Follow by Email

Friday, June 19, 2009

કચ્છનું મોટું રણ, સત્ય અને..આખ્યાયિકાઓ!

પંજાબમાં ત્રણ વર્ષ પૂરા થયા અને જીપ્સીની બદલી ભુજ થઇ. આ અગાઉ હું બનાસકાંઠા-રાજસ્થાન-પાકિસ્તાનની સીમા પર હતો. હવે તો કચ્છના ‘મોટા રણ’ને બદલે સાચા અર્થમાં “વિશાળ રણ”માં જવાનું થયું.
આપણા સૈનિકોનું રોજીંદું જીવન ‘લેફ્ટ-રાઇટ, લેફ્ટ-રાઇટ’ની પરેડ, હથિયાર સફાઇ અને ખેલકૂદ કરવામાં વ્યતીત થાય છે એવું આપણા દેશના નાગરિકોને લાગે તો તેમાં તેમનો દોષ નથી. જાણકારોના મતે આનાથી વધુ કોઇ કામ સૈનિકો કરતા હોય તો હુલ્લડના સમયે સ્થાનિક સરકારને શાંતિ સ્થાપવા માટે બોલાવવામાં આવે તો તેઓ આવીને પોતાનું કામ કરે. જો કે વાસ્તવિકતા સહેજ (!) જુદી છે.
સીમા પર અમારી નીમણુંક થાય તો પણ રોજની પરેડની સાથે સાથે સવાર-બપોર-સાંજ-રાત શસ્ત્ર સજ્જ રહી, સીટી વાગતાં જ ટ્રેન્ચમાં જઇ યુદ્ધ માટે તૈયાર રહેવાનું હોય છે. આ ઉપરાંત સીમા પર નાકા બંધી (ambush) અને પેટ્રોલીંગ કરવા જવું એ સામાન્ય વાત છે. આમ જનતાથી દૂર, રણમાં કે જંગલમાં, હિમાચ્છાદિત પહાડોમાં કે રાવિ, સતલજ કે કૃષ્ણગંગા નદીના કિનારે એકલતામાં વિહરતા સૈનિકો માટે સીમાક્ષેત્રના વિસ્તારમાં સત્ય તથા રહસ્ય જમીન અને િક્ષતીજની જેમ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. પૃથ્વી સત્ય છે, ક્ષિતીજ રહસ્ય!
ગુજરાતના રણ વિસ્તાર સાથે જોડાયેલી સરહદ ઈશ્વરની અદ્ભુત રચના છે. રેતીના કે ખારાપાટના અમાપ વિસ્તારમાં બપોરના સમયે ઘૂઘવતા સમુદ્રનાં દર્શન કરાવતું મૃગજળ, દૂરથી ઊંટ જેટલા મોટા દેખાતાં હરણાં અને અદ્ધર આકાશમાં તરતા હોય તેવા બેટ જોઇ અચરજનો પાર ન આવે. કચ્છના નાના રણમાં જંગલી ગધેડાનાં ટોળાં વસે છે. કલાકના ૪૫-૫૦ કિલોમીટરની ગતિથી દોડી શકતા આ પ્રાણીને પાળવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે.
ચોમાસું આવે કે રણની હાલત સાવ ખરાબ થતી હોય છે. વરસાદનું પહેલું ઝાપટું પડી જાય ત્યાર બાદ રણમાં ટ્રક ચાલી ન શકે. પાણી ભરાઇ જવાને કારણે રણનો કાચો રસ્તો પણ ન દેખાય. બેટ સાચા અર્થમાં ટાપુ બની જતા હોય છે. આથી જુન મહિનામાં ચાર માસનું અનાજ અને અન્ય સામગ્રી તથા ઊંટ માટેનો ચારો ત્યાં પહોંચાડવામાં આવે છે. બહારના વિશ્વ સાથેનો સંપર્ક કેવળ રેડીયો દ્વારા. જવાનોને તેમની ટપાલ નિયમીત મળે તે માટે તેમજ કોઇ જવાનને ગંભીર માંદગી આવી પડે તો તેવા આપત્તિના કાળમાં હેલીકૉપ્ટરનો ઊપયોગ કરવામાં આવે.
કચ્છનું રણ વિશાળ છે. એક વાર તેમાં રાહ ભૂલેલા માણસનું જીવીત રહેવું અશક્ય હોય છે. અનેક માણસો અહીં અટવાઇને મરી ગયાના દાખલા છે. કરાંચીમાં બાંગ્લાદેશીઓની મોટી વસ્તી છે. વતનમાં રહેતા માતા-પિતા, પત્નિ અને બાળકોને કરાંચી લાવવા તેઓ ગેરકાનુની રીતે રણનો રસ્તો અખત્યાર કરતા હોય છે. ભારત-બાંગ્લાદેશના કેટલાક લોકોએ પૈસાના લોભમાં આવી એક ટોળી બનાવી હતી જેઓ આવા પરિવારોને બંગાળની સરહદ પાર કરાવી ભૂજ સુધી પહોંચાડે. અહીં તેમના મળતીયા તેમને ટ્રકમાં બેસાડી ખાવડાની નજીક કાળા ડુંગર સુધી લઇ જતા, અને ત્યાંથી પગપાળા પાકિસ્તાન. મારા સમયકાળમાં એવા ત્રણેક કિસ્સા બન્યા હતા જેમાં રણના ‘ભોમિયા’ઓએ અમાનુષી કૃત્ય કર્યું હતું. દરેક વખતે તેઓ વીસથી ત્રીસ બાંગ્લાદેશી સ્ત્રી-પુરુષોના જુથને રાતના સમયે રણમાં છોડીને નાસી ગયા. વિશાળ રણની શુષ્ક, જળહિન, વૃક્ષહિન ધરામાં દિવસો સુધી ભટકતા લોકોનાં મૃત શરીર અમારી પેટ્રોલ પાર્ટીને મળી આવ્યા હતા. ચારે’ક જણા મૃત:પ્રાય હતા, જેમને ભુજ મોકલવામાં આવ્યા. પરંતુ જવાનોને મળી આવેલા માનવ અવશેષ પોલીસને હવાલે કરવાના હોઇ, પોલીસ પાર્ટી આવીને પંચનામું કરી તેમને લઇ જાય ત્યાં સુધી તેમની નિકટ રહી ગીધ અને શિયાળથી તેમને બચાવવા ચોકી કરવી પડે. જવાનો આખરે તો માનવ હૃદય જ ધરાવતા હોય છે.તરસથી વ્યાકુળ થઇ મૃત્યુ પામેલા નિષ્પાપ સ્ત્રી-બાળકો તથા તેમનાં પરિવારોનાં ચહેરા જોઇ જવાનોને કેટલો આઘાત પહોંચતો હશે તેનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. તેમના મન પર પડેલા ઘેરા આઘાતનું સ્વરૂપ ઘણી વાર ગંભીર બની જાય છે.
ધુમકેતુનું “બારણે ટકોરા”માં મૃત પતિના અવાજને તથા તેમણે બારણાં પર પાડેલા ટકોરાને પ્રત્યક્ષ સાંભળતી સ્ત્રી માટે જે સત્ય હતું તે માનસશાસ્ત્રીઓ માટે સ્કિત્ઝોફ્રેનીયાનું નિદાન બની જાય છે. રણમાં વસતા લોકોને શિયાળના રુદનમાં કે હવા અને રેતીના તોફાનમાંથી ઉમટતા તીણા અવાજમાં ખારાપાટમાં ભટકીને મૃત્યુ પામેલા લોકોનાં નિ:શ્વાસ અને પાણી માટેની પોકારનો ભાસ થાય તે સમજી શકાય તેવી વાત છે. અમે સીધા સાદા સૈનિકો છીએ. અમને માનસશાસ્ત્રનું જ્ઞાન નથી અને જે વાત અમારા મન તથા મગજને આઘાત પહોંચાડે, તેનું clinical analysis કરવા માટે અમારી પાસે સાધન કે સમય નથી હોતા.
એકલતા અને સ્મશાન, એકલતા અને સેંકડો માનવોના જીવન બલિદાનની ભુમિ, શૂન્યતા અને જીવનના સંચાર વિરહીત રણ પ્રદેશમાં અમારા જેવા સીમા-પ્રહરી રહે છે. આ એવું સ્થળ છે જ્યાં અનેક લોકોનાં અકુદરતી મોત થયા છે. અહીં અમને ન સમજી શકાય તેવા - અમારી દૃષ્ટીએ પારલૌકિક અનુભવ કે આભાસ થાય તો રૅશનાલિસ્ટ અમને અજ્ઞાની, અંધ:શ્રદ્ધા કે વહેમના શિકાર કહે તે બનવા જોગ છે. શરદબાબુએ “શ્રીકાંત”માં પોતાને થયેલ અમાવાસ્યાની રાતે સ્મશાનમાં ગાળેલી રાતનો જે અનુભવ વર્ણવ્યો છે તેનું તેમણે પોતે જ એક ‘રૅશનાલિસ્ટ’ તરીકે વિષ્લેષણ કર્યું છે. જેમણે શ્રીકાંતની વાત સાંભળી તેમનો જે અભિપ્રાય હતો, તે મારી દૃષ્ટીએ સામાન્ય માનવીનો ગણી શકાય. આમાં સત્ય કરતાં કલ્પના વધુ વજનદાર નીવડી શકે છે. આવા અનેક પ્રસંગો રણમાં બની ગયા છે. તેમાંના કેટલાક બનાવોની અનુભૂતિ મને તથા ત્યાં રહી ચૂકેલા જવાનો અને અફસરોને થઇ હતી. વાચક ગમે તે કહે, પણ સાચી વાત તો એ છે કે આપણા ગુર્જરદેશની તથા ભારત દેશની સરહદ રોમાંચક અને રહસ્યમય છે. અહીં અનેક કથાઓ અને દંતકથાઓ જીવંત થતી લાગે.
બીએસએફમાં મારી નીમણૂંક થયા બાદ અનુરાધાએ નારાજીના શબ્દોમાં લગભગ ફરિયાદ જ કરી હતી. “નરેન, ‘બૉર્ડર સિક્યોરીટી ફોર્સ’ના પહેલા શબ્દ "બૉર્ડર"માં અનેક પુસ્તકો સમાયા છે, તેનો તમે વિચાર કેમ ન કર્યો? કમસે કમ એટલું તો વિચારવું હતું કે તમે આખી જીંદગી બૉર્ડર પર ગાળશો, અને તમારાં પત્નિ અને બાળકો? વર્ષમાં ફક્ત બે મહિનાની રજા પૂરતાં આપણે સાથે રહેવાનું.....” (વધુ માટે જુઓ www.captnarendra.blogspot.com ના જુન ૨૦૦૯માં પ્રસિદ્ધ થયેલી 'રણની આખ્યાયિકાઓ (૧) તથા આગળની ત્રણ કડીઓ.