Follow by Email

Monday, June 29, 2009

પર્વતરાયની શરણમાં...

આજે નગાધિરાજના શરણમાં રહેતા જવાનોની વાત કરીશું.

સૈન્યની દરેક રક્ષાપંક્તિના સ્થળને નામ આપવામાં આવે છે - જેમકે 'પૉઇન્ટ ૬૩૫', 'પડા ચિનાર', 'લોન ટ્રી', અથવા પ્રથમ ચોકી સ્થાપનાર મિલીટરી કમાન્ડરની પ્રિય વ્યક્તિનું નામ. અમારા સેક્ટરની સૌથી દુષ્કર, ભવ્યાતિભવ્ય અને ગગનચુંબી પોસ્ટનું નામ હતું “વિમલા” - મારી માતાનું નામ! કર્મધર્મ સંયોગે છ મહિના બાદ મારી નીમણૂંક વિમલા પોસ્ટના સેક્ટર કમાંડર તરીકે થઇ.
વિમલા ક્ષેત્રની જમીનનાં દર્શન વર્ષના ફક્ત ચાર થી પાંચ મહિના થાય. તે વખતે અહીંનું દૃશ્ય નયનરમ્ય હોય છે. અહીં અદ્ભૂત અૌષધીગુણ ધરાવતા બનફશાહ નામના ઝીણાં નીલા રંગના ફૂલ ઉગે. તળેટીમાં રહેતા લોકો બનફશાહનાં ફૂલ - કિલોના બે-ત્રણ હજાર રૂપિયા મળે એવા મૂલ્યવાન ફૂલ ચૂંટવા અહીં આવે. લાલ, લીલી ઝાંયવાળા હેધર (heather)નાં shrub અને નાનાં નાનાં છોડ. બાકીના સાત મહિના બરફથી ઢંકાય. ઓક્ટોબરથી એપ્રિલ દરમિયાન એટલો બરફ પડે કે ચોકીના અમુક સ્થળોએ ૫૦ ફીટ બરફ જામેલો રહે. રાતે ઉષ્ણતામાન માઇનસ ૩૦થી ૪૦ ડીગ્રી હોય અને હવામાન કોઇ પણ પ્રકારની ‘ચેતવણી’ આપ્યા વગર બદલાય - એટલે બગડે. આવું થાય ત્યારે ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી સૂસવાટા કરતો બરફથી સભર પવન - blizzard - ફૂંકાય. કોઇ ઉભું હોય ત્યાંથી એક મીટર દૂરની વસ્તુ ન દેખાય. સારું હવામાન હોય ત્યારે પેટ્રોલીંગ પર ગયેલી ટુકડી અચાનક વાતાવરણમાં ફેરફાર થવાથી બરફના તોફાનમાં સપડાય તો તેમને શોધવા અને રાહત આપવા અમારે જવું પડે. તેમની - અને અમારી સલામતીની જવાબદારી કેવળ પરમાત્માની. આવી ખરાબ મોસમી હાલતમાં ઘણી વાર વાયરલેસ સેટ પણ કામ ન કરે. કેટલીક વાર એવા પણ પ્રસંગ બને કે તળેટીમાં - એટલે કર્ણામાં ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે “વિમલા” અને મારી બીજી ચોકીઓ પર સૂર્યનો કોમળ, સોનેરી કળશ અમારા પર સુવર્ણરજ સમી રોશની વેરી રહ્યો હોય! કેટલીક વાર તો વિમલાના શિખર પર બેસીને અમે પચાસ ફીટ નીચે ઘટ્ટ જામેલાં વાદળાં જોઇ શકીએ. એવું લાગે જાણે પહાડ પરથી અમે અમારી નીચે ઘૂઘવતો સાગર જોઇ રહ્યા છીએ!
મે મહિનાથી જુલાઇ-અૉગસ્ટ સુધી વિમલા સેક્ટરમાં દસે’ક મહિનાની રસદ - કેરોસીન, ટીનમાં પૅક કરેલ શાક-ભાજી, દાળ, ઘઉંનો લોટ, ચોખા, કન્ડેન્સ્ડ મિલ્કના ડબા, સૂકો મેવો, ચ્હા, ખાંડ અને મસાલા જેવી સામગ્રી સ્થાનિક ટટ્ટુઓની વણઝાર પર લાદીને ‘ઉપર’ પહોંચાડવામાં આવે. મોસમનો પહેલો બરફ પડે એટલે ‘વિમલા’ સેકટરની પગદંડી પર ટટ્ટુઓની વણઝાર મોકલવું અત્યંત જોખમભર્યું થાય તેથી ચોકીઓ પર માલ સામાન મોકલવાનું બંધ! હવામાન સારું હોય તો હવાઇદળનું હેલિકૉપ્ટર અઠવાડિયામાં એક વાર જવાનોની ટપાલ લઇને આવે અને તેમણે લખેલા પત્રો લઇ જાય. ચોકી પર કોઇ સખત બિમાર પડે તો તેને હૉસ્પિટલ લઇ જવા માટે પણ હેલિકૉપ્ટર આવે. ભારતીય ટેલીવિઝન પર સંરક્ષણ બાબતોના નિષ્ણાત ગણાતા જનરલ અફસર કરીમ તે સમયે અમારા બ્રિગેડ કમાંડર હતા. તેઓ અંગત રીતે જવાનોની સંભાળ રાખતા, અને વિમલા ચોકી પર રહેતા સૈનિકો પર તેમનું ખાસ ધ્યાન રહેતું.
મારી કંપની અૅન શિયાળામાં “વિમલા” સેક્ટરમાં ગઇ. ત્યાં જવા બે દિવસ લાગે. સવારના દસે’ક વાગે ત્યાં જવા નીકળીએ અને ૭૫૦૦ ફીટની ઉંચાઇ વાળી ધારને ઓળંગી સામે પાર આવેલી ખીણ - શાકા વૅલી-માં સાંજના સાતે’ક વાગે પહોંચીએ. શાકા વૅલી સમુદ્રતટથી ૬૦૦૦ ફીટની ઉંચાઇ પર આવેલી નયનરમ્ય ખીણ છે. પુરાણોમાં વર્ણવેલ ગંધર્વ લોક કદાચ આ જ હશે! અહીંના જેવી સૌંદર્યશાળી બહેનો અને એટલો જ રૂપાળો પ્રદેશ મેં બીજે ક્યાંય જોયા નથી. શાકા વૅલીમાં જોયેલા સુંદર પતંગિયા સુદ્ધાં મને બીજે ક્યાંય જોવા મળ્યા નથી.
હું જ્યારે ‘વિમલા’ જવા નીકળ્યો ત્યારે મારી ટુકડીમાં કંપની સાર્જન્ટ મેજર ગુરબચન સિંહ, સિપાહી તોતારામ, કંપની ક્લર્ક બલબીર ચંદ અને ચાર પોર્ટર્સ હતા. તેમાંનો એક ગુલામ હૈદર સૌથી જુનો - અને વૃદ્ધ. સવારે દસ વાગે જમીને અમે નીકળ્યા. સાડા સાત હજાર ફીટની ઉંચાઇની ધાર પાર કરીને શાકા પહોંચ્યા ત્યારે રાતના આઠ વાગી ગયા હતા. શાકામાં રાત વાસો કરી અમે વહેલી સવારે ચાર વાગે ફરી પર્વત પર ચઢવાનું શરુ કર્યું. આ પર્વતરાજિમાં કેટલીક જગ્યાએ પહાડની કંદરાના કિનારા કોતરીને બનાવેલ પગદંડી ફક્ત પોણો-એક મીટર પહોળી છે. પગદંડીની કિનારની નીચેની ખીણ ૧૫૦૦ ફીટ ઉંડી છે. એક કિલોમીટર લાંબી આ પગદંડીને સવારના આઠ વાગ્યા પહેલાં પાર કરવી પડે કારણ કે આ સ્થળે હિમપ્રપાત - avalanche- હંમેશા આઠ વાગ્યા પછી ધસી આવતા હોય છે તેથી અમારે શાકામાંથી ચાર વાગે પ્રયાણ શરુ કરવું પડ્યું હતું. આ પહેલાં વખતસર આ જગ્યા પાર ન કરી શકવાને કારણે પૂરની જેમ ધસમસતા હિમપ્રપાતમાં તણાઇને કેટલાક જવાનો આ ઉંડી ખીણમાં પડી મૃત્યુ પામ્યા હતા. છ’એક મહિના બાદ બરફ પીગળે ત્યારે તેમનાં શબને શોધવા આ ઉંડી ખીણમાં ખાસ ‘સર્ચ પાર્ટી’ મોકલવી પડતી. આવી જ રીતે મારા તાબાની ચોકીઓ વચ્ચેની પગદંડી વીસ-પચીસ ફીટ બરફમાં દટાઇને અદૃશ્ય થઇ જતી, તેથી ત્યાં લાંબા વાંસડાઓ કતારબંધ ખોસી, વાંસના સૌથી ઉંચા છેડા પર લાલ રંગની રસ્સી બાંધી બીજા વાંસ સુધી લંબાવવામાં આવે. વાંસ પર કપડાં સુકાવવા માટે બાંધેલ દોરી જેવા લાગતા આ માનચિહ્ન સૈનિકો માટે જીવા દોરી સમાન હોય છે. આ દોરડાની નીચે ચાલીને જ બીજી ચોકીએ જવા બરફમાં ‘પદયાત્રા’ કરવી જરુરી હોય છે. મેં જ્યારે આ સેક્ટરનો ચાર્જ લીધો ત્યારે મને એવી બે જગ્યાઓ બતાવવામાં આવી, જે અત્યંત ઘાતક હતી. અહીં બરફ પડે ત્યારે બે િશખર વચ્ચે પૂલની જેમ બરફની કમાન થતી હોય છે. આને અંગ્રેજીમાં cornice કહેવાય છે(કૉર્નિસ કેવી હોય છે તે જોવા અહીં ક્લીક કરશો તેમાંનુ છેલ્લું ચિત્ર અમારે ત્યાંની કૉર્નિસને હૂબહૂ મળતું આવે છે). પ્રથમ દૃષ્ટિએ સખત રસ્તા વાળા પૂલ જેવી લાગતી આ કોર્નિસ પરથી સહેલાઇથી જઇ, બે-અઢી કલાકની કૂચમાંથી બચી જવાય એવું લાગે. બે વર્ષ પહેલાં દક્ષીણ ભારતના સાત જવાનો રજા પર જવા માટે અહીંથી નીકળ્યા હતા. ઉતાવળમાં તેમણે સૂચનાની અવગણના કરી અને કોર્નિસ પાર કરવાનો પ્રયત્ન કર્યો.
છ મહિના બાદ તેમનાં શબ હાથ લાગ્યા હતા.