Follow by Email

Saturday, June 20, 2009

આખ્યાયિકાઓ (૨)

અહીં એક દંતકથા જ બની ગઇ. કહેવાતું હતું કે જે લોકો દેરી પાસે રોકાયા નહોતા, તેમને નાના-મોટા અકસ્માત નડ્યા હતા. ત્યાર બાદ કોઇએ આ સ્થાનની અવહેલના કરવાની હિંમત નહોતી કરી. વર્ષો વિતતા ગયા, લોકો હવે ડરને બદલે શ્રદ્ધાને કારણે ત્યાં રોકાવા લાગ્યા હતા.
૧૯૭૫ની વાત છે - દેરી બંધાયાના બરાબર ૧૨ વર્ષ બાદની.
ભુજમાં આવેલી બટાલિયનમાં જીપ્સીની ડેપ્યુટી કમાન્ડન્ટના પદ પર બદલી થઇ. દર વર્ષે અમારી બટાલિયનનું ઇન્સ્પેક્શન થાય. મિલીટરીના ઇન્સ્પેક્શન એટલી ઝીણવટથી થતા હોય છે, કે નાની સરખી ઉણપ નીકળે તો તેની નોંધ જવાબદાર અફસરના કૉન્ફીડેન્શિયલ રેકૉર્ડમાં નોંધાય. આથી દિવસ-રાત મહેનત કરી જવાનોનાં રહેઠાણ હૉસ્પિટલના વૉર્ડની જેમ સ્વચ્છ અને ‘ચકચકીત’ રાખવા પડે. જવાનોના યુનિફૉર્મ, તેમની ડ્રીલ, કંપની કમાન્ડરોનું તેમની જવાબદારીના વિસ્તારનું જ્ઞાન- બધું જોવા માટે સિનિયર અફસરોને ઘણી મહેનત કરવી પડે.
તે સમયે અમારી બટાલિયનનો ચાર્જ મારા સાથી શ્રી. અરવિંદ વૈષ્ણવ પાસે હતો. ઇન્સ્પેક્શન કરનારા બ્રિગેડીયર ઇરાની ઘણા કડક અફસર હતા, તેથી અરવિંદે આગળની ચોકીઓ તેમના ઇન્સ્પેક્શન માટે તૈયાર છે કે નહિ તે જાતે જોવા ગયા. હું બટાલિયન હેડક્વાર્ટરમાં બાકીની તૈયારી માટે રહ્યો.
મોડી રાતે અરવિંદ પાછા આવ્યા ત્યારે હું ઓફિસમાં જ હતો. તેમણે જે વાત કહી તે સાંભળી હું ચકિત થયો.
એક દિવસમાં ચાર ચોકીઓનું નિરીક્ષણ કરવાનું હતું તેથી અરવિંદ સવારના ચાર વાગ્યે ભુજથી નીકળી ગયા હતા. અગ્રિમ ચોકીના રસ્તે આવેલી હવાલદારની દેરી પર પાછા વળતાં રોકાઇશું એવી ધારણા કરી તે રોકાયા નહિ. ચોકીનું નિરીક્ષણ કરીને તેઓ પૂર્વ દિશામાં આવેલ ચોકી પર જવા નીકળ્યા, અને ઉતાવળમાં તેમને યાદ ન રહ્યું કે દેરીએ રોકાવાનું રહી ગયું હતું.
કચ્છના મોટા રણમાં જ્યાં ખારો પાટ કે બેટ નથી ત્યાં જમીન સાવ સપાટ - આસ્ફાલ્ટની સડક જેવી લીસ્સી હોય છે. અરવિંદ પોતે પૂરપાટ જીપ ચલાવી રહ્યા હતા - લગભગ ૬૦ કિલોમીટરની ઝડપે. અચાનક શું થયું, તેમની જીપ બે-ત્રણ ગલોટીયાં ખાઇને ઉંધી પડી ગઇ. ચારે પૈડાં આકાશ તરફ હતાં અને હવામાં ફરી રહ્યા હતા. હેબતાઇ ગયેલા અરવિંદે સૌ પ્રથમ જોયું કે પોતાના અને સાથી સૈનિકોના હાથ-પગ સાબૂત હતા. ગાડીની ચાવી ફેરવી એંજીન બંધ કર્યું અને ઘસડાઇને બહાર નીકળ્યા. જીપમાં પ્રવાસ કરનારાઓને સામાન્ય ઇજા થઇ હતી. મહા મહેનતે બધાએ મળી જીપ સવળી કરી. રસ્તામાં કશો અવરોધ છે કે કેમ તે જોવા અરવિંદે તપાસ કરતાં જણાયું કે જમીન સમતળ જ હતી. ચીલા પર કોઇ પ્રકારનો અવરોધ નહોતો. બપોરનો ધોમ ધખતો હતો. આવામાં મૃગજળની અસર તીવ્રતાથી વર્તાતી હતી. દૂરથી જીપ મોટા ટ્રક જેવી ભાસે, અને હરણ ઊંટ જેવડા દેખાય. અરવિંદે દક્ષિણ દિશામાં જોયું તો હવાલદારની દેરી ઉંચા દેવાલય જેવી દેખાતી હતી - જાણે તેમને આહ્વાન આપી રહી હતી.
“નરેન, આને અંધ:શ્રદ્ધા, વહેમ જે કહેવું હોય તે કહો પણ મને જે અનુભવ આવ્યો તેને હું કોઇ પ્રકારે સમજી શક્યો નથી. હું પોતે એવા પરિવારમાં જન્મ્યો છું જેમાં અંધશ્રદ્ધાને સ્થાન નહોતું. હું બચપણથી મારા કાકા - જેઓ દિલ્લીના વિખ્યાત ન્યુરોસર્જન છે, તેમને ત્યાં મોટો થયો. મેં દિલ્લી યુનિવર્સિટીમાં વિજ્ઞાનની ડીગ્રી મેળવી છે. ફોજની સેવા દરમિયાન દુર્ગમ પ્રદેશમાં પણ રહી આવ્યો છું, પણ આવો અનુભવ કદી નથી આવ્યો. તમે આને શું માનશો? ચમત્કાર? રૂઢ થયેલી માન્યતાનો પરચો? કે કેવળ અકસ્માત? જ્યાં આ બનાવ બન્યો, તેનું મેં નિરીક્ષણ કર્યું હતું. ત્યાં કોઇ ખાડા ટેકરા નથી. જે ચીલા પર હું જીપ ચલાવી રહ્યો હતો તે સખત અને સપાટ હતો. તેમાં મારી જીપને ઉંધી થઇ જવાનું શું કારણ હોઇ શકે?”
હું અરવિંદની સાથે નહોતો તેમ છતાં તેમની વાત પર અવિશ્વાસ કરવા જેવું કોઇ કારણ મારી પાસે નહોતું. અરવિંદ વૈષ્ણવ આગળ જતાં બ્રિગેડિયરના હોદ્દા પર પહોંચીને નિવૃત્ત થયા અને હાલ દિલ્લીમાં રહે છે.
આવતા અંકમાં જીપ્સીને થયેલા પારલૌકીક અનુભવ વાંચશો.