Follow by Email

Thursday, June 18, 2009

બીજો દિવસ: ‘રાજાકી આયેગી બારાત!’

બીજા દિવસે એક રસપ્રદ બનાવ બની ગયો. તે દિવસે ફાયરીંગ કરવા માટે મારી સાથે અમારી બટાલિયનના રસોઇયા, સેનીટરી સ્ટાફ તથા બાર્બરને મોકલવામાં આવ્યા. પંજાબ-હરિયાણામાં બાર્બરને ‘રાજા’ કહેવાય છે - જેમ બંગાળ અને બિહારમાં તેમને ‘ઠાકુર’ના ઉપનામથી આદર આપવામાં આવે છે. અમારા રાજાને ગ્રેનેડ ફેંકવાનો વારો આવ્યો ત્યારે તેની સાથે હું રહ્યો. મેં તેને ફરીથી સમજાવ્યું કે ગ્રેનેડ તથા તેની લિવરને હથેળીમાં કેવી રીતે પકડવી જોઇએ. ત્યાર બાદ “prepare to throw"નો હુકમ મળે ત્યારે બીજા હાથની તર્જનીમાં સેફટી પિનના loopને ભરાવી ખેંચી કાઢવી. આમ કર્યા બાદ ગ્રેનેડ અત્યંત જોખમ ભર્યું બની જાય, કારણ કે જે હાથમાં આ હાથગોળો હોય છે તે છટકી જાય તો તેની લિવર નીકળી જતી હોય છે, અને ગ્રેનેડ ચાર સેકન્ડમાં ફાટી જાય. આથી જ્યાં સુધી “થ્રો”નો હુકમ ન મળે ત્યાં સુધી ગ્રેનેડને મજબુત રીતે પકડી રાખવો અને જ્યારે “થ્રો”નો હુકમ અપાય ત્યારે ગ્રેનેડને જેટલે દૂર ફેંકી શકાય, ફેંકવો, તે સમજાવ્યું.
રાજાએ “પ્રીપૅર ટુ થ્રો” સુધીનું કામ બરાબર કર્યું અને સેફ્ટી પિન ખેંચી કાઢી, પણ “થ્રો”નો હુકમ આપું તે પહેલાં તે એટલો ગભરાઇ ગયો કે તેણે ગ્રેનેડ મારા હાથમાં મૂકી દીધો અને કહ્યું, “સાબ-જી, હમેં બહુત ડર લગ રહા હૈ. આપ હી ગોલા ફેંકે.” આમ કરવા જતાં ગ્રેનેડની લિવર છટકી ગઇ. હૅન્ડ ગ્રેનેડનો ફ્યુઝ ચાર સેકંડનો હોઇ લગભગ તરત ફાટે.(ચાર સેકન્ડ ગણવા માટે આ ચાર આંકડા બોલશો ત્યાં સુધીમાં ચાર સેકન્ડ થઇ જશે: 1001, 1002, 1003, 1004 - અને “BOOM” -ગ્રેનેડ ફાટ્યો!)
અમે બન્ને ટ્રેન્ચમાં હતા. મારામાં ક્યાંથી સમયસૂચકતા આવી ગઇ, અને આજુબાજુની ટ્રેન્ચમાં ફાયરીંગ માટે તૈયાર રહેલા જવાનોને ખાઇમાં બેસી જવાનો એક શબ્દનો - “ડાઉન”નો હુકમ આપ્યો તથા મારા હાથમાં રાજાએ મૂકેલા ગ્રેનેડને મોરચા બહાર ફેંક્યો. આ બધું એટલી જલદી થયું કે ગ્રેનેડ અમારી ખાઇની નજીક જમીન પર પડતાં પહેલાં ફાટ્યો! તેની કરચ સનનન કરતી અમારા મસ્તક પરથી ઉડી જતી સાંભળી. મેં ‘Cease Fire’નો હુકમ આપતી વ્હીસલ વગાડી. ‘અૉલ ક્લીયર’ની સિટી વગાડતાં બાજુની ટ્રેન્ચમાંથી જવાનો અને મારા પ્લૅટુન કમાંડરો બહાર નીકળ્યા અને મારી ટ્રેન્ચ પાસે આવ્યા. ગ્રેનેડના ધડાકાનો અવાજ સાંભળી તેઓ ચિંતામાં પડી ગયા હતા. શું થયું તેની તેમને જ્યારે જાણ થઇ ત્યારે સૌ રાજા પર ગુસ્સે થઇ ગયા. બધા કહેવા લાગ્યા, “ઇસ રાજેકી બારાત નિકાલ દીજીયે, સર!”
હવે રાજાની કમબખ્તી આવી હતી! તેણે તો ખાઇમાં જ મારા પગ પકડી લીધા અને રડવા લાગ્યો. “સા’બજી, બહુત બડા બલંડર-મિસ્ટીક હો ગયા. (કોણ જાણે તેણે આ અંગ્રેજી શબ્દો blunder અને mistake ક્યાં સાંભળ્યા હતા, તેને પોતાની બિહારી હિંદીમાં ઉચ્ચાર્યા!) જબ તક છમા નહિ કરોગે, હમ આપકે ચરન નહિ છોડુંગા!” વિપરીત સંજોગ હતા છતાં અમે બધા હસી પડ્યા. રેન્જ પર તેને દસ “ફ્રન્ટ રોલ” (ગુલાંટ ખાવા)ની શિક્ષા કરીને છોડી દીધો.
અત્યારે વિચાર કરું છૂં: રાજાજી જ્યારે મારા હાથમાં ગ્રેનેડ મૂકવા જતા હતા, ત્યારે શરતચૂકથી ગ્રેનેડ છટકીને અમે પાંચ ફીટ ઉંડી ખાઇમાં ઉભા હતા, તેમાં પડી ગયો હોત તો?
મેં ગ્રેનેડને ફેંક્યો, તે પહેલાં મારા હાથમાં ફાટ્યો હોત તો રાજાની સાથે મારો પણ ‘વરઘોડો’ નીકળી ગયો હોત!