Follow by Email

Monday, March 14, 2011

પરિક્રમા: પ્રથમ પગલું

બાળક લેવાનો નિર્ણય લીધા બાદ તેમણે તે દિશામાં કામ વિના વિલંબે શરૂ કર્યું. તેમના મિત્રસમૂહમાંથી એક ઇટાલિયન-અમેરિકન યુગલ ચીનથી બાળક દત્તક લઇને આવ્યું હતું. સુઝનના પરિવારની સ્વીડનમાં વસતી એક બહેને શ્રીલંકાનું બાળક ખોળે લીધું હતું. શરૂઆાતમાં શૉને અૉરેન્જવૂડમાંથી જ બાળક લેવાનો વિચાર કર્યો.
“શૉન, મારો વિચાર જુદો છે. તારો પરિવાર મૂળ ભારતથી આવેલ છે. તેમના ભારતના પરિવારમાંથી કોઇ બાળક લઇએ તો કેવું?”
શૉન વિચારમાં પડી ગયો.
ક્વીન્સની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વેળાએ ત્યાંના બાળકોનો પ્રિય પ્રોજેક્ટ હતો Family Tree, પોતપોતાના પરિવારની વંશાવળી બનાવવાનો. શૉને તેમાં ઉંડો રસ લીધો હતો અને તે માટે રજાઓ દરમિયાન પોર્ટ અૉફ સ્પેન પણ જઇ આવ્યો હતો. તેના દાદા શિવનારાયણ તથા તેમની સૌથી મોટી બહેન કમલાઆન્ટીએ તેને ઘણી મદદ કરી હતી.
“અમારા પરિવારના સંસ્થાપક રામ પરસૉદ નામના Indentured laborer ગિરમીટીયા હતા. તેમનાં પત્નિ ખ્રિસ્તી, કદાચ અૅંગ્લોઇન્ડીયન હતા એવું લોકો કહેતા. તેમનું નામ સાન્ડ્રા હતું. પરિવારમાં કમલાદાદી સિવાય કોઇની પાસે વિગતવાર માહિતી નહોતી. કમલાદાદી ઘણા રોમાન્ટીક હતા. તે તેમના વડદાદાની વાત રંગ ચઢાવીને કહેતા: તે જમાનામાં હિંદુ અને ખ્રિસ્તી વચ્ચે લગ્ન અસંભવિત હતા. રામ પરસૉદ અને સાન્ડ્રા પ્રેમમાં પડ્યા અને પટનાથી બોટમાં કલકત્તા નાસી ગયા. ત્યાં જઇને લગ્ન કર્યા. તેમના પરિવારજનોએ તેમનો બહિષ્કાર કર્યો, તેથી તેઓ ગયાના જતા રહ્યા.
“મારા સ્કૂલ પ્રોજેક્ટ માટે આટલું પૂરતું હતું. મેં બનાવેલ ‘ફૅમિલી ટ્રી’ની ફોટોકૉપી કરીને સ્કૅન કરી કમ્પ્યુટરમાં ફાઇલ કરી છે,”કહી તેણે પ્રિન્ટઆઉટ કાઢ્યો. “આમાં બતાવેલી કેટલીક તારીખ અનુમાનથી કાઢી છે.”

રામ પરસૉદ (૧૮૩૪-૧૯૨૪)

પુત્ર: નારાયણ પરસૉદ (૧૮૫૪-૧૯૩૬) -

નારાયણ પરસૉદને એક પુત્ર બલદેવ પરસૉદ (૧૮૭૮-૧૯૪૪), અને પુત્રી સાન્ડ્રા (૧૮૮૦-૮૨)

બલદેવ પરસૉદને પુત્રી: કમલા (૧૯૦૩) અને પુત્ર: રામનારાયણ પરસૉદ(૧૯૦૭)

કમલાની સંતતિ: દિકરી ડેબી (બર્મીંગહમ), પુત્ર રિચર્ડ (ટોરોન્ટો) પુત્ર ઇન્દર પૉલ
ડેબીની દિકરી શીલા (પોર્ટ અૉફ સ્પેન)

રામનારાયણની સંતતિ: સબિતા, ક્રિષ્ણ પરસૉદ, મહેશ પરસૉદ.

કિષ્ણ પરસૉદની સંતતિ: માયા (૧૯૬૩); શૉન (૧૯૬૫)

“આટલી માહિતી પરથી મને નથી લાગતું આપણે ભારતમાં કોઇને શોધી શકીશું.” શૉને કહ્યું.
“મારૂં માનવું છે કે કમલાઆન્ટી ઘણું જાણતા હશે. તેમની જન્મતારીખ અને મિ. રામ પરસૉદની તારીખો જોતાં એવું સ્પષ્ટ જણાય છે કે કમલાઆન્ટીએ તેમની સાથે ઘણો સમય ગાળ્યો હશે. આપણે પોર્ટ અૉફ સ્પેન જઇને તેમને મળીએ તો કેવું? તેમની પાસેથી એકાદ કડી મળે તો પણ આપણે મૂળ સુધી પહોંચી જઇશું. “
“It’s a wild goose chase, Sue. આપણે કોઇ એજન્સીને કામ સોંપીએ.”
“શૉન, આપણે પ્રયત્ન કરી જોવામાં શું જાય છે? એજન્સી તો સહેલામાં સહેલો રસ્તો કાઢી જે પહેલું બાળક તેમના લિસ્ટમાં હશે તે આપશે. મારી અંતરની ઇચ્છા છે કે ભગવાન બુદ્ધનાં પાવન પગલાં પડ્યા છે તે ભુમિના દર્શન કરવા. તારા વંશના સ્થાપક પટનાથી કલકત્તા ગયા હતા. શક્ય છે તે પટનાના જ હતા. જો આપણો પ્રયત્ન સફળ થાય અને આપણે આપણા પરિવારના બાળકને ખોળે લઇ શકીએ તો ઉત્તમ. ન થાય તો તને તારા પૂર્વજોનો દેશ જોવા મળશે, અને મારી મહાબોધિ, સાંચી, રાજગીર અને નાલંદા જવાની ઇચ્છા પૂરી થશે.”
શૉને હવે મનસુબો બનાવી લીધો. તેણે માતા પિતા સાથે વાત કરી. તેઓ લાંબા સમયથી વતન નહોતા ગયા તેથી તેઓ પણ તેમની સાથે જવા તૈયાર થયા.
શૉન તથા સૂએ લાંબી સૅબેટીકલ લીધી. પરસૉદ પરિવાર પોર્ટ અૉફ સ્પેન જવા નીકળ્યો.
*********
“આવ મારા વડદાદાના ‘લૂક-અલાઇક’!” કમલા શૉનને જોઇ ખુશ થઇ ગયા. “તું કેમ છે, સૂ? ઘણા વખતે આવી! તને જોઇને ખુબ રાજી થઉં છું. આવ દિકરી.”
૯૦ વર્ષની વયનાં કમલા આન્ટી તેમની પૌત્રી શીલા સાથે રહેતાં હતાં. તેમનો એક પુત્ર કૅનેડા અને એક દિકરો અને દિકરી બ્રિટનમાં રહેતા હતા. કમલાદાદી લંડનમાં થોડો સમય રહ્યા, પણ ત્યાંની ટાઢ અકારી લાગી અને પાછા આવી ગયા હતા. શીલા ટ્રિનીડૅડમાં ટેલીવીઝન પત્રકાર હતી.
જમેકાની પ્રખ્યાત બ્લુ માઉન્ટન કૉફીનો કપ પૂરો થતાં શૉને વાત શરૂ કરી. તેણે હજી તેની ખોજનો મૂળ ઉદ્દેશ ન કહ્યો.
“તું હજી ફૅમિલી ટ્રીની પાછળ પડ્યો છે? પરંપરાની બાબતમાં તમે અમેરીકનો પણ ખરા છો!” ડોશીમા હસતાં હસતાં બોલ્યા. “મેં ક્યાંક વાંચ્યું હતું કે બૉસ્ટનના પ્લેનેટેરીયમમાં ક્રિસ્ટમસની રજા દરમિયાન એક કાર્યક્રમ યોજાયો: જે મધરાતે ઇશુનો જન્મ થયો ત્યારે આકાશ કેવું હતું? એક જણાએ કાર્યક્રમના આયોજકને પૂછ્યું, “ક્યાં, બેટલેહેમમાં?” તો આયોજકે જવાબ આપ્યો, ‘ના, બૉસ્ટનમાં! આવા છો તમે અમેરિકનો!” કહી પોતાના વિનોદ પર પોતે જ હસી પડ્યા.
શૉને તેમને ખૂબ આગ્રહ કર્યો. “ગ્રૅની, અમારા માટે આ અતિ મહત્વની વાત છે. અમને ભારત જઇ આપણા પરિવારના સભ્યોને શોધવા છે, તેમને મળવું છે.”
“અરે દિકરા! આ ઉમરે મને એ બધું ક્યાંથી યાદ હોય? મારા વડદાદા અને દાદી કલકત્તાથી ‘ગૉસ્પોર્ટ’માં ગયાનાના ડેમેરારા બંદરે ઉતર્યા હતા. ત્યાં વર્ષો રહ્યા અને દાદીના અવસાન પછી ટ્રિનિડૅડ આવ્યા. મારી બેડની નજીકના ટેબલ પર આ મૂર્તિ છે, એ તેમની નિશાની છે. બાકી દેશમાં તેમના સગાં વિશે હું તને શું કહી શકું?”
શૉને આ અગાઉ મૂર્તિ જોઇ હતી. આજે પહેલી વાર તેણે ધ્યાનપૂર્વક જોઇ. દોઢ ફૂટ ઉંચી કાળી માટીની કૃષ્ણની મૂર્તિનું મસ્તક સહેજ જમણી તરફ ઝુકેલું હતું અને વાંસળી મૂર્તિના જાડા બેઝ તરફ. અંગભંગિમા એટલી સુંદર, બસ જોયા જ કરીએ. આવી ભારે, વજનદાર મૂર્તિ ભારતથી કાળજીપૂર્વક લાવી આટલી સંભાળપૂર્વક રાખવી કેટલું મુશ્કેલ હશે, તેનો વિચાર તેને આવ્યો.
“How beautiful!” સુઝન બોલી ઉઠી.
“હા, તો ગ્રૅની, જે યાદ છે એ તો કહો?”
“શૉન, સૂ, બહુ લાંબી વાત છે. એક દિવસમાં પૂરી નહિ થાય. તમે કેટલા દિવસ રોકાવાના છો?
“તમારી વાત પૂરી થાય ત્યાં સુધી!”
“મારા વડદાદાનું નામ રામ પરસૉદ હતું......” કહી કમલાદાદીએ વાત શરૂ કરી.