Follow by Email

Monday, December 29, 2014

રવીંદ્રસંગીત : સે દિન દુજને...

એકાંતની ઘડીમાં અંતરની ગુફામાંથી નીકળતા સૂરોનાં વલય આવીને હૃદયવીણાને સ્પર્શ કરી જાય અને તે નો ઝણકાર આખો દિવસ સંભળાતો રહે. એવું સૌના જીવનમાં બનતું હોય છે. આવા પ્રસંગની અનુભુતિ આપણે કદી ભુલી શક્યા છીએ? 
આ કેવી અનુભૂતિને શું કહેવું? 
તેને શું નામ આપવું? 

આવાં પ્રશ્નો મનમંા ઊઠે તે પહેલાં પેલો પ્રસંગ યાદ આવે છે…આપણે તેમને કદી’ક મળ્યા હતા. અરસ પરસ નજરો મળી હતી અને તેમની આંખોમાં સ્મિત જોયું હતું! ભ્રમ તો નથી ને થયો તે જોવા માટે ફરી એક વાર શરમાળ નજરે તેમની તરફ જોયું . આ વખતે આ અવર્ણનીય હાસ્યની છટા કેવળ તેમની આંખોમાં જ નહિ, તેમના ઓષ્ઠદ્વય પરથી સરકી જતી જોવા મળી હતી! હૃદયો મળ્યાં અને ઘડી બે ઘડી મિલાપ થયો ત્યાં તો વિદાયનો સમય આવી ગયો. જતાં જતાં તેમણે આપણી સામે જોયું. તેમની આંખોમાંથી એક કાવ્ય નિતરતું હતું. આપણી પાસે પણ આપણા હૃદયની ભાવના કહેવાનો સમય નથી રહ્યો, પણ તેમનાં નેત્રોમાંથી નીકળતી કવિતા ઊડીને આપણા હૃદયમાં જડાઈ ગઈ, અને તેમાંથી નીકળતા શબ્દ વારે વારે કહેતા હતા, ‘આપણાં હૃદયોને સ્નેહની જે દોરીએ બાંધ્યાં તે દિવસને ભુલશો ના! ના ભુલશો!

કવીવર રવીંદ્રનાથે તેમને થયેલી આ દિવ્ય અનુભુતિને ગીતમાં આલેખી અને તેને જે સૂર આપ્યા. અનેક દશક વિતી ગયા પણ ગીત રાત દિવસ લોકોનાં મનમાં હજી ઘૂમ્યા જ કરે છે! બંગાળ - અને ભારતના અન્ય પ્રદેશોમાંના  ગાયક-ગાયિકાઓએ આ ગીત ગાયું, પુરુષના સ્વરમાં, સ્ત્રીના સૂરમાં, દ્વંદ્વગીત તરીકે. ન તો ગાયકો કદી આ ગીત ગાતાં થાક્યાં, ન સાંભળનારા! આજે આપણે બે ગાયકોના સ્વરમાં આ ગીત સાંભળીશું. પહેલાં શ્રી. દેવવ્રત વિશ્વાસના સ્વરમાં. બન્ને ગાયકોએ દરેક કડીના અંતમાં આવતા શબ્દ ‘ભુલો ના…” એવી આર્જવતાપૂર્વક ગાયા છે, શ્રોતા તેમાં વહી જાય! ગીત છે :

સે દિન દુજોને અને ગાયક છે દેવવ્રત વિશ્વાસ

હવે સાંભળીશું શ્રીમતી જયતિ ચક્રવર્તીના અવાજમાં. બેઉ ગાયકોની ગીતના ભાવોની પ્રસ્તુતી (expression) સાંભળીને વિચાર થાય, શું પુરષ અને સ્ત્રીની સંવેદનામાં કોઈ ફેર હય છે? તેમની એકબીજા પ્રત્યેની લાગણીઓની ઉત્કટતામાં કશું અંતર હોય છે?

ખરી વાત તો એ છે કે ભાવનાઓ સૌના હૃદયમાં એક સરખી હોય છે. સ્ત્્રીઓ આ યાદોને તેમના હૃદયની વિશાળ તિજોરીમાં મહામૂલા આભુષણની જેમ સાચવી રાખે છે. કોઈ એકાંતની ક્ષણમાં આ સંદૂક ખોલી, તેમાંથી યાદોનું આભુષણ કાઢી હૃદય પર રાખી 'એ' પળો યાદ કરે છે. શંખમાંથી નીકળતા મહાસાગરના ઘૂઘવાટની જેમ આવું ગીત કદાચ તેમના કાનમાં ગૂંજે તે સાંભળી તેને પાછું પેલા છૂપા ખજાનામાં મૂકી દે છે.

અને પુરૂષ? એની ઢબ કદાચ જુદી હોઈ શકે છે. કોઈ તેની વાંસળીના સૂરમાં યાદોનું ગીત વહાવીને, કે અાવું કોઈ ગીત સાંભળીને તે યાદોને ફરી એકાદ બે ક્ષણ જીવી લે છે...


આ ગીતનો આનંદ લેવા માટે ગીતની સાથે તેના મૂળ બંગાળી શબ્દો જોઈશું - અને તેની સાથે એક અણઘડ વ્યક્તિ દ્વારા થયેલ તેનો ગુજરાતી ભાવાનુવાદ મૂક્યો છે. 

સે દિન દૂજોને દૂલેછિનૂ વને, ફૂલડોરે બાંધા ઝૂલના
સેઈ સ્મૃતિટૂકૂ કભૂ ખને ખને જેનો જાગે મને ભૂલોના, ભૂલો ના, ભૂલો ના, ભૂલોના…
સેદિન બાતાસે છિલ તુમિ જાન - આમારિ મનેર પ્રલાપ જડાનો,
આકાશે આકાશે આછિલ છડાનો તોમાર હાસિર તૂલના ।। ભુલો ના

જેતે જેતે પથે પૂર્ણિમારાતે ચાંદ ઊઠે છિલ ગગને
દેખા હયે છિલ, તોમાતે-આમાતે કિ જાનિ કિ મહાલગને - ચાંદ ઊઠે છિલ ગગને… 
એખન આમાર, બેલા નાહિ આર, બહિબ એકાકી બિરહેર ભાર-
બાંધિનૂ જે રાખી પરાને તોમાર સે રાખી ખૂલો ના, ખૂલો ના ।। ભૂલોના 

તે દિન આ બે જણાં, વનમાં શું ઝૂલ્યાં, ફૂલ-દોર બાંધેલા ઝૂલે
સ્મૃતિ તેની બેઊ મને ક્ષણે ક્ષણે જાગે, કદી ભૂલો ના!
તે દિન હવામાં હતો, તમે જાણો, અમારા મનનો પ્રલાપ એવો તે જડાયો,
આકાશે ફેલાયું, તમારૂં એ હાસ્ય, કેવું તે રેલાયું, તે તમે ભૂલો ના!

જતાં જતાં પથ પર, પૂનમની રાતે, ચાંદ ખિલ્યો કેવો ગગને! 
આપણાં મહા મિલનની ઘડી કેવી, કેવી રે મહિમ…ચાંદ કેવો ખિલ્યો ગગને!
હવે તો સમય રહ્યો ના બાકી, એકાકી વિરહનો ભાર
પ્રેમનાં બંધન, બાંધ્મા તમ સંગ, કદી ખોલો ના, ભુલો ના,