Tuesday, March 8, 2011

પરિક્રમા: અલવિદા, રિસાલદાર પાંડે

પુજારીને ચમકી જવાનું કારણ સાફ હતું.વર્ષોથી આ મંદિરમાં તેના સિવાય બીજું કોઇ જતું નહતું. પાંડેને જોઇ તે ગભરાયો, પણ પાંડેએ તેને “જય રામજીકી!” કહ્યું તેથી સ્વસ્થ થયો.
“જય રામજીકી,” કહી તેણે બન્ને હાથ મસ્તક સુધી લાવી પાંડેનું અભિવાદન કર્યું. પાંડેનાં સફેદ દાઢી મૂછ, સફેદ કેશ અને લાંબી ચોટલી જોઇ તેણે જાણ્યું કે આગંતુક બ્રાહ્મણ છે. તેણે પૂછ્યું, “આપ ક્યારે પધાર્યા મહારાજ?”
“અમે ગઇ કાલે મોડી સાંજે અહીં આવ્યા. આ વૃદ્ધ શરીર પડે તે પહેલાં અમારો પૌત્ર અમને કાશીવિશ્વનાથની જાત્રાએ લઇ જાય છે.”
“ધન ભાગ અમારા, આપના દર્શન થયા. અમે મહિનાના પહેલા સોમવારે નિયમીત રીતે અહીં ફૂલ ચડાવવા આવીએ છીએ. આપ આરામ કરો, અમે પૂજા પતાવી આપના માટે ભોજન લઇ આવીએ. એટલું જ પુન કમાવીશું!”
“અમે મરજાદી કાન્યકુબ્જ બ્રાહ્મણ છીએ. અમારૂં ભોજન અમારે જ પકાવવું પડે. આપ એક મહેરબાની કરશો? મારો પોતરો નાહીને આવે ત્યારે આપ તેને ગામમાં લઇ જઇ સામાન ખરીદવામાં મદદ કરશો?” ડોસાને 'સંત'ની સેવા કરવાનો મોકો મળ્યો તેથી તે ખુશ થઇ ગયો.
એટલામાં ત્યાં જગત આવી પહોંચ્યો. વૃદ્ધ પુજારી સાથે તે ગામમાં ગયો અને ભોજનની સામગ્રી તથા અન્ય વસ્તુઓ ખરીદી. બજારમાં પેલો વૃદ્ધ માણસ જગતનાં અને તેના સંત ‘દાદા’ના વખાણ કરતાં થાકતો નહોતો. “આ જમાનામાં કયો જુવાન પોતાના વૃદ્ધ દાદાને તીર્થયાત્રા કરાવે, કહો તો?”
વાણીયાની દુકાનમાંથી જગતે તેના દાદા માટે અંગરખો, શાલ અને ધોતિયું ખરીદ્યા. મંદિરમાં પાછા આવી તેણે રસોઇ કરી અને બન્ને જમ્યા, મેઘને ચણા ખવડાવ્યા અને બપોરે આરામ કરી સાંજે પ્રવાસ શરૂ કર્યો.
દિવસે જંગલમાં આરામ અને રાતે પ્રવાસ કરતાં બીજી રાતે ત્રણ વાગે તેઓ પટના જતી ધોરી સડકને પાર, ચાર માઇલ દૂર આવેલા એક આંબાવાડીયા પાસે પહોંચ્યા. પાંડેએ આંગળી ચિંધી. “આપણે ત્યાં જવાનું છે.”
જગત તેમને મૂકી વાડી ફરતું ચક્કર મારી આવ્યો. આસપાસ કોઇ નથી તેની ખાતરી કરી અને રિસાલદારને લઇ આંબાવાડીના ફાટક નજીક આવ્યો. ફાટકને હાથ લગાડે ત્યાં બે મોટા કૂતરાં જોરજોરથી ભસતા દોડી આવ્યા.
“મોતી, ભાલુ!” પાંડે મોટેથી બોલ્યા અને બેઉ શ્વાન ભસવાનું બંધ કરી આનંદનો અવાજ કરી પૂંછડી હલાવવા લાગ્યા. તેમની પાછળ ઉંચો, પડછંદ માણસ હાથમાં ગંડાસો (ધારિયું)લઇ આવ્યો.
“પ્રણામ, માલિક! અમે આપની જ રાહ જોઇ રહ્યા હતા. પધારો.”
આંબાવાડીયાની વચ્ચે નાનકડું મકાન હતું. ચોકીદારે અંદરના કમરામાં ચારપાઇ બીછાવી, તેના પર તળાઇ મૂકી. પાંડેએ જગતને પોતાની પાસે બેસવાનું કહ્યું.
પાંડે પરિવાર મુંઘેર જીલ્લામાં ગર્ભશ્રીમંત જમીનદાર હતો. રિસાલદાર તેમના વરીષ્ઠ સભ્ય. શરૂઆતથી જ તેમને રિસાલાનો શોખ હોવાતી નાની વયે તેમાં જોડાયા હતા. તેમના નાના ભાઇ કૃષ્ણનારાયણ પારિવારીક સંપત્તિનો વહિવટ કરતા.
“કેમ છો મુરારી? ઘરમાં બધાં ઠીક છે ને?”
“આપની કૃપાથી બધું બરાબર ચાલે છે.”
“કોઇ સમાચાર?”
“હા, જી. ગઇકાલે મુંઘેરથી પોલિસ કોતવાલ આવ્યો હતો. ભૈયાજી (કૃષ્ણ નારાયણ) પાસે આપના વિશે પૂછપરછ કરતો હતો. એ કહેતો હતો આપ તથા આપના સાથીદાર પર સરકારને શક છે કે આપે આપના સીઓની હત્યા કરી છે. આપના સમાચાર મળે તો તેને તરત ખબર કરવી તેવું ફરમાવી ગયો છે.”
“બીજું કંઇ?”
“ભૈયાજીએ આપના માટે ગંગા કિનારે જુની હવેલીના ભોંયતળીયાના છુપા કમરામાં આપના માટે વ્યવસ્થા કરી રાખી છે.”
એટલામાં મુરારીની પત્નિ મોટો ઘૂંઘટ તાણી તેમના માટે ગરમ દૂધ અને શિરામણ લઇ આવી. નાસ્તો કર્યા બાદ પાંડેની રજા લઇ જગત મકાનની બાજુમાં બાંધેલા વાડામાં મેઘને લઇ ગયો, તેને ખરેરો કર્યો, ચારો નાખ્યો અને નાહવા ગયો. નાહીને પાંડેને મળવા ગયો.
“આવો, જગત, મારી પાસે બેસો.”
થોડી વારે તેમણે કહ્યું, “મારા માટે તમે જે કર્યું તેનો ઉપકાર માનવા જેટલા મારી પાસે શબ્દ નથી. સમય કઠણ છે અને મને શરન તથા તમારા બાળકોની ચિંતા છે. આગળ શું કરવું તેનો તમે વિચાર કર્યો છે?”
“હાલ તુરત તો હું ઘેર જઇશ. આગળ તો શરનને મળીને નક્કી કરીશું. મારો વિચાર હતો વહેલી તકે તેમને લઇ નેપાલ જતો રહું. ત્યાં મધેસીઓની વચ્ચે અમે સમાઇ શકીશું”
નેપાળના તરાઇ વિસ્તારમાં બિહારના મૈથિલી ભાષી લોકો દશકોથી રહેતા હતા. ગોરખાલી કરતાં ભારતીય જેવા વધુ લાગતા આ નેપાલીઓ મધેસી નામથી ઓળખાય છે. સરહદની બન્ને બાજુ તેમની આવનજાવન ચાલુજ રહેતી હતી.
“જગત, મારૂં માનવું છે કે તમે શરન તથા બાળકોની સાથે અમારે ત્યાં સુરક્ષીત રહી શકશો. તમે કહો તો શરનને અહીં લાવવાની વ્યવસ્થા કરીએ. ત્યાં સુધી તમે અહીં રહી જાવ.”
“ધન્યવાદ, સાહેબ. તેમને છોડી આવ્યાને ઘણો સમય થયો છે. હું આપની રજા લઇશ.”
“ભલે. હું અને મારો પરિવાર તમારાથી હવે અલગ નથી. અમારા પર તમારો પહેલો અધિકાર છે. આજે રાતે તમારા માટે એક નૌકાની વ્યવસ્થા થશે. તમે આરામ કરી લો.”
જગત મેઘ પાસે ગયો અને મુરારીને તેની બાજુમાં ચારપાઇ નાખવાનું કહ્યું. લગભગ ચાલીસ માઇલ ચાલીને તે ઘણો થાક્યો હતો. ખાટલા પર પડતાં વેંત ઘસઘસાટ ઉંઘી ગયો. બપોર પછી તેની ઉંઘ ઉડી. હાથ-મોં ધોઇ પાંડેના કમરા પાસે ગયો. બહાર મુરારી ઉભો હતો.
“ઠાકુરસાહેબ, માલિક વૈદજી પાસે ગયા છે. તેમનું દર્દ એકદમ વધી ગયું હતું. જતાં પહેલાં આપના માટે પત્ર આપી ગયા છે.”
જગતે પત્ર ખોલ્યો.
“સૌ પ્રથમ તો તમારી ક્ષમા ચાહું છું. જતાં પહેલાં તમને મળી ન શક્યો. તમે એટલી ઘેરી નિંદરમાં હતા, જગાડવાનું મુનાસિબ ન લાગ્યું. પરિસ્થિતિ એવી હતી કે મારે તત્કાળ નીકળવું પડ્યું. એક રીતે સારૂં થયું. પ્રિયજનની આખરી વિદાય અત્યંત વસમી હોય છે. મારા માટે તમે દાખવેલ ત્યાગ અને ભક્તિ વિશે મારી ભાવના વ્યક્ત કરી તમને શરમિંદા નહિ કરૂં. માનવી હૃદયો ભાવનાનાં સ્પંદનોથી જ તેની જાણ એકબીજાને કરતા હોય છે.
“પિતા તેના જીવનના અંતિમ સમયે પુત્ર માટે કશીક યાદગિરી મૂકતા જાય છે. હું પણ તમારા માટે એક નાનકડી વસ્તુ મૂકી જઉં છું. મેં તમને પુત્ર માન્યા છે. મારી અંતિમ ભેટ સ્વીકારશો. મારી વિનંતિ છે, તમે તેનો વિના સંકોચ સ્વીકાર કરશો. અલવિદા. શ્રીરામ તમારૂં કલ્યાણ કરે.”
પત્ર પૂરો થતાં મુરારીએ જગત સામે એક થાળી ધરી. તેમાં એક નાની કોથળી હતી. કોથળીમાં અગિયાર સુવર્ણ મુદ્રાઓ હતી.
રિસાલદારે એવું શા માટે કહ્યું કે તેમનો અંત સમય આવ્યો છે? શું તેમને તપાસ્યા બાદ વૈદ્યે તેમને આવું કશું કહ્યું હતું? જગતનું મન ચિંતાથી ઘેરાઇ ગયું.
એટલામાં મુરારીની પત્ની તેના માટે ભોજન લઇ આવી. રિસાલદારના પત્ર બાદ તેને ખાવાની રૂચિ ન રહી. જો કે મુરારીએ તેને આગ્રહપૂર્વક જમાડ્યો. “અમારા જેવા ગરીબને આપ ઠાકુરસાહેબને ભોજન પીરસવાનો મોકો ફરી ક્યારે મળશે?”
જમ્યા બાદ જગત એકલો આંબાવાડીયામાં બેસી રહ્યો. તેની નજર સામે એક પછી એક બધા પ્રસંગો સ્લો-મોશનના સ્લાઇડ શોની જેમ આવતા ગયા. પિતા સાથે થયેલો ઉગ્ર સંવાદ, માતાનાં ચોધાર આંસુ - મા તો સરખી રીતે તેને વિદાય પણ નહોતાં આપી શક્યા. ભાગલપુરમાં લગ્ન, રિસાલદારસાહેબ સાથે અણધારી મુલાકાત અને ત્યાર પછી તેમણે તેને આપેલી શસ્ત્રાસ્ત્રની કેળવણી, મિલીટરીની વ્યૂહરચના, તથા વિવિધ પ્રસંગોએ યોજાતી રણનીતિ - એવી અનેક વાતો તેમણે તેના પાંચ વર્ષના વાસ્તવ્યમાં શીખવી હતી. તેની નજર સામે આવી બાબુ કુંવરસિંહ સાથેની મુલાકાત અને ફરી એક વાર મેળાપ. તે ચૌદ કે પંદર વર્ષનો હતો ત્યારે એક સમ્મેલનમાં તેમની સાથે પિતાજીએ ઓળખાણ કરાવી હતી, પણ કુંવરસિંહને હજી સુધી યાદ હતી તે આશ્ચર્યની વાત હતી.
તેનું મન ફરી એકવાર તેના પિતાજી તરફ વળ્યું. પિતાજીને ગુસ્સે થવાનો અધિકાર હતો, પણ તેણે પોતે ઉતાવળમાં ઘર છોડી જવા જેટલું નિષ્ઠુર પગલું નહોતું લેવું જોઇતું. અત્યારે તેમની શી હાલત હશે? અને મા? તેમનાં શા હાલ હશે?
પાંચ વર્ષથી વધુ સમય નીકળી ગયો હતો. તેમની યાદથી તેની આંખમાં અશ્રુ આવી ગયા. મનમાં કસક ઉપડી. તેણે તે ઘડીએ નિર્ણય કરી લીધો.
રાતના અગિયારે’કના સમયે મુરારી બે માણસો સાથે તેની પાસે આવ્યો. તેણે જગતને નાનકડું પોટલું આપ્યું. “ભૈયાજીએ આ વસ્તુઓ આપના માટે મોકલી છે.” તેમાં જગત માટે નવા કપડાં તથા અન્ય જરૂરી વસ્તુઓ હતી. મેઘ માટે નવો કામળો અને સૅડલબૅગ્ઝ હતી. “આપના માટે માછીમારની એક નૌકા તૈયાર છે. તેમાં આપ અને આપનો ઘોડો બન્ને પ્રવાસ કરી શકશે.”
થોડી વારમાં તેઓ ગંગા કિનારા પર આવેલા નિર્જન વિસ્તારમાં પહોંચ્યા. અહીં એક મધ્યમ સાઇઝની નાવ હતી. તેનો અર્ધો ભાગ વાંસની જાળીથી કૅબિનની જેમ ઢાંકેલો હતો. વચ્ચે એક સઢ હતો. ચાર માછીમાર ત્યાં પહેલેથી મોજુદ હતા. ઘોડાને નાવમાં લઇ જવા માટે નૌકાને અઢેલીને પાટીયું રાખ્યું હતું.
“સાહેબ, ઘોડાની આંખ પર પાટો બંાધીએ.”
“તેની જરૂર નહિ પડે,“ કહી જગત મેઘને નૌકામાં દોરી ગયો. કૅબીનની અંદર તેને મૂકી તે બહાર આવ્યો.
“આપણે ક્યાં જવાનું છે તે જાણો છો?”
“જી. છપરાની નજીક...”
“હવે સ્થળ બદલાયું છે. આપણે થોડું આગળ, નિયાઝપુરના ઘાટ પર જવાનું છે. તમને ખબર છે નિયાઝપુર ક્યાં આવ્યું?”
"જી.” માછીમારોને નવાઇ લાગી. જગતે અચાનક સ્થાન શા માટે બદલ્યું તે જાણી શક્યા નહિ.
નાવની નજીક માછીમારોની ઝુંપડી હતી. તેમાં બેઠેલો એક જૈફ માણસ તેમની વાત સાંભળી રહ્યો હતો. જગતનો હુકમ સાંભળી તેના હોઠ પર સ્મિત ફરકી ગયું.
ધીમે ધીમે પાટિયું નાવમાં ખેંચાયું, સઢ ચડ્યા અને નાવ હાલવા લાગી. ઓતરાદા પવનમાં સઢ ફરક્યો અને નાવ અદૃશ્ય થઇ.

2 comments:

  1. ગંભીર વાતાવરણમા સાવચેતીથી આગળ વધતી કથા રસપ્રધાન છે.
    પ્રાચીન મિથિલાના કેન્દ્ર જનકપુર(નેપાળ), કે જે વજ્જિકા ભાષી ક્ષેત્ર અંતર્ગત આવતું હતું, ત્યાં આજે પણ વજ્જિકા ભાષા બોલાય છે. આ હકીકતના આધારે એમ કહી શકાય કે વજ્જિકા વાસ્તવમાં પ્રાચીન મૈથિલી ભાષા છે. જેના પાયા પર મધ્યકાળના રાજ્યાશ્રયી વિદ્વાન કવિઓએ આધુનિક સમયની મૈથિલી ભાષાનું નિર્માણ કર્યું. વિદ્વાનોના અસહયોગ તેમ જ લેખિત સાહિત્ય સંગ્રહના અભાવે વજ્જિકા ભાષાની ઓળખ અધુરી રહી ગઇ. વજ્જિકા આજે પણ પોતાના પ્રાચીન સ્વરુપે લોકભાષા તરીકે વિદ્યમાન છે.વજ્જિકા ભાષા મુખ્યત્વે બિહાર રાજ્યના શિવહર, સીતામઢી,મુજફ્ફરપુર તેમ જ વૈશાલી જિલ્લાઓમાં વહેવારમાં બોલવામાં વપરાતી ભાષા છે. નેપાળમાં સરલાહી જિલ્લામાં તેમ જ તેની આસપાસના ક્ષેત્રોના લોકો પણ વજ્જિકા ભાષા બોલે છે.
    હવેના સંવાદો તળપદી ભાષામાં આવે તો વધુ રસપ્રધાન રહેશે.
    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
  2. આપણે ક્યાં જવાનું છે તે જાણો છો?”
    “જી. છપરાની નજીક...”
    “હવે સ્થળ બદલાયું છે. આપણે થોડું આગળ, નિયાઝપુરના ઘાટ પર જવાનું છે. તમને ખબર છે નિયાઝપુર ક્યાં આવ્યું?”
    "જી.” માછીમારોને નવાઇ લાગી. જગતે અચાનક સ્થાન શા માટે બદલ્યું તે જાણી શક્યા નહિ.

    Pande separated but made some arrangements for Jagat to continue his Journey !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Let's see what happens next !

    ReplyDelete