Thursday, August 18, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: છેલ્લી પરીક્ષા!

કોર્સના અંતમાં વિદ્યાર્થીએ ક્યા વિષય પર પ્રબંધ લખવો તેની ચર્ચા ડાયરેક્ટર સાથે થઇ. જીપ્સીને વિષય મળ્યો ‘Community based Social Security in India.”
આ વિષયની ચર્ચામાં પહેલાં બ્રિટનમાં સોશિયલ સિક્યુરિટીના ઉગમ, વિકાસ તથા હાલની સ્થિતિનું વર્ણન જરૂરી હતું. કઇ પદ્ધતિ સારી કે ખરાબ તેનો વિચાર કરવામાં તેની સરખામણી કરવા કોઇ મોજુદ હોય તેવી ‘બેન્ચમાર્ક’ પદ્ધતિને જાણવી અને ઓળખવી આવશ્યક છે.
બ્રિટનમાં અનૌપચારીક ‘વેલ્ફેર પદ્ધતિ’ જુના જમાનામાં ચર્ચ દ્વારા ચલાવવામાં આવતી હતી. ચર્ચના પાદરી ગરીબોને પૈસાની તથા અન્નવસ્ત્રાદિની મદદ આપતા. આ દેવળો પાસે મોટી જમીનો હતી. તેમાંથી આવતી આવકમાંથી ગરીબોને મદદ અપાતી. આઠમા હેન્રીએ કૅથલીક ચર્ચ સાથે છેડો ફાડ્યો અને પોતાનું ચર્ચ અૉફ ઇંગ્લંડ સ્થાપ્યું. કૅથલીક ચર્ચની જમીનો ખાલસા કરી અને પરિણામે અનેક લોકો કામધંધા વગરના થયા. રોજી રોટી માટે ભટકતા લોકોને vagrants તથા beggarsના નામથી નવાજી તેમની વિરૂદ્ધ કાયદાઓ ઘડવામાં આવ્યા. ભિખારીઓનાં ટોળાં કોઇ ગામમાં ભીખ માગવા જતા ત્યારે કૂતરાં ભસવા લાગતા, અને તેના પરથી જોડકણું સર્જાયું: Hark, hark, the dogs do bark/Beggars are coming to the town. ભટકતા લોકો (vagrants)ના પગ ગામના ચોકમાં મૂકેલી (જુઓ લિંક) હેડમાં બાંધી, ત્રણ દિવસ રોટી અને પાણીનો ખોરાક આપી તડીપાર કરવામાં આવતા.ખોરાકનો ખર્ચ સરકાર તરફથી અપાતો. (જીપ્સીએ આવી હેડ ભાવનગર જીલ્લાના વાવેરા ગામના ચોરામાં જોઇ હતી. એક કેદીને ત્યાં ‘પૂરવામાં’ આવ્યો હતો. હેડ એટલે લાકડાનાં બે મોટા બીમ હોય. તેમાંનો એક બીમ ચોરાની જમીનમાં ખીલા મારીને જકડી લેવામાં આવે. તેમાં પગની ઘૂંટી સમાઇ શકે તેવા ગોળ છેદ કરવામાં અાવે. કેદીના બન્ને પગ બીમનાં છેદમાં રાખી, તેના પર બીજો બીમ મૂકી, બીમના બેઉ છેડે ખંભાતી તાળાં મારવામાં આવે.)

પંદર અને સોળમી સદીથી બ્રિટનમાં Poor Laws અમલમાં હતા, જેના કેટલાક સારા અને મોટા ભાગે ખરાબ પરિણામ આવ્યા. ‘પુઅર લૉ’માં એક સિદ્ધાંત ઉભરીને બહાર આવ્યો, તે હતો ‘Deserving Poor’નો. આ કાયદામાં ગરીબ લોકોને લાભ આપવાની બાબતમાં બે ભાગ પાડવામાં આવ્યા. લાયક ગરીબ, એટલે સશક્ત ગરીબ વ્યક્તિઓ, જેઓ કામ કરવા માગે છે પણ તેમને કામ મળતું નથી. આની સામે Undeserving Poorમાં એવા માણસો આવી જતા જેઓ સશક્ત હોવા છતાં આળસુ વૃત્તિને કારણે કામ કરવા માગતા નહોતા અને મફતમાં મદદ માગવા માતી રહ્યા હતા. આ નક્કી કરવાની જવાબદારી જસ્ટીસ અૉફ પીસને આપવામાં આવી હતી. મુસીબતની વાત એ હતી કે માનસિક રીતે બિમાર, મંદબુદ્ધિ એવી વિકલાંગ વ્યક્તિઓ જેમની મુશ્કેલીઓ કોઇના મુખ તરફ જોઇ નક્કી ન કરી શકાતી હોય, તેમને પણ undeserving poor ગણવામાં આવ્યા. આવા લોકો એક ગામથી બીજે ગામ રખડી, ભીખ માગી અતિ વિષમ પરિસ્થિતિમાં જઇવન જીવતા. તેમનો પણ સમાવેશ vagrantમાં થયો. સક્ષમ વ્યક્તિઓને કામ કરવા માટે વર્ક હાઉસમાં મોકલવામાં આવતા, જ્યાં તેમને ભોજન, રહેઠાણ અને પોશાક સિવાય બીજી કોઇ સુવિધા કે મહેનતાણું નહોતું અપાતું. આવા વર્ક હાઉસમાં બાળકોને પણ મોકલવામાં આવતા. આપે ચાર્લસ્ ડિકન્સની નવલકથાઓમાં તેનું વર્ણન વાંચ્યું હશે.
બીજા વિશ્વયુદ્ધ બાદ મજુરપક્ષની સરકારે સિડની તથા તેમની પત્નિ બીટ્રીસ વેબ જેવા ઉદાર મતવાદી વિચારકોની અસર નીચે નવી નીતિ ઘડી અને તેને અમલમાં લાવવાની જવાબદારી અર્નેસ્ટ બેવનને સોંપી. નૅશનલ હેલ્થ સર્વિસ, આવાસ તથા ભરણપોષણની જોગવાઇ આ નવા કાયદામાં કરવામાં આવી. બ્રિટનમાં વેલફેર સ્ટેટનો પ્રારંભ થયો.
નવા કાયદાઓ અમલમાં આવ્યા તે અગાઉ જુના Poor Lawમાં જેમ જસ્ટીસ અૉફ પીસને જવાબદારી સોંપવામાં આવી હતી કે તેમણે નિર્ણય લેવો કે કોને “લાયક” અરજદાર ગણવા અને કોને નહિ, હવે તેની જવાબદારી ડિપાર્ટમેન્ટ અૉફ સોશિયલ સિક્યોરિટીના કર્મચારીઓને સોંપવામાં આવી.
આ પરિસ્થિતિ હતી બ્રિટનની. પુઅર લૉથી માંડી આધુનિક કાયદાઓ સુધીનો આ પ્રવાસ હતો.
શું ભારતની સ્થિતિ જુદી હતી જેથી દેશમાં રાજ્ય તરફથી Poor Law જેવા કાયદાની જરૂર ન પડી? આ શું રાજકર્તાઓ દ્વારા ગરીબોને 'અદૃશ્ય' ગણી તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી કે કેવળ લાપરવાહી હતી?
ભારતનો ઇતિહાસ જોઇએ તો પુરાતન કાળથી - ઠેઠ સપ્તસિંધુના સમયથી વર્ણાશ્રમ પદ્ધતિની સ્થાપના અને અનુસરણ થયું હતું. તેમાં સૌથી અગત્યનો આશ્રમ હતો ગૃહસ્થાશ્રમ. આમાં સંયુક્ત પરિવારના કર્તાનું કર્તવ્ય કેવળ સંયુક્ત પરિવારના સદસ્યો પૂરતું મર્યાદીત ન રહેતાં દૂર તથા નજીકનાં ગરીબ સગાં, વિધવાઓ તથા બાળકોને આવરી લઇ, તેમના માટે કોઇને કોઇ જાતની સહાયતાની જોગવાઇ કરવામાં આવતી. સુખવસ્તુ પરિવાર જ્ઞાતિના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં બોર્ડીંગ બાંધવામાં ફાળો આપતા. ધનાઢ્ય લોકો પોતાની જ્ઞાતિની પેલે પર જઇ ગામમાં સદાવ્રત, ધર્મશાળા, દવાખાનાં બાંધી તે ચાલુ રહે તે માટે નાણાંની જોગવાઇ કરતા. રાજકર્તાઓ સડક બાંધી ઠેર ઠેર પ્રવાસીઓ માટે મુસાફરખાનાં કે ધર્મશાળા બાંધતા. ગરીબ અને અન્નવિહોણાં, દુકાળગ્રસ્ત લોકો માટે સદાવ્રતોમાં રોટીની વ્યવસ્થા હતી. કાયમી રહેવાસની સગવડ થાય ત્યાં સુધી ધર્મશાળામાં મકાનની સગવડ હતી. માંદગીથી પીડાતા લોકો માટે સખાવતી દવાખાનાં હતા.
વર્ણાશ્રમ પદ્ધતિ ભારતમાં ધર્મ અને જાતિ પૂરતી સીમિત ન રહેતાં સર્વધર્મવ્યાપી થઇ. ભારતીય ઇસ્લામ આથી જ વિશ્વના અન્ય દેશોમાં પળાતા ઇસ્લામ કરતાં જુદો છે. ભારતનાં મૂલ્યોએ બધા જ ધર્મોમાં પરિવાર, સમાજ તથા દેશ કલ્યાણ માટેનાં આચરણનાં પરિમાણ બનાવ્યા અને તે જાળવી રાખ્યા. ગુજરાતની વાત કરીએ તો વડોદરા, ભાવનગર, ગોંડલ, જામનગર, જેવા રાજ્યોએ લોક કલ્યાણનાં એવાં કામ કર્યા જેનો લાભ હજી સુધી લોકો લઇ રહ્યા છે. હજારો વર્ષ સુધી હિંદુ-મુસલમાન-ખ્રિસ્તી-પારસી-જૈન વચ્ચે કદી વૈમનસ્ય થયું નહિ. આ એટલા માટે કહેવું પડે છે કે ભારતમાં મોગલોના રાજ્ય દરમિયાન ઔરંગઝેબ જેવા ધર્માંધ શહેનશાહનું રાજ્ય હતું, જેમાં બિનમુસ્લિમો પર જઝીયા જેવા ક્રૂર કર લાદવામાં અાવ્યા હતા, તેમ છતાં સમાજમાં એકબીજાની પાડોશમાં રહેનારા જુદા જુદા ધર્મના લોકો વચ્ચે કદી ભેદ નહોતો, કે નહોતી કોઇ વેરની ભાવના. આ મૂલ્યો જો બદલાતા ગયા હોય તો તે ભારતની સ્વાતંત્ર્યતાની ચળવળ દરમિયાન. દેશ તથા ધાર્મિક સહિષ્ણુતાના હૃદય પર કટારનો ઘા કરનારા તો મૃત્યુ બાદ જ્યાં જવાના હોય ત્યાં ચાલ્યા ગયા. પણ દેશમાં જનપ્રેરીત સેવાભાવનાથી સર્જાયેલી સમાજકલ્યાણની ભાવના નષ્ટ કરતા ગયા. ભારતમાં નથી આવી પશ્ચિમના દેશો જેવી રાજ્ય સંચાલીત સોશિયલ સિક્યોરિટી પદ્ધતિ અને સમાજ દ્વારા ચાલતી સેવાઓ બંધ પડી ગઇ.
જીપ્સીએ તેના પ્રબંધમાં આ વિચારો વ્યક્ત કર્યા હતા અને હાલની સ્થિતિનું વર્ણન અને વિશ્લેષણ કર્યું. તેના સદ્ભાગ્યે નિબંધ સ્વીકારાયો અને તેને તેમાં ઉત્તિર્ણ ગણવામાં આવ્યો!
ભારતમાં પશ્ચિમ જેવી વેલ્ફેર સ્ટેટની બેનીફીટ પદ્ધતિ આવી શકે? કે પછી લોક કલ્યાણની પ્રવૃત્તિ, જેમાં BPL (ગરીબીની રેખા) નીચે જીવી રહેલા લોકોને ગૌરવથી જીવવા માટે નૅશનલ ઇન્સયુરન્સ પદ્ધતિની સાથે સાથે સમાજ તથા અતિશ્રીમંત લોકોની ભાગીદારીમાં કોઇ સર્વવ્યાપી વેલ્ફેર પદ્ધતિ સ્થાપી શકાય?

4 comments:

  1. ભારતની સ્વાતંત્ર્યતાની ચળવળ દરમિયાન. દેશ તથા ધાર્મિક સહિષ્ણુતાના હૃદય પર કટારનો ઘા કરનારા તો મૃત્યુ બાદ જ્યાં જવાના હોય ત્યાં ચાલ્યા ગયા. પણ દેશમાં જનપ્રેરીત સેવાભાવનાથી સર્જાયેલી સમાજકલ્યાણની ભાવના નષ્ટ કરતા ગયા. ભારતમાં નથી આવી પશ્ચિમના દેશો જેવી રાજ્ય સંચાલીત સોશિયલ સિક્યોરિટી પદ્ધતિ અને સમાજ દ્વારા ચાલતી સેવાઓ બંધ પડી ગઇ.
    જીપ્સીએ તેના પ્રબંધમાં આ વિચારો વ્યક્ત કર્યા હતા અને હાલની સ્થિતિનું વર્ણન અને વિશ્લેષણ કર્યું. તેના સદ્ભાગ્યે નિબંધ સ્વીકારાયો અને તેને તેમાં ઉત્તિર્ણ ગણવામાં આવ્યો!
    ભારતમાં પશ્ચિમ જેવી વેલ્ફેર સ્ટેટની બેનીફીટ પદ્ધતિ આવી શકે? કે પછી લોક કલ્યાણની પ્રવૃત્તિ, જેમાં BPL (ગરીબીની રેખા) નીચે જીવી રહેલા લોકોને ગૌરવથી જીવવા માટે નૅશનલ ઇન્સયુરન્સ પદ્ધતિની સાથે સાથે સમાજ તથા અતિશ્રીમંત લોકોની ભાગીદારીમાં કોઇ સર્વવ્યાપી વેલ્ફેર પદ્ધતિ સ્થાપી શકાય?
    Narendrabhai Your paper was accepted...Congrats !
    At the end of the Post you had raised some Questions....The Government of India has NOT shown any interest....privately some work is done for the Welfare of the needy !
    I do not know the answers !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar !

    ReplyDelete
  2. મારી દ્રષ્ટીએ સવાલ ઘણો મહત્વનો છે અને નવે સારથી વિચાર માંગી લે છે..
    જવાબ તમે આપેલોજ છે..કે ભારત માં કુટુંબ -વ્યવસ્થા નું વલણ અને જુદા જુદા વાડા વાચી કેવો મેળ હતો..
    ત્યારે સમમાજ માં જીવન નું મહત્વ પૈસા કરતાં વધુ હતું..પૈસા નું ચલણ અને સરકાર ના હસ્ત-ક્ષેપ ઓછા હતા..
    આઝાદી પછી..લગભગ ૧૯૭૦ ના દાયકાની શરૂઆત થી સામાજિક મૂલ્યોમાં મોટો ફેરફાર થયો..
    જીવન કરતાં પૈસા નું મહત્વ અનેક ઘણું વધી ગયું.. સરકાર ની નીતિએ બળતામાં ઘી હોમ્યું અને તેના પરિણામે
    કુટુંબ વ્યવસ્થા સાવજ પડી ભાંગી..નૈતિક ફરજ/ધર્મ જ વલણ ઓ પણ પૈસા ના જોરે સ્વછંદતા ના અન્વયે તૂટી ગયા..
    જેના મૂળમાં સરકારી નીતિઓ ને કારણે પૈસા ના અવમૂલ્ય અને તે થાકી જે બિનસલામતી ઉદ્ભવી.. આ ભોરિંગે સમાજ ના બધા મુલ્યો તોડી પડ્યા..
    'ફૂટ-બોલ' ની રમતમાં જે 'બોલ' નું સ્થાન/મહત્વ છે.. તેથી વિશેષ પૈસા નું મહત્વ ન હોઇશકે..રમતના બધા પાસા એ 'બોલ' કરતાં નેક ઘણા મહત્વના છે..ત સૌ સ્વીકારે છે..
    તેમ કુટુંબ-સંબંધ-સામાજિક મુલ્યોને પૈસા કરતાં અગત્યનું સ્થાન આપી આખી વ્યવસ્થા માં સુધારો કરી શકાય..
    જૂની કુટુંબ-વ્યવસ્થા ના અન્વયે.. આપનો સમાજ અનેક સદીઓ સુધી શાલ્લીનતા ને સમૃદ્ધિ થી જીવતો આવ્યો હતો..તે વ્યવસ્થા પાછી સ્થાપિત કરવાની જરૂર છે..
    પૈસો જ્યાર થી છાપ-કાના માંથી આવતો થયો ત્યારથી ફુગાવો વધ્યો છે..અને તે થાકી ગોઝારી બિન-સલામતી નો સમાજ શિકાર બન્યો છે..

    તેને સુધારવા માટે બે કામ થઇ શકે..૧) જેમ બજાર ની દરેક વસ્તુ ના ભાવ જેમ વધુ પૈસા/રૂપિયા છપાય તેમ દરેક દિવસે વધે છે.. તેમ પ્રજાએ સામુહિક રીતે તે ભાવ વધારા અનુરૂપ
    પોતાની સેવા નો ભાવ પોતે નક્કી કરવાની છુટ વાળા કરાર કરી પછી સેવા આપવી.. ૨) છાપેલા રૂપિયા ઉપર તેની 'એક્ષ્પાયરી ડેટ' છપાય તેવો આગ્રહ કરવો..

    ઉપર મુજબના બંને માંથી જો એકનો અમલ જરૂર શક્ય છે.. અને તેનાથી મોટાભાગ ની સમસ્યાનો ઉકેલ મને સ્પષ્ટ દેખાય છે..
    છેવટે 'યેન-કેન પ્રકારેણ ' જુના મુલ્યોને પાછા સ્થાપિત કરવાથી બધું પૂર્વ-વત થઇ રહેશે..

    જે કામ કુટુંબ કરી શકે છે.. તે કામ સરકાર ને સોંપવા ની ચેષ્ઠા થાય તો હાલ જે બ્રિટન માં રમખાણ થાય છે તેવી પરિસ્થિતિનું પુનરાવર્તન થાય અને તે ભારતમાં તો ભ્રષ્ટાચાર ના અન્વયે સરકાર ભરોસે કશુયે કરવાની યોજના પાર ના જ પડી શકે.. તે નક્કી .
    આપનો લેખ તાલ-સ્પર્શી અભ્યાસ વાળો અને નવી દિશામાં વિચાર કરવા પ્રેરે તેટલો સબળ વર્તાયો..તે માટે અભિનંદન અને આભાર SP

    ReplyDelete
  3. તમારી અભ્યાસુ વૃત્તિને સો સલામ.

    ReplyDelete
  4. જે રીતે જુના પહેરવેશ ફરી પાછા ફેશન બદલાવ મા આવે છે,જુના ચલ-ચિત્રો, સંગીતના સુરો રી-મિક્ષ અને નવી આવૃત્તિ રૂપે ફરી સ્વીકારાય છે - તેજ રીતે આપણે જૂની પરમપરા તરફ પાછા ફરી શકીએ તો
    કેવું સારું ? મને યાદ આવે છે ભાવનગરી ની મારી શાળા - સનાતન ધર્મ સ્કુલ - નામ પ્રમાંણેજ, અમારા વર્ગ ની શરૂઆત થતી - પ્રાર્થનાઓથી,
    દરેક ધર્મની - હિંદુ, જૈન, શીખ, પારસી, એક એક વિદ્યાર્થી તેને સોંપેલી પ્રાર્થના બોલે અને બાકીના વિદ્યાર્થીઓ નત-મસ્તક આંખો વિન્ચીને સાંભળે - સર્વ ધર્મ, સર્વજન સમુદાય પ્રત્યે સદભાવના ના સમાજનું સિંચન અને આપણી સનાતન ધર્મ ના ઉચ્ચ વિચારો અને આદર્શો :-
    બીજાના સુખમાં જ આપણું સુખ પણ છુપાયેલ છે !
    બીજાની પ્રગ્રતી સાથેજ આપણી કાયમી પ્રગ્રતી શક્ય છે !
    બાકી સરકારી સોસીયલ સિક્યોરીટી તો આજ કાલ અમેરિકા જેવા મા પણ ડચકા ખાતી મૃત-પ્રાયઃ થતી દેખાય છે.

    ReplyDelete