક સારવાર આપવી તે જણાવે. અન્ય કોઇ ઇલાજ નહોતો. ફક્ત શરીરમાં પાણીનું પ્રમાણ તથા થોડી ઘણી શક્તિ રહે તે માટે થોડી ખાંડ અને ચપટી મીઠું ભભરાવેલું પાણી પીવા માટે અને સ્વચ્છતા જાળવવા પર ભાર આપવા ડૉક્ટરે જણાવ્યું. સાન્ડ્રાએ કમર કસી અને કેટલીક જહાજીનોને તૈયાર કરી.
સ્ત્રીઓની શારીરિક હાલત કરતાં મનોસ્થિતિ વધુ ખરાબ હતી. લગ્ન કર્યા ત્યારે માબાપનું ઘર છોડતાં જેટલું દુ:ખ થાય તેના કરતાં વધુ યાતના પોતાનું સર્વસ્વ ત્યાગીને જવામાં ભાસતી હતી. સાસરે હોય તો પણ તેમના જેવી પિયર છોડીને આવેલી અન્ય બહેનો સાથે મળીને સાવન ગાતી. માતાપિતાને ઉદ્દેશી આર્જવતાપૂર્વક ગાતી, “આ વર્ષે તો બાપુ, ભાઇલાને મોકલો અને અમને સાવન માટે પિયર બોલાવો!”
જહાજીનો માટે હવે નૈહર, સસુરાલ, સખી તો શું, આખું વતન છૂટી ગયું હતું.
એક દિવસે સાન્ડ્રાએ એક યુવતિને ગાતાં સાંભળી:
“ઐસી બિદાઇ બોલો દેખી કહીં હૈ
મૈયા ના બાબુલ, ભૈયા કૌનો નાહિ હૈં
આંસૂં કે ગહેને અૌર દુખકી હૈ ડોલી
બંદ કિવડીયા મોરે ઘરકી હૈ બોલી,
ઇસ અૌર સપનોંમેં ભી આયા ન કિજો
જો અબ કિયે હૈ દાતા ઐસા ના કિજો
અગલે જનમ મોહે બિટીયા ના કિજો.”
તેનાં અાંસુના દરવાજા ખુલી ગયા. તે પોતે ઢીંગલી જેવી હતી. તેની નાજુક લાગતી કાયા અને તેજસ્વી ચહેરાની પાછળ એક ભારતીય નારીનું હૃદય હતું, પરપીડા જાણનારૂં, હિંમતથી ભરપુર. તેણે નિશ્ચય કર્યો. રામપ્રસાદે કલકત્તામાં તુલસી માનસ રામાયણ ખરીદ્યું હતું. સાન્ડ્રાએ રોજ રાતે બે-ત્રણ જહાજીનોને ભેગી કરી રામાયણ વાંચવાની શરૂઆત કરી. સંખ્યા વધતી ગઇ. પરસ્પર સ્નેહ અને સહાયતાના મૂલ્યો કેળવાયા અને સૌએ પરિસ્થિતિનો મુકાબલો કરવા કમર કસી.
આ તો સફરની શરૂઆત હતી. આગળ શું થવાનું છે તે કોણે જાણ્યું હતું?
No comments:
Post a Comment