Follow by Email

Friday, March 18, 2011

પરિક્રમા: જગતસિંહનો વારસો

“જગતપ્રતાપસિંહની અંતિમ ઇચ્છા અને એકરારનામું.”
સુઝન શરૂ કરે તે પહેલાં શૉને કમલાદાદીને પૂછ્યું, “ગ્રૅન, આ દાદાજીનું વિલ છે. આને તો પૂરા પરિવારની હાજરીમાં વાંચવું જોઇએ.”
“અત્યારે નહિ. તેનું એક કારણ છે. આજે તમે વાંચો. પરિવારમાંથી અહીં, પોર્ટ અૉફ સ્પેનમાં જે હાજર છે તેમને કાલે ભેગા કરી હું ફરી વાંચીશ અને તેમને સમજાવીશ. સૂ, તું વાંચવાનું શરૂ કર.”
સુઝને વાંચવાનું શરૂ કર્યું.
“મારૂં નામ જગતપ્રતાપસિંહ, વલ્દ ઠાકુર ઉદયપ્રતાપસિંહ છે. મારા વાલિદ બિહાર પ્રાંતના શહાબાદ જીલ્લાના રઘુરાજપુરના તાલુકદાર છે. આ એકરારનામા દ્વારા હું જાહેર કરૂં છું કે મારા પરમ પૂજ્ય પિતાએ મને મારા જીવનની સૌથી મૂલ્યવાન ભેટ, શરનરાની આપી છે. જીવનમાં આથી વધુ કાંઇ મેળવવાની મારી કોઇ ખ્વાહિશ ન રહેવાથી હું મારા પિતાની સ્થાયી અને જંગમ મિલ્કત પરના મારા સઘળા અધિકારનો હું ત્યાગ કરૂં છું. હવેથી મારા કોઇ વારસ કે વંશજને રઘુરાજપુર રાજ્યની સંપત્તિ પર કોઇ અધિકાર નહિ રહે.
“હું ૧૮૫૨માં પાંચમા રિસાલા - ફિફ્થ ઇરેગ્યુલર કૅવલ્રીમાં સવાર તરીકે જોડાયો. મારા સદ્ભાગ્યે મને પ્રેમાળ માતા પિતા મળ્યા. તેમણે મને સંસ્કાર, શિક્ષણ અને જીવનનાં મૂલ્યો શીખવ્યા. તેમનાં બાદ મને મારા પિતાસમાન ગુરૂ રિસાલદાર બ્રિજનારાણ પાંડેનું માર્ગદર્શન મળ્યું. એક ઉત્તમ સૈનિકે જે જાણવું જોઇએ, કરવું જોઇએ અને ફરજ નિભાવવામાં ભક્તિ, કર્મ અને જ્ઞાનનો સંયુક્ત ઉપયોગ, જેને તેઓ યોગ કહેતા, તે કેવી રીતે કરી છુટવું તે શીખવ્યું. હું તેમના માર્ગદર્શનનો ઉપયોગ કરતો રહ્યો, પણ ઉત્તમ સૈનિક બની શક્યો કે નહિ તે તેમની પાસેથી સાંભળું તે પહેલાં તેઓ મને છોડી ગયા.
“હું જેટલો શુક્રગુઝાર પાંડેસાહેબનો છું એટલો જ તેમના નાનાભાઇ કૃષ્ણનારાયણ પાંડેનો છું. કંપની સરકારે રિસાલો બરખાસ્ત કર્યા બાદ અમારા કપરા સમયમાં બે વર્ષ સુધી તેમણે અમને સૌને સંભાળ્યા. ખેતીવાડી અને શેરડીની ખેતી બાબતમાં મુંઘેરના તેમના ફાર્મમાં તેમણે મને જે શીખવ્યું તે મને ગયાનામાં ઘણું કામ આવ્યું. અને હું બાબુ કુંવરસિંહને કેવી રીતે ભુલી શકું? તેમના જેવા મહાન યોદ્ધાના દર્શનથી મનુષ્યનો ઉદ્ધાર થાય. તેમની સહૃદયતા, ઉદારતા અને અણીના સમયે મારા જેવા સાદા સિપાહીને આરા શહેરનો ઘેરો યોજી મારા કામમાં સહાયતા કરી, તેનો ઉપકાર સદા યાદ રહેશે.
“એક વાત ખાસ નમૂદ કરવા ચાહીશ. પાંચમા રિસલાના કમાંડીંગ અૉફિસર તથા અૅજુટન્ટની હત્યા માટે ન રિસાલદાર પાંડે જવાબદાર હતા, ન હું. તેમના પર ગોળી ચલાવનારા સવાર નંબર વન ટ્રુપના બે સ્વાર હતા. બન્ને સગા ભાઇ હતા અને તેમના પિતા, જે દાનાપુરની ૮મી કાળી પલ્ટનમાં હવાલદાર હતા, તેમની ૧૦મી ધોળી પલ્ટનના સિપાહીઓએ કતલ કરી હતી. અમારા સીઓ સાહેબે તેમના પિતા તથા તેમની સાથેના સિપાહીઓને નિમકહરામ અને ગદ્દાર જેવી ગાળો આપી ન હોત તો તેમણે આ પગલું ન લીધું હોત.
“અમારા રિસાલા પર ધોળી પલ્ટને ગોળીઓ ચલાવી જે કહેર કર્યો તેનું હું વર્ણન ન કરી શકું. મારી નજર સામે તેમના પર ગોળીઓ વરસતી હતી. ઘાયલ સ્વાર જમીન પર તરફડતા હતા. મરનારાઓને પાણી પણ નસીબ ન થયું. આ જાણે ઓછું હોય, અમારા પર બેયોનેટ-ચાર્જ કરવામાં આવ્યો. રિસાલદાર પાંડે ઘાયલ થઇ જમીન પર પડ્યા હતા. તેમના પર બૅયોનેટથી હુમલો કરવા એક સૈનિક આવતો હતો. મેં યોગ્ય કારવાઇ કરી, પાંડે સાહેબને લઇ નાસી ગયો. તેમનો પ્રાણ બચાવવા મારી પાસે બીજો કોઇ માર્ગ નહોતો. રેજીમેન્ટમાંથી નાસી જવાનો મેં ગુનો કર્યો હતો અને તેની સજા મેં આખી જીંદગી ભોગવી. મને કોઇ પ્રત્યે કોઇ શિકાયત નથી.
“રિસાલદારસાહેબે બાબુ કુંવરસિંહને વચન આપ્યું હતું કે તેઓ તેમના મૃત્યુ બાદ તેમના નાના ભાઇ રાજા અમરસિંહના અંગરક્ષક બની સેવા કરશે. ૨૪મી નવેમ્બર ૧૮૫૮ના રોજ નૌનદીના યુદ્ધમાં સાચા સિપાહીની જેમ વચન નિભાવ્યું. રાજા અમરસિંહ પર ભાલો ભોંકવા આવેલ અંગ્રેજ સૈનિકના ભાલાનો પ્રહાર તેમણે પોતે ઝીલ્યો અને રાજાની સેવામાં પ્રાણ ત્યાગ્યા. તે સમયે હું તેમની સાથે હતો. તેમના મૃત્યુ બાદ તેમનું વચન પૂરૂં કરવા અમરસિંહને તેમની ઇચ્છા મુજબના સુરક્ષિત સ્થળ સુધી પહોંચાડ્યા.
“ઋણસ્વીકાર કરતી વખતે હું મારા ઘોડેસ્વારીના ગુરુ વિજયસિંહકાકા પરિહારનો ખાસ આભાર માનીશ. તેઓ પિતાજીના અસ્તબલના મુખ્ય સંચાલક હતા. હું ચાર વર્ષનો હતો ત્યારથી તેમણે મને કેવળ સવારી નહિ, અશ્વવિદ્યાના બધા અંગ શીખવ્યા. એટલે સુધી કે તેમની સાથે વાત કરવી, તેમના રોગ, દુ:ખદર્દ સમજવા અને દવા દારૂ કરવા સુધીની બધી જ વાતો શીખવી. આનો મને ઠેઠ ગયાનામાં સુદ્ધાં ઉપયોગ થયો.
“પાંડે સાહેબની દિકરી પાર્વતિદેવીએ મને ભાઇ માન્યો. તેમના પતિ પંડિત વિદ્યાપતિ ઝા આગળ જતાં કલકત્તાની સંસ્કૃત કૉલેજમાં પ્રાધ્યાપક થયા. અમારૂં જહાજ કલકત્તાથી ઉપડવાનું હતું તેના આગલા દિવસે હું સામાન લેવાના બહાને શહેરમાં ગયો અને તેમને મળ્યો. તે સમયે તેમણે મને એક તામ્રપત્ર આપ્યું. આ રિસાલદારસાહેબના ભાઇ કૃષ્ણનારાયણે તૈયાર કરાવ્યું હતું અને પંડિતજીને આપ્યું હતું. મેં તેમને ખબર કરી હતી કે હું ગિરમીટ લઇ પરદેશ જવાનો છું. તેઓ જાણતા હતા કે એક ખાનદાની પરંપરા જાળવવા જતાં પહેલાં હું તેમને જરૂર મળીશ. આ તામ્રપત્રમાં વચન છે કે ક્યારે પણ મને કે મારા વંશજોને કોઇ પણ પ્રકારની મદદ જોઇએ તો પાંડે પરિવાર અને તેમના વંશજો કોઇ પણ સવાલ પૂછ્યા વિના તેમના સંપૂર્ણ આર્થિક અને ભાવનાત્મક સામર્થ્ય સાથે મદદ કરશે. તામ્રપત્રની એક નકલ પાંડે પરિવાર પાસે છે. ન કરે નારાયણ અને આવી જરૂરત આવી પડે તો પાંડે પરિવારના મુરબ્બી પાસે જઇ આ તામ્રપત્ર બતાવવું. તેઓ એક ગુપ્ત સંકેત શબ્દ પૂછશે. તેના સિવાય આ તામ્રપત્રનું વચન પાળવામાં નહિ આવે. અમારા પરિવારો વચ્ચેના દિવ્ય સંબંધોની રક્ષા માટે, અને તેનો કોઇ દુરુપયોગ ન કરે તે માટે આ યોજવામાં આવ્યું છે.
“પાંડે પરિવારે આ પત્રમાં નમૂદ નથી કર્યું, પણ હું આદેશ આપું છું કે જે રીતે તેમણે વચન આપ્યું છે, તેવું વચન હું આપું છૂં, જે તમારે પાળવાનું રહેશે. પાંડે પરિવારને આપણી મદદની આવશ્યકતા પડે તો આપણે તે જ રીતે તેમને સહાયતા કરવાની છે. મારો બીજો આદેશ છે કે મારા પરિવારમાંથી કોઇ પણ તેમની પાસેથી આર્થિક સહાયતા ન માગે. મારા તેમના સાથેના સંબંધની પવિત્રતા જળવાય તેવી મારી અપેક્ષા છે.
“કમલા કે તેના વારસ તમને સંાકેતીક શબ્દ કહેશે. વળી આ પત્રમાં મેં જે જે વિગતો લખી છે, તે તમારી શોધમાં ઉપયોગી નિવડશે.
“જ્યોતિ પ્રકાશ શરનરાનીનો વહાલો પુત્ર હતો. એવું નથી કે મોટા પર તેનો સ્નેહ જરા પણ કમ હતો. જ્યોતિનો કોઠો શરૂથી નાજુક હતો તેથી તેની ચિંતા તેને હંમેશા રહી. તમે તેને કે તેના વારસને શોધવાનું અભિયાન શરૂ કર્યું છે તે જાણી મારો આત્મા ઘણી શાતા અનુભવશે. મારા આશિર્વાદ છે તમે આ કાર્યમાં સફળ થશો.
“મારૂં કાર્ય તમે ઉપાડી લીધું છે તેની ખુશીમાં હું તમારા માટે નાનકડી ભેટ મૂકતો જઉં છું. કમલાને મેં એક કાળી માટીની મૂર્તિ સોંપી છે. કૃષ્ણ ભગવાન અમારા કુળદેવ છે, તેમની આ મૂર્તિ છે. ભગવાનના હાથમાં બંસી છે. બંસીનો છેડો પેડેસ્ટલની જે દિશામાં નિર્દેશ કરે છે, ત્યાં તમને કાપો જણાશે. મૂર્તિને મજબૂત પકડી, આ કાપમાં છરી ભેરવી જમણી તરફ હળવે હળવે ખસેડશો. પેડેસ્ટલનો અર્ધો ભાગ બહાર નીકળશે. તેમાં મને બાબુ કુંવરસિંહે આપેલ ખંજર છે. મૂર્તિના પોલાણમાં મારી માતાનો હાર છે, જે તેણે શરનને આપ્યો હતો. મરતાં પહેલા શરને મને કહ્યું હતું કે અમારા પુત્રોમાંથી જે જ્યોતિને કે તેનાં સંતાનોને શોધશે, તેની પત્નિને આ હાર તેની કૃતજ્ઞતા દર્શાવવા ભેટ આપવો. મારી માતા જ્યોતિદેવીએ જે સુવર્ણના સિક્કા નારાયણ તથા જ્યોતિને આપ્યા હતા, તે મૂર્તિમાં રાખ્યા છે. આ અમારા પૂર્વજને શહેનશાહ શાહજહાંએ આપ્યા હતા. તેમાંનો એક જ્યોતિના વારસ માટે અને એક મારી વહાલી પૌત્રી કમલા માટે છે. રિસાલદાર સાહેબે મને જે સુવર્ણના સિક્કા આપ્યા હતા તે પણ મૂર્તિમાં છે, જે મારા બધા વારસોને સરખી રીતે વહેંચશો.
“અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે મેં મારા જીવન દરમિયાન કોઇ એવું કામ નથી કર્યું જેનાથી મારા પૂર્વજોને કે વારસોને શરમાવું પડે. મારા સંતાનોએ આ દેશમાં માન અને ઇમાનથી જીવન જીવ્યું છે અને પ્રામાણીકનો માર્ગ કદી છોડ્યો નથી. મને તેનો સંતોષ છે અને આનંદથી જગત છોડી શકીશ.
“પરમાત્મા તમને યશસ્વી કરે.”
સુઝને પત્ર પૂરો કર્યો અને નમ આંખે કમલાદાદી સામે જોયું.
તેમણે સાંકેતીક શબ્દ ઉચ્ચાર્યો. સૌને બે-ત્રણ વાર બોલવાનું કહ્યુ, જેથી તેઓ ભુલે નહિ.
તેમણે વસ્તુઓ જોઇ. આ એ જ હાર હતો જે જ્યોતિદેવીએ તેમની છબીમાં પહેર્યો હતો.
“આ તારો છે, સુઝન,” કહી કમલાદાદીએ તેને હાર પહેરાવ્યો.