Follow by Email

Thursday, June 11, 2009

1971 - "ખોવાયેલા" સૈનિકોની શોધમાં...(૩)

અનિશ્ચિત ભાવિ તરફ પગલું ભરતાં પહેલાં મેં પાછળ નજર કરી તો જણાયું કે જર્નેલસિંઘ ધીરે ધીરે જીપ આગળ લાવી રહ્યો હતો. મારી પાસે તેણે જીપ રોકી. હું તેમાં બેઠો અને અમે હળવી ગતિથી આગળ વધવા લાગ્યા. હું દૂરનો ભુ-ભાગ (distance), ૧૦૦થી ૨૦૦ મીટર પર આવેલ મધ્ય ભાગ (middle distance) અને નજીકની ભુમિ (foreground)નું નિરીક્ષણ કરી ‘નો મૅન્સ લૅન્ડ’તરફ વધતો હતો. હેડક્વાર્ટરથી ઊતાવળે નીકળ્યો હોવાથી મેં દુરબીન નહોતું લીધું. મારી પાસે ફક્ત ૯ મિલીમીટર કૅલીબરની અૉટોમેટીક પિસ્ટલ હતી અને જર્નેલ પાસે સ્ટેનગન. અચાનક દૂર ધુસ્સી બંધ પર મને થોડી હિલચાલ જોવા મળી. ધારી ધારીને જોતાં આશરે ૨૦૦ મીટરના અંતર પર ખાખી યુનિફૉર્મ અને સ્ટીલ હેલ્મેટ પહેરેલો જવાન ‘કૅમુફ્લાજ’ કરેલી ખાઇમાંથી ડોકું બહાર કાઢી અમારી તરફ જોતો હોય તેવું લાગ્યું.
હું વિમાસણમાં પડી ગયો. તે વખતે પાકિસ્તાનની સેના અને બીએસએફ, બન્નેના યુનિફૉર્મ ખાખી રંગનાં હતા. મારી નજરે પડેલ જવાન અમારો હતો કે પાકિસ્તાનનો, તે કહેવું મુશ્કેલ હતું. કોણ જાણે કેમ, તે સમયે અમને અમારી સલામતીની કોઇ ચિંતા નહોતી. એક અલગારી ફકીરની વૃત્તિ આપોઆપ આવી ગઇ હતી. મેં જર્નેલસિંઘને કહ્યું, “જર્નેલ, જીપનું એત્થે રોકીં. અગ્ગે મૈં ઇકલ્લા હી પૈદલ જાવાંગા.” (જીપ અહીં રોક. આગળ હું એકલો ચાલીને જઇશ.)
જર્નેલ હિંમતવાન સરદાર હતો. તેણે કહ્યું, “સર જી, તુંસી ફિકર ના કરો. મૈં સિક્ખદા પુત્તર હાં, તુહાડે સાથ હી રહેણાં. અપાં જીપ વિચ હી અગ્ગે જાવાંગે.” (તમે ચિંતા કરશો મા. હું સિખનો દીકરો છું, તમારી સાથે જ રહીશ. આપણે જીપમાં બેસીને જ આગળ જઇશું.)
અમે જેમ જેમ આગળ વધતા ગયા, મારા મનમાં આશા પ્રગટવા લાગી. મારો અંતરાત્મા મને કહેવા લાગ્યો, ‘આગળ વધ. તને કોઇ આંચ નહિ આવે. આ તારા જ જવાનો છે.’
આતમનો કોલ સાચો નીવડ્યો.
અમે દૂરથી જોયેલી ટ્રેન્ચની નજીક પહોંચ્યા પણ અમારા પર ગોળીઓ ન વછૂટી. આ અમારા જ જવાન હોવા જોઇએ! ખાઇ પાસે ગાડી રોકી અને તેમાંથી ત્રણ જવાન બહાર આવ્યા. તેમાંના સિખ લાન્સ નાયકે ‘સત શ્રીઅકાલ’ કહી મારું અભિવાદન કર્યું. તેમની ખબર પૂછવા આવ્યો હતો જાણી તેઓ ખુશ થઇ ગયા. જીપને એક ઝાડની નીચે રોકી આગળ આવેલી દરેક ખાઇ પાસે ગયો અને પ્રત્યેક જવાનને મળ્યો. દુશ્મન સાથે ગોળીબારના ‘સંપર્ક’માં રહેલી પહેલી ખાઇમાં લાઇટ મશીનગન સાથે બેઠા હતા હવાલદાર ચંદર મોહન, સબ ઇન્સ્પેક્ટર અજીતસિંહ અને તેમના બે સાથીઓ.
છેલ્લા ચોવિસ કલાકથી આગળ અને પાછળના બબ્બે નો-મૅન્સ લૅન્ડમાં અમારા પચાસ બહાદુર સૈનિકો કોઇ પણ જાતના ભારે હથિયાર (81 mm Mortar અને મીડીયમ મશીનગન)ના આધાર વગર દુશ્મનના ગોળીબારનો સામનો કરી રહ્યા હતા. આગળ દુશ્મન હતો, અને પાછળ - આપણી ઇન્ફન્ટ્રી માટે તેમની સામેનો વિસ્તાર - જ્યાં બીએસએફના સૈનિકો હતા, તે ‘નોમૅન્સ લૅન્ડ’હતો! આ ચોવિસ કલાકમાં અમારા જવાનોને ભોજન તો શું, ચ્હાનો કપ પણ નહોતો મળ્યો. અમારી બટાલિયન ભારતીય સેનાના ‘ઓપરેશનલ કન્ટ્રોલ’ નીચે હતી. આનો અર્થ એવો થાય છે કે જે ઇન્ફન્ટ્રી બટાલિયન સાથે અમારા સૈનિકો સંલગ્ન હોય તેમને પોતાના જ સૈનિકો સમજી તેમનું deployment, સંરક્ષણ, ભોજન અને નેતૃત્વ આપવાની જવાબદારી જે તે ઇન્ફન્ટ્રી બટાલિયનની થાય. મને દુ:ખ તો એ વાતનું થયું કે દેશ હિતની આગળ અંગત સ્પર્ધા, ક્ષુલ્લુક અર્થહિન ઇર્ષ્યા ગૌણ બને છે તેનો અહેસાસ કર્નલ ‘જુઠદેવા’ને કે તેમના અફસરોને નહોતો. કર્નલ ગુરચરનસિંઘે પણ આવી જ વૃત્તિ બતાવી હતી. અમારા બીએસએફના જવાનોની સામેના નો મૅન્સ લૅન્ડમાં તેમની સામે દુશ્મન હતો. તેમની પાછળ ઇન્ફન્ટ્રીની ટુકડી હતી, જેમને અમારા સૈનિકોની હાજરી કે અસ્તીત્વ વિશે કશી જાણ નહોતી! આ જાણે ઓછું હોય, અમારા સૈનિકો પાસે વાયરલેસ સેટ પણ નહોતો. યુદ્ધમાં શત્રુ સામે લડવા ખડા રહેલા સૈનિકો સાથે વાયરલેસ કે ફીલ્ડ ટેલીફોનથી સીધો સંપર્ક રાખવો અતિ મહત્વનું હોય છે. જો અમારા સૈનિકો વાયરલેસના સંપર્ક વગર તેમની પાછળ ‘પોઝીશન’માં બેઠેલી આપણી ઇન્ફન્ટ્રીનો સંપર્ક સાધવા પગપાળા જાત તો તેમનો ખાખી યુનિફૉર્મ જોઇને જ તેમનો આપણી જ સેનાએ કચ્ચરઘાણ કાઢી નાખ્યો હોત! દુશ્મનના તોપખાના કે મશીનગનના કોઇ પણ જાતના આધાર વગર અમારા જવાનો હિંમતપૂર્વક દુશ્મનની સામે બાથ ભીડી રહ્યા હતા.
હું બધા જવાનોને મળ્યો. તેમના હાલ-હવાલ પૂછ્યા. જવાનોને હિંમત આપી તેમની જરુરિયાતો નોંધી અને હેડક્વાર્ટર જવા જીપમાં બેઠો. નીકળતાં પહેલાં અજીતસિંહ તથા તેમની પ્લૅટૂને કબજે કરેલી પાકિસ્તાની સેનાની ત્રણ સેમી અૉટોમેટીક રાઇફલ, વાયરલેસ સેટ અને અન્ય સામાન મને આપ્યો. તેમાં એક રાઇફલ એવી હતી, જેના પર આપણા સૈનિકોની ગોળીઓ વાગવાથી તેની બ્રીચ ટૂટી ગઇ હતી અને સહેજ વાંકી થઇ ગઇ હતી.
જર્નેલસિંઘે જીપ ચાલુ કરીને પાછી વાળી ત્યાં મારી જમણી બાજુએ સૂસવાટા સંભળાયા, અને કેટલીક ક્ષણો બાદ ચિરપરિચીત એવા વિજળીના કડાકા જેવી ગર્જના સાંભળી. મેં જમણી તરફ નજર કરી તો કરા પડતા હોય તેમ ગોળીઓ વછૂટીને અમારી જીપની આસપાસ પડવા લાગી. દુશ્મને મશીનગનનો મારો શરુ કર્યો હતો. FDL (ફોરવર્ડ ડીફેન્ડેડ લોકૅલિટી) સુધી જીપમાં જનાર સિનિયર અૉફિસર સિવાય બીજું કોઇ ન હોય, અને તેને ‘ઉડાવી દેવાનું’ શ્રેય લેવા દુશ્મન હંમેશા તત્પર હોય. અમારી જુની જીપનું સ્ટીયરીંગ ડાબી તરફ હતું. ડાબી બાજુએ ધુસ્સી બંધ હતો અને જમણી તરફ ખુલ્લી જમીન અને ખેતર. દુશ્મનનો ગોળીબાર સીધો મારી બાજુએ આવતો હતો. તેમની પાસે બ્રાઉનીંગ મશીનગન હતી, અને તેનો માર લગભગ ૧૦૦૦-એક મીટર સુધી અસરકારક હોય છે. આ અૉટોમેટીક હથિયાર મીનીટની ૩૦૦ થી ૪૦૦ ગોળીઓ છોડી શકે છે. હું જોઇ રહ્યો હતો કે દુશ્મનની કેટલીક ગોળીઓ મારી તરફના ટાયરથી દસે’ક સેન્ટીમીટર દૂર જમીન પર પડતી હતી અને કેટલીક જીપને સમાંતર સનનન કરતી જઇ રહી હતી. જમીન પર પડતી ગોળીઓને કારણે તેમાંથી ઉડતી ધુળ હું સ્પષ્ટ રીતે જોઇ શકતો હતો. કેટલીક ગોળીઓ તો સૂસવાટ કરતી મારા જમણા કાન પાસેથી પસાર થતી હતી. જર્નેલસિંઘ ઝપાટાબંધ જીપ ચલાવી રહ્યો હતો. અંતે ધુસ્સી બંધનો બેવડા કાટખુણા સમો ચોરસ U જેવોવળાંક આવ્યો, અને અમે ત્યાં વળી ગયા. વીસે’ક મિનીટ સુધી અમારા પર ચાલી રહેલા આ ગોળીબારમાંથી અમે બન્ને કેવી રીતે બચી ગયા તે કહેવું મારા માટે અશક્ય છે.
મનમાં સવાલ ઉઠ્યો, ‘અકસીર’ ગોળીબાર કરી શકે તેવી અમેરીકન બ્રાઉનીંગ મશીનગનમાંથી છુટેલી સેંકડો ગોળીઓ ઉપર લખાયેલું જર્નેલસિંઘનું અને મારું નામ કોણે ભૂંસી નાખ્યું હતું?
ખાખી વર્દીમાં ટ્રેન્ચમાં બેઠેલા સૈનિકોને જોઇ અમે આગળ વધ્યા હતા, પણ જો તેઓ દુશ્મનના સૈનિકો હોત તો?
આ સમગ્ર પ્રસંગમાં અમને બચાવનાર કોઇ અગમ શક્તિ હતી, જેની કૃપાને આધારે અમે બચી ગયા હતા?
બીજી તરફ, આ ધુસ્સી બંધ પર અમારા સૈનિકો કોઇ પણ જાતના આધાર વગર મોરચો સંભાળીને બેઠા હતા તેની દુશ્મનને ખબર નહોતી. પાછલી રાતે તેમણે અમારા સૈનિકો પર ‘કાઉન્ટર અૅટક’ કર્યો હોત તો અમારા સૈનિકોની બચવાની કોઇ શક્યતા હતી?
ફોજમાં એક કહેવત સામાન્ય છે: મારનેવાલેસે બચાનેવાલે કે હાથ જ્યાદા લંબે ઔર મજબૂત હોતે હૈં!
સંધ્યાદીપના સમયે કોઇક વાર આ પ્રસંગ યાદ આવે છે અને આ સવાલોનો જવાબ શોધવાનો પ્રયત્ન કરું છું.
હજી જવાબ નથી મળ્યો!