Follow by Email

Thursday, March 17, 2011

પરિક્રમા: રહસ્ય-સ્ફોટ

“દદ્દાનું ખરું નામ જગતપ્રતાપસિંહ હતું.”
શૉન, સુઝન અને શીલા જાણે પત્થરમાં કંડારેલી મૂર્તિ હોય તેમ સ્તબ્ધ થઇ ગયા.
“તેમનું બીજું નામ કૉર્પોરલ જગતસિંહ હતું, બૅંગાલ નેટીવ આર્મીની ફિફ્થ ઇરેગ્યુલર કૅવલ્રીના નૉન કમીશન્ડ અૉફિસર. ૧૮૫૭ના ગદરમાં કતલ થયેલી ફિફ્થ રેજીમેન્ટમાંથી જીવતા બચેલા છેલ્લા trooper.” તેમણે જગતની છેલ્લી લડાઇનું વિસ્તારથી વર્ણન કર્યું - અમરસિંહનો ટોપ પહેરી તેમને બચાવ્યા ત્યાં સુધીની દરેક વિગત કહી.
“નૌનદીના યુદ્ધમાં રાજા અમરસિંહની સાથે બચી નીકળેલા બે ઘોડેસ્વારમાં એક દાદાજી હતા અને બીજા તેમના ઘાયલ થયેલા રિસાલદાર બ્રીજ નારાયણ પાંડે હતા.”
“My goodness!” સુઝન બોલી
કમલાની પૌત્રી શીલા અત્યાર સુધી શાંત હતી તે બોલી ઉઠી, “નાની, બચપણથી હું તમારા ગ્રેટ-ગ્રૅન્ડપાનો આ ફોટો જોતી આવી છું. તેની ‘પાછળ’ ફૅમિલી સિક્રેટ્સ સંતાયા છે તે તમે કદી જાણવા ન દીધું! તમારી હૅટમાં હજી કેટલાં સસલાં બાકી છે?” તેણ હળવાશ લાવવા કહ્યું.
“કોઇ સીક્રેટ નથી. કર્તવ્ય નિભાવવામાં તેમના પર જે સંકટ આવ્યા, જે મુશ્કેલીઓ સામે આવી તે દૂર કરવામાં જે કરવું પડ્યું, તેમણે તે જાહેર થવા દીધું નહિ. આ જ વાતો રહસ્ય બની ગઇ.”
“મને એક વાત ન સમજાઇ. તેમને એવી કઇ મજબુરી આવી પડી જેથી તેમના નાના દિકરાને દેશમાં છોડીને જવું પડ્યું? ૧૮૬૦માં અને ત્યાર પછી કેટલા’ય વર્ષો સુધી ભારતના કામદારો વેસ્ટ ઇંડીઝમાં આવતા રહ્યા. તેઓ ‘ગૉસ્પોર્ટ’ પછીનું જહાજ પણ લઇ શક્યા હોત.”
“શક્ય હોત તો તેમણે એ જરૂર કર્યું હોત. મુંઘેરમાં શેરડીના ખેતરમાં ઓવરસીયરનું કામ કરતા હતા ત્યારે તેમની પાછળ પોલીસ તપાસ શરૂ થઇ હતી, તેથી તેમને પૂરા પરિવાર સાથે ત્યાંથી નીકળી જવું પડ્યું. “
“કેમ?”
“મહારાણી વિક્ટોરીયાએ અૅમ્નેસ્ટી જાહેર કરી તેમાં ‘ગ્રેટ વન’નું નામ નહોતું. તેમના પર આરોપ હતો કે તેમણે તેમના કમાંડીંગ અૉફિસર પર ગોળી ચલાવી હતી અને એક અફસરની હત્યા કરી હતી. ખરી વાત તો એ હતી કે આ હત્યાઓ થઇ ત્યારે તે અન્ય જગ્યાએ હતા.
“અા અક્ષમ્ય ગુનો ગણી પોલીસ તેમની ઘનીષ્ઠ રીતે શોધ કરી રહી હતી. દાદાજીએ ઘણી વાર નામ અને સ્થાન બદલ્યાં. ૧૮૫૯ના શિયાળામાં નાનો જ્યોતિ ગંભીર બિમારીમાં સપડાઇ થયો. તેને તેના નાના પાસે ભાગલપુર મૂકવો પડ્યો.
“આમ દાદાજી એક દિવસ ડુમરાઁવ પહોંચ્યા. ત્યાંના જમીનદારના પુત્ર રઇસખાન દાનાપુરની નેટીવ ઇન્ફન્ટ્રીમાં કૉર્પોરલ હતા. મિલીટરીમાં જતાં પહેલાં તે દાદાજીના ‘જમીનદાર નેટવર્ક’ના મિત્ર હતા. ખાનને ખબર મળી હતી કે ગિરમીટ માટે ભરતી કરનાર આરકટીયા તેમના ગામમાં આવી રહ્યા હતા. રઇસખાન ખુદ જવાની તૈયારીમાં હતો. તેણે દાદાજી અને તેમના કુટુમ્બ માટે કાગળીયા તૈયાર કરાવ્યા - એક નવા નામ સાથે.
તેઓ મુંઘેર ફોર્ટના ડેપોમાં હતા, અને જ્યોતિની તપાસ માટે શહેરમાં પહોંચ્યો છે, ત્યારે તેને જાણવા મળ્યું કે સ્થાનિક પોલીસ ગિરમીટીયાઓની યાદી તપાસી રહ્યા હતા. તેઓ દાદીને સાગરિત - accessory to sheltering a traitor તરીકે પકડવા માગતા હતા. જો તે પુત્ર માટે પાછળ રહી ગયા હોત તો તેની શી દશા થઇ હોત તે કલ્પી ન શકાય.”
“નાની, મને એક વાત કહો તો! હું તમારી વહાલી પૌત્રી છું, તો પણ તમે આટલાં વર્ષ સુધી મને તે વિશે કેમ ન કહ્યું?”
“સ્વીટહાર્ટ, દાદાજીએ કઠણ શરતો મૂકીને મને લાચાર કરી હતી. આપણા પરિવારની આટલી મહત્વની વાત છેલ્લા સિત્તેર વર્ષથી મારા મનમાં દફનાવી રાખી છે. મને ડર હતો કે તે મારી સાથે મારા કૉફિનમાં જશે.”
“ગ્રૅની, તમે કહ્યું હતું કે દાદાજીએ તપાસ કરાવી ત્યારે જ્યોતિને લઇ તેમના મામા રામ અવધ લાલ ક્યાંક જતા રહ્યા હતા. કોઇને ખબર નહોતી કે ત્યાં ગયા હતા?”
“તમને મેં કહ્યું હતું ને, કે આ સમાચાર દાદાજીનો મિત્ર રામઔતાર લાવ્યો હતો? રામ ઔતાર પર દાદાજીના અહેસાન હતા. તેણે ઠેઠ સુધી તપાસ કરી. પોલીસ દાદાજી-દાદીને પકડી ન શક્યા તેથી તેઓ દાદીના ભાઇની પાછળ પડી ગયા. તેમના નજીકનાં સગા સરકારમાં અધિકારી હતા, તેમણે તેમને સૂચના આપી કે બને એટલા જલદી શહેર છોડી જાય. આ સાંભળી તેમના વૃદ્ધ પિતા રામદયાલને આઘાત લાગ્યો અને તે અવસાન પામ્યા. રામ અવધલાલ ક્યાં જતા રહ્યા, કોઇને ખબર ન પડી.
“રામઔતાર આ ખબર લાવ્યો તો દાદીનું હૃદય વિદીર્ણ થઇ ગયું. બસ, કેટલાક મહિના બાદ...”
બધાં ફરી એક વાર શાંત થઇ ગયા.
શૉન ઉંડા વિચારમાં પડી ગયો.
ભારતમાંથી પરદેશ ગયેલ દરેક ગિરમીટીયો ખરેખર વીરપુરૂષ કે વીર સ્ત્રી હતી. ભારત છોડતાં પહેલાં અકાલ, જમીનદારો અને લેણદેણનો ધંધો કરનાર મહાજનો દ્વારા થતું શોષણ, સામાજીક અવહેલના અને દ્વેષ સહન કર્યા. પરદેશ જતી વખતે જહાજમાં અમાનુષી પરિસ્થિતિનો સામનો કર્યો અને ગયાના જેવા દેશમાં આવીને બેવડો વર્ણદ્વેષ સહન કર્યો: પહેલાં તેમના શ્વેત માલિકો અને તેમના ઓવરસીયર તરફથી અને તે ઉપરાંત આઝાદ કરાયેલ આફ્રીકન ગુલામો તરફથી. ગયાનાનો ઇતિહાસ તો આવા પ્રસંગોથી પૂરો છવાયો છે: ભારતીય કામદારોની બેકાબુ આફ્રીકન ટોળાંઓ દ્વારા કતલ, સ્ત્રીઓનાં અપહરણ, તેમનાં મકાનોને આગ લગાડવી - આ બધા સામે ટકી રહ્યા. બહુ ઓછા લોકોને ખબર છે કે કેટલાક ભારતીયોએ તેમનો સશસ્ત્ર સામનો કર્યો હતો અને તેમને મારી હઠાવ્યા હતા. એવું પણ કહેવાયું હતું કે તેમના નેતાઓ ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય જંગમાંથી ગયાના છટકી આવેલા સેનાનીઓ હતા.
આ એ જ અનામી વીર સ્ત્રી-પુરૂષ હતા જેમણે સદીઓથી પરદેશી આક્રમણકાર તથા સામ્રાજ્યવાદીઓનો ત્રાસ જીરવ્યો. જરૂર પડી ત્યારે આ જ શોષીત વર્ગ - જેને શરદબાબુએ ‘સર્વહારા’ કહ્યા હતા, તેમણે પોતાનું બધું હારીને સુદ્ધાં ગાંધીજી, જયપ્રકાશ, માંડેલા અને માર્ટિન લ્યુથર કિંગની સાથે રહીને લડ્યા, જીત્યા અને વિજય પ્રાપ્ત કર્યા બાદ ફરી અનામી સર્વહારા થઇ ગયા. સ્ત્રીઓ સાન્ડ્રા ડેબીની જેમ જીવી, લડી અને પુત્રવિરહમાં મરી ગઇ. તેમના જેવી એવી કેટલી બહેનો હતી, જેમણે અનેક માનસીક યાતનાઓ ભોગવી અને સમયના વહેણમાં ઓગળી ગઇ, જેમના વિશે કોઇ જાણતું નથી?
તેનું મન ફરીથી કમલાદાદીએ કહેલી વાત પર ગયું. વિજ્ઞાનના પાયા પર રચાયેલ તેની વિચાર શક્તિએ તેને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.
કમલાદાદીએ કહેલ વાતોના ઐતિહાસીક કે દસ્તાવેજી પુરાવા ન હોય તો તેને કેવળ દંતકથા કહી શકાય. કોઇ વાર સત્ય ઘટના પુરાવાના અભાવે દંતકથા બની જાય છે અને લોકો તેને myth કહી ઉડાવી દેતા હોય છે. તેમણે કહેલ વાતોનો પુરાવો મળે તો તેની શોધ આગળ વધી શકે. દાદી પાસે કોઇ મટેરીયલ પુરાવા કે દસ્તાવેજ હશે?
“શું વિચાર કરે છે, શૉન?” કમલાદાદી જાણે તેના વિચાર વાંચી ગયા હતા. તેણે પોતાની શંકા જાહેર કરી.
“કદાચ તને આ પત્રમાં તેનો જવાબ મળે,” કહી લિફાફામાંથી પારદર્શક પ્લાસ્ટીકના કવરમાં મૂકેલ પત્ર આપ્યો. “આ મોટેથી વાંચ. આપણે સહુ સાંભળીશું.”