Follow by Email

Friday, August 12, 2011


ઇન્ટર્નશિપ હોય કે કામનું સ્થળ, સોશિયલ વર્કર માટે આવશ્યક હોય છે કે જનતાની સુવિધા માટે સરકારે તથા કાઉન્સીલે તેમના વિસ્તારમાં કઇ અને કેવી સેવાઓનું આયોજન કર્યું છે. આ સ્થળોની મુલાકાત લઇ ત્યાંના અધિકારીઓ કે કાર્યકરો સાથે સમ્પર્ક સાધવો અને પોતાનો પરિચય આપવો.
આની અંતર્ગત જીપ્સીએ પહેલાં લૅમ્બથ કાઉન્સીલની સોશિયલ સર્વીસીઝ, અર્બન ડેવેલપમેન્ટ તથા યૂથ સર્વિસીઝ વિભાગની મુલાકાત લીધી. અહીં તેને ૧૯૮૧માં લૅમ્બથના બ્રિક્સ્ટનમાં થયેલા તોફાનો વિશે ઘણી માહિતી મળી.
આપે સમાચારમાં જોયું અને સાંભળ્યું હશે કે તાજેતરમાં એટલે ગયા અઠવાડીયે જ કેવળ બ્રિક્સટન નહિ, લગભગ આખા લંડનમાં તેમજ બર્મિંગહમ જેવા શહેરોમાં ભારે હિંસક તોફાનો થયા અને ભારે પ્રમાણમાં લૂંટફાટ થઇ. તેથી આજની પોસ્ટમાં આનું સંક્ષેપમાં વિવરણ આપવાનો પ્રયત્ન કરીશ. તે માટે બ્રિટનની હાલતની પૃષ્ઠભુમીનું વર્ણન કરવું આવશ્યક છે. કંટાળો ઉપજે તો ક્ષમા કરશો!

બ્રિટન વસાહતવાદી શક્તિ (colonial power) તરીકે ઉભરી તે પહેલાં ત્યાંનો સમાજ ત્રણ વર્ગમાં વહેંચાયો હતો: સત્તાધારી (ruling class), રૈયત (peasants) તથા મધ્યમ વર્ગ. સત્તાધારી વર્ગમાં રાજઘરાણાં, ઉમરાવ તથા મોટા જમીનદારો હતા. રૈયતમાં આવી જતા જમીનની માલિકી વિહોણા ખેડૂત, ખેત મજુર તથા અમીરોનો નોકરવર્ગ. આ બન્નેની વચ્ચે દુકાનદાર, વહીવટી નોકરીયાત, આડતીયા વગેરેથી બનેલો મધ્યમ વર્ગ. રૈયત ગરીબીમાં ઉંડી ઉતરતી ગઇ, ત્યારે રાજાશાહી સરકારે કેટલાક કાયદાઓ ઘડ્યા, જેમકે Poor Law વગેરે. તેનાથી લોકોને મદદ થવાને બદલે જેલ જેવા Work Housesમાં જઇ દિવસના અઢાર કલાક સુધી કામ કરવું પડતું, જેના બદલામાં તેમને ભાગ્યે જ કોઇ મહેનતાણું મળતું. ફ્રાંસમાં આવી જ પરિસ્થિતિ હતી, અને તેથી ત્યંા ક્રાન્તિ થઇ. બ્રિટનમાં સત્તાધારી વર્ગે રૈયતને વૈચારીક અફીણ આપ્યું: વિશ્વના અર્ધાથી વધુ ભાગમાં બ્રિટનનું રાજ ચાલે છે. આ રાજ સ્થાપવા માટે રૈયતે આપેલ યોગદાન જવાબદાર છે. વળી રૈયત ભારત, વેસ્ટ ઇંડીઝ, આફ્રિકાના દેશો કરતાં વધુ બળવાન, શિક્ષીત અને સર્વોપરીતાના ગુણ ધરાવે છે તેથી તેઓ આ યશના હકદાર છે!
આ વિચારથી રૈયતમાં એક સર્વોપરીતા - racial superiorityની ભાવના આવી ગઇ, અને ત્યાંથી શરૂ થયો વર્ણદ્વેષ.
બ્રિટનમાં વર્ણદ્વેષ બે સ્તર પર રૂઢ થયો. એક તો સંસ્થાકીય - Institutional Racism તથા બીજો અંગત, Personal Racism. ૧૯૬૦ના અરસામાં જ્યારે બ્રિટનમાં full employmentની સ્થિતિ થઇ, ત્યારે ફૅક્ટરી, કાપડની મિલો, ધાતુ ગાળવાની foundry, બસ તથા ટર્ેન ચલાવવાના હલકા ગણાતા કામ કરવા અંગ્રેજો તૈયાર નહોતા. તેમને વધુ સારા પગારના અને ઉચ્ચ કક્ષાનાં કામ મળતા હતા. પીટરબરો, વેલીન ગાર્ડન સિટી, મિલ્ટન કીન્સ જેવા નવા શહેરો ઉભા થતાં લંડનના ઇસ્ટ એન્ડમાં રહેતા અંગ્રેજો ત્યાં ચાલ્યા ગયા. તેમણે ખાલી કરેલી નોકરીઓ તથા મકાનો ભરવા માટે સરકારે ભારત, પાકિસ્તાન, વેસ્ટ ઇંડીઝના દેશોમાંથી ભારે સંખ્યામાં લોકોને ભરતી કરવાની શરૂઆત કરી. ‘ફુલ એમ્પ્લૉયમેન્ટ’નો દોર સમાપ્ત થયો અને મંદીની હાલતમાં લોકોને નોકરી પરથી કાઢવાની શરૂઆત થઇ, સૌથી પહેલાં આફ્રિકન કૅરીબીયન તથા ભારતીય ઉપખંડના અશ્વેત લોકો તેનો ભોગ બન્યા. સંસ્થાકીય વર્ણદ્વેષને કારણે સરકારી અને મ્યુનીસિપલ આવાસમાંથી અશ્વેત લોકોને બાકાત રાખવાની શરૂઆત થઇ. બ્રિટનની ઉગ્રવાદી શ્વેત સર્વોપરીતાનો ઝંડો ઊઠાવતી BNP -બ્રિટીશ નેશનિલસ્ટ પાર્ટીએ મોટા વર્ણદ્વેષી પોસ્ટર લગાડ્યા. બેઘર લોકોને સરકારી આવાસ અપાવાનું બંધ થયું. લોકો નાના મોટા ગુના કરવા લાગ્યા અને તેમને ભારે સજા અપાવા લાગી. બ્રિટનની જેલો અશ્વેત લોકોથી ભરાવા લાગી. આ ભેદભાવની અનીતિ એટલી હદ સુધી વધી ગઇ કે લોકોની ધીરજનો અંત આવ્યો. ૧૯૮૧માં બ્રિક્સ્ટનની રેલ્ટન સ્ટ્રીટમા એક બનાવ બની ગયો, જેમાં એક જમેકન યુવાન પર પોલિસે અત્યાચાર કર્યો. લોકો વિફર્યા અને ગલીઓ તથા શેરીઓમાં જનતા વિરૂદ્ધ પોલીસ એવા યુદ્ધ શરૂ થઇ ગયા. સફેદ ગુંડાઓની ટોળીઓ અશ્વેત રહેઠાણો પર હુમલા કરી આગ લગાડવા લાગી. આ તોફાનો એટલી હદ સુધી વકર્યા કે માર્ગરેટ થૅચરની સરકારને આ વર્ણીય સમસ્યાનું નિવારણ કરવા િમસ્ટર જસ્ટીસ લૉર્ડ સ્કાર્મનનું પંચ નીમ્યું .
આને થોડા વર્ષ વિત્યા હશે ત્યાં હૅરીંગે કાઉન્સીલના બેકારી તથા નાના મોટા ગુનાઓને કારણે કુખ્યાત બનેલ ટૉટનહમ વિસ્તારમાં આવેલ બ્રૉડવૉટર ફાર્મ હાઉસીંગ એસ્ટેટમાં પોલીસે કરેલ બિનગોરાઓ સામેના અત્યાચારે અભૂતપૂર્વ તોફાનોનું સ્વરૂપ ધારણ કર્યુ. ફરી એક વાર ગોરા પોલિસ અફસર અને તેમની સામે લડનારા બિનગોરી પ્રજા વચ્ચે હિંસા ભડકી ઉઠી.
દસેક વર્ષની શાંતિમાં અશાંતિ ફેલાવાનું કારણ જગતમાં ફેલાયેલી મંદીનું મોજું બ્રિટનમાં પણ ફરી વળ્યું. વધુ ને વધુ લોકો સરકારી બેનિફીટ પર આધાર રાખતા થયા. કાઉન્સીલોએ પૈસાની અછતને કારણે નાગરિકોને અપાતી સેવાઓ ઓછી કરવાની શરૂઆત કરી. પુસ્તકાલયો, યુવાનો માટેના રમતગમતના તેમજ યુવાકલ્યાણની સેવાઓ બંધ કરવાની શરૂઆત થઇ. પતિપત્નીને જે મળે તે કામ કરવા બહાર જવું પડતાં તેમનાં બાળકોને ઘરમાં સંભાળવા માટે કોઇનો સહારો નહોતો રહ્યો. બ્રિટન હવે મૂખ્યત્વે ન્યુક્લીયર ફૅમિલી પ્રથા બની ગયું છે. તેમાં પણ સિંગલ પૅરન્ટ પરિવાર વધી ગયા હોવાથી માતા કામ પર હોય ત્યારે બાળકોને રેઢા રહેવું પડવા લાગ્યું. બાળકોની સંભાળ માટે કાયદો છે કે નાનાં બાળકોની સંભાળ રાખવા તેમની સાથે ૧૨ વર્ષથી મોટી વ્યક્તિનું ‘સુપરવિઝન’ હોવું જ જોઇએ. અગાઉ તેમના માટે કાઉન્સીલની ગ્રાન્ટથી ચાલતી સ્વયંસેવી સંસ્થાઓ હતી. હવે તે પણ બંધ થઇ ગઇ. બાળકોનાં દાદા-દાદી અને નાના-નાની વૃદ્ધાશ્રમમાં કે તેમનાં પોતાના ગામમાં રહેતા હોવાથી બાળકો પર નિયંત્રણ કે પ્રેરણાદાયી વાતાવરણ રહ્યું નહિ.
આ જાણે ઓછું હોય, લોકોમાં આધુનિક ઉપકરણ તથા મનોરંજનના સાધનો (iPad, iPod, મોંઘા સેલ ફોન, ટીવી સેટ) મેળવવાની સ્પર્ધા લાગી છે. ધનના અભાવે લોકો શોરૂમ તરફ મીટ માંડીને તેની ખેવનામાં પડ્યા રહેતા હતા.
આવી હાલતમાં ટૉટનહામમાં ફરી એક વાર ભડકો થયો. એક અશ્વેત વ્યક્તિની પોલિસે હત્યા કરી. આ વખતે શરૂઆતમાં જે હિંસા ફાટી નીકળી, તે વર્ણીય હતી. લોકોએ પોલિસની ગાડીઓને આગ ચાંપી - જે સરેઆમ ફેલાવા લાગી. લોકોએ જોયું કે પોલિસ પ્રબંધ અપૂરતો છે, લોકોનાં ધાડાં રસ્તા પર ઉતરી આવ્યા અને કરી’ઝ જેવી ઇલેક્ટ્રૉનિક્સ વેચતા મોટા સુપર સ્ટોર્સને લૂંટવા લાગ્યા. આ લૂંટમાં કેવળ ટીન એજર્સ નહોતા. ૪૦-૫૦ વર્ષના સભ્ય ગણાતા ગોરા લોકો પણ આ લૂંટ કરવા લાગ્યા. બ્રિટનના સમાજ માટે આ શરમજનક વાત છે એવું ત્યાંના રાજકર્તાઓ કહેવા લાગ્યા, પણ તેની પાછળના સામાજીક કારણો પાછળ કોઇએ ધ્યાન ન આપ્યું.
જીપ્સીના એક નજીકનાં મિત્ર ગ્રેટર લંડનની કાઉન્સીલના કાનુની સલાહકારનું કામ કરે છે. તેમણે વ્યથાપૂર્ણ સ્વરમાં કહ્યું કે કાઉન્સીલે તેમને બાકી બચેલી લોકસેવાઓ, જેમાં પુસ્તકાલયો તથા વિનામૂલ્યે ચલાવાતા સ્નાનાગાર તથા રમતગમતના કેંદ્રો બંધ કરી તેના કર્મચારીઓને છૂટા કરવા વિશે પગલાં લેવાની સૂચના આપી હતી. આ સેવાઓનો લાભ લેનારા બાળકો તથા કિશોરોને નવરાશના સમયમાં હવે કોઇ પ્રવૃત્તિ રહી નથી. તેનું પરિણામ શું આવશે તેનો વિચાર કોણે કરવો જોઇએ?

જીપ્સીને એક પ્રશ્ન મુંઝવે છે: વિકાસના માર્ગ પર જઇ રહેલા ભારતે બ્રિટન તથા અમેરિકાને પોતાનાં આદર્શ માન્યાં છે. તેમનું અનુસરણ કહો કે અનુકરણ, આપણા દેશમાં ‘ન્યુક્લીયર’ પરિવારો વધતા જાય છે, અને તેની સાથે સાથે વૃદ્ધાશ્રમની સંખ્યામાં વૃદ્ધી થઇ રહી છે. જે બ્રિટનમાં થયું તે ભારતમાં થશે?

મારા જીવનસાથી કહે છે ભારતમાં તે શક્ય નથી. ત્યાં ‘સુખી’ પરિવારની બહેનોને કામ કરવાની જરૂર નથી, તેથી તેમનાં બાળકોને ઘરમાં કોઇને કોઇ પ્રવૃત્તિમાં રોકી રાખવા તેઓ ઘરમાં હોય છે. તેમને બાળકોનાં દાદા-દાદીને સાથે રાખવાની જરૂર નથી. આધુનિક ઉપકરણો, મોંઘા સેલફોન, ઇલેક્ટ્રૉનીક રમકડાં, કમ્પ્યુટરની રમતો લોકો સહેલાઇથી મેળવી શકે છે, કારણ કે 'ઉપર'ની આવક પગાર કરતાં વધુ હોય છે. દેશમાં લાંચરૂશ્વત આપણા જીવનની એક સબ-સીસ્ટમ બની ગઇ છે; જે રીતે શ્વાસોચ્છ્વાસ અને રુધિરાભિસરણ આપણા શરીરમાં છે તે રીતે કરપ્શન ભારતીય જીવનનું અવિભાજય અંગ બની ગયું છે. પ્રજામાં અન્યાયનો પ્રતિકાર કરવાની શક્તી નષ્ટ થઇ ગઇ છે. અન્યાયનો સામનો કરવા પણ લોકો લાંચરૂશ્વતનો ઉપયોગ કરતા થઇ ગયા છે.
મારી પાસે આનો જવાબ નથી. આપની પાસે હોય તો પ્રતિભાવરૂપે આપશો?