Follow by Email

Tuesday, March 1, 2011

પરિક્રમા: રૂપવતીનો નાનો દિકરો

૧૨.
ત્રણ મહિના બાદ થયેલી પરીક્ષાઓમાં કિશોર પ્રથમ આવ્યો. આજ સુધી પ્રથમ સ્થાન માટે પ્રેમ મસીહ અને અબ્દુલ રઉફ વચ્ચે સ્પર્ધા રહેતી. તેમને બન્નેને નવાઇ લાગી. બાકીનો વર્ગ અવાક્ થયો. જેને તેઓ બધા ગામડીયો ગમાર ધારતા હતા તે સૌથી હોંશિયાર હતો તેની કોઇને કલ્પના નહોતી. પ્રેમ અને રઉફને ઇર્ષ્યાને બદલે કુતૂહલ થયું. તેમણે કિશોરની શાંતિ અને વિનમ્રતા જોઇ હતી અને હવે તેની બુદ્ધિમતાનો ખ્યાલ આવતાં તેના પ્રત્યે તેમનું માન એકદમ વધી ગયું.
પ્રેમ મસીહ ચર્ચના પાદરી પૅટ્રીકનો પુત્ર હતો. અબ્દુલ રઉફના વાલીદ યુનાની હકીમ હતા અને પટનાના ગરીબ વિસ્તારમાં તેમની દુકાન હતી.
કૉલોનીમાં આવ્યા બાદ પહેલી વાર કિશોરને મિત્રો મળ્યા. તે પહેલાં તેનો લગભગ બધો સમય તેની બહેનો સાથે જતો. રાકેશ તેના મિત્રો સાથે વધુ સમય બહાર જ રહેતો.
રોજ સાંજે ઘેર આવીને કિશોર હોમ વર્ક કરવા બેસી જતો. નીતા તેની પાસે લેસન કરવા અને તેની મદદ લેવા બેસતી. કોઇ વાર બુઆ સરિતાને કોઇ કામે મોકલે તો કિશોર તેની સાથે જતો. સાંજે રૂપ રાંધવા બેસતી અને સરિતા તેને મદદ કરતી ત્યારે કિશોર તેમની પાસે બેસતો અને વાતો કરતો.
એક દિવસ રૂપ બાફેલા બટેટાનું શાક બનાવતી હતી. તેણે બટેટાના એક ટુકડા પર મીઠું મરચું ભભરાવીને કિશોરને આપ્યું. કિશોર થોડો વખત તેને હાતમાં રાખી જોતો રહ્યો અને ફોઇ તરફ મ્લાન સ્મિત કરીને ખાવા લાગ્યો. રૂપ સમજી ગઇ.
“કેમ, કિશોર, માની યાદ આવી?” તેણે વહાલથી પૂછ્યું.
“તમે કેવી રીતે જાણ્યું?”
“હું નાની હતી અને તારી મા પાસે બેસતી ત્યારે તે મને આવી જ રીતે બટેટો આપતી! હું થોડી મોટી થઇ ત્યારે હું તેની ખાસ બહેનપણી થઇ હતી! હું બધું જાણું છું!”
કિશોરનું મુખ ખુશીથી ખીલી ઉઠ્યું. તે બોલ્યો, “કોઇ કોઇ વાર તે ઘેર માખણ વલોવતી ત્યારે તે કડક ભાખરી બનાવી..”
“તેના પર માખણ લગાવી, બૂરૂં ભભરાવીને મને ખવડાવતી!” - આ વાક્ય રૂપ અને કિશોર એક સાથે બોલી પડયા અને ખડખડાટ હસી પડ્યા. રૂપને રાધા પાસેથી જે મળ્યું હતું તે કિશોરને પણ!
તે સાંજથી કિશોર, રૂપ, સરિતા અને નીતા હંમેશા ભેગા બેસતા અને તેમની ગુફતેગો ચાલતી. કિશોર હવે ઘરમાં પૂરી રીતે ભળી ગયો. રામ અભિલાષ કામેથી પાછો આવે ત્યાં સુધીમાં ભોજન તૈયાર હોય અને રાકેશ રમીને પાછો આવતાં બધા સાથે જમવા બેસતા. કિશોરે શાળામાં કમાવેલી નામના તેના કાન સુધી પહોંચી હતી તેથી તે પણ તેના વિકાસમાં, નીતાને કરેલી મદદથી તેની પણ પ્રગતિ થતી હતી તેની સરાહના કરવા લાગ્યો.
રાકેશને કિશોરનું તેની માતા તથા બહેનો વચ્ચેનું સખ્ય ગમ્યું નહિ. હવે જ્યારે તેના પિતા સુદ્ધાં તેની તારીફ કરવા લાગ્યા, તેની ઇર્ષ્યા વધી ગઇ. વળી કિશોર તેમના ઘરમાં આવ્યો ત્યાં સુધી ઘરમાં તેનું ચક્રવર્તી રાજ્ય હતું. હવે તેને પોતાનું સ્થાન ડોલાયમાન થતું લાગ્યું. તે વારે ઘડીએ કિશોરને કારણ વગર વઢવા લાગ્યો. મા તેને કામ કહે તો તે કિશોરને સોંપી દેતો. કિશોરનો સ્વભાવ એવો હતો કે પોતાનાથી કોઇ મોટું તેને કંઇ પણ કહે, સામો જવાબ કદી પણ આપતો નહિ. રૂપ આ જોતી હતી, પણ તે રાકેશને કશું કહી તેને નારાજ કરવા માગતી નહોતી.
કિશોર હવે ફોઇને પૂછી શાળા છૂટ્યા બાદ પ્રેમને ઘેર અભ્યાસ કરવા જવા લાગ્યો.
રાકેશનો સ્વભાવ એવો હતો કે એક વાર કોઇની પાછળ પડી જાય, તેની આવી બની સમજો. તેણે શાળામાં વાત ફેલાવી કે અનાથ કિશોરને તેના ઘરમાં આશ્રય આપ્યા બાદ ઘરમાંદરેક વાતની અછત આવી હતી. તેના પિતાને રજાના દિવસે પાર્ટ-ટાઇમ નોકરી કરવી પડતી હતી. કિશોરના કાન પર આ વાત આવી. તેના મનની પરિપક્વતા ઘણી હતી. તેણે નકકી કર્યું કે સાંજે કામ કરીને પૈસા કમાય અને ઘરમાં ફોઇને આપે.
તેણે પ્રેમને ઘેર જવાનું બંધ કર્યું અને આરા રોડ પરની ચાની દુકાનમાં કપ રકાબી ધોવાનું કામ શરૂ કર્યું. રૂપને લાગતું તે પ્રેમના ઘેર ગયો છે.
વીસે’ક દિવસ કામ કર્યું અને એક દિવસ પ્રેમ હોમવર્કમાં મદદ લેવા તેના ઘેર ગયો ત્યારે તેની પોલ ખુલી ગઇ.
રૂપને ચિંતા થવા લાગી. તે બહાર ગઇ અને પાડોશીઓને પૂછ્યું કે તેમણે કિશોરને ક્યાંય જોયો છે કે કેમ.
“અરે રુબ્બતી, તારો કિશોર તો ઢાબામાં કપ રકાબી ધોવાનું કામ કરે છે, તને ખબર નથી?”
રાતે કિશોર આવ્યો ત્યારે રૂપ બારણામાં તેની રાહ જોઇને ઉભી હતી.
“દિકરા, તને પૈસાની જરૂર હતી તો મને કેમ ન કહ્યું? તને મેં મારો દિકરો કહ્યો છે તો તને મારામાં કેમ વિશ્વાસ નથી? તને મારા વહાલમાં એવી શી ત્રુટી દેખાઇ કે તારે લોકોનાં એંઠા કપ રકાબી ધોવાનું કામ કરવું પડ્યું?”
કિશોર રડી પડ્યો. “બુઆ, મને થયું કામ કરીને તમને થોડો મદદરૂપ થાઉં. કાલે પૈસા મળવાના છે...”
હવે રોવાનો વારો રૂપનો હતો. તેણે કિશોરને હૈયા સરસો ચાંપ્યો અને ઘરમાં લઇ ગઇ.
“તને મારા સમ છે ફરી હોટલમાં કે બીજે ક્યાંય કામ કરવા ગયો છે તો.”
તે રાતે બધા જમવા બેઠા ત્યારે સૌનો ઉધડો લીધો. કોઇ કિશોરને ઉંચા અવાજે પણ કંઇ કહેશે તો “મુજસે બુરા કોઇ ન હોગા” - આ વાક્ય હિંદી સિનેમામાં અને સિરિયલોમાં અનેક વાર સાંભળ્યું હશે, તે કૉલોનીમાં પણ ગાજી ઉઠ્યું.
રાકેશ ઝંખવાણો પડી ગયો. તેણે હવે કિશોરનો કેડો મૂક્યો.
કિશોરે હવે ફોઇની રજા લઇ પ્રેમના ઘેર અભ્યાસ કરવા માટે જવાનું શરૂ કર્યું.
ડીસેમ્બરમાં ચર્ચનું રંગરોગાન તથા શણગારવાનું કામ શરૂ થઇ ગયું. પ્રેમની સાથે કિશોર પણ તેમને મદદ કરવા લાગ્યો. નાતાલના દિવસે તેમના ઘેર મોટો ઉત્સવ થયો અને તેમણે કિશોરને જમવા બોલાવ્યો. ભોજન પહેલાં સાન્તા કલૉઝે પ્રેમ માટે મૂકેલી ભેટ ખોલી અને તે ખુશ થઇ ગયો. તેણે સાન્તા પાસે ફૂટબૉલ માગ્યો હતો, અને સાચે જ એક ડબામાંથી તેને જોઇતી ભેટ મળી. કિશોરે માગી નહોતી તેમ છતાં સાન્તાએ તેના માટે રબરવાળી બે પેન્સિલો મૂકી હતી. કિશોરને નવાઇ લાગી.
તેણે આ અગાઉ સાન્તા વિશે સાંભળ્યું નહોતું. પ્રેમે તેને તેની વાત કહી. સાન્તાને વિશ્વભરના બાળકો પ્રત્યે એટલું વહાલ છે કે કોઇ બાળક તેની પાસે કોઇ વસ્તુ માગે તો તે જરૂર લાવી આપે છે. મને જ જો ને! મને યાદ છે ત્યારથી મારા માટે આગલી રાતે જ મારી ગિફ્ટ મૂકી જાય છે.”
“હું માગું તો મને પણ આપે?”
“કેમ નહિ?”
“પણ હું ક્યાં ખ્રિસ્તી છું?”
આનો જવાબ પૅટ્રીકે આપ્યો. “સાન્તા કોઇનો ધર્મ નથી જોતા. એ તો બાળકનું મન જુએ છે. સાચા મનથી માગીશ તો તને પણ તારી મનગમતી ચીજ લાવી આપશે. ઠેઠ ઉત્તર ધ્રુવથી તે આવે છે તેથી કોઇ વાર એકાદું પૅકેટ પડી પણ જાય. પણ ગભરાવું નહિ. એ તેની અવેજીમાં બીજી વસ્તુ જરૂર લાવે છે. તું માગી તો જો!”
“હવે તો આવતા વરસ સુધી રાહ જોવી પડશે, ખરૂં ને?”
“અરે, વરસ તો આમ ચપટીમાં નીકળી જશે.”
કિશોરે સાન્તાનું ચિત્ર જોયું. ગોળમટોળ શરીરવાળા લાંબી દાઢીવાળા સાન્તાનો આનંદી ચહેરો જોઇ તે ખુશ થઇ ગયો. તેણે આંખ મિંચી સાન્તાને વિનંતી કરી.
પ્રેમને ત્યાંથી ઘેર જવા નીકળ્યો ત્યારે તે હનુમાનજીની દેરી પાસે રોકાયો. તેને હનુમાન ચાલીસા મોઢે હતો, તેનો પાઠ કરી હનુમાનજીને પ્રાર્થના કરી.
“હે બજરંગબલી, આવતા વર્ષે સાન્તા અહીં આવે તો તેને મારા ઘરનો રસ્તો બતાવજો. આપણે ત્યાં પહેલી વાર આવવાનો છે. તમારી પાસે દિવ્ય શક્તિ છે તેથી સાન્તાને ઓળખી શકશો. એ ભુલો ન પડે તેનું તમે ધ્યાન રાખજો, ભગવાન!”
ઘેર આવીને તેણે રૂપને પૂછ્યું, “બુઆ, આપણે બીજા ધર્મના દેવદૂત પાસે કોઇ ચીજ માગીએ તો આપણા ભગવાન ગુસ્સે તો ન થાય ને?”
“બેટા, મને વધુ જ્ઞાન નથી, પણ તારા બાબુજીએ કહેલી વાત પર મને પૂરો વિશ્વાસ છે. તેઓ કહેતા કે ભગવાન એક જ છે, પણ જ્ઞાનીઓ તેને જુદા જુદા નામે બોલાવે છે.”
“અને દેવદૂત?”
“ભગવાન આપણા માટે માણસને નિમીત્ત બનાવીને મોકલે છે. આપણે તેમને દેવદૂત કહીએ કે ભગવાનનો માણસ. બધું એક છે, એવું તારા બાબુજી કહેતા.”
કિશોરને આથી વધુ શું જોઇએ?