Tuesday, June 9, 2009

1971 - "ખોવાયેલા" સૈનિકોની શોધમાં...(૨)

અત્યાર સુધી જેની વાચ્યતા નહોતી થઇ તેની અહીં વાત કરીશ.
ભારતને સ્વતંત્રતા મળી ત્યારે પંડિત નહેરૂના સલાહકારો- ખાસ કરીને ઇન્ડીયન સિવિલ સર્વિસના અફસરોને ભય હતો કે પાડોશી દેશની જેમ આપણી સશસ્ત્ર સેના coup d’etat (દેશની રાજકીય સત્તા પર કબજો) કરવાનો કદાચ પ્રયત્ન કરે. તેમણે શ્રી. નહેરુને સલાહ આપી તે પ્રમાણે સૈન્યની ત્રણે પાંખ (ભુમિદળ, વાયુદળ અને નૌસેના)ના એકહત્થુ વડા - કમાંડર-ઇન-ચીફનો હોદ્દો રદ કરવામાં આવ્યો. સશસ્ત્ર સેનાના ત્રણે વિભાગના લગભગ water-tight compartments કરી તેમના વડા કમાન્ડરનું નિયંત્રણ સંરક્ષણ મંત્રીના હાથમાં મૂક્યું. હકીકતમાં IAS કક્ષાના ડીફેન્સ સેક્રેટરી સેનાપતિઓના પણ કમાન્ડર બન્યા, કારણ કે આર્મી 'ચીફ'નો હોદ્દો જૉઇન્ટ સેક્રેટરીની કક્ષાનો કર્યો! સૈનિકોનું આ હડહડતું અપમાન હતું.
૧૯૬૫ની લડાઇ બાદ ભારત-પાકિસ્તાનની સરકારો વચ્ચે સંધિ થઇ, તેમાં કરાર થયો કે આંતરરાષ્ટ્રીય સીમા પર સશસ્ત્ર સેનાની જગ્યાએ ભારતની બીએસએફ અને પાકિસ્તાનના ‘રેન્જર્સ’ને ગોઠવવામાં આવે. આ નવીનતમ ઉભા કરાયેલા દળને ‘ફર્સ્ટ લાઇન ઓફ ડીફેન્સ’ અને સીમા-પ્રહરીનું કામ કરવાનું હોવાથી ગૃહખાતા નીચે ઉભા કરાયેલ બીએસએફને ભારતીય સેનાના સમકક્ષ હથિયાર, ટ્રેનિંગ વિગેરે અપાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. નહેરૂજીના અંગત સુરક્ષા અધિકારી અને IPS મધ્યપ્રદેશ કાડરના કાબેલ ગણાતા અફસર શ્રી. કે.એફ રુસ્તમજીની સક્ષમ નિગરાણી હેઠળ બીએસએફની રચના થતાં જ ભારતીય સેનામાં એક એવી અફવા ફેલાઇ ગઇ કે ભારતીય સેનાના હરીફ સૈન્ય તરીકે સરકારે બીએસએફની રચના કરી છે! ત્યારથી સેનાના અફસરોને બીએસએફના અફસરો અને જવાનો પ્રત્યે કોઇ પણ જાતના બૌદ્ધિક કે તાર્કિક આધાર વગર ઘૃણા અને અવિશ્વાસનો પ્રતિભાવ રૂઢ થયો હતો. હું ભારતીય સેનામાં ૧૯૬૮ સુધી કૅપ્ટનના પદ પર કમીશન્ડ અૉફિસર હતો તેથી આ અફવા મેં અને મારા જેવા અનેક અફસરોએ સાંભળી હતી. બીએસએફમાં ગયા બાદ 'જીપ્સી'ને આનો ઘણી વાર અનુભવ થયો અને તેની પરાકાષ્ઠા મને ૧૯૭૧ના યુદ્ધમાં જોવા મળી. આની પહેલી 'પ્રસાદી' મને કર્નલ ગુરચરણ પાસેથી મળી.
આ વૃત્તિને કારણે લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ પોપટલાલ જુઠદેવે મને કોઇ પણ જાતનો સપોર્ટ આપવાની મનાઇ કરી. વાયરલેસ પર તેમની તેજા સાથે થયેલી જે વાત થઇ તે મારી હાજરીમાં જ થઇ. તેજાએ મને કહ્યું, "You have heard my CO's orders! I am sorry I cannot help you."
આ વાર્તાલાપને કારણે મારા માટે નિર્ણય લેવું સહેલું થયું. નો મૅન્સ લૅન્ડનું નિરીક્ષણ કરવા જીપને પાછળ મૂકી હું ઇન્ફન્ટ્રીના આખરી મોરચા સુધી ચાલતો ગયો. તેમની સામે નિર્જન પડેલી યુદ્ધભુમિ હતી. સવારના લગભગ ૧૧ વાગ્યા હતા છતાં ત્યાં સોપો પડી ગયો હતો. ગઇ કાલે બપોરના સમયે ખેલાયેલ મૃત્યુના તાંડવની છાયા હજી પણ આખા વિસ્તારમાં કાળા વાદળાંની જેમ છવાઇ હતી. આપણા લોકશાયર ઝવેરચંદ મેઘાણીએ વર્ણવેલ “ભૂત રૂવે ભેંકાર” શું હોય છે તે મેં મારી નજર સામે જોયું. ‘નો મૅન્સ લૅન્ડ’ના કિનારાનું રક્ષણ કરી રહેલ તેમના સૈનિકોની ઇન્ફન્ટ્રીના પૉઇન્ટ સેક્શનની આખરી ટ્રેન્ચ સુધી લાઇટ ઇન્ફન્ટ્રીના પ્લૅટૂન કમાંડર સુબેદાર સાવન્ત મારી સાથે આવ્યા. મને મરાઠી આવડતું હતું તેથી તેમણે ‘સાહેબ, યા પુઢે શત્રુ આહે,” (અહીંથી આગળ દુશ્મન છે) કહી દુ:ખભર્યા ચહેરા સાથે સૅલ્યુટ કરી પોતાની ટ્રેન્ચમાં ગયા. તેમનો ચહેરો ઘણું બધું કહી ગયો.
જે માણસ જાણી જોઇને મૃત્યુના મુખમાં જઇ રહ્યો હોય તેને કંઇ કહેવા જેવું હોય ખરું? તેમને કદાચ હતાશા પણ હતી કે તેઓ મને મદદ કરવા અશક્તિમાન હતા.
જેમ જેમ હું ધુસ્સી બંધની નીચેના કાચા રસ્તા પર ચાલતો ગયો, મને દુશ્મનોએ ખોદેલા હારબંધ બંકરો દેખાવા લાગ્યા. આપણા જવાનોએ હાથોહાથની લડાઇમાં ભાગ લીધો હતો ત્યાં પાકિસ્તાની ફોજની બલુચ રેજીમેન્ટના ૫૦ જેટલા સૈનિકોનાં શબ હજી પણ ઠેર ઠેર પડ્યા હતા. કેટલાક તો ધુસ્સીમાં તેમણે બાંધેલા બંકરમાં જ મૃત્યુ પામ્યા હતા. હું પગપાળો જઇ રહ્યો હતો ત્યારે ખાઇઓમાં મૃત પાકિસ્તાની સૈનિકોને જોઇ અનેક વિચારો આવી ગયા. કેટલાકના હાથમાં રાઇફલ હતી તેના પરથી સ્પષ્ટ થતું હતું કે આપણી સેનાનો સામનો કરી રહેલ દુશ્મન ઓછો બહાદુર નહોતો. જ્યારે આપણે અખબારોમાં વાંચીએ કે ભારતીય સેનાએ વિજય પ્રાપ્ત કર્યો, લોકોને કદાચ ભ્રમ થઇ શકે છે કે આપણી સેનાએ હુમલો કરતાં જ દુશ્મન ઉભી પૂંછડીએ ભાગતા હોય છે. યુદ્ધભુમિમાં એવું નથી હોતું. અહીં તો જીવન મૃત્યુની બાજી હોય છે. આક્રમણકાર કે સંરક્ષણપંક્તિમાં બેઠેલ સૈનિક, બન્નેને પહેલ કરવા માટે ક્ષણના દસમા ભાગથી પણ ઓછો સમય મળે છે. જે સમયસર પહેલો ઘા કરે તે જીવી જાય છે, અને બીજા ઘાની તૈયારી કરે છે. બન્નેના જીવનનો આધાર એક ક્ષણના હજારમા ભાગની ત્વરા, સમયસૂચકતા અને પહેલ પર આધાર રાખે છે. હુમલો કરનાર અથવા હુમલાનો પ્રતિકાર કરનાર સૈનિક અસાવધાની, નિર્ણય લેવામાં ઢીલ અથવા ડરને કારણે જે કાંઇ કરે અથવા ન કરે, તેનું પરિણામ ઘાતક નીવડ્યા વગર રહેતું નથી.
આપણી સેનાની વાત કરીએ તો આપણા યુવાન અફસરો અને સૈનિકો એવી ગૌરવશાળી પરંપરામાં ઘડાયા છે કે તેમણે કદી પોતાની અંગત સલામતિ કે પોતાના જીવનની પરવા નથી કરી. દેશ માટે અને સેનાપતિને આધિન એવા સૈનિકોના સંરક્ષણ તથા હિત માટે લડનારા સેનાનાયકોની પ્રાચિન ઇતિહાસના કાળથી ઘડાયેલી આ પરંપરા સ્વાતંત્ર્ય બાદ પણ ચાલુ જ રહી છે. આની પ્રતિતિ ભારતને ૧૯૪૮, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ અને કાર્ગિલના યુદ્ધમાં સતત રીતે મળતી રહી છે. ઇન્ફન્ટ્રી કહો કે બીએસએફ, સૈનિકોનું ધર્મચિહ્ન એક જ છે - તેમનો યુનિફૉર્મ, અને તેમનો ધર્મ છે: last bullet- last man - છેલ્લી ગોળી, છેલ્લા સૈનિક સુધી લડતાં રહેવું.
અહીંની રણભુમિમાં દરેક પગલે મને આ જોવા મળ્યું. અા ભુમિ પર પરદેશની અને આપણા દેશની માતાઓ, બહેનો અને પત્નિઓનાં લાડકવાયા વીર ચિરનિદ્રામાં પોઢ્યા હતા. આપણા સૈનિકો પર ગોળીઓનો વરસાદ વરસ્યો હતો. લેફ્ટેનન્ટ ચિમાની ટૅંક્સ પર છોડવામાં આવેલ અનેક ટૅંક-ભેદક ગોળા (અૅન્ટી ટૅંક શૉટ્સ)ના ખાલી શેલ ઠેર ઠેર પડ્યા હતા. શહીદ થયેલા અમારા સૈનિકોનાં શબ ઇન્ફન્ટ્રી બટાલિયનના હેડક્વાર્ટરમાં મોકલવામાં આવ્યા હતા. ઘાયલ સૈનિકોને અમૃતસરની મિલીટરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બધું મારી નજર સામે હતું તથા મનના પરદા પર અંકાતું જતું હતું, પરંતુ ત્યારે આ વાતનો વિચાર કરવાનો સમય નહોતો. મને અમારા ૫૦થી વધુ સૈનિકોની ચિંતા હતી.

નોંધ: પાછલા અને આજના અંકમાં સૈન્ય અને બીએસએફના સંદર્ભમાં જે વાત લખી તે ૧૯૭૧ની - એટલે આજથી ૩૭થી વધુ વર્ષ પહેલાંની છે. તે સમયે બીએસએફ એક નવું જ “આર્મડ્ ફોર્સ અૉફ ધ નેશન” હતું અને લગભગ ૧૯૭૦ સુધી તેને ભારતીય સેના સાથે ‘સહિયારૂં’ કામ કરવાની તક મળી નહોતી. મિલીટરીના અફસરોને અમારી કાર્યપ્રણાલી, ‘ઇન્ટેગ્રીટી’ અને તેમની જેમ રાજકારણથી અલિપ્ત રહેવાની વૃત્તિ વિશે જાણ નહોતી તેથી અવિશ્વાસ અને શંકાની ભાવના કેટલાક સમય માટે રહી. જ્યારે અમે તેમના ‘અૉપરેશનલ કન્ટ્રોલ’ નીચે રહી યુદ્ધમાં અને કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં તેમની સાથે ઘનીષ્ઠતાપૂર્વક કામ કર્યું, જે રીતે દુશ્મનનો તેમની જેમ કુશળતાપૂર્વક સામનો કરી વિશ્વાસ સંપાદન કર્યો, ત્યારે આ અવિશ્વાસની ભાવના દૂર થઇ. અહીં વર્ણવેલા પ્રસંગો સંકુચીત વૃત્તિના અને પૂર્વગ્રહથી પીડાતા મિલીટરી અફસરો પૂરતા મર્યાદીત હતા.
Tatto Media
Tatto Media

4 comments:

  1. Thanks for the history and indeapth details about war-
    Waiting for next chapter.

    ReplyDelete
  2. દેશ માટે અને સેનાપતિને આધિન એવા સૈનિકોના સંરક્ષણ તથા હિત માટે લડનારા સેનાનાયકોની પ્રાચિન ઇતિહાસના કાળથી ઘડાયેલી આ પરંપરા સ્વાતંત્ર્ય બાદ પણ ચાલુ જ રહી છે. આની પ્રતિતિ ભારતને ૧૯૪૮, ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૭૧ અને કાર્ગિલના યુદ્ધમાં સતત રીતે મળતી રહી છે. ઇન્ફન્ટ્રી કહો કે બીએસએફ, સૈનિકોનું ધર્મચિહ્ન એક જ છે - તેમનો યુનિફૉર્મ, અને તેમનો ધર્મ છે: last bullet- last man - છેલ્લી ગોળી, છેલ્લા સૈનિક સુધી લડતાં રહેવું. ......
    This is an portion of the Post you had published...I see bravery diplyed allover in the battlefield. Some of the narrations of the Post can be only known from a person who was in that battlefield..& that is YOU..Thanks for sharing !
    Chandravadan. (Chandrapukar )

    ReplyDelete
  3. જ્યારે અમે તેમના ‘અૉપરેશનલ કન્ટ્રોલ’ નીચે રહી યુદ્ધમાં અને કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં તેમની સાથે ઘનીષ્ઠતાપૂર્વક કામ કર્યું, જે રીતે દુશ્મનનો તેમની જેમ કુશળતાપૂર્વક સામનો કરી વિશ્વાસ સંપાદન કર્યો, ત્યારે આ અવિશ્વાસની ભાવના દૂર થઇ.
    -------
    True for non military areas too!

    I think, the decision of Govt. of India to keep three wings separate was very wise. Otherwise, democracy would not have progressed, whatever way it has in India.
    - Suresh Jani

    ReplyDelete
  4. @ Sureshbhai:
    Yes, the decision to abolish the post of C-in-C was right for us. It was also right to subordinate the armed forces under the civilian authority. However, in my personal opinion, this could have been organized in such a way that the dignity of three chiefs of armed forces was kept intact. Indian Army lives by traditions, pride and glory. Everything else is secondary. This crucial point has been ignored by the "civil" (pun not intended, but valid!) authority.

    ReplyDelete