Monday, August 15, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: હૅમીલ્ટન રોડ ટેનન્ટસ એસોસીએશન (૨).

ઇંગ્લંડમાં જેમ બિનગોરા લોકો પ્રત્યે વર્ણદ્વેષ પ્રવર્તે છે, તેનાથી ઓછી માત્રામાં કેમ ન હોય, આયરીશ લોકો પ્રત્યે વધતી ઓછી માત્રામાં ભેદભાવ જોવામાં આવે. એક દિવસ જીપ્સીના સલાહ કેન્દ્રમાં મિસેસ ડૉરથી એનરાઇટ નામના ત્યક્તા આયરીશ બહેન આવ્યા. તેમની સૌથી નાની દિકરીને જન્મત: ખરજવું હતું. આ રોગ કોઇ કાળે મટે નહિ, અને તે માટે સરકારી બેનિફીટ પર નભતા લોકોને કે તેમનાં બાળકોને આ રોગ હોય તો તેમને ખાસ એલાવન્સ આપવામાં આવતું. આની અંતર્ગત તેમના માટે ખાસ ખોરાક, દિવસમાં બે-ત્રણ વાર બદલવા પડતા કપડાં અને સાબુ માટે આ ભત્થું અપાતું. ડૉરથીને આ બેનીફીટ મળતો નહોતો, કારણ કે સરકારી કચેરીએ તેની પાસેથી અનેક જાતની માહિતી માગી હતી. કેટલાય પ્રયત્ન કરવા છતાં બે વાર તેનો ક્લેમ મંજુર નહોતો થયો. હવે કાયદો બદલાય તે પહેલાં તેનો ક્લેમ મંજુર ન થાય તો તે રકમ તેના બેનીફીટમાં જોડીને વધારાની રકમ ન મળે.
જીપ્સીએ ઝીણવટથી સરકારી કચેરીના પત્રનો અભ્યાસ કર્યો. તેણે ડૌરથીને એક લિસ્ટ બનાવી આપ્યું અને કહ્યું કે સેન્સબરી તથા ટેસ્કો નામના મોટા ગ્રોસરી સ્ટોરમાં જઇ તેની કિંમત કઢાવી આવે. સાથે સાથે તેણે તેના ડૉક્ટરને ફોન કરી તેમની દિકરીના રોગ વિશે વિગતવાર રિપોર્ટ માગ્યો. આની સાથે કન્સલ્ટન્ટનો પણ રિપોર્ટ હતો. આ બધા દસ્તાવેજ ભેગા કરી તેણે સોશિયલ સિક્યોરિટીની સ્થાનિક કચેરી તથા રિજનલ અૉફિસને મોકલ્યા. તેમાં એ પણ લખ્યું કે જો અાનો સંતોષકારક નિવેડો નહિ લાવવામાં આવે તો અમે અમારા MPને પત્ર લખીશું. એક અઠવાડીયામાં જીપ્સીને ફોન આવ્યો કે મિસેસ એનરાઇટનો ક્લેમ મંજુર થયો છે અને અમે કરેલ માગણી અનુસાર તેમણે કરેલા પહેલા ક્લેમની તારીખથી પૈસા આપવામાં આવશે. વધુમાં તેને મળનારી વધારાની રકમને તેના ઇંકમ સપોર્ટમાં ભેળવી દેવામાં આવશે. તેમના ક્લેમની બૅક ડેટથી કૂલ રકમ ૧૬૦૦ પાઉન્ડ થતી હતી, જેનો ચેક તે મહિલાને મોકલી દેવામાં આવશે.
જીપ્સીએ ડૉરથીને ફોન કર્યો. બહેન રસોઇ કરતા હતા. તેમની દિકરી, જે તેમની સાથે સલાહ કેન્દ્રમાં આવી હતી તેણે ફોન ઉપાડ્યો. તેને ક્હયું કે તારી મમીને ફોન પર બોલાવ તો તેણે બુમ પાડીને માને બોલાવી: “મૉમ, પેલા એડવાઇસ સેન્ટરના પૅકીનો ફોન છે!”
આ સાંભળીને જીપ્સી સ્તબ્ધ થઇ ગયો! આ બાળકી સાત કે આઠ વર્ષની હતી. તેને તો ખ્યાલ પણ નહોતો કે ‘પૅકી’ શબ્દ વર્ણદ્વેષી છે. તેના માટે તો બધા એશિયનો માટે વપરાતું આ સામાન્ય નામ હતું.
અમે સેન્ટર સેવન્ટી દ્વારા શાળાના મુખ્ય શિક્ષક સાથે વાત કરી. તેમણે કહ્યું, ‘બાળકો તેમના peer group પાસેથી શાળાના રમતના મેદાનમાં અથવા તેમના ઘરના માહોલમાં આવી નઠારી વાતો શીખે છે! આના માટે શિક્ષકો શું કરે?’ વર્ણદ્વેષ કહો કે જાતિવાદ, બન્ને માનવ સમાજ પરનાં કલંક છે. આને મૂળમાંથી નષ્ટ કરવા હોય તો તે માટે બુનિયાદી શિક્ષણના સ્તર પર જ્ઞાનની ખુરપી વાપરવી જોઇએ. શાળાનાં આચાર્યાએ ‘બાઇ બાઇ ચારણી’ના ખેલ જેવું વલણ લીધું! આવા સમાજમાંથી દુષણો કેવી રીતે નાબુદ કરી શકાય?

*
ભારતમાં અંગ્રેજીના શબ્દોનો ઉપયોગ તથા અર્થ સ્થાનિક હાલત પર અવલંબે છે એવું કહું તો અતિશયોક્તિ નહિ થાય.
વર્ષો અગાઉ અમારા ભાવનગરના ડૉન બિલ્ડીંગ પાસે બે કિશોરીઓ વચ્ચે થતી ગુસ્સાભરી વાતચીત સાંભળી.
“જ્યારે પણ હામે આવે છે, ઢેમ બિલાડીની જેમ બાધે છે!”
“ઢેમ બિલાડી તો તું છો! તારા નખ્ય તો જો! ઉપરથી મને ઢેમ બિલાડી કે’ છે!”
આ અપશબ્દોનો લાંબા સમય સુધી વિચાર કર્યા બાદ મૂળ અંગ્રેજી શબ્દ સમજાયા, જે સભ્ય અંગ્રેજ સમાજમાં વપરાતા નથી.
અમુક કપડાંને આપણે આપેલા નામ એટલા રૂઢ થયા છે કે તેના મૂળ અંગ્રેજી વપરાશને ભુલી ગયા. એક શબ્દ છે ‘ગંજીફરાક’ અથવા સાદા શબ્દોમાં કહીએ તો ‘ગંજી’. મૂળ શબ્દ હતો Guernsey Frock. બીજો શબ્દ છે જર્સી - એક જાતના ગરમ સ્વેટરને જર્સી નામથી ઓળખાય છે. ગર્નઝી અને જર્સી ઇંગ્લીશ ચૅનલમાં આવેલા ટાપુઓ છે, જે ચૅનલ આયલેન્ડ્ઝ તરીકે પ્રખ્યાત છે.

આવો જ એક શબ્દ છે ‘નીકર’. આખા ભારતમાં હાફ પૅન્ટને નીકર કહેવાય છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખાખી ગણવેશની હાફ પૅન્ટને લીધે તેમના સ્વયંસેવકો માટે ‘નીકરધારી’ જેવો અપમાનાસ્પદ શબ્દ વપરાય છે.

એડવાઇસ સેન્ટરમાં આવેલા એક અતિ વૃદ્ધ અંગ્રેજ સજ્જન ફૉર્મ ભરાવવા આવ્યા હતા. પ્રશ્નાવલીમાં ‘ક્લોધીંગ અલાવન્સ’ માટે જે કપડાંઓનાં નામ હતા, તેમાં એક હતું ‘નીકર’. જીપ્સીએ તેમને પૂછ્યું, “તમે નીકર પહેરો છો?” જીપ્સીને લાગ્યું આ હાફ પૅન્ટ ઉનાળાના પોશાકમાં આવી જતું હશે.
કાકાએ તેમના dry English humorમાં હસીને કહ્યું, “દિકરા, આ ઉમરે હવે સ્ત્રીઓની પૅન્ટી પહેરવાનો શોખ કેળવવાની મને જરા પણ ઇચ્છા નથી. તું ‘ના’ લખી દે!”
જેને આપણે હાફ પૅન્ટના અર્થમાં નિકર કહીએ તે અંગ્રેજી ભાષામાં સ્ત્રીઓના અંત:વસ્ત્રનું નામ છે!

આ જ રીતે એસ્ટેટમાં રહેનારા રિટાયર્ડ સૈનિકો અને કામદારો હતા. જીવનના ૪૫થી ૫૦ વર્ષ સુધી કામ કરીને પોતાનું પૂરેપૂરૂં પેન્શન કમાવેલા આ ગૌરવશાળી વૃદ્ધો સરકારી બેનીફીટ પર જરા પણ આધાર રાખવા માગતા નહોતા. આમાંના કેટલાક લોકો એવા હતા કે તેઓ ખાસ પ્રકારના (મૉબિલિટી કે અૅટેન્ડન્સ અૅલાવન્સ જેવા) બેનીફીટ મેળવવા માટે પૂરો હક્ક ધરાવતા હતા તેમ છતાં તેમણે તેની માગણી કરવાની ચોક્ખી ના કહી. તેમને સમજાવવા પડ્યા કે તેમણે આખા જીવન દરમિયાન નૅશનલ ઇન્સ્યુરન્સમાં પૂરા પૈસા ભર્યા હતા તેથી તેઓ આ મેળવવા હકદાર હતા. “તમે કાર ખરીદવા માટેના હફ્તાઓના પૂરા પૈસા આપ્યા હોય અને ડિલીવરી લેવાનો સમય આવે ત્યારે તે લેવાનો ઇન્કાર કરવા જેવું તમે કામ કરો છો,” એવું સમજાવ્યું ત્યારે તેમણે અનિચ્છાએ કેમ ન હોય, ફૉર્મ ભર્યા.

આ સત્ર પૂરૂં થયું, અને સામાજીક પ્રવૃત્તિઓ શરૂ થઇ. વસંતોત્સવ, સામુહીક ભોજન સમારંભ શરૂ થયા. કૉન્ટ્રૅક્ટમાં નહોતા તેમ છતાં બે કામ શરૂ કર્યા, પણ અધવચ્ચે મૂકવા પડ્યા. એક હતું પોલિસ ખાતા તરફથી વધારાનું પેટ્રોલીંગ. આ વિસ્તારમાં ગુનાઇત પ્રવૃત્તિમાં ભાગ લેનારી કેટલીક ગુંડા ટોળીઓ હતી. લોકોના ઘરમાં ઘુસી જઇ છરીની અણીએ લૂંટફાટ કરવા સુધી તેમની હિંમત થઇ હતી. પોલિસ તરફથી ખાસ મદદ મળતી નહોતી તેથી દરેક રહેવાસી પોતાના ફ્લૅટમાં રૉટવાઇલર, જર્મન શીપડૉગ તથા બુલ ટેરીયર જેવા ખતરનાક કૂતરાં રાખવા લાગ્યા. લોકો મોડી સાંજે કે રાતે કૂતરાંને ‘ફેરવવા’ લઇ જતા. રસ્તામાં તેઓ ગંદકી કરે તો તે ઉપાડવાનું કામ કાઉન્સીલના સફાઇ કામદારો પર છોડતા - જો કે આમ કરવું ગેરકાયદેસરનું હતું. આના માટે એક કાઉન્સીલ તરફથી મફત પ્લાસ્ટીકની બૅગ્ઝ પૂરી પાડવાનું, પોલિસ તરફથી ઝડપી ‘રિસ્પૉન્સ’ માટે શું કરવું તે માટે જનતા અને પોલિસ વચ્ચે સહકાર વગેરેની યોજના કરવાનો પ્રોજેક્ટનું પ્લાનીંગ કર્યું. બન્ને કામ માટે તથા સ્થાનિક વિસ્તારમાં બસ સર્વિસ શરૂ કરવા માટે આખા વિસ્તારના રહેવાસીઓમાં સર્વે શરૂ કર્યો. છસો જેટલા રહેવાસીઓએ પ્રશ્નાવલી ભરીને પાછી મોકલી. તેનું વિશ્લેષણ તથા રિપોર્ટ કરવાનું બાકી રહ્યું હતું ત્યાં પ્લેસમેન્ટનો સમય પૂરો થયો. આ કામ કૉન્ટ્રૅક્ટમાં નહોતું, પણ ૯૦% જેટલું પૂરૂં થયું હતું તેથી માર્કે કહ્યું કે બે અઠવાડીયા બાદ પ્લેસમેન્ટ પર આવનારા નવા વિદ્યાર્થીઓ પાસેથી આ કામ પૂરૂં કરવામાં આવશે.
આમ ત્રીજું મહત્વનું પ્લેસમેન્ટ સફળતાપૂર્વક પૂરૂં થયું. ત્રણે પ્લેસમેન્ટમાં સફળતા મળી હોવાથી હવે જીપ્સીને તેના છેલ્લા ડિસર્ટેશનમાં સફળતા મેળવવાની બાકી રહી. ચોથું અને છેલ્લું પ્લેસમેન્ટ ‘અનએસેસ્ડ’ હતું અને વિદ્યાર્થીની મરજીથી કરવાનું હતું. આની વાત ફરી કદી’ક!

4 comments:

  1. ભાષા માં પ્રયોગતા આવા બીજા શબ્દો યાદ આવે છે..
    -- ભમરડો રમતા તેમાં જે હારે તેના ભમરડા પર 'ગુચ્ચા' મારવામાં આવતા તે અંગ્રેજી 'ગોટ-યુ' નો અપભ્રંશ હતો..
    -- મારા મોટા માસી ના મોઢે તે 'ડામીચ' શબ્દ સાંભળેલો .. જે અંગ્રેજી 'ડેમ ઇટ' નો અપભ્રંશ - અપ શબ્દ ના અર્થે પ્રયોગાતો..અને એવાજ અર્થે વપરાતો 'ક્રીશ્તણ' શબ્દ પણ સાંભળેલો..
    કયારેક અચરજ થતું.. પણ હવે અનેક આવા શબ્દો સમજાય છે.. જેમ કે ફાનસ - લેનટર્ન ને 'લાલ ટેન' કહેતા.. વિ...

    ReplyDelete
  2. આ વખતની ડાયરીમાં મને સ્પર્શી ગઈ તે વાત વ્યાખ્યાતા દ્વારા થયેલા અપમાનનો તમે જવાબ માગ્યો તે અને સાથે સાથે માફી ન માગવા દીધી તે !!

    બીજી તે શબ્દોના મૂળમાં જવાની વાત. શબ્દોનાં મૂળ ક્યારેક ખૂબ આનંદ આપે છે. ખૂબ ગમ્યું.

    ત્રીજી વાત તે ડાયરીના સ્વરૂપની. એક જ દીવસે મુકાયેલી અલગ અલગ વાતોમાં થઈ જતી સેળભેળને લીધે આખા લખાણમાંના બધા વિષયોની મજા કંઈક અંશે જતી રહે છે. કાં તો દરેકને અલગ અલગ લખવા રહ્યા અથવા દરેકને અલગ શીર્ષક આપવું જોઈએ. તો એક દિવસની ડાયરીમાં સમાયેલા વિષયોની મજા જળવાઈ રહે.

    ખૂબ ધન્યવાદ સાથે,

    ReplyDelete
  3. ...અંને મજાની વાત તો એ છે કે "જયારે હામે આવે છે" માં જે "હામે" શબ્દ છે તેનું સાચું ઉચ્ચારણ માત્ર સૌરાષ્ટ્રમાં રહેલા અગર તો સૌરાષ્ટ્રથી સારી રીતે પરિચિત લોકોજ કરી અને સમજી શકે. તે "સા" અને "હા" ની વચ્ચેનો ટોન છે. નોન સૌરશ્ત્રીયનો માટે તેની ફોનેટિક રજૂઆતની કોઈએક પદ્ધતિ હોવી જોઈએ

    ReplyDelete
  4. પ્રજ્ઞાબેનના દીકરા પરેશભાઈ યાદ આવી ગયા.
    શબ્દોની વ્યુપ્ત્પત્તિના અભ્યાસુ માણસ.
    મને આ બાબત સહેજ પણ જ્ઞાન નથી; પણ આવી શબ્દશોધ અને રમત બહુ ગમે છે.

    ReplyDelete