Follow by Email

Tuesday, March 8, 2011

પરિક્રમા: "ખુશ રહો અહલે ચમન.."

પરોઢિયે જગતની નૌકા દાનાપુર નજીકથી પસાર થઇ. ત્યાંની મિલીટરી જેટી પર એક સ્ટીમર ખડી હતી. અવાજ પરથી એવું લાગી રહ્યું હતું કે તેમાંથી બ્રિટીશ સૈનિકોને ઉતારવામાં આવી રહ્યા હતા. આજુ બાજુ નાની મોટી નૌકાઓ હતી, તેથી જ કે કેમ, કોઇએ જગતની નાવ તરફ કોઇએ ધ્યાન ન આપ્યું.
બપોરના સમયે િનયાઝીપુર ગામના નાનકડા ઘાટ પાસે તેની નૌકા ઉભી રહી. જગત તેના મેઘ સાથે ઉતર્યો. તેણે માછીમારોને પૈસા આપવા પ્રયત્ન કર્યો, પણ તેમણે લેવાનો સાફ ઇન્કાર કર્યો. એટલું જ નહિ, તેને પગે લાગી પાછા જવાની રજા માગી. જગતે તેમનો આભાર માની ત્યાંથી નીકળ્યો. હવે તે તેના પોતાના જાણીતા ક્ષેત્રમાં હતો. રઘુરાજપુર અહીંથી ચોવીસ કલાકના રસ્તા પર હતું, પણ દિવસના સમયે તેણે પ્રવાસ કરવાનું ટાળ્યું.
જ્યારે તે રઘુરાજપુર પહોંચ્યો, મધરાત થઇ હતી. સૌ પ્રથમ તે પિતાજીની ઘોડારમાં ગયો. ત્યાંના મુખ્ય ‘સ્ટુઅર્ડ’ પરિહારકાકાને મળ્યો. નકુલ અને નલરાજાની જેમ પરિહાર અશ્વવિદ્યાના માહિર હતા. જગત ચાર વર્ષનો હતો ત્યારથી તેને ઘોડેસ્વારી ઉપરાંત તેમને જ્ઞાત હતી તે બધી વિદ્યાઓ એવી રીતે શીખવી હતી જેમ પિતા પુત્રને પોતાનો વારસો આપે! પરિહારકાકાને મેઘ સોંપી તેમને િવનંતી કરી કે તેઓ તેના પ્રિય મિત્રનું ધ્યાન રાખે. આજે તે મેઘને છોડવા આવ્યો હતો. થોડી વારે તેને જવું પડે તેમ હતું.
“કાકા, મેઘને હમણાં જ અહીંથી લઇ જશો. સવાર પહેલાં તેને આપણા આંબાવાડીયામાં છુપાવી રાખજો. કોઇ તેને અહીં જોઇ જશે તો તેમને જાણ થશે કે હું અહીં આવ્યો હતો. આ વાત કંપની સરકારને થશે તો તેઓ પિતાજીને અત્યંત તકલીફ આપશે.”
પરિહાર શોકમગ્ન થયા. "છોટે માલિક, આપ શું કરશો? આપને અહીંથી જવા માટે સવારી જોઇશે. મારો ‘ઇમાની’ ભલે ગામઠી ઉપજનો હોય, પણ તેનામાં વણ થોભ્યે લાંબું અંતર કાપવાની અપરિમીત શક્તિ છે. મને ના ન પાડશો,” કહી તેમણે આંસુ લૂછ્યા.
જગત હતો જ એવો. કોઇને પણ તેના પર વહાલ આવ્યા વગર ન રહે. તે પરિહારકાકાને પગે લાગ્યો, કાકાએ તેને હૃદય સરસો ચાંપ્યો.
જગત હવે મેઘ પાસે ગયો. “મિત્ર, આજે આપણે વેગળા થવાનો સમય આવી ગયો છે. તું ન કેવળ મારો મિત્ર હતો, મારો તારણહાર પણ તું જ હતો. આવતા જન્મે માનવસ્વરૂપ લેજે અને મારા ભાઇ તરીકે જન્મજે,” કહી તેના ગળામાં બન્ને હાથ પરોવ્યા. મેઘ એક પ્રતિ-માનવ હતો. કેવળ તેને વાચા નહોતી. તે જાણી ગયો કે આ તેના માલિક સાથેની અંતિમ વિદાય છે. તેની આંખમાંથી ચોધાર આંસુ વહેતા હતા. તેણે જગતની ચુમી લીધી અને મોં ફેરવી લીધું. તેનો માલિક કહો કે મિત્ર, તેના વિયોગનું દુ:ખ આ અબોલ પ્રાણીથી પણ સહન ન થયું. પરિહારકાકા તેને લઇ જતા હતા ત્યારે તેણે એક છેલ્લી વાર કરૂણ દૃષ્ટી જગત તરફ નાખી અને નીકળી ગયો.
તેણે હવે હવેલી તરફ ડગ ભર્યા. ફાટક પર બુઢ્ઢો ચોકીદાર હતો, તેણે જગતને જોયો અને તેના પગમાં પડી ગયો. “માલિક..”
જગતે તેને શાંત રહેવાનો ઇશારો કર્યો, અને હળવેથી પૂછ્યું, “માતાજી ક્યાં છે? તેઓ સુઇ ગયા છે કે કેમ?”
“માલિક આપ ગયા ત્યારથી માતાજીને કદી નિંદર આવી હોય તો ભગવાન કસમ. આખી રાત તેમના કક્ષની બાજુમાં બનાવેલા મંદિરમાં બેસી આપના ક્ષેમકુશળની પ્રાર્થના કરતા રહે છે. ક્યારે સૂએ છે, ક્યારે ખાય-પીએ છે, ભગવાન જાણે. અત્યારે પણ મંદિરમાં જ હશે.”
જગત હળવે પગલે મંદિર તરફ ગયો. બહાર પગરખાં કાઢી અંદર પ્રવેશ કર્યો તો સાચે જ જ્યોતિદેવી મા દુર્ગાની પ્રતિમા સામે બેસી માળા ફેરવી રહ્યા હતા. દીપકના આછા પ્રકાશમાં તેમનો મ્લાન ચહેરો અધિક ફિક્કો લાગતો હતો. પાછળ પગરવ સાંભળી તેઓ રોકાઇ ગયા અને પાછળ વળીને જોયું તો.... પ્રથમ તો તેમના માન્યામાં ન આવ્યું કે જેના માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા તે તેમની સામે જ ઉભો હતો! તેઓ એક ક્ષીણ ચિત્કાર કરી બેઠાં, “જગત, બેટા તું?? મા દુર્ગાની લીલા અપરંપાર છે,” કહી તેમણે પહેલાં માતાને નમસ્કાર કર્યા અને ઉભા થઇ જગતને ભેટી પડ્યા. આજની રાત કોણ જાણે કેવી વર્ષાની રાત હતી, મોતી આકાશમાંથી પડવાને બદલે માનવીઓની આંખમાંથી વરસી રહ્યા હતા. જગતના શબ્દો તેના મુખેથી નીકળવાને બદલે આંખમાંથી ટપકી રહ્યા હતા.
‘કેટલો ક્રુર નીકળ્યો તમારો પુત્ર, મા! તમારા સ્નેહનો બદલો મારાથી આવી રીતે અપાયો જ કેવી રીતે?” તેના હૃદયમાંતી નીકળતો આક્રોશ જ્યોતિદેવીએ અનુભવ્યો.
“દિકરા, આપણી નિયતી જ એવી લખાઇ હોય ત્યાં દોષ કોને દઇએ? પરમાત્માએ જેટલા સમય માટે આપણાં અન્ન-જળ સાથે લેવાનાં લખ્યા હોય તેનાથી જ સંતોષ માનવો પડે. આજે મારૂં જીવન, મારી ભક્તિ સાર્થક થઇ તને જોઇને. તું સાજો સમો છે તે જોઇ મને સ્વર્ગ મળ્યા જેવું લાગ્યું.” છ વર્ષની જુદાઇમાં તેમના મનમાં જમા થયેલા શબ્દોનો બંધ આજે ખુલી ગયો હતો. જે ન કહી શક્યા, તેમનાં અશ્રૂઓએ કહ્યું.
જગત પાસે તો કશું કહેવા માટે શક્તિ જ નહોતી રહી. બસ, માતાના અંકમાં તે અલૌકીક શાતા, આશ્વાસન મેળવી રહ્યો હતો. તેણે આંખો બંધ કરી. તેનું મન બોલી ઉઠ્યું, બસ, પરમાત્મા, હવે થોભી જાવ. મારી આંખ ખુલે ત્યાં સુધીમાં સમયને પાછો લઇ જાવ, જાણે કશું થયું જ નથી. મને ફક્ત એક તક આપો, ભગવાન.”
“અરે રાણીજી, આપ ઠીક તો છો ને?” કહેતાં ઠાકુર ઉદય પ્રતાપ પુજાકક્ષમાં આવ્યા અને સ્તબ્ધ થઇ પુત્રને જોતા રહ્યા.
જગત તેમની પાસે ગયો અને પગે લાગવા ઝૂક્યો, ત્યાં ઠાકુરસાહેબે તેને બાથમાં લીધો. “અરે, દિકરા, ક્યાં ખોવાઇ ગયો હતો? પિતા પર આટલો ગુસ્સો? આટલા વરસ થઇ ગયા, ન કોઇ ચિઠી, ન સંદેશ અને..” અકાળે વૃદ્ધત્વ પામેલા પિતાનો અવાજ રૂંધાઇ ગયો. નારદમુનિ ત્યાં હોત તો તેમણે એટલું જ કહ્યું હોત, ‘આંસુઓનો આવો ત્રિવેણી સંગમ, નારાયણ કોઇના નસીબમાં ન આવે. લાંબી જુદાઇ, ક્ષણભરનું પુનર્મિલન અને હવે કાયમનો વિયોગ.”
જ્યોતિદેવી પુજા સામગ્રી પાસે રાખેલા કળશમાંથી જગત માટે પાણી લઇ આવ્યા. ત્રણે દેવીમાતાની સમક્ષ બેઠા. જગતે પૂરી વાત કહી.
“મા, પિતાજી, મારે હવે અહીંથી કાયમ માટે નીકળી જવું પડશે. મારા માથા પર એવા ગુનાનો ઇલ્ઝામ લાગ્યો છે, જે મેં કર્યો જ નથી. મારા કારણે વિપ્લવનો અગ્નિ આપને આંચ પહોંચાવે તે પહેલાં મારે અહીંથી નીકળી જવું પડશે. ફરી મુલાકાત થાય કે ન થાય, આપની ક્ષમા માગ્યા વગર જઉં તો મારો આત્મા રૌરવમાં અનંતકાળ સુધી ભટકશે.
“હું અાપનો પુત્ર કહેવડાવવા લાયક નથી. કુપુત્ર..”
ઠાકુરે તેના મ્હોં પર હાથ મૂક્યો. “આવું ન કહીશ, જગત. આ બધું વિધિલિખીત છે. ભુલ તો મારી હતી. ઉદારતા તો મારે દાખવવી જોઇતી હતી.”
“દિકરા, કેટલા દિવસનો ભુખ્યો છે તું? છ વર્ષથી માતાના હાથનું અન્ન તેં આરોગ્યું નથી. ચાલ હું કંઇક લઇ આવું.”
“મા, અાપણી પાસે સમય નથી. મારે હમણાં જ નીકળવું પડશે. કંપની સરકારનાં ધાડાં અહીં ગમે ત્યારે આવી શકે છે. મને બસ દેવીમાતાને ચઢાવેલો પ્રસાદ આપો.”
“જગત, આપણે વકીલ કરીશું. અાપણી જાગીર વેચાઇ જાય તો પણ ચાલશે, પણ તું જઇશ મા.”
જગતે આર્જવતાપૂર્વક તેમને સમજાવ્યા. તે જો અહીં રહેશે તો માતા-પિતાની નજર સામે તેને ફાંસીએ નહિ તો ગોળીએ દેવામાં આવશે. આ તેઓ જોઇ નહિ શકે. બહેતર તો એ છે કે તે અહીંથી નીકળી જાય. “જીવતો હોઇશ તો અપને એટલી ધરપત રહેશે કે હું સાજો સમો છું.
“જતાં પહેલાં એક સારા સમાચાર આપું. મા, પિતાજી, અાપને બે પૌત્ર છે. એક ઉદય પ્રકાશ અને બીજો જ્યોતિ પ્રકાશ. આપની યાદમાં તેમનાં આ નામ છે. અાપની સ્નૂષાને હંમેશા દુ:ખ રહ્યું છે કે તે આપની સેવા ન કરી શકી. દોષ મારો છે, તેનો નહિ.”
જ્યોતિદેવી અત્યંત ખુશ થઇ ગયા. “એક મિનીટ થોભી જા,” કહી તેઓ પોતાના કક્ષમાં ગયા અને હાથીદાંતની એક નાનો બૉક્સ લઇ આવ્યા. તેમંાથી તેમણે એક સુવર્ણહાર કાઢ્યો અને જગતને આપ્યો. “આ અમારી વહુ માટે.” ત્યાર પછી બે જુના સોનાનાં સિક્કા કાઢ્યા. “અા મારા પૌત્રો માટે.”
“દીકરા, તને પૈસાની જરૂર પડશે. હું લઇ આવું છું..”
“ના પિતાજી. આપને આપવું જ હોય તો મને ગમતી એક ચીજ અાપશો?”
“જે કહે તે!”
“આપના કક્ષમાં એક જુની છબી છે. તે આપશો?”
ઠાકુરની આંખમાં ફરી ઝળઝળીયાં આવ્યા. તેઓ ગયા અને ચાંદીની ફ્રેમમાં મઢાવેલ એક છબી લઇ આવ્યા.તેમાં ભુરા કાર્ડબોર્ડ પર માઉન્ટ કરેલ સેપિયા-ટોનમાં ખેંચાયેલ છબી હતી.
કલકત્તાના પ્રખ્યાત ફોટોગ્રાફર ફ્રેડરીક ફાઇબીગને શહાબાદ જીલ્લાના તાલુકદાર-જમીનદારોએ ખાસ બોલાવ્યો હતો, તેની પાસેથી તેમણે બધાંએ પારિવારીક છબીઓ ખેંચાવી હતી.
તે વખતે જગત છ વર્ષનો હતો. છબીમાં રાજપોષાકમાં તેના પિતાજી, માતા જ્યોતિદેવી અને જરીભરત કરેલા મખમલના પોષાકમાં નાનકડું મંદીલ લગાડેલા સાફામાં જગત હતો. જમણા હાથમાં નાનીશી તલવાર અને હોઠ પર સ્મિત. માતાના ખોળામાં જગતની બે વર્ષની બહેન પ્રકાશિની હતી.
જગતે ફ્રેમમાંથી છબી કાઢી, કાગળમાં લપેટી અંગરખાના ખિસ્સામાં મૂકી. અને માએ આપેલ વસ્તુઓ સાફામાં બાંધી.
અંતિમ વાર માતા પિતાને નમસ્કાર કરી જગત રઘુરાજપુર છોડી નીકળ્યો તે સમયનું દૃશ્ય વર્ણવવાની મારી શક્તિ નથી.