Follow by Email

Thursday, March 17, 2011

પરિક્રમા: રામ પરસૉદનો અંતિમ પત્ર

શૉન પત્ર ખોલે તે પહેલાં કમાલાદાદીએ કહ્યું, “દિકરા, તેં સાચે જ ભારત જઇ દદ્દાના ખોવાયેલા પુત્રના પરિવારને શોધવાનો નિર્ધાર કર્યો છે?”
“હા,ગ્રૅન. તમને મળવા આવવાનું એક માત્ર કારણ આ જ હતું. સૂ તથા મેં નક્કી કર્યું કે ભારતમાંના આપણા પરિવારને શોધીશું અને તકદીર સાથ આપે અને તેમાંથી કોઇ બાળક મળી આવે તો તેને દત્તક લઇશું. આ માટે અમે લાંબી રજા લીધી છે.”
“તમે વાત કર્યા પછી અમારો મનસૂબો પાકો થયો છે. અમે કોઇ પણ હિસાબે જ્યોતિપ્રસાદના પરિવારને શોધી કાઢીશું,” સુઝને કહ્યું.
“બસ, મારે આ જ સાંભળવું હતું. હવે તું પત્ર વાંચ.”
શૉને લિફાફામાંથી પત્ર કાઢ્યો અને વાંચવાની શરૂઆત કરી.
“મારા પ્રિયજન,
“મારૂં અધુરૂં રહેલું કાર્ય પૂરૂં કરવા માટે તમે પહેલું પગલું લીધું છે તે જોઇ હું ખુશી અનુભવું છું. કમલાને કે તેણે નીમેલ વ્યક્તિને તમારા નિર્ણય વિશે ખાતરી ન હોત તો આ પત્ર તમારા હાથમાં ન હોત.
“આ પત્ર સુધી તમે પહોંચ્યા અને તે તમે વાંચવા લીધો છે તે બતાવી આપે છે કે તમે મારા જ્યોતિના પરિવારને શોધવા જવાનો નિશ્ચય કર્યો છે.
“હું જાણું છું કે આ કામ મુશ્કેલ જ નહિ, લગભગ અશક્ય છે. મારા પુત્ર જ્યોતિને મારા જીવનકાળમાં શોધી ન શક્યો તેનો મને અફસોસ છે. જે યુગમાં કે જે સમયે તમને આ પત્ર મળશે ત્યારે આ કામ અશક્યતાની ચરમતાએ પહોંચી ગયું હશે. તમે મારી માન્યતા સાથે સહમત હશો તો આ પત્ર આગળ ન વાંચતાં જેમણે તમને આપ્યો છે, તેમને પાછો આપી દેશો. મને દુ:ખ નહિ થાય. મારા ખુદના અનુભવથી હું જાણું છું આ કાર્ય કેટલું કઠિન છે.
“આ દેશમાંના મારા લાંબા જીવનમાં મેં કેવળ મારી ત્રણ પેઢીઓને જ નહિ, મારા દેશવાસીઓને કાળી મજુરી કરતા જોયા છે. જીવનમાં સંઘર્ષ કરવા પાછળ સૌનો એક જ ઉદ્દેશ હતો. તેમનાં બાળકો અને પરિવારજનોનું ભવિષ્ય ઉજ્જવળ કરવું. તેના માટે ઘણા લોકો પ્લાન્ટેશનમાં જ ખપી ગયા. જીવનમાંથી સંઘર્ષ કદી નહિ ઘટે. આથી જ હું જ્યાં સુધી જીવ્યો, કોઇને મારી અંતિમ ઇચ્છા, જે જ્યોતિને શોધી તેના ખુદના પરિવાર સાથે તેનો મેળાપ કરી આપવાની હતી તે ન કહી.
“જ્યોતિ તેની મા પાસેથી કેવળ ચાર વર્ષની વયે વિખુટો પડી ગયો. તેને શોધવા હું જાતે હિંદુસ્તાન ન જઇ શક્યો. તેની માતા તેના વિરહમાં પ્રભુને વહાલી થઇ. તેની એક ખુશી હું પૂરી ન કરી શક્યો તેનો મને બેહદ અફસોસ છે. મારી પશ્ચાત મારાં સંતાનોને મારા કાર્ય પાછળની મારી ભાવના તથા તે પ્રાપ્ત ન કરી શકવાનું દુ:ખ ન થાય તેથી મેં કોઇને તે વિશે વાત ન કરી. છતાં મારા મનના ઊંડા ખૂણામાં એક આશા હતી કે મારા વારસમાંથી કોઇને ક્યારેક એવી જરૂરત ભાસશે, અને જ્યોતિ નહિ તો તેના વારસને શોધી તેમના માટે કંઇક કરી શકશે.
“કમલા મારી વહાલી પૌત્રી હતી. જ્યારે મારા અન્ય પૌત્ર-પૌત્રીઓ રમવા કે તેમનાં મિત્ર-સખીઓમાં મગ્ન હતા, તે મારી પાસે બેસતી. મારી પ્રિય પત્નિ શરનરાની વિશે જાણવા અનેક સવાલ પૂછતી, હું કેવી રીતે તેને મળ્યો, કેવી રીતે આ દેશમાં આવ્યો - કોઇ વાત તેણે જાણ્યા વગર મારો પીછો ન છોડ્યો. તેણે જ આગ્રહ કર્યો કે હું એવા કોઇ સગડ મૂકી જઉં કે ભવિષ્યમાં કોઇ તેનો ઉપયોગ કરી મારી હિંદુસ્તાનમાંની સંતતિને શોધે, મળે અને પ્રત્યક્ષ જુએ કે તે સુખી છે કે નહિ. તેમને કોઇ ચીજની જરૂર હોય તો ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપી તેમના માટે રાખેલ મારો વારસો આપે. આ પત્ર તમને કમલાએ સોંપ્યો તે દર્શાવે છે તેને તમારા પર કેટલો વિશ્વાસ છે.
“મારી તમને ઇલ્તજા છે. આ કામ તમારાથી ન થઇ શકે તો આ પત્ર કમલા કે તેના જે વારસે તમને આ પત્ર આપ્યો છે, તેને પાછો આપશો. આની સાથેનું મારૂં ઇચ્છાપત્ર છે, તે વાંચ્યા વગર તેમને પાછું આપશો. હું તમારી મજબુરી સમજી શકું છું.
“પરમાત્મા સદા તમારી સાથે રહે અને તમારૂં કલ્યાણ કરે.”
(સહિ) રામ પ્રસાદ, પોર્ટ અૉફ સ્પેન. તા. ૨૫ ડિસેમ્બર ૧૯૨૧.
*********
“ગ્રેટ-વનની તે છેલ્લી નાતાલ હતી. અને શીલા, તું ખાસ સાંભળ. દદ્દાએ મારા જે વારસની વાત કરી હતી, તેની નિયુકતી હું આ વર્ષે કરવાની હતી. આ બધા કાગળ-પત્ર, પેલો મોટો ફોટો બધું તને સોંપવાની હતી. આજે સારો મોકો છે. હું શૉન તથા સુઝનની હાજરીમાં તને નિયુક્ત કરૂં છું.
“શૉન, સુઝન, તમારી પાસે હજી સમય છે. તમે અહીં, અત્યારે ના કહી પાછા કૅલીફૉર્નિયા જઇ શકો છો. મને જરા પણ દુ:ખ નહિ થાય. મને તો ખુશી થઇ કે આપણા બહાદુર પૂર્વજોની વાત સાંભળવા તમે ત્રણ તૈયાર હતા અને હું વાત કહી શકી.
“તમારા પર કોઇ દબાણ નથી. તમે એક વાર મને તમારો નિર્ણય કહો તો મને શાંતિ થાય.”
સુઝન ખુરશી પરથી ઉઠી, કમલાદાદી પાસે ઘૂંટણભેર બેસીને તેમનો જમણો હાથ ઝાલ્યો. “ગ્રૅની, શૉન અને હું આ કામ પૂરૂં કરીશું. આ અમારૂં તમને વચન છે.”
“હા ગ્રૅન. અમે ભારત જવાની તૈયારી કરીને જ આવ્યા છીએ. જ્યોતિદાદાના વંશજોને શોધ્યા સિવાય અમે પાછા નહિ આવીએ.”
કમલાદાદીએ હવે બીજું પરબીડીયું કાઢ્યું. પ્રથમ તેણે એક પીળો પડી ગયેલો. જ્યોર્જટાઉનમાં લીધેલો જુનો ફોટો આપ્યો. એક ઉંચો, ખુબસુરત પ્રભાવશાળી પુરૂષ, તેની સાથે ખુરશીમાં બેઠેલી નાજુક, સૌંદર્યવતિ સ્ત્રી અને આઠ-દસ વર્ષનો કિશોર હતો. “આ છે તારા દદ્દા, ગ્રૅન શરન ઉર્ફે સાન્ડ્રા ડેબી અને નેરાઇન પ્રસાદ.”
“What a strikingly beautiful lady!” સુઝન બોલી ઉઠી.
“હવે મને સમજાય છે નાનાજીએ શા માટે રાજપાટ છોડ્યા!” શીલાએ કહ્યું. “અને શૉન, જરા ધ્યાનથી જોઇશ તો તેમના ચહેરા સાથે તારૂં કેટલું સામ્ય છે!”
“એટલે જ તો હું તેને હંમેશા ‘મારા ગ્રેટ-વન’ના look alike કહીને બોલાવતી હતી!” કમલાદાદી બોલ્યા. “હવે આગળનો પત્ર વાંચ” કહી મોટા લિફાફામાંથી પાંચ-છ હસ્તલિખીત કાગળ આપ્યા. શૉને સુઝનને તે વાંચવા કહ્યું.
પહેલા કાગળ પર શિર્ષક હતું:
“જગતપ્રતાપસિંહની અંતિમ ઇચ્છા અને એકરારનામું."