Thursday, June 18, 2009

ઝાંઝર વજદી સૂણ મૂંડીયે!

બટાલિયનની 'F' Companyનું જીવન ઘણી દૃષ્ટીએ રસપ્રદ રહ્યું. ધુસ્સી બંધની પાછળ આવેલ મારૂં કંપની હેડક્વાર્ટર ખસેડીને રાવિ નદીને પાર આવેલી એક પ્લૅટુનમાં હું લઇ ગયો. આનું સાદું કારણ એ હતું કે લડાઇ બાદ પાકિસ્તાન તરફથી અફીણ તથા બ્રાઉન સ્યુગરને પંજાબમાં મોટા પાયા પર ઘુસાડવાનું શરૂ થઇ ગયું હતું. તે રોકવા અમારે ઘનીષ્ઠ પેટ્રોલીંગ તથા રાતના સમયે નદીના કિનારા પર કે બાઉંડરી પિલરની નજીક નાકા લગાડવા પડતા હતા. ક્યાં નાકા લગાવવા તેના હુકમ અમને તે દિવસની સાંજે હેડક્વાર્ટરમાંથી મળતા જેથી અન્ય કોઇને અગાઉથી માહિતી ન મળે કે અમુક દિવસે કે રાતે જવાનો ક્યાં પેટ્રોલીંગ કે નાકાબંધી કરવાના છે. રાતના સમયે નાકાબંધી કરવા મારા ત્રણ પ્લૅટૂન કમાંડરો અને હું વારાફરતી જતા. આમ દર ચોથી રાતે હું રાવિ કાંઠે અથવા બાઉંડરી પિલરની નજીક ‘અૅમ્બુશ પાર્ટી’ લઇને જતો.
શિયાળાની રાતમાં મધ્યરાત્રીની નાકાબંધી રોમાંચકારી હોય છે. ખાસ કરીને નદીના કિનારા પાસે બેસીને પાણીમાંથી ધુમસનું સર્જન થતું જોવાની મઝા અનન્ય હતી. ત્યાર બાદ ઝાકળ પડવાની શરૂઆત થાય. અમે કામળાની સાથે પાતળી રજાઇ પણ લઇ જતા. મધરાત પછી ટાઢ એટલી પડતી કે નદીની સપાટી પર બરફની પાતળી પરત જામી જતી, અને અમારા હાડકાં બરફની જેમ ઠરી જતા. આખી રાત અમારે શાંત રહેવું પડે તેથી રાત વીતતાં વીતે નહિ. આવા સમયે નદી પાર આવેલા ગામડાંઓમાં લગ્ન પ્રસંગે વાગતાં લાઉડ સ્પીકર પરનાં ગીતો સાંભળીએ: “મેરી ઝાંઝર વજદી, સૂણ મૂંડીયે..” (મારી ઝાંઝરનો ઝણકાર તો સાંભળ, છોરા!”) “લઠ્ઠેદી ચાદર, ઉત્થે સલેટી-રંગ માયા/આવો સામણે, ખોલો જી રૂસકે ના લંઘ માહિયા...” (લઠ્ઠાના કાપડની ચાદર પર સ્લેટના રંગનો સ્ટાર્ચ લગાડ્યો છે, ને મેં તેને બિછાના પર પાથરી છે. હવે તો રીસામણાં છોડીને સામે આવોને પ્રિતમ!), જેવા ગીતો આખી રાત ચાલતા. પરોઢિયું થતામાં ગુરૂ ગ્રંથસાહેબમાંની ગુરબાણી અને શબદની શાસ્ત્રીય રાગરાગિણી ગુરબાણીની રેકર્ડ વાગતી. આના સહારે આખી રાત પસાર થતી. બિરબલની ખીચડી આમ જ ચઢતી હશે!
સૂરજ ઉગવા લાગે એટલે અમે અમારા તાલપત્રીના ‘ગ્રાઉંડશીટ’, કામળા અને રજાઇ લપેટી, હથિયાર, દારૂગોળો ચેક કરી બીઓપીમાં પાછા જઇએ. આવી અનેક નાકાબંધી કરી. રોજ રાતે દૂરથી હવામાં તરીને આવતા આ ગ્રામ્યગીતોના સહારે અમે ડ્યુટી બજાવતાં ટાઢ, એકલતાને ભૂલતાં.
અમારી બીઓપીની ચારે બાજુએ ૧૫ ફીટ ઉંચો બંધ હતો અને વચ્ચે સપાટ જમીન. અહીં અમે શાકભાજી, ફુલનાં છોડ વાવીએ. ઉંચા બંધમાં બંકર બાંધેલા હોય. મેદાનમાં વૉલીબૉલનું કોર્ટ, રસોડું વિગેરે. દિવસના સમયે ટ્રેનીંગ કરીએ, અને ત્યાર બાદ જવાનો લુડો, ચેકર્સ જેવી રમત રમે. રાતે ડ્યુટી પર જનારા જવાનોને સૂઇ જવાનો હુકમ અાપીએ તો પણ બપોરના સમયે બહુ ઓછા જવાનો ઊંઘે. મારો સમય પુસ્તકો વાંચવામાં જતો.
પેટ્રોલીંગમાં જવાનું હોય, અને કાયદેસરનો માર્ગ લેવાનો હોય તો દિવસમાં ૧૦-૧૨ કિલોમીટર ચાલવાનું થઇ જાય. કાયદેસર એટલા માટે કે મારી બે ચોકીઓની વચ્ચે પાકિસ્તાનની V આકારની સીમા આવી જતી, અને તેની વચ્ચેથી રાવિ વહેતી. હવે Vની ઉપરના બે પાંખિયા પર અમારી ચોકીઓ આવી હોય તો Vના બન્ને પાંખીયાની પરિક્રમા કરીને જવું પડે એટલું જ નહિ, નદીને બે વાર પાર કરવી પડે,
કોઇ વાર આટલું ચાલવાનું ટાળવા અમે અમારી એક ચોકી પરથી બીજી ચોકીએ જવા સીધી લાઇનમાં - એટલે પાકિસ્તાનના વિસ્તારમાં વગર પાસપોર્ટ -વિઝાએ નીકળી પડતા! એક વાર હું અને મારા ત્રણ સાથી આમ સિધી લાઇનમાં નીકળ્યા હતા. પગદંડીની બન્ને બાજુએ ઉંચા સરકંડાનું જંગલ હતું. એક વળાંક પર અચાનક અમારો ભેટો પાકિસ્તાનના સતલજ રેન્જર્સના એક હવાલદાર અને છ જવાનો સાથે થયો! આ વખતે સૌથી આગળ મારી કંપનીના સાર્જન્ટ મેજર ગુરબચનસિંહ અને હું હતા. રેન્જર્સના હવાલદારે અમને લલકારવાને બદલે અદબપૂર્વક તેણે ખભાપર ‘સ્લીંગ આર્મ’ કરેલી રાઇફલને સ્પર્શ કરી મને સૅલ્યૂટ કરી ‘સલામ આલેઇકુમ’ કહ્યું. મેં તેમને સૅલ્યૂટ કરી, ‘વાલેઇકૂમ અસ્સલામ’ કહી જવાબ આપ્યો. તેઓ અમને કેદ કરવાનો પ્રયત્ન કરી શક્યા હોત. સામ સામા ગોળીબાર થવાની સંભાવના હતી. પણ આ શાંતિનો સમય હતો. થોડા દિવસ પહેલાં જ દશેરાની ઉજવણીમાં અમે તેમની ચોકી પાસે ફ્લૅગ મીટીંગ કરી ત્યાંના જવાનોને ફળનો કરંડિયો આપ્યો હતો અને તેમણે અમને રમઝાન ઇદના પ્રસંગે નારંગી જેવા 'માલ્ટા' નામના ફળ આપ્યા હતા. પરસ્પર સદ્ભાવનાને ધ્યાનમાં રાખી તેમણે અમને કશી તકલીફ ન આપી. ઉલટાનું તેમણે કહ્યું, “જનાબ, હમ આપકે સામનેકી પોસ્ટમેં તૈનાત હૈં. ખીદમત કરનેકા કોઇ મૌકા હો તો હમેં ઝરૂર હુકમ દીજીયે!” અમે ભોંઠા તો પડ્યા, પણ કોઇ આંતરરાષ્ટ્રીય ‘બનાવ’ વગર સહિસલામત અમારી ચોકી પર પહોંચી ગયા તેમાં સંતોષ માન્યો.
એક વાર લાંબું પેટ્રોલીંગ કરી મોડી સાંજે મારા ‘આશ્રમ’માં પહોંચ્યો અને બૂટ ઉતારતો હતો ત્યાં સિગ્નલ્સનો હવાલદાર દોડતો આવ્યો. મને સીઓનો સંદેશ આપ્યો: “તાબડતોડ બટાલિયન હેડક્વાર્ટરમાં હાજર થાવ!”
અરે ભગવાન! What now!?ના ઉદ્ગાર સાથે એક માઇલ ચાલીને હું પાછો રાવિના પત્તન પર ગયો. નાવમાં બેસી પાર પહોંચ્યો તો ત્યાં જર્નેલસિંહ જીપ લઇને મારી રાહ જોઇ રહયો હતો. હેડક્વાર્ટર પહોંચ્યો ત્યારે ફાટક પરના સંત્રીએ કહ્યું, “સર જી, સીઓ સાબને આપકો સીધે મેસ પહુંચને કો કહા હૈ.”
મેસમાં ગયો અને જોયું તો સીઓ, તેમનાં પત્નિ, અન્ય અફસરો તથા તેમની પત્નિઓ અૅન્ટીરૂમમાં બેઠાં હતા. મને જોઇ તરત સહુ બોલી ઉઠ્યા, “હૅપી અૅનીવર્સરી!”
હું ભુલી ગયો હતો કે તે દિવસે અમારા લગ્નની વર્ષગાંઠ હતી.
હેડક્વાર્ટરમાં સામાન્ય રીતે રોજ સાંજે અફસરો તથા તેમની પત્નિઓ બૅડમિન્ટન રમ્યા બાદ મેસમાં જઇ ચ્હા-કૉફી પીએ. અનુરાધાએ તે દિવસે સાંજે મિઠાઇ અને સ્નૅક્સ બનાવી રાખ્યા હતા અને મેસમાં બધા બેઠા ત્યારે આ પીરસાયું. શ્રી. સિંઘે પૃચ્છા કરી ત્યારે મેસ હવાલદારે તેમને જણાવ્યું કે આ ‘મિસેસ નરેંદર તેમની વેડીંગ અૅનિવર્સરીની ઉજવણી માટે પાર્ટી આપી રહ્યા છે.’ તેમણે તરત મને બોલાવવાનો મૅસેજ આપ્યો, અને સાથે સાથે કહ્યું કે મને આ બાબતમાં કશું ન કહેવું. હું પહોંચું ત્યાં સુધી પાર્ટી શરૂ ન કરી.
અમારે ત્યાં પાર્ટી થાય ત્યારે અનુરાધા અને મારે ગીત ગાવાં જ પડે! મારો વારો આવ્યો ત્યારે મેં સ્વ. હેમંત કુમાર મુખર્જીનું “આંચલસે ક્યું બાંધ લિયા, મુજ પરદેસીકા પ્યાર!” ગાયું. આ ગીતના અંતરામાં આવે છે, “કલ સુબહુ હોનેસે પહલે કરૂંગા જાનેકી તૈયારી....” આ સાંભળી સીઓસાહેબનાં પત્નિની આંખમાંથી આંસુ આવ્યા. તેમણે પોતાના પતિને કહ્યું, ‘ઇન્હેં કલ સુબહ તક તો રોક હી લેના! હો સકે તો પરસોં જાનેકી તૈયારી કરનેકો કહેના...”
આનાથી વધુ યાદગાર લગ્નતિથી કઇ હોઇ શકે?

2 comments:

  1. "ખાસ કરીને નદીના કિનારા પાસે બેસીને પાણીમાંથી ધુમસનું સર્જન થતું જોવાની મઝા અનન્ય હતી. ત્યાર બાદ ઝાકળ પડવાની શરૂઆત થાય. અમે કામળાની સાથે પાતળી રજાઇ પણ લઇ જતા. મધરાત પછી ટાઢ એટલી પડતી કે નદીની સપાટી પર બરફની પાતળી પરત જામી જતી, અને અમારા હાડકાં બરફની જેમ ઠરી જતા. આખી રાત અમારે શાંત રહેવું પડે તેથી રાત વીતતાં વીતે નહિ. આવા સમયે નદી પાર આવેલા ગામડાંઓમાં લગ્ન પ્રસંગે વાગતાં લાઉડ સ્પીકર પરનાં ગીતો સાંભળીએ:"

    ---- મને પણ વાંચીને ઠંડી લાગી ગઈ!!!!

    અદ્ભુત પ્રસંગ... એકદમ ભાવનાસભર પ્રસંગ!

    ReplyDelete
  2. બિરબલની ખીચડી આમ જ ચઢતી હશે!



    સરસ ઉપમા ..
    લગ્નતીથીની લશ્કરી ઉજવણી ગમી ગઈ.
    - સુરેશ જાની

    ReplyDelete