Follow by Email

Friday, June 5, 2009

૧૯૭૧: વીરતાની અવિસ્મરણીય ઘટનાઓ

૭મી ડીસેમ્બર ૧૯૭૧ની વહેલી સવારે બે વાતો થઇ: પ્રથમ તો મારી જગ્યાએ ગયેલા મિલીટરીના કૅપ્ટન તથા ઠાકુર કરમચંદે પાંચ નંબરની ચોકી પર ફરી કબજો મેળવ્યો. મારી યોજના સફળ થઇ. બીજી અવિસ્મરણીય વાત: મને CO સાહેબે બોલાવ્યો અને કહ્યું, “નરેંદર, પરમદિવસથી નદી પારની ચોકીઓ પાછી મેળવવાના અભિયાનમાં તમે ગયા હતા, ત્યારે આપણા ક્ષેત્રના બીજા વિભાગમાં અભૂતપૂર્વ યુદ્ધ ખેલાઇ ગયું,” કહી વિતેલા પ્રસંગની નીચે મુજબ માહિતી આપી:
૪ ડીસેમ્બરની રાતે પાકિસ્તાની સેનાએ અમારી ૪-૫-૬ નંબરની ચોકીઓ પર હુમલો કર્યો, તે જ રાતે તેમની સેનાની અન્ય બટાલીયન - એક હજારથી વધુ સૈનિકોની સંખ્યા ધરાવતી ૪૩મી બલુચ રેજીમેન્ટ તથા તેમના સહકારી યુનિટ્સે અમારી બુર્જ તથા ફતેહપુર ચોકીઓ પર હુમલો કર્યો હતો. ભારે ખુવારી બાદ તેમણે આ બન્ને ચોકીઓ પર કબજો કર્યો. પાંચમી તારીખની સવાર સુધીમાં તેમણે ધુસ્સી બંધ પર મોરચા ખોદી સંરક્ષણનો કિલ્લો જ બનાવી નાખ્યો હતો. તે સમયે અમારી ડેલ્ટા કંપનીના હેડક્વાર્ટરની નજીકના ગામડામાં આપણી સેનાની લાઇટ ઇન્ફન્ટ્રી બટાલિયનની એક કંપની, ૬૬મી આર્મર્ડ રેજીમેન્ટની એક ટ્રુપ (એક ટ્રુપમાં ત્રણથી ચાર ટૅંક્સ હોય છે) અને તેના ટ્રુપ લીડર લેફ્ટનન્ટ ચીમા તથા અમારી ડેલ્ટા કંપનીની બે પ્લૅટૂન્સ પડાવ નાખીને બેઠી હતી. (આ એ દિવસ હતો જ્યારે ‘જીપ્સી’ ચાર નંબરની ચોકી કબજે કરવાની કામગિરી પર હતો.)
૬ ડીસેમ્બરની બપોરે લગભગ એક વાગ્યાના સુમારે આ બલુચ રેજીમેન્ટના સૈનિકોએ ભોજન કર્યા બાદ ધુસ્સી બંધ પર, ભારતની ભુમિ પર ભાંગડા નૃત્ય શરૂ કર્યું. તેઓ આપણા સૈનિકોથી લગભગ ૫૦૦ મીટર દૂર હતા, અને જાણતા હતા કે આપણી ફોજ તેમને જોઇ શકતી હતી. તેમના હુમલા સામે આપણા તરફથી counter-attack કરવામાં આવ્યો નહોતો તેથી તેમના અન્ય સાથીઓ પણ નિશ્ચીંત થઇ ખુલ્લે અામ તેમની ખાઇઓમાંથી બહાર નીકળ્યા અને ભાંગડામાં સામેલ થઇ ગયા. અમારા પ્લૅટૂન કમાંડર સરદાર અજીતસિંહને આ સહન ન થયું. આ સિખ સૈનિક પોતાના પંજાબમાં જ દુશ્મનને આવો તમાશો કરતાં જોઇ ન શક્યા. તેઓ લાઇટ ઇન્ફન્્ટ્રીના કંપની કમાંડર મેજર શેરસિંહ પાસે ગયા અને તેમને કહ્ય્ું, “સર, અપની સરજમીં પર ઇન પાકિસ્તાનીયોંકા યહ નંગા નાચ બરદાશ્ત નહિ હોતા. આપ હુકમ કરેં તો હમ જાકે ઉસકો બંધ કરેંગે. ફીર ચાહે જાનકી કુરબાની દેની પડે.”
મેજર શેરસિંહ હરિયાણાના જાટ અફસર હતા. તેઓ પણ આ અપમાન સહન ન કરી શક્યા. તેમણે લેફ્ટનન્ટ ચીમાને બોલાવ્યા અને કહ્યું “દુશ્મન ગાફેલ છે. તેમને લાગે છે કે તેમની ભારે સંખ્યા જોઇ આપણે કશું કરી શકવાના નથી. આ મોકાનો લાભ લઇ આપણે દુશ્મન પર ‘સરપ્રાઇઝટ અૅટેક’ કરવો જોઇએ. તમારામાંથી કોણ તૈયાર છે?”
અજીતસિંહે કહ્યું, “અમારી બન્ને પ્લૅટુનો આક્રમણ કરવા તૈયાર છે. તમે ફક્ત હુકમ કરો, બસ.”
લેફ્ટનન્ટ ચીમા પણ તૈયાર થઇ ગયા.
મેજર શેરસિંહે અૉપરેશનનું તાત્કાલિક appreciation કર્યું. દુશ્મને પોતાના મોરચાઓના સંરક્ષણ માટે અૅન્ટી-ટૅંક કે અૅન્ટી પર્સોનેલ માઇન્સ બીછાવી નહોતી. લેફ્ટેનન્ટ ચીમાની વૈજયન્તા ટૅંક્સ માટે આ સારી માહિતી હતી. જો કે દુશ્મન પાસે Anti-tank guns હતી, જે ઝડપથી દોડતી ટૅંક પર અચૂક નિશાન લઇ શકે તેમ નહોતું. દુશ્મનના સૈનિકો હજી ભાંગડા કરી રહ્યા હતા, જે દર્શાવતું હતું તે અહંકારમાં મત્ત થઇ આપણી હાંસી ઉડાવવામાં મસ્ત હતા. મેજર શેરસિંહે લડાઇનો પ્લાન કર્યો. તેમની પોતાની બે પ્લૅટૂન, બીએસએફની ડેલ્ટા કંપનીની બે પ્લૅટૂન અને ૬૬મી આર્મર્ડ રેજીમેન્ટની ચાર ટૅંક્સની ‘બૅટલ ફૉર્મેશન’ બનાવી. યોજના સાદી હતી. ચીમાની ટૅંક્સ પર BSFના જવાનો ચઢી દુશ્મનની જેટલી નજીક જઇ શકાય તેટલું જાય. તેમની પાછળ અમારી બાકીની પ્લૅટૂનોના જવાનો, સાથે મેજર શેરસિંહ અને તેમની લાઇટ ઇન્ફન્ટ્રીની એક પ્લૅટૂન દુશ્મન પર ધસી જશે. શેરસિંહે બીજી પ્લૅટૂન રીઝર્વમાં રાખી. વિજય મેળવ્યા બાદ દુશ્મન પ્રત્યાઘાતી હુમલો (counter attack) કરે તો તેમને ખાળવા આ રીઝર્વ પ્લૅટૂન સૌથી આગળના મોરચા સંભાળશે, એવો ટૂંકો હુકમ પોતાના કમાન્ડરોને આપ્યો. લેફ્ટનન્ટ ચીમાએ તેમના ટૅંક કમાન્ડરોને સંકલીત હુકમ આપ્યો અને અજીતસિંહે તેમની ડેલ્ટા કંપનીના જવાનોને. બધા મેજર શેરસિંહના “ચાર્જ”ના હુકમની રાહ જોવા લાગ્યા.
જ્યારે પાકિસ્તાનના સૈનિકો ભાંગડાની સાથે ‘બોલી’ (પંજાબી ગીત) ગાતા હતા તે જ સમયે શેરસિંહે હુકમ આપ્યો, “ચાર્જ”. સૌથી આગળ ચીમાની ટૅંક્સ હતી. ટૅંક પર ચઢેલા અને તેમની પાછળ દોડતી બીએસએફની પ્લૅટૂને રણનાદ કર્યો, “ભારતમાતાકી જય!” અમારી બીજી પ્લૅટૂનમાં સિખ સૈનિકો વધારે હતા તેથી તેમનો યુદ્ધનિનાદ હતો, “બોલે સો નિહાલ...સત શ્રી અકાલ!”. લાઇટ ઇન્ફન્ટ્રીનો રણનાદ હતો, “છત્રપતિ શિવાજી મહારાજ કી જય..હર હર મહાદેવ!” આમ ત્રણ જુદી જુદી ‘battle cry’ સાંભળી દુશ્મનને લાગ્યું કે તેમના પર આર્મરની સહાયતા સાથે એક બ્રિગેડ હુમલો કરી રહી હતી. ચીમાની ટૅંક્સ તોપ તથા ટૅંકની 'ટરેટ' પર ફીક્સ કરેલી મશીનગનનો મારો કરી રહી હતી. તેની સાથે ઉડતી ધૂળ અને ટૅંક્સના એન્જીનનો અવાજ, ત્રણ ત્રણ યુદ્ધનિનાદ સાંભળી દુશ્મનના છક્કા છૂટી ગયા. ધુસ્સી બંધ પર ભાંગડા કરી રહેલા જવાનોએ પોતાના હથિયાર બંકરમાં જ રાખ્યા હતા તેથી તેઓ તો ટૅંક્સ જોઇને નાસી ગયા, પરંતુ જુના બલુચ સિપાહીઓ, જેમણે આ બાલીશ કાર્યક્રમમાં ભાગ નહોતો લીધો, તેઓ પોતાના બંકરમાં હથિયાર સંભાળીને બેઠા હતા. આ ખુંખાર યોદ્ધાઓએ તરત મશીનગનનો મારો શરૂ કર્યો. આપણી ટૅંક્સનું બખ્તર મજબુત હતું તેથી તેના પર કોઇ અસર ન થઇ પણ પગપાળા હુમલો કરી રહેલા આપણા ઘણા જવાનો ઘવાયા અને ધરાશાયી થયા. તેમ છતાં જવાનોએ ‘ચાર્જ’ (હુમલો) કરવાનું ચાલુ રાખ્યું.
ધુસ્સી બંધ પરની એક બ્રાઉનિંગ મશીનગન આપણા જવાનો પર ભારે ફાયરીંગ કરી રહી હતી. સબ-ઇન્સપેક્ટર અજીતસિંહ મોખરાની ટૅંક પર બેઠા હતા. આ મોરચાની નજીક પહોંચતાં ચાલુ ટૅંકમાંથી તેઓ બંકરની બાજુમાં કુદી પડ્યા અને મશીનગનનું લાલચોળ, ગરમ નાળચું (બૅરલ) પકડી બહાર ખેંચી લીધું, અને બંકરમાં ગ્રેનેડ ફેંક્યો. દુશ્મનના સૈનિકો ઢળી પડ્યા, પણ આગ વેરી રહેલ મશીનગનની બૅરલ પકડવાથી તેમનો હાથ બુરી રીતે બળી ગયો. બીએસએફના હવાલદાર ચંદર મોહનને સૌથી આગળના મોરચાઓ પર હુમલો કરી હાથોહાથની લડાઇમાં દુશ્મનના ચાર સૈનિકોને ઠાર કર્યા અને તેમની ખાઇ પર કબજો કર્યો. લાઇટ ઇન્ફન્ટ્રીના લાન્સ નાયક એકનાથે પણ આવીજ બહાદુરી દર્શાવી. તેણે ગ્રેનેડથી એક મશીનગન તથા તેને ચલાવનારા ત્રણ દુશ્મન સૈનિકોને ઉધ્વસ્ત કર્યા. પણ બાજુની ખાઇમાંથી આવેલા ગોળીબારનો સીધો માર તેના પડખાને વિંધી છાતીની ચાળણી કરી ગયો અને તે શહીદ થયો. લડાઇમાં surprise કેટલી સફળતા મેળવી આપે છે તેનું આ દૃષ્ટાંત હતું. ૬ ડીસેમ્બરના રોજ થયેલા આ હુમલામાં લેફ્ટનન્ટ ચીમા, મેજર શેરસિંહ તથા અમારા સબ-ઇન્સ્પેક્ટર અજીતસિંહને વીર ચક્ર એનાયત થયા. લાન્સ નાયક એકનાથને મરણોપરાંત મહાવીર ચક્ર આપવામાં આવ્યું અને હવાલદાર ચંદર મોહનને રાષ્ટ્રપતિનો વીરતા માટેનો પોલીસ ચંદ્રક એનાયત થયો.
બુર્જ ચોકી આપણે ફરી જીતી લીધી. આ વાતની સાથે મને સીઓએ મને કહ્યું, “ગઇ કાલે બપોરે બુર્જ ચોકી જીતી લીધા બાદ લાઇટ ઇન્ફન્ટ્રીની ટુકડીની બદલી કરવામાં આવી. તેમની જગ્યાએ ગયેલ નવી ટુકડીના કમાંડરે રીપોર્ટ આપ્યો છે કે આક્રમણમાં ભાગ લેનાર આપણી ડેલ્ટા કંપનીની બન્ને પ્લૅટુનોનો પત્તો નથી. આપણા કોઇ હિતશત્રુએ અફવા ફેલાવી છે કે બીએસએફના જવાનો નાસી ગયા છે. બટાલિયનમાં બીજો કોઇ ભરોસાપાત્ર અફસર નથી જેને આ અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ કામ સોંપી શકું. તમે મારી જીપ લઇને જાવ અને ગુમ થયેલી પ્લૅટુનોને શોધવાનો પ્રયત્ન કરશો. તેઓ ક્યાં છે અને કેવી હાલતમાં છે તેની પૂરી તપાસ કર્યા બાદ જ પાછા આવવાનું છે. કામ જોખમભર્યું છે, પણ મને આશા છે કે તમે તે પુરૂં કરી શકશો.”
સીઓનો ડ્રાઇવર જર્નેલસિંઘ તૈયાર હતો. સીઓને સૅલ્યૂટ કરી હું જીપમાં બેઠો અને જર્નેલે ગાડી હંકારી મૂકી.