Follow by Email

Friday, June 12, 2009

‘જરા યાદ કરો...’

દુશ્મનના ગોળીબારમાંથી બચીને મેજર તેજાના બંકર પાસે પહોંચ્યો. તેણે સ્મિત સાથે કહ્યું, “તુમ બડે તકદીરવાલે નીકલે! બાલ-બાલ બચ ગયે!” મને સંતોષ હતો કે અમારા ‘ખોવાયેલા’ જવાનોને જર્નેલ અને હું મળી શક્યા હતા, અને તેમના પર મૂકાયેલા desertion- ભાગી જવાના આક્ષેપને જુઠો સાબિત કરી શક્યા હતા. તેજાને મેં અમારી પ્લૅટૂનોની deploymentની પૂરી માહિતી આપી અને નકશામાં તેમના ગ્રીડ રેફરન્સ બતાવ્યા. હવે તેણે કંપનીના ફાયરીંગ પ્લાનમાં ફેરબદલી કરી અને અમારા સૈનિકોને તેમાં આવરી લીધા. ત્યાંથી નીકળી અમારી ડેલ્ટા કંપનીના હેડક્વાર્ટરમાં જઇ અમારા જવાનો માટે ચ્હા તથા બે વખતનું ભોજન બનાવડાવ્યું. કંપની હેડક્વાર્ટર્સનો અમારી બટાલિયન સાથે ટેલીફોન લાઇનનો સંપર્ક હતો તેથી અમારા સીઓને અમારા ‘અભિયાન’નો રીપોર્ટ આપ્યો. તાઉને પ્લૅટૂનોની લોકેશનની માહિતી આપી ત્યાં ભોજનની ગાડીઓ રવાના કરીને હું અમારા બટાલિયન હેડક્વાર્ટર તરફ જવા નીકળ્યો.
બટાલિયનની બધી કંપનીઓએ કરેલ અભૂતપૂર્વ કામગિરીનો સિટરેપ (સિચ્યુએશન રીપોર્ટ) જાલંધરના ફ્રન્ટિયર હેડક્વાર્ટરમાં તથા દિલ્લીના અમારા સર્વોચ્ચ હેડક્વાર્ટરમાં પહોંચી ગયો હતો. અમારી બટાલિયનને ૧૯૭૧ના વર્ષની સર્વશ્રેષ્ઠ બટાલિયનનો પુરસ્કાર મળ્યો. અમારી બટાલિયને એક વીર ચક્ર (સબઇન્સ્પેક્ટર અજીતસિંહ), એક સેના મેડલ (સબ ઇન્સ્પેક્ટર દર્શનસિંહ), રાષ્ટ્રપતિના પોલીસ અૅન્ડ ફાયર સર્વિસીઝ મેડલ ફૉર ગૅલન્ટ્રીના છ (સબઇન્સ્પેક્ટર ઠાકુર કરમચંદ, ચંદરમોહન, લાન્સનાયક તુલસી રામ, લાન્સનાયક સુરજીતસિંહ, હવાલદાર હરબન્સ લાલ અને જીપ્સી) તથા ત્રણ પોલિસ મેડલ ફૉર ગૅલન્ટ્રી (સંતોખસિંહ, અજાયબસિંહ અને પ્રભાકરન નાયર) જીત્યા. ૧૯૭૧ના યુદ્ધમાં અમારી બટાલિયન સૌથી વધુ બહાદુરીના ચંદ્રક જીતનારી બીજા નંબર પર આવી.
માણસ એક વ્યવસાય સ્વીકારે અને તેમાં ઓતપ્રોત થઇ જાય છે ત્યારે તેના મનમાં કદી એવું નથી આવતું કે તે કોઇ “મહાન” (!) કામ કરી રહ્યો છે. તે જે કાંઇ કરે છે તે તેની દિનચર્યાનો ભાગ હોય છે. તેમાં તે આનંદ માણે છે. દિવસ વીત્યે જો તેને સારી નિંદર આવે તો તેણે સમજવું કે તેના હાથે તે દિવસનું કામ પ્રામાણિકતાપૂર્વક પૂરું થયું. તે દિવસની રોટી તેને સાર્થક થઇ. લડાઇમાં દુશ્મનોના ગોળીબાર અને બૉમ્બવર્ષામાં આપણા જવાનો જે ભાવનાથી લડતા રહ્યા, તેમને મળેલી કેળવણીનો હિંમતથી પ્રયોગ કર્યો તથા યુદ્ધમાં પોતાની પ્લૅટુનને, કંપનીને, બટાલિયનને તથા દેશને વિજય અપાવ્યો, તેમાં તેમની નિષ્ઠા અને નમ્રતા વ્યક્ત થાય છે. સંતોખસિંઘ, અજાયબસિંઘ, મહેરસિંઘ, પ્રભાકરન નાયર - તેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. અજીતસિંઘ, ઠાકુર કરમચંદ, ચંદર મોહન, દર્શનસિંઘ જેવા વીર પુરુષોના સહવાસમાં તેમની ભાવના અને કર્તવ્યપરાયણતાનાં દર્શન થયા. તેમણે જીવન જીવી જાણ્યું અને તેમની વીરતા તથા નમ્રતાનો પ્રકાશ અમારા જીવન પર ફેલાવતા ગયા.
૧૯૭૧-૭૨નો શિયાળો અમારા માટે અનેક દૃષ્ટીએ યાદગાર થયો. બહાદુરીના પ્રથમ ચંદ્રકો મૃત સૈનિકો માટે જાહેર થયા તેમાં મારી કંપનીના શહિદ થયેલા બે જવાનો હતા. પંજાબના ગવર્નરશ્રીના હાથે તેમની વિધવાઓને ચંદ્રક અાપવામાં આવનાર હતા. મને કામગિરી સોંપાઇ તેમને તેમનાં ગામથી જાલંધર લાવવાની. હું તેમને ગામ ગયો અને તેમના પરિવારને મળ્યો ત્યારે હૈયું વલોવાઇ ગયું. સંતોક સિંઘની વિધવા, તેના ઘરડાં મા-બાપ અને ભાઇ-બહેનોનું રુદન રોકાતું નહોતું. આખું ગામ મારી આસપાસ ભેગું થઇ ગયું. સંતોક સિંઘના વૃદ્ધ પિતાની પાસે હું બેઠો અને તેમને સંતોક સિંઘની બહાદુરીની વાત કરી. લડાઇમાં મૃત્યુ પામનાર દરેક સૈનિકને ગૅલન્ટ્રી અૅવોર્ડ મળતો નથી, અને જે હાલતમાં સંતોક સિંઘે પોતાના પ્રાણની અાહુતિ આપી તે સાંભળી તેના પરિવારે અને ગામના લોકોએ કહ્યું કે શહીદ સંતોક સિંઘે પરિવારને અને ગામને ઉંચી પ્રતિષ્ઠા અપાવી. તેનું બલિદાન સાર્થક થયું. આ વખતે મને ખાસ તો એ જોવા મળ્યું કે સૈનિકના પરિવારને આખા ગામનો ઉષ્માભર્યો સાથ હતો. આ પંજાબ છે. પંજાબની પરંપરા હતી સૈનિકોનાં પડખે રહેવાની.
અજાયબ સિંઘને ઘેર ગયો ત્યાં પણ એવો જ અનુભવ થયો. બન્ને સિપાહીઓ યુવાન હતા. તેમની યુવાન વિધવાઓનું દુ:ખ જોયું જતું ન હતું. આવા શોક ભર્યા માહોલમાં પણ આ ખેડૂત પરિવારોની ખાનદાની શિષ્ટતા છતી થઇ. અમારા ડ્રાઇવર, સાથી જવાન અને મને કાંસાના થાળમાં મકાઇના ગરમ રોટલા અને શાકનું ભોજન પીરસવામાં આવ્યું હતું. એક ફૂટ લાંબો પિત્તળનો પ્યાલો ભરેલ લસ્સી અમારી સામે ધરવામાં આવી.
મોડી સાંજે અમે જાલંધર પહોંચ્યા. બહેનો તથા તેમની સાથે આવેલ વડીલોને તેમના ઉતારે પહોંચાડ્યા.
બીજા દિવસે યોજાયેલી ભવ્ય પરેડમાં પાંચસો સિપાહીઓ અને છ અફસરોના માર્ચ પાસ્ટમાં સલામી અને શહીદોને તથા તેમના પરિવારોને અંજલી અપાઇ. મારૂં સદ્ભાગ્ય હતું કે શહીદ સંતોક સિંઘ અને અજાયબ સિંઘની વીરાંગનાઓને ગવર્નરશ્રીના મંચ સુધી લઇ જવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી.
અમારી બટાલિયનના સાત જવાનો શહીદ થયા. તેમના અંત્યસંસ્કાર વખતે અપાતી ‘શોક-શસ્ત્ર’ની સલામી, ત્યાર બાદ બ્યુગલ પર વાગતા ‘લાસ્ટ પોસ્ટ’ના કરૂણ સૂર, ત્યાર બાદ ઉગતા સૂર્યને ધ્વજારોહણ દ્વારા અપાતા આવકારના ‘reveille’ના બ્યુગલના સૂર - દિવંગતના આત્માના સ્વર્ગારોહણ દર્શવતા હોય તેના નાદમાં તેમને અગ્નિદાહ દેવાનું કામ પણ અૅજુટન્ટની હેસિયતથી મારે જ કરવું પડ્યું હતું. આવી હૃદયવિદારક પરિસ્થિતિમાંથી કોઇને ન જવું પડે એવી પ્રાર્થના હું હંમેશા કરું છું.
જે શહિદોને શિફારસ કરવા છતાં બહાદુરીના ચંદ્રક ન મળ્યા, તેમની વિધવાઓને યુનિટ તરફથી સિલાઇ મશીન આપવાનું નક્કી થયું. મોટા ભાગની બહેનોએ તે લેવાની ના પાડી. “એક વીર સૈનિકની પત્નીને આવું દાન લેવું શોભે નહિ,” કહી તેમણે યુનિટમાં આવવાનો સુદ્ધાં ઇન્કાર કર્યો.
લડાઇમાં કેવળ સિપાહીઓ જ ભાગ નથી લેતા. અમારા હેડક્વાર્ટરના વહીવટી ખાતાના સુબેદાર, નાયબસુબેદાર અને હવાલદાર-ક્લાર્ક પણ પોતાના કર્તવ્યમાં રત હતા. લડાઇમાં બલિદાન આપનાર સૈનિકોના પરિવારોને વિના વિલંબે પેન્શન મળે તે માટે તેમણે રાત-દિવસ મહેનત કરી કાગળ તૈયાર કર્યા. બીજા દિવસે જવાબદાર ક્લાર્કને પરિવારોના ઘેર મોકલી કાગળમાં સહીઓ કરાવી, ફોટોગ્રાફ વિગેરે પડાવી કોરીઅર દ્વારા કાગળ ઉપરના હેડક્વાર્ટરમાં મોકલાવ્યા. અહીં કર્તવ્યપરાયણતાના ડગલે ને પગલે દર્શન થતા હતા. અમારા હેડક્લાર્ક સુબેદાર મોહિંદરસિંહની સજ્જનતા હંમેશા યાદ રહેશે.
સમય વહેતો જાય છે. રણ મોરચે પ્રાણની આહૂતિ આપનાર સિપાહીની શહાદતને કોઇ યાદ કરે છે કે નહિ, ‘ઝંડા દિવસ’ના સમયે શાળાનાં બાળકો સિવાય દાનપેટીમાં કોઇ બે-ચાર સિક્કા નાખે છે કે નહિ તે જોવા શહિદો આ જગતમાં નથી. તેમના પરિવારોને ભુલાઇ જવાની ટેવ પડી ગઇ છે. ભારતનું મસ્તક ઉન્નત રાખનાર સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીના બીજી અૉક્ટોબરના દિવસે આવતા જન્મ દિવસને કોઇ યાદ કરતું નથી, ત્યાં એક અનામી સૈનિકની કોણ પરવા કરે? પરંતુ અમે સૈનિકો અને અમારા પરિવારો એક વાત જરૂર શીખ્યા છીએ: પાછળ ન જોતાં આગળ વધતા રહેવું. Move on! આવું ન કરવાથી દુ:ખ અને શોકની ગર્તામાંથી કદી બહાર નીકળી જ ન શકાય. આમ છતાં જેમની સાથે અમે ટ્રેનિંગ કરી, રણભુમિમાં સાથોસાથ દુશ્મનની ગોળીઓનો સામનો કર્યો, રાવિના બરફ જેવા ઠંડા પાણીમાં રાતના અંધારામાં ઉતરી અજાણ્યા ભવિતવ્ય અને મૃત્યુની સંભાવનાથી સભર એવા ધુમસમાં જેમની સાથે પ્રવેશ કર્યો, તેવા સાથીઓને અને તેમની સાથેના રોમાંચકારી વાતાવરણને કેવી રીતે ભુલી શકાય? એકલતાની પળોમાં જીપ્સી કોઇક વાર ભુતકાળમાં લપસી પડે છે. તે જઇ પહોંચે છે સરકંડાના જંગલમાં અને કઠુઆના પુલ પર. રાતના અંધારામાં તેને રાઇફલ કે LMGના ઘોડા ચડાવી તેને પડકારતા ‘હૉલ્ટ, હુકમ દાર’ના કડાકા યાદ આવે છે. બાળકના હાથમાંથી મિઠાઇનું પડીકું ઝડપી લેવા તીરની જેમ ઉતરતી સમળીની જેમ આવતા સેબર જેટ અને સ્ટારફાઇટર તથા તેમની મશીનગનના મારના ભણકારા સંભળાય છે. અર્ધી રાતે વગડામાં જાણે ડાકણ ચિચિયારી કરતી હોય તેવા અમારા બંકર પર આવતા દુશ્મનની તોપના ગોળાના તીણા અવાજ યાદ આવે છે. ડર તો તે વખતે પણ નહોતો લાગ્યો. અત્યારે તો નજર સામે દેખાતા યુવાન અફસરની છબી જોઇ રમુજ ઉપજે છે. કેવો ભોટ, આદર્શવાદી પાગલ હતો એ જીપ્સી! ન તો તેને પોતાની સુરક્ષાનું ભાન હતું કે નહોતી તેને પોતાના પરિવારની ચિંતા. ફીકર હતી કેવળ તેના હુકમને આધિન એવા જવાનોની, જેમણે પોતાના પ્રાણની જવાબદારી તેના ખભા પર સોંપી હતી.
Tatto Media
Tatto Media