Sunday, August 14, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: હૅમીલ્ટન રોડ ટેનન્ટસ એસોસીએશન.

વેસ્ટ નૉરવૂડનું પ્લેસમેન્ટ

જીપ્સીની કૉલેજે તેના પ્લેસમેન્ટ ટીચર માર્ક ગમ્સુ સાથે ‘કૉન્ટ્રૅક્ટ’ કર્યો તેમાં ત્રણ મુખ્ય કામ હતા. રોમાની રોડ એસ્ટેટમાં હૅમીલ્ટન રોડ ટેનન્ટ્સ એસોસીએશનને કાઉન્સીલમાન્ય સંસ્થા બનાવવી. બીજું તેમના માટે મકાનની વ્યવસ્થા કરી આપવી. છેલ્લે એવા કાર્યક્રમ યોજવા જેથી એસ્ટેટમાં રહેનારા નાગરિકો તેમાં લાભ લેતા થાય. આ ઉપરાંત કોઇ પણ કામ થાય તે બોનસમાં!
પહેલું કામ સરળ હતું. જીપ્સીએ એલ્ડર્સ ગ્રુપમાં કામ કર્યું હતું અને ‘બોલતા અખબાર’ની સ્થાપના, બંધારણ તથા ચૅરીટી કમીશન પાસે મેળવેલી માન્યતાનો અનુભવ હતો તે અહીં ઘણો કામ આવ્યો. બીજું કામ મુશ્કેલ હતું. લગભગ અસાધ્ય. આનું કારણ જાણવા દૂર જવું ન પડ્યું.
આમ જોવા જઇએ તો સ્થાનિક ચર્ચ આવી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા હોય છે. તે સમયે ચર્ચમાં જનારાઓની સંખ્યા એટલી ઓછી થઇ હતી કે ઘણા દેવળો બંધ પડ્યા હતા. તેનું મેન્ટેનન્સ તથા અન્ય ખર્ચ ખાસ કરીને પ્રોટેસ્ટન્ટ, બૅપ્ટીસ્ટ અને ચર્ચ અૉફ ઇંગ્લંડના દેવળોને પોસાતા નહોતા. લંડનમાંના ઘણા દેવળો વેચાઇ ગયા હતા અને ત્યાં કાં તો મસ્જીદ બની ગઇ હતી નહિ તો ચર્ચના સત્તાવાળાઓએ તેને છોડી દીધું હતું. આવામાં જે દેવળમાં આછીપાતળી હાજરી હોય ત્યાં લોકોપયોગી કાર્યક્રમ યોજી રવિવારની સર્વિસ માટે આકર્ષવાનો પ્રયત્ન કરતા.
રોમાની રોડના ચર્ચના પાદરીએ જીપ્સીની વાત શંતિથી સાંભળી, પણ ‘ટેનન્ટ્સ એસોસીએશન માટે ચર્ચના હૉલનો ઉપયોગ અઠવાડીયામાં એક કલાક માટે પણ આપવાની પણ ના પડી.
બીજો પર્યાય હતો એસ્ટેટમાં જ આવેલ રોમાની રોડ કમ્યુનીટી સેન્ટર. અમારા વિસ્તારમાં પચીસ-ત્રીસ ખાનગી માલિકીના મકાન હતા. ત્યાં રહેનારા લોકો આમ તો મૂળ વર્કીંગ ક્લાસના હતા, પણ ભણીગણીને અૉફિસમાં સારા પગારની નોકરી કરીને થોડા ઘણા ‘સ્ટેટસ’વાળા થયા હતા. કાઉન્સીલની એસ્ટેટમાં રહેનારા બેકાર તથા બેનીફીટ પર આધાર રાખતા લોકો, અને ખાસ કરીને અશ્વેત પ્રજા તથા સિંગલ પૅરન્ટ બહેનો પ્રત્યે તેઓ અત્યંત હીન ભાવનાથી જોતા હતા. સેન્ટરની કમિટીના ચૅરમેન એક ગ્રોસરી સ્ટોરના રિટાયર્ડ મૅનેજર હતા. કમ્યુનીટી વર્કર બહેન પોતાને મિડલક્લાસના, એટલે કે બાકીના લોકો કરતાં ઊંચા ગણતા. તેમની કમિટીએ નિયમ બનાવ્યા હતા તેમાં સેન્ટરમાં કોને આવવા દેવા તે વિશે કડક શરતો રાખી હતી. તેમણે જીપ્સીને ઘસીને ના કહી: અમારા સેન્ટરમાં સિંગલ પૅરેન્ટ સ્ત્રીઓને સ્થાન નથી. અહીં પ્રતિષ્ઠીત અને મોભાદાર લોકો આવે છે.
બ્રિટનમાં ‘ક્લાસ સીસ્ટમ’ કેટલી રુઢીચુસ્ત તથા દંભી છે તેનો સૌને ખ્યાલ હશે જ. અહીંના સમાજમાં social mobility નથી. વર્કીંગ ક્લાસના લોકોને મિડલ ક્લાસ કદી નહિ સ્વીકારે. તે પ્રમાણે મધ્યમ વર્ગના લોકોને ‘રૂલીંગ ક્લાસ’ કે જમીનદાર વર્ગની ‘gentry’માં પ્રવેશ ન મળે. જે આપે જેન અૉસ્ટેનની કે બ્રૉન્ટે બહેનોની નવલકથાઓમાં વાંચ્યું છે, તે હજી પણ જોવામાં આવતું હતું.
કમ્યુનિટી સેન્ટરના ચૅરમૅન મિસ્ટર શૉએ જીપ્સીને સ્પષ્ટ ના કહી. “I do not want single parent women lining up outside MY center!”

સદ્ભાગ્યે તે સમયે બે બનાવ થયા જે અમારા કામમાં ઉપયોગી નીવડ્યા. પ્લેસમેન્ટના પહેલા અઠવાડીયા દરમિયાન કાઉન્સીલના ગ્રાન્ટ આપનારા જે મૅનેજર સાથે સમ્પર્ક સાધ્યો હતો, તે ઘણા ભલા માણસ હતા. તેમણે કહ્યું કે ટેનન્ટસ એસોસીએશનને કાઉન્સીલ માન્યતા આપે તો તેઓ આ બાબતમાં હસ્તક્ષેપ કરી શકશે. બીજી વાત થઇ તેને પ્રારબ્ધ ગણી શકાય. તે સમય બ્રિટનની સોશિયલ સિક્યોરિટીની બેનીફીટ પદ્ધતિમાં ફેરફાર થયો. એક મહિના બાદ સરકાર ઘણાં બેનીફીટ રદ કરવાની હતી. (આપને નવાઇ લાગશે કે સરકાર તે વખતે પરિવારોને કપડાં ધોવા માટે Laundry Allownce અાપતું હતું!). જેમને આ બેનીફીટ મળતા હતા, તેઓ એક મહિનાની અંદર ખાસ ફૉર્મ ભરીને તે ચાલુ રાખવાની વિનંતિ કરે તો એટલી રકમ મુખ્ય ભત્થામાં મેળવી દેવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી હતી. આનો ફાયદો લઇ જીપ્સીએ રોમાની રોડ સેન્ટરની કમિટી પાસે પ્રસ્તાવ રજુ કર્યો. સેન્ટરમાંના એક ઓરડામાં તેઓ જીપ્સીને તેમના સભ્યોને મદદ કરવાની રજા આપે તો તે વિનામૂલ્યે તેમની અરજીનાં ફૉર્મ ભરી વધુમાં વધુ બેનીફીટ મળે તેવો પ્રયત્ન કરશે. શરત એ હતી કે તેમના વિસ્તારમાં આવેલી કાઉનસ્ીળની એસ્ટેટમાં રહેનારા લોકોને તેનો લાભ મળવો જોઇએ. એક રૂમમાં જીપ્સીની ‘સર્જરી’ ચાલે, અને એક ઓરડાને વેઇટીંગ રૂમ તરીકે વાપરવાની રજા આપવી જોઇશે. તેણે કમિટીને સમજાવ્યું કે આ કામ નહિ કરવામાં આવે તો તેમના સભ્યોને ભારે આર્થિક નુકસાન થઇ શકે તેમ છે.
તેમણે મંજુરી આપી! આપણે ત્યાં કહેવત છે, “લાલો લાભ વગર લોટે નહિ!”
શરૂઆતના એક અઠવાડીયામાં ‘પ્રતિષ્ઠીત’ લોકોનું કામ પતી ગયું. એસ્ટેટમાં કાર્ડબોર્ડના પાટીયાં લટકાવી એડવાઇસ સેન્ટરની જાહેરાત થઇ અને લોકોની કતાર લાગી ગઇ. રોજના બે કલાક આ કામ અને બાકીના સમયમાં ટેનન્ટ્સ એસોસીએશનની સંઘટના, બંધારણ, કમિટીની સ્થાપના વગેરે કરવાનું શરૂ કર્યું. એક મહિનો પૂરો થતાંમાં કમિટીની ચૂંટણી થઇ ગઇ અને જે કમરામાં વેઇટીંગ રૂમ રાખ્યો હતો, તે અમારા એસોસીએશનને કાયમ માટે એલૉટ થઇ ગયો.
આપે અૉડ્રી હેપબર્નનું ‘My Fair Lady’ જોયું હશે. અમારા વિસ્તારમાં એક વૃદ્ધા રહેતા હતા, જે તેમની યુવાનીમાં Flower Girl હતા. એલાઇઝા ડૂલીટલ જેવી કાળી શાલ, તેણે પહેર્યો હતો તેવો મોટા ઘાઘરાવાળો ડ્રેસ અને માથા પર બૉનેટ અને હાથમાં ફૂલોની છાબડીનો ફોટો લઇ આ બહેન આવ્યા અને જીપ્સીને બતાવ્યો. તેના પરથી એક વિચાર આવ્યો, આ ફોટો સ્થાનિક છાપાંઓમાં છપાય તો અમારી સંસ્થાને સારી પબ્લીસીટી મળે. તેણે કમિટીને વાત કરીને મંજુરી લીધી કે ટેનન્ટસ એસોસીએશનની સ્થાપનાનો દિવસ ઉજવવામાં આવશે! સ્થાનિક કાઉન્સીલરોની હાજરીમાં ડેપ્યુટી મેયરને ઉદ્ઘાટન કરવા બોલાવ્યા અને રિપોર્ટર્સ્ને આમંત્રણ આપ્યું. અમારી Flower Girl, કમિટીના સભ્યો તથા સેન્ટર સેવન્ટીના હોદ્દેદારોની હાજરીમાં પ્રસંગ ઉજવાયો! અખબારોમાં છબીઓ છપાઇ અને એસોસીએશનનું કામ ધમધોકાર શરૂ થઇ ગયું.
બેનીફીટ એડવાઇસ સેન્ટરના બે અનુભવો આવતા અંકમાં!

1 comment:

  1. અમારા વિસ્તારમાં એક વૃદ્ધા રહેતા હતા, જે તેમની યુવાનીમાં Flower Girl હતા. એલાઇઝા ડૂલીટલ જેવી કાળી શાલ, તેણે પહેર્યો હતો તેવો મોટા ઘાઘરાવાળો ડ્રેસ અને માથા પર બૉનેટ અને હાથમાં ફૂલોની છાબડીનો ફોટો લઇ આ બહેન આવ્યા અને જીપ્સીને બતાવ્યો. તેના પરથી એક વિચાર આવ્યો, આ ફોટો સ્થાનિક છાપાંઓમાં છપાય તો અમારી સંસ્થાને સારી પબ્લીસીટી મળે. તેણે કમિટીને વાત કરીને મંજુરી લીધી કે ટેનન્ટસ એસોસીએશનની સ્થાપનાનો દિવસ ઉજવવામાં આવશે! સ્થાનિક કાઉન્સીલરોની હાજરીમાં ડેપ્યુટી મેયરને ઉદ્ઘાટન કરવા બોલાવ્યા અને રિપોર્ટર્સ્ને આમંત્રણ આપ્યું. અમારી Flower Girl, કમિટીના સભ્યો તથા સેન્ટર સેવન્ટીના હોદ્દેદારોની હાજરીમાં પ્રસંગ ઉજવાયો! અખબારોમાં છબીઓ છપાઇ અને એસોસીએશનનું કામ ધમધોકાર શરૂ થઇ ગયું.
    The post telling of the Journey of Gypsy in UK....& in the Field of the Social Work !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    See you all on Chandrapukar !

    ReplyDelete