Follow by Email

Wednesday, August 10, 2011

જીપ્સીને સેન્ટર સેવન્ટીમાં મળેલું પ્લેસમેન્ટ ગમ્યું. એક તો તેને કમ્યુનીટી ગ્રુપમાં કામ કરવાનો અનુભવ હતો, અને બીજું, તેની ઇચ્છા, ખેવના હંમેશા માનવસેવાની રહી હતી. કાઉન્સીલની એસ્ટેટમાં કામ કરી ત્યાંના જનજીવનમાં જે થોડો ઘણો સેવા કરવાનો મોકો મળે, તેમાં જીવનની સાર્થકતા અનુભવાશે એવું માની તે ત્યાં ગયો.

વેસ્ટ નૉરવૂડ જવા માટે ઉત્તર લંડનમાં આવેલા તેના ઘરથી ત્રણે'ક માઇલ દૂર આવેલા એજવેર સ્ટેશનથી ટ્રેન દ્વારા પહેલાં ટેમ્સ નદીને પેલે પાર બ્રિક્સટન અને ત્યાંથી બસ લઇ સેન્ટર સેવન્ટી. આ એ જ બ્રિક્સટન હતું જ્યાં ૧૯૮૧માં અને બે દિવસ પહેલાં ૭ અૉગસ્ટ ૨૦૧૧ની રાતે ભયંકર તોફાન ફાટી નીકળ્યા હતા. ૧૯૮૮માં એટલે જીપ્સીના પ્લેસમેન્ટ દરમિયાન આ વિસ્તાર શાંત હતો, પણ લૅમ્બથનો આખો બરો ગરીબીની હાલતમાં સપડાયેલો હતો. બ્રિટનમાં આર્થિક રીતે સૌથી પછાત અને rundown ગણાતા વિસ્તારોમાં લંડનના લૅમ્બથ, હેરીંગે, ટાવર હૅમ્લેટ્સ જેવા બરો ગણાય. આ બધા બરોમાં બેકારી, ગરીબી, દારૂ તથા નશીલા પદાર્થોની લે-વેચ, જેને અંગ્રેજીમાં urban decay કહેવાય છે, તેની ભરમાર છે. એક તણખો દાવાનળમાં બદલાઇ શકે. ૧૯૮૧માં જે થયું તે હાલમાં એટલે બે દિવસ પહેલાં થયું. આ બરોમાં પ્લેસમેન્ટ મળ્યું તેથી જીપ્સીને રોમાંચ થયો. તેમાં પણ એવી હાઉસીંગ એસ્ટેટમાં, જ્યાં બેકારી લગભગ ૭૦ ટકા લોકો ભોગવી રહ્યા હતા, જ્યાં સિંગલ પૅરન્ટ્સ (ખાસ કરીને ત્યક્તાઓ) તેમનાં એક કે બે બાળકોને એકલે પંડે ઉછેરી રહ્યા હતા ત્યાં તેમના સંગઠનનું કામ કરી, તેમનો અવાજ કાઉન્સીલ સુધી પહોંચાડવા માટે એકસુત્રતા લાવવાનું કામ હતું.
આ જાણે ઓછું હોય, બ્રિટનના બેનીફીટના કાયદાઓમાં ફેરફાર થઇ રહ્યો હતો. લોકો તેમાં નમૂદ કરેલી બાબતોને નિયત સમયમાં સરકારી ફૉર્મ્સમાં લેખિતમાં ન આપે તો તેમને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે તેમ હતું. આ એસ્ટેટમાં વિકલાંગ તથા અપંગ વૃદ્ધો પણ મોટી સંખ્યામાં રહેતા હતા. ખાસ કરીને વૃદ્ધો બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લઇ ચૂક્યા હતા અને તે માટે તેમનામાં અખૂટ અભિમાન તથા ગૌરવની ભાવના હતી. તેમને તેમના અધિકારનો ઉપયોગ કરવા પ્રવૃત્ત કરવાનું કામ પણ જીપ્સીના કાર્યક્ષેત્રમાં સમાવી લેવામાં આવ્યું હતું.
સેન્ટર સેવન્ટીમાં જીપ્સીની કૉલેજના ત્રણ વિદ્યાર્થીઓ હતા. દરેકને જુદું જુદું કામ સોંપવામાં આવ્યું હતું.
જીપ્સી જ્યારે તેના પ્રૅક્ટીસ ટીચર માર્ક ગમ્સુ પાસે ગયો, તેણે કહ્યું, “તારા માટે આ મૅનેજ ન થઇ શકે તેવી બ્રીફ છે. તારાથી બની શકે એટલું જ કામ કરજે. અત્યારે તાતી જરૂર એક જ છે. ટેનન્ટ્સ એસોસીએશન માટે તેમની પાસે કોઇ જગ્યા નથી. હાલ એસોસીએશનની કો-ઓર્ડીનેટર કેટી અૅડમ્સના કિચનમાં મિટીંગ થતી હોય છે.”
અહીં એક મજાની પરિસ્થિતિ હતી!
વેસ્ટ નૉરવૂડની એસ્ટેટ્સ જ્યાં બંધાઇ હતી ત્યાં અગાઉ ખુલ્લું મેદાન હતું. આ મેદાનમાં જીપ્સીઓ તેમના સિગરામ લાવી રહેતા. ત્યાં થોડો સમય રોકાઇ બીજા સ્થાને જતા રહેતા. છ’એક મહિના બાદ દેશ વિદેશ ફરી તેઓ પાછા આ જગ્યાએ આવતા અને કૅમ્પ બનાવી ત્યાં રહેતા. જે રસ્તાનો તે ઉપયોગ કરતા, તેનું નામ રોમાની રોડ થયું. આપ સૌ જાણતા જ હશો કે જીપ્સીઓને ‘રોમાની‘ પણ કહેવાય છે! અહીં લૅમ્બથ કાઉન્સીલે સ્થાનિક નાગરિકોના ઉપયોગ માટે એક સેન્ટર બાંધ્યું, અને તેને નામ આપ્યું ‘રોમાની રોડ કમ્યુનીટી સેન્ટર’.
જીપ્સી - એટલે આ બ્લૉગના પ્રસ્તુતકર્તાને તેના મિલિટરીના વાસ્તવ્ય દરમિયાન તેના ‘રોમાની’પણાની અનુભૂતિ થઇ હતી. ત્યારથી તેને જીપ્સીઓ વિશે કુતૂહલ હતું. તેણે તેમના ઉગમ અંગે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ વિશેષ માહિતી નહોતી મળી. તે ફક્ત એટલું જાણતો હતો કે આ લોકસમુદાય સમગ્ર યુરોપમાં હડધૂત થયેલો સમાજ હતો. કોઇ દેશ તેમને સ્થાયી થવા દેવા માગતો નહોતો. રશિયાથી માંડી સ્પેન, પોર્ટુગલ અને બ્રિટનમાં તેમને હંમેશા જાકારો મળતો રહ્યો. એ દેશમાંથી બીજા દેશમાં તેમના કબિલા તેમના સિગરામમાં રખડતા. હિટલરે તેમને યહુદીઓથી પણ હલકા સમજ્યા અને લાખો જીપ્સીઓની કતલ કરી હતી. સામ્યવાદી રશિયાએ તેવું જ વલણ અપનાવ્યું હતું.
આખરે આ જીપ્સી, આ રોમાની કોણ હતા?
બ્રિટન આવ્યા બાદ આ નિવેદકે તેનો અભ્યાસ કર્યો અને જે જાણવા મળ્યું તેનાથી તે ચોંકી ગયો.
જીપ્સી સમુદાય મૂળ ભારતવાસી હતો.
એટલું જ નહિ, તેઓ મહારાણા પ્રતાપના સૈનિકો હતા.
અકબરની મોગલ સેનાના આક્રમણ બાદ રાજપુત સૈનિકો ચિતૌડ છોડી વનવગડામાં રખડતા રહ્યા. મહારાણાએ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી મોગલોને હરાવી મેવાડ પાછું ન જીતાય ત્યાં સુધી તેઓ તથા તેમના સૈનિકો કોઇ એક સ્થાને નિરાંતે નહિ રહે. પથારીમાં નહિ સૂએ. તેમનું કામ હથિયાર સજાવવાનું. જે દિવસે મેવાડ જીતાશે, રાણાના સૈનિકો દેશમાં પોતાના મકાનમાં રહેશે અને સ્થાયી થશે. મહારાણાના સૈનિકોની કેટલીક ટોળીઓ વિખુટી પડી ગઇ. રાણાજી સાથેનો સમ્પર્ક છૂટી ગયો અને રખડતાં, ફરતાં તેઓ ખૈબર ઘાટ પાર કરી અફગાનીસ્તાન, ઇરાન થઇ યુરોપમાં ગયા. મહારાણાના આદેશની રાહ જોતા રહ્યા અને બસ, રખડતા રહ્યા. હજીયે તેઓ ભટકે છે.
આજે પણ આ રોમાની લોકો પોતાની માતૃભુમિને શોધે છે. પરમાત્માને ‘દેવ’ કહે છે. અને તેની કૃપા માગતા રહ્યા છે.

*

બ્રિટનના વેસ્ટ નૉરવૂડમાંથી તેઓ જે ગયા, પાછા ન આવ્યા. પણ નામ છોડતા ગયા. અને આજના યુગના આ જીપ્સીને એ જ ક્ષેત્રમાં કામ કરવાનો મોકો મળ્યો.