Follow by Email

Tuesday, December 9, 2014

સંગીતની કેડીએ..


સમયના પેટાળનમાંથી એક ખજાનાનું ઢાંકણું નજરે પડે, અને તે ખોલતાં તેમાં સંતાઈ રહેલાં રત્નો નજર આવે તેમ કેટલાક ગીતો ઝળહળ્યા. કેટલાક અજાણ્યા અને કેટલાક જાણીતા કલાકારોનએ ઘડેલા આ ઘરેણાં આજે રજુ કરૂં છું.

પ્રથમ ગીત છે ભુલાઈ ગયેલા સંગીતકાર જમાલ સેનના સંગીતમાં લતાજીએ તેમની કારકિર્દીની શરૂઆતમાં ગાયેલું ગીત. સુંદર કાવ્યના લાલિત્ય પર સંગીતકારે ચઢાવેલ સૂરોનો ઓપ અને તેને સ્વરસુંદરીએ આપેલું મૂર્તસ્વરૂપ antique jewellery જેવું લાગશે:


આજે સ્વ. સી. રામચંદ્ર તો ભુલાઈ ગયા, પણ તેમની કલાના ચાહકો જાણે છે કે તેમણે સંગીતબદ્ધ કરેલ ગીતોએ લતાજીને પ્રસિદ્ધીના શિખર પર પહોંચાડ્યા હતા. જેમની પાલખીમાં તેઓ બેઠાં હતા તે ઉંચકનાર ભુલાઈ ગયા! વાચકોને યાદ હશે કે અનારકલી, પરછાઈયાઁ, જેવી ફિલ્મોનાં ગીતોએ ધૂમ મચાવી હતી. તેમણે સંગીતબદ્ધ કરેલ “અય મેરે વતન કે લોગો” સાંભળીને આજે આખો દેશ ભારતના સૈનિકોની સાથે ખડો થઈ જાય છે, પણ તેના રચયિતાન વિશે કોઈ જાણતું નથી. અહીં જે ગીત રજુ થયું છે તેની તો વાત જ નિરાળી છે. ફિેલમનું નામ પણ કોઈને યાદ નથી, પણ યાદ છે લતાજીના હૃદયમાંથી નીકળેલા સૂરોની ગૂંજ, શબ્દ અને સી. રામચંદ્રના હૈયાનો ધબકાર: 'તુમ ક્યા જાનો, તુમ્હારી યાદમેં...'

હવે જે ગીત રજુ થાય છે તે દેવોને દુર્લભ છે! આપણે સૌએ મદન મોહનજીએ સંગીતબદ્ધ કરેલા ગીતો માણ્યાં છે, પણ તેમણે પોતે ગાયેલું ગીત ભાગ્યે જ સાંભળ્યું હશે! અહીં રજુ થયેલ ગીત તેમના પોતાના જ સ્વરમાં છે - અને તેનું અનુસરણ લતાજીએ કર્યું છે. 'દસ્તક' ફિલ્મમાં પિતા તેની દીકરીને ગીત શીખવે છે, અને તે ગાય છે - જે સાચા જીવનમાં સ્વ. મદન મોહન અને લતાજીની બાબતમાં થયું હોય તેવું લાગે. આવો અનન્ય યોગ અનુભવીએ ત્યારે બસ એક શબ્દ નીકળે : વાહ!


“અય દીલે નાદાઁ” શબ્દોથી નવાજાયેલાં અનેક ગીતો છે, પણ ફિલ્મ ‘રઝિયા સુલ્તાન’નું ગીત લતાજીને કંઠે સાંભળીએ તો તેનું હાર્દ સમજાય!  સંગીત છે ખય્યામ સાહેબનું.


સ્વ. અનિલ બિશ્વાસને આજે ચાહકો હિંદી ફિલ્મોના ભિષ્મ પિતામહ ગણે છે. તેમણે રચેલા ગીતોમાં રસિકોને પાટણના પટોળા જેવું ગીત લાગ્યું હોય તો તે છે “તુમ્હારે બુલાને કો…” એનાં શબ્દો લતાજીએ એવા ઉલ્લાસથી રજુ કર્યા છે, બસ સાંભળતા જ રહીએ!


“ઉનકો યહ શિકાયત હૈ..” આ ગીતનો રસાસ્વાદ એક સંગીતકાર મિત્રે કરાવેલ.  દરેક કડીના અંતમાં લતાજી પાસે મદન મોહનજીએ “કુછ નહિ કહેતે..” જુદી જુદી ભાતમાં ગવડાવ્યું, અને દરેક પંક્તિ હૃદયમાં સોંસરવી ઉતરી જાય છે. એક વૃદ્ધાના અભિનયમાં મૅડમ નરગીસે આ ગીત જે રજુ કર્યું છે તે જોઈ મારા સમવયસ્ક શ્રોતાઓએ આંખના અશ્રુથી દાદ આપી હતી!


હવે પ્રસ્તુત થાય છે તે ગીત એટલા માટે વિશિષ્ઠ છે, તે ગાયું છે લતા દીદીએ, અને અભિનય છે નુતનજીનો. શાત્રીય સંગીતમાં ગવાયેલ ગીત માટે જેટલાં લતા દીદી વખણાયા, એટલા જ નુતન, કારણકે ગીતમાંની તાનનાં આવર્તનો નુતનજીએ એવી સૂક્ષ્મતાથી સમજીને રજુ કર્યા છે, આ ગીત શંકર જયકિશનનાાં ભાથાંમાંના અનેક દિવ્યાત્ર્ોમાંનાં એકહવે  જેવું અનન્ય લાગે! ફિલ્મ હતી ‘સીમા.


આ ગીત અમારા ખાસં વાચક માટે રજુ કરીશું. કોઈ ફિલ્મનું આ ગીત નથી! ગાયિકા છે શ્રીમતી જ્યુથિકા રૉય અને સંગીતકાર કમલ દાસગુપ્તા. એક વિરહીણીનું ગીત છે - મેરી વીણા રો રહી હૈ!


હવે ‘જિપ્સીનું એક પ્રિય ગીત રજુ કરવાની રજા લઈશ. વાંસળીના સૂરોનું અચાનક શબ્દોમાં પરિવર્તન થાય ત્યારે એક ચમત્કાર થયા જેવું લાગે. કોયલના લાંબા ટહૂકાર જેવા ગીતમાં મોરનો સ્વર જોડાય તેમ તેમાં વાંસળી ફરીથી જોડાય છે ત્યારે ગંગામાં યમુના ભળી હોય તેવા આ સંગમમાં શ્રોતા ડૂબકી લે અને બહાર નીકળે ત્યાં ગીત પૂરૂં થાય! આ અદ્ભૂત ગીત ગાયું છે ભારતીય ફિલ્મ જગતનાં પ્રથમ મલિકા-એ-તરન્નૂમ સુરૈયાએ. ફિ્લમ છે અફસર: 

અંતમાં રજુ કરીશું સિને સંગીતના સર્વ શ્રેષ્ઠ ગાયક - જેમની કોઈ મિસાલ નથી, અનેક ગાયકોએ તેમના અવાજની નકલ કરી ફિલ્મ સંગીતનું શિખર આંબ્યું!  જી હા, અહીં વાત છે સ્વ. કુંદન લાલ સાયગલની. તેમનું બિન-ફિલ્મી ગીત “કૌન બુઝાયે…” પ્રસ્તુત છે. આગળ જતાં સાયગલ સાહેબની biopic બની તેમાં આ ગીત બે ભાગમાં રજુ થયું. પહેલું ગાયું છે પદ્માદેવીએ અને ત્યાર બાદ સાયગલ સાહેબના youthful અવાજમાં:

આશા છે અાજનો અંક આપને ગમશે!