Follow by Email

Wednesday, March 23, 2011

પરિક્રમા: નવી પેઢી સાથે મુલાકાત

રાજીવ પ્રસાદ તરફથી ખબર મળે ત્યાં સુધી શૉન તથા સુઝને પોતાની રીતે શોધ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ મુંઘેરની ટેલીફોન ડીરેક્ટરીમાં જેટલા પાંડે હતા તેમને ફોન કર્યો. નેવું ટકાથી વધુ લોકો પાસે નાની-મોટી મિલ્કતો હતી. સો એકર જેવી જમીનોના માલિક કોઇ નહોતા. વળી તેમાંથી કોઇના પૂર્વજ કૃષ્ણનારાયણ કે બ્રીજનારાયણ નહોતા. તેમનું હૈયું બેસી ગયું. શશી રંજન પોસ્ટ-ગ્રૅજ્યુએટ વિદ્યાર્થી હતો અને ઘણી વાતોથી વાકેફ હતો. તેણે કહ્યું કે મુંઘેરના મતદાર રજીસ્ટરમાં તપાસ કરવાથી કદાચ મદદ મળે, પણ તેમાં એટલા પાંડે મતદારો હશે કે દરેકને મળી તપાસ કરવામાં મહિનાઓ નીકળી જાય. એવું જ ઝા પરિવારો માટે હતું. ફક્ત એક શક્યતા એવી હતી કે મુંઘેરના પાંડે અને આરાના ઝા પરિવારોના એક્સ-ડાયરેક્ટરી ટેલીફોન નંબર હતા, તેથી તેમનો સંપર્ક સાધી શકાયો નહોતો. મતલબ સાફ હતો: આ બન્ને પરિવારો મુંઘેર અને આરામાં મોજુદ હોવાની શક્યતા છે.
ભારત આવતાં પહેલાં તેમણે તેમને મળેલા સુવર્ણના સિક્કા અને બાબુ કુંવરસિંહના ખંજરની પોલરોઇડ છબીઓ લીધી હતી. આ લઇ તેઓ પટના મ્યુઝીયમ ગયા. ત્યાંના ક્યુરેટર છબીઓ જોઇને આશ્ચર્ય પામ્યા. આવા જ સિક્કા તેમના સંગ્રહસ્થાનમાં હતા, અને તે તેમણે બતાવ્યા પણ ખરા. મોગલકાલિન સિક્કાની છબીઓ તથા તેના પર કોતરેલા ફારસી શબ્દ અને અન્ય ચિહ્નો જોઇ કહ્યું કે તેમની દૃષ્ટીએ તે અસલ હોવા જોઇએ. જો કે જાતે તપાસ્યા વગર તેની તસદીક કરવી મુશ્કેલ છે. આર્કીયોલૉજીકલ સર્વે અૉફ ઇન્ડીયાની અૉફિસ નજીક જ હતી. ત્યાંના ડાયરેક્ટરે એવો જ અભિપ્રાય આપ્યો. કુંવરસિંહના ખંજર વિશે તેમણે કહ્યું કે જગદીશપુરમાં તેમની યાદગિરીનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે. ત્યાંથી જરૂરી માહિતી મળી શકશે.
બીજા દિવસે તેઓ જગદીશપુર અને આારા જઇ આવ્યા. જગદીશપુરના સંગ્રહસ્થાનમાં બાબુ કુંવરસિંહની વસ્તુઓ પર એવું જ રાજચિહ્ન હતું જે જગતસિંહને અપાયેલા ખંજર પર હતું.
મોડી સાંજે તેઓ પાછા આવ્યા ત્યારે તેમના માટે રાજીવ પ્રસાદનો સંદેશ હતો.
“તમારા માટે બે સકારાત્મક સંકેત મળ્યા છે. તમે મને કાલે સાંજે મળવા આવી શકો?”
*********
રાજીવને પ્રથમ સફળતા મળી તે ગયામાં.
પંડિત વિદ્યાપતિ તેમના જમાનામાં આરાના પ્રખર વિદ્વાન ગણાતા. ગયાના ગયાવળ બ્રાહ્મણ સમાજના હાલના અધિષ્ઠાતાના પૂર્વજોનો ઝા પરિવાર સાથે સારો સંબંધ હતો. રિસાલદાર પાંડેના વિસર્જનનો વિધિ પંડાજીના પરિવારે કરેલો. ત્યાર પછીના પારિવારીક સંસ્કાર માટે પેઢી દર પેઢી તેમને ત્યાંજ જતા હોવાથી તેની પાસે બન્ને પરિવારો - ઝા તેમજ પાંડે-ની વંશાવળી તેમની પાસેથી મળી. છેલ્લી કેટલીક પેઢીઓથી ઝા પરિવાર આરા છોડી પટના આવી વસ્યો. તેમના વંશના સૌથી મોટા સદસ્ય વિનયકાંત ઝા પટનાની આર્ટસ્ કૉલેજના પ્રિન્સીપલ હતા. તેમના અન્ય ભાઇઓ દિલ્લી, કલકત્તા જેવા શહેરોમાં વસ્યા હતા.
પાંડે પરિવાર સાથેનો સંપર્ક વિચિત્ર સંજોગોમાં થયો.
મુંગેરના ડીએમ અજીત ચક્રવર્તિ ત્યાંના સ્થાનિક ક્લબમાં નિયમિત જતા. ત્યાં તેમના બ્રિજના પાર્ટનર આર્ટીલરી રેજીમેન્ટના રિટાયર્ડ કર્નલ મોહન ચંદ્રા હતા. રાજીવ પ્રસાદ સાથે અજીત ચક્રવર્તિની વાત થયા બાદ તે સાંજે તેમણે કર્નલ ચંદ્રાને પૂછ્યું, “તમે અહીંના મોટા જમીનદાર છો. તમારા જમીનદારોના નેટવર્કમાં કોઇ પાંડે પરિવાર છે?”
“કેમ? કોઇ ખાસ વાત?”
“ખાસ કહેવાય તેવી છે. એક અમેરીકન એનઆરઅાઇ તેના પૂર્વજોની શોધમાં આવ્યો છે અને અમારા બૉસનો ખાસ સંબંધી છે. તે કોઇ બ્રિજ નારાયણ અને તેમના નાનાભાઇ કૃષ્ણનારાયણ પાંડેના વંશજોને શોધે છે. આ જુનું ખાનદાન ફૅમિલી છે અને બ્રિજ નારાયણ પાંડે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇન્ડીયન અૉફિસર હતા.”
“તમારા બૉસના સંબંધીનું શું નામ છે?”
“ડૉ. શૉન પરસૉદ. તેમના કહેવા મુજબ તેમના વડવા રામ પરસૉદ ફિફ્થ ઇરેગ્યુલર કૅવલ્રીમાં રિસાલદાર બ્રિજ નારાયણના હાથ નીચે નૉન કમીશન્ડ અૉફિસર હતા.”
“Let me see!” કર્નલ વિચારમાં પડી ગયા. “હું તપાસ કરીને તમને કાલે કહી શકીશ.”
બીજા દિવસે બપોરે કર્નલ ચંદ્રાએ ચક્રવર્તિને ફોન કરીને કહ્યું, “You are in luck. તમારા બૉસને કહો તેમના મહેમાનની મુલાકાત હું કૃષ્ણનારાયણના ચોથી પેઢીના વંશજ સાથે કરાવી શકીશ. કાલે શનિવારે તેઓ અમારે ઘેર આવી શકશે? તેમને કહેજો લંચ અમારે ત્યાં જ કરે. પાંડે પરિવારના નુમાઇંદા અમારે ત્યાં આવી જશે. તમે પણ અમારે ત્યાં આવી શકો છો.”
“માફ કરશો, કાલે અમારો ઘણો વ્યસ્ત દિવસ છે. આખો દિવસ એક પછી એક મિટીંગ છે.”
“ડૉ. પરસોદને મારો ટેલીફોન નંબર આપી કન્ફર્મ કરવાનું કહેશો, પ્લીઝ? હું તેમને ડાયરેક્શન્સ આપીશ.”
તે સાંજે શૉને કર્નલ સાથે ટેલીફોન પર વાતચીત કરી અને મુલાકાત નક્કી કરી. “કર્નલ, આપ જાણતા હશો કે મારાં પત્નિ મારી સાથે છે. એક વિનંતિ કરવાની. મારી સાથે એક મહેમાન આવે તો ચાલશે? તેમનું નામ પ્રૉફેસર ઝા છે અને આપને ઓળખે છે.”
“હા, ગઇ કાલે જ તેમનો મને ફોન આવ્યો હતો. તેમને ઘણા દિવસે મળવાનું થશે તેથી તેઓ આવશે તો અમને ખુશી થશે.”
શૉને તેની હૉટેલ દ્વારા દસ દિવસ માટે એક કાર ભાડે કરાવી હતી. તેમનો યુવાન શૉફર કુશળ ડ્રાઇવર હતો. બીજા દિવસે વહેલી સવારે તેમને અને વિનયકાંત ઝાને લઇ, પાંચ કલાકના મોટર પ્રવાસ બાદ પરસૉદ પરિવાર તથા વિનય અને તેની પત્નિ કર્નલના બંગલા પર પહોંચ્યા. ડિસેમ્બરનો મહિનો હતો અને સૂર્યના કોમળ તડકામાં લૉન પર ઓરિસ્સાની ભરતકામ કરેલી એક મોટી છત્રી ખોડેલી હતી અને તેની નીચે આઠે’ક મુંઢાની ખુરશીઓ સાઇડ ટેબલની સાથે ગોઠવી હતી. બાજુમાં એક ફોલ્ડીંગ ટેબલ પર સ્વચ્છ સફેદ ટેબલક્લૉથ હતું અને તેના પર જાતજાતનાં પીણાં રાખ્યા હતા. કર્નલના બે વૃદ્ધ પણ સ્માર્ટ પોશાકમાં સજ્જ કામદાર ઘણું કરીને રિટાયર્ડ ફૌજી હતા. ખુરશીમાં બે પ્રૌઢ વ્યક્તિઓ, કર્નલનાં પત્નિ બેઠાં હતા. કર્નલ તેમનું સ્વાગત કરવા ગયા ત્યારે વિનય અને તેનાં પત્નિએ તેમને ઝુકીને પ્રણામ કર્યા તેથી શૉનને નવાઇ લાગી. બિહારની આ સામાન્ય પ્રથા હતી એવું તેમને લાગ્યું. સુઝન બૌદ્ધ હતી તેથી તે ‘નમસ્તે’થી વાકેફ હતી.
કર્નલે તેમનો પરિચય હાજર વ્યક્તિઓ સાથે કરાવ્યો, અને શૉનને પાંડે પરિવારને મળવા આવવાનું ખાસ પ્રયોજન પૂછ્યું.
શૉન તથા સુઝને તેમને પૂરી વાત કહી અને પૂછ્યું, “પાંડે પરિવારના હાલના મુખ્ય સદ્ગૃહસ્થ ક્યારે આવશે?”
કર્નલે સ્મિત સાથે કહ્યું, “એ વ્યક્તિ હું જ છું. મારૂં પૂરૂં નામ મોહન ચંદ્ર પાંડે છે.”