ગુજરાતની અસ્મિતા એટલે ગુર્જર દેશના રહેવાસીઓ, તેમણે ઘડેલી સંસ્કૃતિ, પરંપરાઓ અને સદીઓથી તેમના વારસોને આપી રહેલા સંસ્કારોની સમૃદ્ધિ. ભારતના અન્ય પ્રદેશોએ કેવળ ગુજરાતની સમૃદ્ધિ અને વ્યાપારી ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધીઓ જોઈ છે. ઘણી વાર એવું પણ બને છે કે સર્વાંગીણ વિકાસ સાધવામાં નિષ્ફળ ગયેલા પ્રાંતો અને રાજ્યોને ગુજરાતનો વિકાસ જોઈ જે ઈર્ષ્યા થઈ તેનું બાલીશ પ્રદર્શન “તમે ભલે પૈસાદાર છો, પણ રણભૂમિમાં અમારા જેવી મર્દાનગી તમે ક્યાં દાખવી છે?” એવું વારંવાર ઉચ્ચારી ગુજરાતને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતા દેખાયા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ગુજરાતી મુત્સદ્દીઓને હાથે પરાજય પામેલા ત્યાંના સ્થાનિક નેતાઓેએ બેહુદી વાત કરી : 'ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ યુદ્ધના મેદાનમાં શહીદ નથી થયો;' એક જણે તો કહ્યું, ‘ગુજરાતીઓ તો કેવળ હિરા ઘસવાનું કામ કરે છે!’
હિંદીમાં કહેવત છે, “ખિસિયાની બિલ્લી ખંભા નોચે’ - ખસીયાણી થયેલી બિલાડી થાંભલા સાથે નખ ભેરવે - જેવો આ પ્રકાર થયેલો ગણાય.
હિંદીમાં કહેવત છે, “ખિસિયાની બિલ્લી ખંભા નોચે’ - ખસીયાણી થયેલી બિલાડી થાંભલા સાથે નખ ભેરવે - જેવો આ પ્રકાર થયેલો ગણાય.
આ અઠવાડિયાની બીજી વાત છે, અંગ્રેજીના વેબ સામયિક Quora.com માં કોઈએ પૂછેલા પ્રશ્ન વિશે. સવાલ હતો, ભારતીય સેનામાં ગુજરાતીઓ કેમ નથી જતા? આનો જિપ્સીએ ટૂંકો જવાબ આપ્યો જેને લગભગ પાંચ હજાર વાચકોએ વાંચ્યો.
આજના અંકમાં ફક્ત જિપ્સીએ ઉપર જણાવેલ પ્રશ્નના જવાબનું ભાષાંતર રજુ કરીશું.
"ભારતીય સેનામાં ગુજરાતીઓ કેમ દેખાતા નથી જેવો પ્રશ્ન પૂછનાર લોકો ગુજરાતીઓ પ્રત્યેનો પોતાનો પૂર્વગ્રહ દૂર કરીને તથ્ય જાણવાનો પ્રયત્ન કરશે તો તેમને જણાશે કે :
ભારત સ્વતંત્ર થયા બાદ ભારતીય સેનાના બીજા કમાન્ડર-ઈન-ચીફ (પહેલા C-in-C જનરલ કરીઅપ્પા હતા) અને C-in-Cનો હોદ્દો રાષ્ટ્રપતિને અપાયા બાદ સૈન્યના પ્રથમ ચીફ અૉફ આર્મી સ્ટાફ જનરલ મહારાજશ્રી રાજેન્દ્રસિંહજી, DSO જામનગરના હતા. જનરલ રાજેન્દ્રસિંહજી પ્રખ્યાત ક્રિકેટર નવાનગરના જામ રણજીના પિત્રાઈ હતા. અહીં કહેવું જોઈશે કે બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરી માટેનો DSO (Distinguished Service Order) મેળવનાર તેઓ પ્રથમ ભારતીય અફસર હતા. જે જમાનામાં રિસાલા (Royal Cavalry Regiment)માં કેવળ અને કેવળ અંગ્રેજોને જ કમાન્ડીંગ અફસરનો હોદ્દો અપાતો, તેવી રૉયલ સેકન્ડ લાન્સર્સના પ્રથમ ભારતીય કમાંડીંગ અફસર થવાનું માન રાજેન્દ્રસિંહજીને તેમની અસામાન્ય વીરતા અને કાબેલિયતને કારણે અપાયું હતું.
૧૯૪૭માં હૈદરાબાદના નિઝામે જ્યારે પાકિસ્તાન સાથે જોડાવાનું વિચાર્યું ત્યારે તે વખતની પરિસ્થિતિ (જેનું વર્ણન આવતા અંકમાં કરીશું) જોતાં સરદાર પટેલે જોયું કે લેફ્ટેનન્ટ જનરલ રાજેન્દ્રસિંહજી દક્ષિણ ભારતની સેનાના સેનાપતિ (GOC-in-C, Southern Command) હતા અને હૈદરાબાદ પર આક્રમણ કરી તે કબજે કરવા માટે સક્ષમ અને કાબેલ હતા. સરદારે તેમને આદેશ આપ્યો. રાજેન્દ્રસિંહજીએ યુદ્ધ માટે ‘અૉપરેશન પોલો’નું નિયોજન કરી ફક્ત પાંચ દિવસના ઘોડાપૂર સમા હુમલામાં હૈદરાબાદ કબજે કર્યું. આ ઉપરાંત જામનગરના જ લેફ્ટેનન્ટ જનરલ હિંમતસિંહજી જે આગળ જતાં હિમાચલના ગવર્નર થયા. ભારતીય સેનાની રાજપુતાના રાઈફલ્સના ગુજરાતી અફસર લેફ્ટેનન્ટ જનરલ મહિપતસિંહજી ભારતીય સેનાના વાઈસ-ચીફ અૉફ આર્મી સ્ટાફ થયા. ૧૯૬૫ તથા ૧૯૭૧ના યુદ્ધમાં જિપ્સી સાથે યુદ્ધમાં ભાગ લેનારા બે અફસરો મેજર જનરલના હોદ્દા પર નિવૃત્ત થયા (ગોરખા રાઈફલ્સના મેજર જનરલ પીયૂષ ભટ્ટ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ તથા પંજાબ રેજિમેન્ટના મેજર જનરલ કાન્તિ ટેલર
જેમણે ૨૦ - ૨૦ હજાર સૈનિકોની સેનાના સેનાપતિ તરીકે સેવા બજાવી હતી).
બીજા વિશ્વયુદ્ધના સમયથી ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત રેજિમેન્ટસ્ - રાજપુતાના રાઈફલ્સ (જે Raj Rif ના નામે પ્રખ્યાત છે), ગ્રેનેડિયર્સ અને મહાર રેજિમેન્ટસની ખાસ ટુકડીઓ કેવળ ગુજરાતી સૈનિકોની છે.
ઘણી વાર એક સવાલ પૂછવામાં આવ્યો છે કે ભારતીય સેનામાં ‘ગુજરાત રેજિમેન્ટ’ની રચના શા માટે કરવામાં આવી નથી? આનો સીધો અને સરળ જવાબ છે, દેશ સ્વતંત્ર થયા બાદ સરકારે જાતિ-આધારિત (જેમકે શીખ, મરાઠા, ગઢવાલી, જાટ) કે પ્રાન્ત પર રચાયેલી પંજાબ, મદ્રાસ અને બિહાર જેવી નવી રેજિમેન્ટ ન બનાવવાનો સરકારે નિર્ણય લીધો હતો. આ કારણે ગુજરાત રેજીમેન્ટની સ્થાપના ન થઈ અને તેની અવેજીમાં સરકારે ભારતના સઘળા રાજ્યોમાંથી આવતા રિક્રૂટોની બ્રિગેડ અૉફ ગાર્ડઝની રચના કરી. આ ઉપરાંત કુમાયૂઁ તથા મહાર રેજિમેન્ટ જેવી મહત્વની પલ્ટનોને composite બટાલિયન બનાવી તેમાં ભારતના વિવિધ પ્રદેશમાંથી અાવતા સૈનિકોની કંપનીઓ ભેળવી. આમ તો ગ્રેનેડિયર્સ તથા રાજપુતાના રાઈફલ્સ જેવી સો વર્ષ જુની બટાલિયનોમાં ગુજરાતના સૈનિકોની વિશિષ્ટ કંપનીઓ પહેલેથી અસ્તીત્વમાં છે અને હવે મહાર રેજિમેન્ટમાં પણ ગુજરાતી સૈનિકો જોડાય છે. આ ઉપરાંત કોર અૉફ એન્જિનિયર્સ, આર્મી સર્વિસ કોર, સિગ્નલ્સમાં ગુજરાતી સૈનિકોની હાજરી અવશ્ય જોવા મળશે.
(ઉપર અનુક્રમે મહાર રેજિમેન્ટ, રાજપુતાના રાઈફલ્સ તથા ગ્રેનિડિયર્સના કૅપ બૅજ રજુ કર્યા છે.)
છેલ્લે : ગુજરાતી કોને કહેવાય? જે ગુજરાતી બોલે, ગુજરાતી આચાર - વિચારનું પાલન કરે તે જ ને? આ હિસાબે ભારતના પારસીઓ ગુજરાતી છે, અને ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉ,
અૅર ચીફ માર્શલ એન્જિનિયર જેવા અનેક પારસીઓએ જનરલના હોદ્દા પર સેવા બજાવી છે.
અૅર ચીફ માર્શલ એન્જિનિયર જેવા અનેક પારસીઓએ જનરલના હોદ્દા પર સેવા બજાવી છે.
Quoraના સહુ વાચકોને મારી વિનંતી છે કે ભારતીય સેનાનો ગણવેશ ધારણ કરનારા સઘળા સૈનિકોને માન આપો. યુનિફૉર્મ પહેરનાર કોઈ સિપાહી શીખ, ગઢવાલી, મરાઠા, કુમાંયૂની, જાટ, ગુરખા કે ગુજરાતી નથી. તે કેવળ ભારતીય સેનાનો જવાન છે. આ ગણવેશ પહેરનાર દરેક સૈનિક પોતાને ભારતીય સેનાનો અદનો સિપાહી તેમાં ગૌરવ અનુભવે છે."
જિપ્સીના લેખના જવાબમાં એક વાચકે આંકડા આપ્યા : ગુજરાતમાં હાલ ૨૩,૫૨૧ ભારતીય સેનામાં પૂરી સેવા બજાવ્યા બાદ રિટાયર થઈને આવેલા ભૂતપૂર્વ સૈનિકો છે. તેમાંના ૧૯૦૭૨ ઈન્ફન્ટ્રીના સૈનિકો છે. શહિદ થયેલા ગુજરાતી સૈનિકો કુપવાડા, સિયાચિન અને પૂંચ ક્ષેત્રમાં ઘૂસણખોરો સામે લડ્યા હતા, અને તેમને મોતને ઘાટ ઉતાર્યા બાદ જ પ્રાણ ત્યાગ્યા હતા.
જિપ્સીના લેખના જવાબમાં એક વાચકે આંકડા આપ્યા : ગુજરાતમાં હાલ ૨૩,૫૨૧ ભારતીય સેનામાં પૂરી સેવા બજાવ્યા બાદ રિટાયર થઈને આવેલા ભૂતપૂર્વ સૈનિકો છે. તેમાંના ૧૯૦૭૨ ઈન્ફન્ટ્રીના સૈનિકો છે. શહિદ થયેલા ગુજરાતી સૈનિકો કુપવાડા, સિયાચિન અને પૂંચ ક્ષેત્રમાં ઘૂસણખોરો સામે લડ્યા હતા, અને તેમને મોતને ઘાટ ઉતાર્યા બાદ જ પ્રાણ ત્યાગ્યા હતા.
***
આજનો અંક અહીં સમાપ્ત થાય છે. આવતા અંકમાં જિપ્સીએ ‘અખંડ આનંદ’ના માર્ચ ૨૦૦૪ના અંકમાં લખેલ લેખ “ધેર આર નો ગુજરાતીઝ ઇન ઇન્ડિયન આર્મી!”નું સંક્ષિપ્ત સ્વરુપ રજુ કરીશું.
No comments:
Post a Comment