Follow by Email

Thursday, March 3, 2011

પરિક્રમા: રઘુરાજપુરનો જગતપ્રતાપસિંહ

૨.

રઘુરાજપુરની નાનકડી રિયાસત બિહારના શહાબાદ જીલ્લામાં શાહજહાંના સમયથી સ્થપાઇ હતી. બાદશાહે બાબુ કુંવરસિંહના પૂર્વજોને જગદીશપુરની તથા તેમના મિત્ર ઉદયપ્રતાપસિંહના પૂર્વજોને રઘુરાજપુરની જાગીર કાયમી ધોરણે બક્ષી હતી.
જગતપ્રતાપસિંહ હાલના જાગીરદારનો મોટો પુત્ર અને વારસ હતો. ૧૭ વર્ષનો થયો ત્યારે આખું જગત તેના કદમોમાં હોય તેવું સૌને લાગતું હતું. ચાર વર્ષનો થયો ત્યારથી ઘોડેસ્વારી શરૂ કરી. બાર વર્ષનો થતાં સુધીમાં એટલી કાબેલિયત મેળવી, ભોજપુરના જમીનદારોની ટીમના સભ્ય તરીકે દાનાપુર કેન્ટોનમેન્ટના અંગ્રેજ અફસરોની ટીમ સામે તેણે આખરી ચક્કરમાં વિજયી ગોલ કર્યો હતો. તેના નાના રિવા રાજ્યના મોટા ભાયાત હતા, તેમણે ઇનામ તરીકે જાતિવંત ઘોડો ઇનામમાં આપ્યો. પંદર વર્ષનો હતો ત્યારે તેમની રિયાસતમાં એક આદમખોર ચિત્તાએ આતંક મચાવ્યો હતો. જગતે તેની જ ચાલનો અવલંબ કરી તેને ઠાર કર્યો હતો. પિતાની જાગીરમાં તેમના ખેડૂત તથા પાટીદારો સાથે સમ્પર્કમાં રહી તેમની સુખાકારીના ખબર પૂછતો. તેમના દિવાન પાસે બેસી આવક-જાવકના હિસાબની સાથે તેમની પાસેથી રાજભાષા ફારસીનો તથા અંગ્રેજીનો અભ્યાસ પણ કર્યો. શ્રીમંત રાજઘરાણામાંથી તેના માટે માગાં આવવા લાગ્યા હતા. પણ વિધિલિખીત કંઇ અૉર હતું.
રઘુરાજપુરમાં જન્માષ્ટમી ધામધુમથી મનાવવામાં આવતી. જગતપ્રતાપની માતા જ્યોતિદેવી ‘કન્હૈયા આઠે’ માટે તેમની સાહેલીઓને બોલાવતાં. રાતના બાર વાગે કૃષ્ણ જન્મ થયા બાદ ભોજન સમારંભ અને ત્યાર બાદ બધાં ઘેર જતા. ‘ઇવેન્ટ મેનેજમેન્ટ’નું કામ જગત કરે. કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોકોમાં સ્ત્રીઓનું ‘સેક્શન’ જુદું હોય. આ વર્ષે આવેલી સ્ત્રીઓમાં એક આકર્ષક યુવતિ તરફ તેનું ખાસ ધ્યાન ગયું. રજવાડા અને જમીનદારોની સ્ત્રીઓ જરી-ગોટાની ભારે બનારસી રેશમની સાડીઓ અને ઘરેણાંઓથી લદાયેલી હતી. તેનું ધ્યાન એક યુવતિએ ખેંચ્યું. તેણે નીલા રંગની સાદી ભાગલપુરી રેશમી સાડી પરિધાન કરી હતી. તેના ગૌર વર્ણના ચહેરા પર સ્મિત ઉભરતું તો પહેલાં તેનાં ખંજન હસી ઉઠતા. પાતળી કાયા અને ઉંચાઇ પણ વધુ નહિ. જગત તો તેને જોઇને મુગ્ધ થઇ ગયો.
કાર્યક્રમ પૂરો થયા પછી તેણે જ્યોતિદેવીને પૂછ્યું, “મા, ઘનઘોર નીલા વાદળાં જેવા રંગની સાડીમાં ઢંકાયેલા ચાંદ જેવા ચહેરાવાળી છોકરી કોણ હતી?”
જ્યોતિદેવી ખડખડાટ હસી પડ્યા. “આદમખોર ચિત્તાનો શિકાર કરનાર યુવાન કવિ ક્યારથી થઇ ગયો? અરે પાગલ, એ તો દિવાન ગૌરી પ્રસાદ માથુરની ભત્રીજી શરન હતી. ચાલ, એને છોડ. તેં મારી બહેનપણી રાજલક્ષ્મીની દિકરીને જોઇ? ગુલાબી સાળુ પહેર્યો હતો તે? એનો નવલખો હાર એવો ચળકતો હતો કે કોઇનું પણ ધ્યાન તેની તરફ જાય. તને તો એ એટલો પસંદ કરે છે, તું હા કહે તો કાલે જ તારાં લગ્ન તેની સાથે કરાવી દઉં!”
“મા! તમે પણ ખરા છો. હું કોની વાત કરૂં છું અને તમે વળી...” કહી તે ત્યાંથી છટકી ગયો.
માની વાતમાં એક સૂચન હતું. તેમનો પરિવાર ઉંચા રાજપૂત વંશનો હતો. શરનકુમારી કાયેથ હતી, એક ઉતરતી જાત. કાયેથ - એટલે કાયસ્થ - આમ તો ઉંચી પરંપરાની જાતિ હતી. રાજકાજમાં નિપૂણ, વિદ્વત્તા અને સાહિત્યમાં પ્રખ્યાત અને ફારસી, અંગ્રેજી તથા કાયદા કાનુનના જ્ઞાનમાં અગ્રેસર ગણાતી આ જાતિના લોકો વર્ણાશ્રમ પદ્ધતિમાં ક્ષત્રીય અને બ્રાહ્મણથી ઉતરતા ગણાતા. કેટલાક લોકો તો તેમને શુદ્ર ગણતા. જ્યોતિદેવી આ વાતથી પરિચીત હતા તેથી તેમણે તરત જ પુત્રને શરનકુમારીથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો.
બીજા દિવસે બપોરે જગત દિવાનસાહેબના ઘેર પહોંચી ગયો. દિવાન ઘરમાં નહોતા. તેણે બારણે અવાજ દેતાં શરન બહાર આવી.
“દિવાન સાહેબ ઘરમાં છે?”
“જી ના. તેઓ બહાર ગયા છે. સાંજે પાછા આવશે. આપ સાહેબ કોણ છો?”
“તેમને કહેજો જગતપ્રતાપ આવ્યા હતા.”
“જગતપ્રતાપ એટલે કોણ?”
જગતે હસીને કહ્યું, “દિવાન સાહેબ જાણે છે અમે કોણ છીએ.”
જતાં પહેલાં તેણે યુવતિને પુછ્યું, “આપ કોણ છો?”
“દિવાન સાહેબને પૂછી લેશો. તેઓ જાણે છે અમે કોણ છીએ!” અને તે ખડખડાટ હસી પડી. જગત જવા લાગ્યો ત્યારે તેણે કહ્યું, “સાંભળો, અમારૂં નામ શરન કુમારી છે, અમે દિવાન સાહેબના મોટા ભાઇનાં પુત્રી છીએ.” કહી તે અંદર નાઠી.
પ્રથમ દર્શને જગતપ્રતાપને આ છોકરી ગમી હતી. આ સંવાદ પછી તે તેના પ્રેમમાં પડી ગયો.
ત્યાર પછીના પ્રસંગો ઝડપથી બનતા ગયા. જગત જેવો યુવાન તો કોઇ પણ કન્યાને ગમે. શરનને તેની વાત કરવાની લઢણ, સરળતા અને નમ્રતા ગમી ગઇ. પરિચય બાદ તે જગતને અંતરથી ચાહવા પણ લાગી હતી. પરંતુ તે ઘણી સમજદાર યુવતિ હતી. તેને પોતાની તથા જગતની જવાબદારીનો ખ્યાલ હતો. તે જાણતી હતી કે તેમની વચ્ચે સંબંધ કોઇ કાળે શક્ય થાય તેવું નહોતું. માતા-પિતાની મરજીની વિરુદ્ધ જઇને જગત તેની સાથે લગ્ન કરે તો તેનું પરિણામ અત્યંત ગંભીર આવી શકે તેવું હતું. તે શિક્ષીત હતી. સમાજમાં પ્રવર્તતી વર્ણવ્યવસ્થા તથા જાતિભેદનો તેને અંગત અનુભવ હતો. એક રશિયન લેખકના કહેવા પ્રમાણે પક્ષી અને માછલીનાં લગ્ન અશક્ય હોય છે તેમ વર્ણવ્યવસ્થામાં કહેવાતી ઉચ્ચ અને નિમ્ન જાતિ વચ્ચેનાં લગ્ન અશક્ય ભલે ન હોય, પણ અતિકઠિન હોઇ શકે છે. તેમાં સૌથી વધુ કોઇને ભોગવવું પડતું હોય તો તે સ્ત્રીના પરિવારને. પરિણીતા પતિના સ્નેહ તથા તેના પૌરુષેયના આધારે ટકી શકે છે, પણ જો સામા પક્ષના લોકો શક્તિશાળી હોય તો તેમનું જીવન ઘણી વાર અકારૂં થઇ જતું હોય છે. સામાજીક બહિષ્કારનો સુદ્ધાં અનુભવ કરવો પડે છે. જગત સાથેનાં લગ્નનું આવું પણ પરિણામ આવી શકે છે તેનો તેને ખ્યાલ હતો. તેથી જગતપ્રતાપની ખુશીને ખાતર તેણે તેને આ બાબતમાં આગળ વધવાની મનાઇ કરી. આ ક્ષણજીવી લાગતા પ્રેમપ્રકરણ પર પડદો પાડવા તેણે ભાગલપુર પાછા જવાની તૈયારી શરૂ કરી.
જગત પર પ્રેમ હોવા છતાં શરનકુમારીએ તેને પૂરો ઓળખ્યો નહોતો.
“મને ફક્ત એટલું કહો કે આપ મારા પર સ્નેહ કરો છો. આપ મારી સાથે હશો તો હું કોઇ પણ પ્રસંગનો સામનો કરી શકીશ. આપના માતાપિતાને આ સંબંધ સામે કશી આપત્તિ નહિ હોય ને?”
“જુઓ કુંવરસાહેબ, લગ્ન થતાં દિકરીને માબાપનું ઘર છોડવું જ પડે છે, પછી તેમની મરજી પ્રમાણે દિકરીના લગ્ન થયા હોય કે ન હોય. આપ જેવા પ્રેમાળ પતિ સાથે મારે જવું પડે તેમાં તેમને કશો વાંધો નહિ આવે. મને તો આપના માતા-પિતાની ફિકર છે. મારા કારણે આપને આપનો પરિવાર ત્યજવો પડે તે મને મંજુર નથી.”
“એવી ઘડી ક્યારે પણ નહિ આવે. મને મારા માતા-પિતા પર પૂરો વિશ્વાસ છે. હું ચાહીશ કે આપ ભાગલપુર જઇને આપના માતાપિતા સાથે વાત કરી તેમની મંજુરી લેશો. હું મારા માતાપિતા સાથે વાત કરીને તેમને આપણા સંબંધ વિશે વાતચીત કરવા ભાગલપુર મોકલીશ.”
શરન ભાગલપુર જવા નીકળી. તેના ગયા બાદ જગતપ્રતાપે તેના પિતા સાથે વાત કરી. તેમણે સ્પષ્ટ ના કહી.
“ધન દોલત પાછળ દોડતી આ હલકી જ્ઞાતિની ‘કાયેથ’ છોકરી સાથે તમે...”
‘માફ કરશો, પિતાજી, આપને મારી વિનંતી છે. મારી ભાવિ પત્નિ માટે આવા અપશબ્દ નહિ વાપરો તો મહેરબાની થશે.”
“તો શું તમે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો છે, એમ?”
“જી, પિતાજી.”
“તો તમારો અમારી સાથેનો સંબંધ અહીં સમાપ્ત થાય છે. આજે, આ ઘડીથી તમે આઝાદ છો. જ્યારે જીવનની વાસ્તવિકતાનો અનુભવ થશે, વંશપરંપરાથી મળેલા વૈભવ છુટશે ત્યારે તમને ખ્યાલ આવશે તમે શું ત્યજ્યું છે. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમાં હશો ત્યારે પણ તમને અહીં આવકાર નહિ મળે.”
“ઠાકુરસાહેબ, સબુર કરો,” જ્યોતિદેવી વચ્ચે પડ્યા.
“જ્યોતિદેવી, કૃપયા આપ કશું ન કહેશો,” એક ક્ષણ રોકાઇને તેમણે જગતપ્રતાપને પૂછ્યું, “તો તમારો નિર્ણય શું છે?”
જગતપ્રતાપે કહ્યું,”આપ તો આપણી પરંપરાથી વાકેફ છો. મેં શરનકુમારીને લગ્ન કરવાનું વચન આપ્યું છે, અને તે હું પાળીશ. મને તો ફક્ત આપની અનુમતિ તથા આશીર્વાદની આવશ્યકતા હતી.” કહી તે પોતાના કમરા તરફ ગયો. ઉદયપ્રતાપસિંહ ક્રોધમાં આવ્યા અને કમરાની બહાર ચાલ્યા ગયા.
જગતે પોતાના કક્ષમાંથી પોતાની અંગત વસ્તુઓ લીધી, જે તેને તેના નાના-નાની તથા મામાઓ પાસેથી તેના જન્મદિવસ તથા અન્ય પ્રસંગોએ ભેટમાં મળી હતી. આ હતા સુવર્ણના આભુષણ તથા કેટલાક સિક્કા. પહેરેલાં કપડાં સિવાય પિતાએ આપેલ એક પણ વસ્તુ ન લીધી. માતા પાસે જઇ તેમનાં ચરણોને સ્પર્શ કરી આખરી આલિંગન કર્યું અને ત્યાંથી તે સીધો ઘોડારમાં ગયો. તેના નાનાએ તેને બક્ષીશમાં આપેલ અશ્વ પલાણ્યો અને ચાલી નીકળ્યો. જ્યોતિદેવી તો આ બધું જોતાં જ રહી ગયા. તેઓ દિંગ્મૂઢ થઇને લગભગ અર્ધમૂર્છીત અવસ્થામાં એક કઠપુતળીની જેમ સ્તબ્ધ હાલતમાં થીજી ગયા.
ઠાકુરસાહેબે જ્યારે જગતના ઘોડાના ડાબલા સાંભળ્યા તેઓ બહાર નીકળ્યા. દિકરાને પૂર ઝડપે જતો જોઇ તે અંત:પૂરમાં ગયા. પત્નિની હાલત જોઇ તેમને ખ્યાલ આવ્યો કે શું થઇ ગયું હતું. તેમના માન્યામાં ન આવ્યું કે તેમના કટુ શબ્દોની આટલી ઘેરી અસર તેમના પુત્ર પર થશે.
શબ્દ અને બાણ એક વાર નીકળ્યા પછી પાછા આવી શકતા નથી. સામા માણસને તે વાગે કે ન વાગે, તે છોડનાર પર તેના પ્રત્યાઘાત એટલી તીવ્રતાથી થતા હોય છે, તેમાંથી કળ આવવી અતિ મુશ્કેલ હોય છે. ઠાકુર ઉદયપ્રતાપસિંહને ઉંડો આઘાત લાગ્યો. પુત્ર નીકળી ગયા બાદ તેમને ખ્યાલ આવ્યો કે પુત્રને જ્યારે તેમની સહાનુભુતિ અને આધારની જરૂર હતી ત્યારે તેમણે તેના પ્રત્યે અસામંજસ્ય તથા ગેરવ્યાજબી ક્રોધ દર્શાવ્યા હતા.
લોકોની નજરમાં ફક્ત એક જ વાત આવી. તેના પ્રેમની કદર કરવાને બદલે તેના માતાપિતાએ તેને ગૃહત્યાગ કરવાની ફરજ પાડી હતી. પોતાની પ્રિયતમાને ખાતર આ ઉમદા યુવાને માતાપિતા તથા ધન દોલતનો ત્યાગ કર્યો. શહાબાદ જીલ્લામાં પ્રેમને ખાતર રાજપાટ અને વૈભવનો ત્યાગ કરનારાઓની આખ્યાયિકાઓમાં એકનો વધારો થયો. આ વાતના ૭૫-૮૦ વર્ષ અગાઉ એક અંગ્રેજ ઘોડેસ્વારના પ્રેમમાં ભોજપુરની રાજકન્યાએ પરિવાર છોડ્યો હતો. આગળ જતાં આ અંગ્રેજે રાજપુતો તથા મરાઠાઓની સેનામાં સેવા બજાવવા પોતાનો અંગત રિસાલો તૈયાર કર્યો. આજે ભારતીય સેનામાં વિશીષ્ઠ સ્થાન ધરાવતો 1 Horse નામનો રિસાલો હજી પણ તેના સ્થાપક કૅપ્ટન સ્કિનરની યાદમાં “સ્કિનર્સ હૉર્સ”ના નામે ઓળખાય છે.
જગતપ્રતાપ અને શરનના પ્રેમ વિશે આવી કોઇ આખ્યાયિકા છે કે નહિ, કોઇ જાણતું નથી.