કૅપ્ટન પીયૂષ: ૬ સપ્ટેમ્બર ૧૯૬૫
મિલિટરીમાં સૈનિકો અને અફસરો બે વસ્તુઓની ચાતકની જેમ રાહ જોતા હોય છે: એક તો ઘેરથી આવતા પત્રની અને વર્ષમાં મળતી બે મહિનાની ‘અૅન્યુઅલ લીવ’ની. ઘણી વાર તો અફસરોને પૂરી રજા માણવાની તક ન મળે, કેમ કે પાડોશી દેશના કોઇ ને કોઇ ઉપદ્રવને કારણે સૈનિકોને રજા પરથી પાછા બોલાવવામાં આવે છે.
આવી જ રીતે બે મહિનાની રજા પર ગોરખા રેજીમેન્ટના યુવાન કૅપ્ટન પીયૂષ અમદાવાદ આવ્યા હતા. થોડા દિવસ સગાવહાલાંઓને મળવામાં ગાળ્યા અને એક દિવસ મિત્રની સાથે ફિલ્મ જોવાનું નક્કી કર્યું. સવારે શહેરમાં જઇ અૅડવાન્સ બુકિંગ કર્યું અને બપોરનું ભોજન કરવા બેઠા. સાથે રેડીયો અૉન કરી વિવિધ ભારતીમાં સુંદર ગીત સાંભળતા હતા ત્યાં અધવચ્ચે ગીત બંધ થયું અને આકાશવાણીના અૅનાઉન્સરના ગંભીર શબ્દો સંભળાયા:
“એક અગત્યની સૂચના. રજા પર ઘેર ગયેલા બધા સૈનિકો તથા અફસરોને જણાવવામાં આવે છે કે તેમની રજા રદ કરવામાં આવી છે. તેમણે તરત જ પોતાના યુનિટમાં પાછા પહોંચી જવું. આ અંગેના લેખિત હુકમ દરેક સૈનિકને મળી જશે. સૂચના સમાપ્ત થઇ.”
નવમી ગોરખા રાઇફલ્સ રેજીમેન્ટની પાંચમી બટાલિયનના આ સંજ્ઞાત્મક અક્ષરો 5/9 GR થી ઓળખાય છે.
લગભગ ચોવીસ કલાકના પ્રવાસ બાદ કૅપ્ટન પઠાણકોટ પહોંચી ગયા. આમ તો તેમને રસ્તામાં જ ખબર પડી ગઇ હતી કે પાડોશી દેશ સાથે લડાઇ શરૂ થઇ ગઇ હતી. પઠાણકોટ સ્ટેશન પર મુવમેન્ટ કન્ટ્રોલે તેમને જણાવ્યું કે તેમનું યુનિટ પાકિસ્તાનમાં કોઇ unknown locationમાં છે. “તમારી બટાલિયનના ‘બી-એશલૉન’ (રણભુમિમાં યુદ્ધ કરી રહેલા સૈનિકો માટે ભોજન, દારૂગોળો, રોજની ટપાલ વિ. તૈયાર કરી આગળ પહોંચાડવા માટેની નિર્ધારીત જગ્યા) સુધી પહોંચાડવાની અમે વ્યવસ્થા કરીશું. ત્યાંથી આગળ યુદ્ધભુમિ સુધી પહોંચાડવાનો બંદોબસ્ત તમારા ક્વાર્ટરમાસ્ટર કરી આપશે,” મુવમેન્ટ કન્ટ્રોલરે તેમને જણાવ્યું.
કૅપ્ટન પિયૂષ સાંબા જીલ્લામાં પાકિસ્તાનની સીમા પર આવેલ રામગઢ નામના નાનકડા ગામના પાદર પર આવેલ તેમના યુનિટના બી-અૅશલૉનમાં પહોંચી ગયા. લડાઇ પૂર જોશમાં ચાલી રહી હતી. યુદ્ધ ક્ષેત્રમાં જરા પણ આપણી સૈનિક કાર્યવાહી દેખાય કે દુશ્મન તરત તોપમારો શરૂ કરતો હતો. તેમના તોપખાનાના FOO (ફૉર્વર્ડ અૉબ્ઝર્વેશન અૉફિસર્સ) તેમના પ્રદેશમાં સંતાઈને વાયરલેસ પર તેના તોપખાનાના કમાન્ડરને માહિતી આપી આપણાં વાહનો પર અચૂક મારો કરાવતો હતો. ક્વાર્ટરમાસ્ટરે તેમની બટાલિયન ક્યાં છે તે તો જણાવ્યું, પણ ત્યાં સુધી તેમને લઇ જવા માટે અશક્તિ દર્શાવી. “છેલ્લા ચાર દિવસથી આપણી રાશનની ગાડીઓ બહાર નીકળે કે દુશ્મન તોપમારો કરે છે. તું આવ્યો તે પહેલાં જ તેમના F86 વિમાનોએ ‘સ્ટ્રેફીંગ’ કરી આપણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આજે રાતે મોરચા પર પહોંચવાનો ફરીથી પ્રયત્ન કરીશું. અંધારૂં થાય ત્યાં સુધી અહીં રોકાઇ જા.”
“બસંતસિંહ, હું રાત સુધી રોકાવા તૈયાર નથી. મારે પલ્ટનમાં તરત પહોંચવું છે. દિવસના અજવાળામાં ચાલી નીકળીશ તો સાંજ સુધીમાં પહોંચી જઇશ.”
કૅપ્ટન બસંતસિંહ આ સુકલકડી પણ ટટ્ટાર બાંધાના પોતાના સાથી અફસર તરફ જોઇ રહ્યો. પીયૂષે સવારમાં મળેલ સિચ્યુએશન રીપોર્ટમાં જોયું કે તેમની બટાલિયન ક્યા સ્થાન પર છે. One-inch-to a-mile ના સ્કેલના નકશામાં જોઇ તેમણે ગ્રીડ રેફરન્સ કાઢ્યો અને નીકળવાની તૈયારી કરી. કૂચ કરવા માટે ૧૭ કિલો વજનની ઇક્વીપમેન્ટ પીઠ પર ચડાવી, ખભા પર રાઇફલ ટાંગી તેમણે કમર પર ખુખરી બાંધી. કમર પર રાઈફલની ૫૦ ગોળીઓ, ગ્રેનેડ્ઝ અને સાઈડ પૅકમાં બે દિવસનું એમર્જન્સી રાશન, પાણીની બાટલી, નકશો અને પ્રીઝ્મેટીક કમ્પાસ (હોકાયંત્ર) લઇ ભર બપોરના એકલાજ પાકિસ્તાનના સિયાલકોટ જીલ્લાના પ્રદેશમાં નીકળી પડ્યા. રસ્તામાં પડતા ગામડાંઓમાંથી છુપાઈને ગોળીબાર કરતા પરદેશી સિપાઈઓ, FOO દ્વારા કરાવાતી બૉમ્બવર્ષા થતાં ખેતરની પાળ આડે પોઝીશન લઈ, વાતાાવરણ શાંત પડતાં તેમની આગેકૂચ શરૂ થતી. વચ્ચે જ રોકાઇને હોકાયંત્ર તથા નકશામાં અંશ-કોણ તપાસી યોગ્ય દિશામાં જઇ રહ્યા છે કે નહિ જોઇ તેઓ કૂચ કરતા રહ્યા. રાતના સમયે તેઓ પાકિસ્તાનના મહારાજકે ગામની સીમમાં સંરક્ષણાત્મક પોઝીશનમાં બેઠેલી બટાલિયનના હેડક્વાર્ટરમાં પહોંચ્યા ત્યારે કમાન્ડીંગ અૉફિસર કર્નલ ગરેવાલ ચકિત થઇ ગયા. ૩૬ કલાક અગાઉ મોકલાવેલા તારના જવાબમાં કેવળ સો-બસો કિલોમીટરના અંતરે રહેતા અફસર હજી બટાલિયનમાં પહોંચ્યા નહોતા. અહીં તો લગભગ હજાર કિલોમીટરથી પણ વધુ દૂર રહેતા કૅપ્ટન પીયૂષ પાકિસ્તાનમાં અજાણી જગ્યાએ સતત ટ્રેન, ટ્રક અને પગપાળા નકશા-હોકાયંત્રની મદદ વડે પહોંચી ગયા હતા.
જિપ્સીની વાત:
(માર્ચ ૨૦૦૯ના “જીપ્સીની ડાયરી”ના અંકોમાં યુદ્ધ શરુ થતાં પહેલાંનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે, તેથી આપને સીધા યુદ્ધભૂમિ પર લઇ જઇશ.)
સ્થળ: પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લાના મહારાજકે નામના ગામની સીમમાં આવેલી જમરૂખની વાડી.
તારિખ: ૮ સપ્ટેમ્બર ૧૯૬૫ની સવાર.
રોજ સવારે અફસરોને દિવસના હુકમ તથા યુદ્ધની સ્થિતિની માહિતી મેળવવા માટે અમે 5/9 GRના સીઓ કર્નલ ગ્રેવાલના બંકરમાં જઈએ. તે દિવસના ‘બ્રીફીંગ’માં મેં એક નવા અફસરને જોયા. મીટીંગ પતી ગયા બાદ હું તેમને મળ્યો અને મારો પરિચય આપ્યો.
“આય અૅમ કૅપ્ટન ભટ્ટ,” તેમણે પોતાનું નામ કહ્યું.
“ભટ્ટ એટલે ગઢવાલના કે કુમાયૂંના?” મેં પૂછ્યું.
ભટ્ટ હસી પડ્યા. “બેમાંથી એકેયનો નહિ. હું ગુજરાતનો છું.”
કેપ્ટન ભટ્ટ અને લેફ્ટનન્ટ નરેન્દ્ર: બન્ને એક જ શહેરના રહેવાસી, પણ એકબીજા વિશે અમને ખબર નહોતી! ઝાંસીની આસપાસના જંગલોમાં ત્રણ મહિના પહેલાં થયેલી યુ્દ્ધકળાના અભ્યાસની એક્સરસાઇઝમાં પણ અમે મળ્યા નહોતા. મળ્યા તો પાકિસ્તાનના ચરવાહ પાસેના મહારાજકે ગામની જમરૂખની વાડીમાં! જ્યાં અમારા પર શત્રુની બૉમ્બવર્ષા ગમે ત્યારે તૂટી પડતી હતી.
આ મુલાકાત બાદ પાકિસ્તાનના ફિલ્લોરા ગામ પાસે ઘમસાણ યુદ્ધ થયું. તેમાં આપણી સેનાએ મેળવેલ ફતેહ એક ઐતિહાસીક બનાવ હતો. તેનું વર્ણન 'જીપ્સીની ડાયરી'ના જુના અંકોમાં લખવામાં આવી છે તેથી તેની પુનરાવૃત્તિ નહિ કરૂં. કેવળ કૅપ્ટન ભટ્ટની કામગિરીની વાત કહીશ.
ફિલ્લોરા પરના વિજય બાદ પીછેહઠ કરી ગયેલી પાકિસ્તાનની સેનાની એક ટૅંક તેમણે અમારી નજીકના ‘No man’s land’માં આવેલા શેરડીના ખેતરમાં તેમણે તેને એવી રીતે સંતાડી હતી કે તેને શોધવી મુશ્કેલ હતી. તેના ચાલાક અને બહાદુર સૈનિકો અમારા પર ગોલંદાજી કરીને જગ્યા બદલતા રહેતા હતા. કર્નલે કૅપ્ટન ભટ્ટને આ ટૅંક શોધી તેને ઉડાવી દેવાનું કામ સોંપ્યું. વાઘનો શિકાર કરવા પગપાળા જવા સમાન આ ખતરનાક કામ હતું. સ્વાભાવિક છે કે આ કામ પર જનાર ટુકડીને ‘ટૅંક હન્ટીંગ પાર્ટી’ કહેવામાં આવે છે.
રાતના અંધારામાં કૅપ્ટન ભટ્ટ પોતાની આગેવાની નીચે છ સૈનિકોની ટુકડીને લઈ બહાર પડ્યા. અવાજ કર્યા વગર તેઓ શેરડીના ખેતરમાં ઉતરી દુશ્મનની મોરચાબંધીમાં ગયા. આ કામ સહેલું નથી હોતું. બે દિવસ ઉપર મધરાતના સમયે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ મનોહર આ કામ પર ગયા હતા. તેમના કમભાગ્યે દુશ્મન પોતાની ટૅંક્સ પર ફિટ કરેલી રાતના સમયે જોઈ શકાય તેવી ઇન્ફ્રા-રેડ કિરણની દૂરબીનથી તેમને જોઈ ગયા હતા. તેમના પર છોડાયેલ મશીનગનના મારામાં કર્નલ મનોહર તથા તેમના દસ સિપાહીઓ શહીદ થયા હતા.
કૅપ્ટન ભટ્ટ આ વાત જાણતા હતા તેથી તેઓ તથા તેમની આગેવાની નીચેના સૈનિકો ચિત્તાની જેમ ચપળતાથી જમીન પર સરકતા ટૅંકની નજીક પહોંચ્યા. કૅપ્ટન ભટ્ટે ટૅંક પર ચઢી, તેનું હૅચ (ઢાંકણા જેવી બારી) ખોલી તેમાં ગ્રેનેડ નાખીને ત્યાંથી દૂર નીકળી ગયા. ગ્રેનેડના ધડાકાથી ટૅંકની અંદરના દારૂગોળાનો વિસ્ફોટ થયો અને ટૅંક ઉદ્ધ્વસ્ત થઇ. સફળતાપૂર્વક કાર્ય પૂરૂં કરી કૅપ્ટન ભટ્ટ અને તેમના સૈનિકો સહિસલામત પાછા આવ્યા.
ખુખરી સાથે હુમલો કરતા ગોરખા સૈનિક. તેમનો યુદ્ધનો લલકાર છે "જય મહાકાલી, આયો ગોરખાલી" |
આપણી સેના સિયાલકોટ શહેરથી કેવળ છ કિલોમિટર સુધી પહોંચી હતી. તેના પર હુમલો કરી શહેર કબજે કરાય તે પહેલાં તાશ્કંદમાં રશિયાની મધ્યસ્થીમાં યુદ્ધવિરામ થયો. આપણી સેનાને શાંતિના સ્થળે જવાના હુકમ અપાયા. મારી બટાલિયન અંબાલા ગઇ અને કૅપ્ટન પીયૂષ ભટ્ટ તથા તેમની ગોરખા પલ્ટન બીજા શહેરમાં ગઇ. સમ્પર્ક ન રહ્યો, પણ સ્મૃતી તાજી રહી.
જો કે વાત અહીં પૂરી નહોતી થઇ. કૅપ્ટન પીયૂષ ભટ્ટની હજી ઘણી વાતો કહેવાની બાકી છે - જે આવતા અંકમાં કહીશું.
No comments:
Post a Comment