Follow by Email

Wednesday, August 24, 2011

સોશિયલ વર્કરની નોંધપોથી: છેલ્લું પ્લેસમેન્ટ

હોમલેસ ફૅમિલીઝનો પહેલો પરિચય જીપ્સી માટે આઘાતપૂર્ણ હતો. એમ્સફર્ડમાં આવેલી મોટેલમાં કામ કરવા જતાં પહેલાં ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસના સોશિયલ વર્કરની સાથે તે બ્રૉંક્સમાં આવેલ એક મોટેલમાં ગયો હતો. આ વિસ્તાર એટલે urban decayના સૌથી ઉતરતા દરજ્જાનો નમૂનો હતો. અહીં હતા બિસ્માર હાલતના મકાનો, રસ્તાના ખૂણે નશીલા પદાર્થનું સેવન કરીને બેસેલા કે પડી રહેલા લોકો અને ભંગારમાં મોકલવા લાયક જુની મોટર કાર્સ. ફૂટપાથ પર કેટલાક બંધાણી પૂંઠાના પાટિયા પર 'બેઘર અને ભૂખ્યો' (Homeless and Hungry) લખી, પોતાની સામે ડબલું મૂકી ઝોકાં ખાતા હતા. અહીં એક પાંચ માળની મોટેલ હતી. આને મોટેલ કહેવા કરતાં કિલ્લો કહેવો વધુ યોગ્ય ગણાશે. મોટેલના પગથિયા પર ચાર ભયંકર સ્વરૂપના પહેલવાન ચોકીદાર બેઝબૉલની બૅટ્સ લઇને ઉભા હતા અને મોટેલમાં જવા માગતા લોકોનાં તેઓ પહેચાન પત્ર તપાસતા હતા. સોશિયલ સર્વીસીઝની ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસ કેટલી શક્તીશાળી હોય છે તેનો અનુભવ ત્યારે આવ્યો જ્યારે જીપ્સીની સાથેનાં બહેને પોતાનું ઓળખપત્ર કાઢી, એક પહેલવાનને અધિકારપૂર્ણ શબ્દોમાં કહ્યું, “ I am from the CPS,” અને તરત પેલા પહેલવાને તેમને માનપૂર્વક “પધારો મૅડમ,” કહી મોટેલનો લોખંડનો તોતિંગ દરવાજો ખોલ્યો. આ દરવાજો ટલો મજબૂત હતો કે તેને અંદરથી ખોલવામાં ન આવે તો અંદર પ્રવેશ કરવો મુશ્કેલ હતું. અંદર ભારે રાઇફલ તથા અૉટોમેટીક પિસ્તોલથી લદાયેલા બીજા બે પહેલવાન હતા. સામાન્ય રીતે મોટેલના રિસેપ્શનીસ્ટનું કાઉન્ટર અને ડેસ્ક ખુલ્લું હોય, તેની જગ્યાએ આ રિસેપ્શન મજબૂત લોખંડના પાંજરા પાછળ હતું. અહીં પણ અમને ઓળખપત્ર બતાવી કોને મળવા આવ્યા છીએ તે કહેવું પડ્યું, પણ CPSનો દબદબો ઓછો નહોતો!
અમે CPSના ક્લાયન્ટને મળીને પાછા વળ્યા અને બહાર જોયું તો મોટેલની બહાર જ એક નાનકડો ગ્રોસરી સ્ટોર હતો. દુકાનના પાટીયા પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, “અહીં વેલ્ફેરના ચેક વટાવી શકાય છે અને ફૂડ સ્ટૅમ્પ્સ સ્વીકારાય છે."
CPSના સોશિયલ વર્કરને પૂછ્યું તો જાણવા મળ્યું કે આ મોટેલ 'સારા ન કહી શકાય તેવા લોકસમૂહની માલિકીની' હતી. હાલમાં જ તેમને પાંચ વર્ષનો કરાર મળ્યો હતો, અને હંમેશની જેમ રૂમ દીઠ રોજના ૯૦ ડૉલર લેતા હતા. મોટેલ અંદરથી ગંધાતી હતી અને કૉરીડોરની કાર્પેટ લગભગ ઘસાઇ ગયેલી હતી. અહીં રહેનારા લોકો મોટા ભાગે ક્રૅકના બંધાણી હતા. કહેવાતું હતું કે આ પદાર્થ તેમને મોટેલના કાઉન્ટર પર જ મળી જતો. રોકડા પૈસા અાપો તો ‘માલ’ મળે. પૈસા ન હોય તો બંધાણી સ્ત્રીઓ ગમે તે કરવા તૈયાર થાય. સામેની દુકાન પણ મોટેલ માલિકની જ હતી. બધું કામ સરળ. વેલફેરનો ચેક મળે કે તરત સામેની દુકાને જઇ 'રોકડી' કરી લેવાની અને સીધા મોટેલના કાઉન્ટર પર.
અમે જે ‘ક્લાયન્ટ’ને જોવા ગયા હતા તે બહેનની અને તેમના એક વર્ષના બાળકની હાલત ન વર્ણવીએ તો સારૂં. આપ તેને સહન નહિ કરી શકો. બાળકની મા પલંગ પર ક્રૅકના નશામાં બેહોશ પડી હતી અને બાળક ગંદા નૅપીમાં... સોશિયલ વર્કરે મહા મહેનતે તેમનાં ક્લાયન્ટ સાથે સંભાષણ કર્યું અને કહ્યું કે તેની ખરાબ હાલત જોઇ તેના બાળકને કાઉન્સીલના કબજામાં લઇ પાલક પરિવાર પાસે મોકલવું પડશે, અને તેને 'રિહૅબીલીટેશન'માં. અર્ધા ઘેનમાં હોવા છતાં આ બહેન રડવા લાગ્યા: 'મારી બેબીને મારાથી દૂર ન કરશો, પ્લીઝ!"
હોમલેસ પરિવારોનો આ એક અંતિમ-મલિન કક્ષાનો નમૂનો હતો.
બીજી તરફ જ્યાં જીપ્સીને એક મહિના માટે કામ કરવાનું હતું તે 'મોટર લૉજ' ઘણી સારી હાલતમાં હતી. અહીં રહેતા પરિવારો ખરેખર મહેનતુ હતા અને મંદીનો ભોગ બન્યા હતા. દરેક પરિવારને મોટેલનો એક એક સ્વીટ મળ્યો હતો. તેમાં એક બેડરૂમ, બાથરૂમ, નાનકડી પૅન્ટ્રી જેમાં નાનકડો સ્ટોવ અને માઇક્રોવેવ અવન હતાં. મોટેલ એવી જગ્યાએ હતી, ત્યાં બાળકોને રમવા માટે કોઇ ખુલ્લી જગ્યા નહોતી. બે મકાનોની વચ્ચે જે સડક હતી ત્યાં તેમણે બાસ્કેટબૉલનાં થાંભલા અને બોર્ડ લગાવ્યા હતા. ત્યાં અર્ધાથી વધારે હિસ્પૅનીક અને અશ્વેત પરિવાર હતા. સારા વિસ્તારમાં આવેલી હોવાતી આ મોટર લૉજનું સ્તર જરા સારૂં ગણી શકાય. સડકને પેલે પાર ફાસ્ટ ફૂડની દુકાનો હતી. આશ્ચર્યની વાત તો એ હતી નજીકમાં જ અતિ મોંઘી કિંમતો માટે જાણીતો સુપર સ્ટોર 'નૉર્ડસ્ટ્રોમ' હતો!આજુબાજુનો વિસ્તાર કેટલો સમૃદ્ધ હતો તેની આ નિશાની હતી.
પ્રોજેક્ટ હોપને જે કામ સોંપવામાં આવ્યું હતું તે આમ જોવા જઇએ તો સ્પષ્ટ હતું. ફેડરલ સરકારે વેસ્ટચેસ્ટર કાઉન્ટીને ત્યાં રહેતા હોમલેસ પરિવારો માટે ત્રણ સ્તરનું કામ સોંપ્યું હતું. એક તો ત્યાં રહેનારા ભાઇ બહેનોનાં જુના અનુભવના આધારે તેમને ક્યું કામ મળી શકે, અને તેમાં કોઇ વધુ પ્રશિક્ષણની જરૂર હોય તો તે મેળવી આપવું. કાઉન્સીલ તેના પૈસા આપશે. બીજું કામ હતું આવા પરિવારોના પાંચ વર્ષની નીચેનાં બાળકોને નર્સરી અથવા crecheમાં મોકલવાનું. આના માટે કાઉન્સીલે એક પ્રખ્યાત ચાઇલ્ડ ડે કૅર આપનારી સંસ્થાને કૉન્ટ્રેક્ટ આપ્યો હતો. સંસ્થા રાહ જોઇને બેઠી હતી કે ક્યારે પ્રોજેક્ટ હોપના કાર્યકરો બાળકોને ત્યાં મોકલવાનું શરૂ કરે! ત્રીજું કામ હતું કોઇ પરિવારના સદસ્યને કામ મળે તો તેમના માટે મકાન શોધી આપવાનું. આ મકાનોના માલિકોને ફેડરલ સરકાર તરફથી હાઉસીંગ રેગ્યુલેશનના સેક્શન ૮ મુજબ મોટા ભાગનું ભાડું અપાય, અને બાકીનું ભાડવાતે આપવાનું. નવું કામ મેળવેલા લોકો માટે આ વ્યવસ્થા આશિર્વાદ જેવી હતી.
કાઉન્સીલે પ્રોજેક્ટ હોપને ડેડલાઇન આપી હતી કે નિશ્ચીત કરેલી તારીખ સુધીમાં આ કામ પૂરૂં થવું જોઇએ, કારણ કે કાર્યક્રમના 'ઉદ્યાપન' માટે વૉશીંગ્ટન ડીસીથી આસિસ્ટન્ટ સેક્રેટરી આવવાના હતા.
જીપ્સીએ જોયું કે મોટેલમાં કામ કરનારા પ્રોજેક્ટ હોપના કર્મચારીઓ BSWના વિદ્યાર્થીઓ હતા. તેઓ ટૂંકા પગારે વેકેશન પૂરતું કામ કરવા આવ્યા હતા. તેમને સુપરવીઝન આપવા તેમની સંસ્થામાંથી કોઇ આવતું નહોતું. કોઇને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા નહોતા કે ક્યા સોશિયલ વર્કરે ક્યું કામ કરવાનું હતું. વળી કોઇને કામની deadline આપવામાં આવી નહોતી. ત્યાં કામ કરવા પ્રોજેક્ટના ત્રણ કર્મચારીઓ અને કાઉન્સીલના વૉલન્ટીયર સર્વીસીઝના એક કો-ઓર્ડીનેટર હતા. વૅકેશન-વર્કર મોટેલના રહેવાસીઓ સાથે કાઉન્સેલીંગનું કામ કરતા અને કિશોરો માટે પર્યટન યોજવાનું કામ કરતા.
જીપ્સીને બે કામ સોંપવામાં આવ્યા હતા. એક તો ન્યુયૉર્ક અને ખાસ કરીને વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં હોમલેસનેસની સમસ્યાનો અભ્યાસ કરવો અને બીજું, મોટેલમાં કામ કરી રહેલ પ્રોજેક્ટ હોપના કર્મચારીઓના સિનિયરની સાથે રહી તેઓ કેવી રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કરી તેમની સાથે કેવી રીતે કામ કરવાની રીત શીખવી.
અા કામ દરમિયાન તેની નજરમાં આવ્યું કે પંદર દિવસ બાદ ફેડરલ સરકારના ઉપપ્રધાન ખાસ તો આ કાર્યક્રમમાં સફળ થયેલા એટલે કે જેમને કામ મળ્યું હતું અને સરકારે કરેલી વ્યવસ્થા અનુસાર સેક્શન ૮ના મકાનોમાં જવા માટે તૈયાર હતા, તેમને મકાનની ચાવી તથા ‘કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો કર્યો છે‘ તેનું પ્રમાણપત્ર આપવા માટે આવવાના હતા. કમભાગ્યે તેમાંનું એક પણ કામ પૂરૂં થયું નહોતું. એટલું જ નહિ, પ્રોજેક્ટના કાર્યકરોએ ત્યાં રહેનારા ભાઇબહેનોનું રજીસ્ટર પણ બનાવ્યું નહોતું. કોની પાસે કઇ શૈક્ષણીક લાયકાત છે તથા કઇ જાતના કામનો અનુભવ છે તેની નોંધ નહોતી. રહેવાસી પરિવારોને કેટલા બાળકો છે, તેમનાં નામ તથા તેમના વયમાન પ્રમાણે જુથ બનાવી કેટલા બાળકોને નર્સરીમાં, કેટલાને ક્રેશમાં મૂકવાની જરૂર હતી તેનું વર્ગીકરણ થયું નહોતું. આમાં કાર્યકરોનો દોષ નહોતો. તેઓ તો સોશિયલ વર્કની કૉલેજમાં પડેલી બે મહિનાની રજામાં પૈસા કમાવવા આવ્યા હતા. પ્રોજેક્ટના સંચાલકોને સસ્તા કર્મચારી મળ્યા હતા. ખરૂં કામ તેમનું હતું કે પ્રોજેક્ટ પ્લાનીંગ તથા તેના પર અમલ કરવા માટેની પદ્ધતિસરની યોજના બનાવી, દરેક કાર્યકરનું Job Description તથા કામ અંગેના milestones તથા કેટલા સમયમાં આ દરેક કામ પૂરૂં કરવાનું હતું તે જણાવી તેનું monitoring કરવાનું હતું.
જીપ્સીએ તેના પ્રૅક્ટીસ સુપરવાઇઝર મિસેસ બૉયર સાથેની અઠવાડીક મિટીંગમાં આનો અહેવાલ આપ્યો ત્યારે તે ચોંકી ગયા.
“અરે, મંત્રી મહાશયને આવવાને દસ દિવસ રહ્યા છે અને કશું કામ નથી થયું એવું તમે કહો છો?”
“હા, જી.”
મિસેસ બૉયર ચોંકી ગયા. તેમણે તત્કાળ કાઉન્ટી કાર કઢાવી જીપ્સીને લઇ મોટેલ પર ગયા. વાત સાચી નીકળી!
“તમે તો અમારી આબરૂ બચાવી! આસિસ્ટંટ સેક્રેટરી આવ્યા હોત તો અમારી બેઇજ્જતી થઇ જાત.”
તેમણે સૌ પ્રથમ મંત્રીજીની મુલાકાત મુલત્વી કરાવી અને જાતે જઇને કામ શરૂ કર્યું. તેમણે પોતે રહેવાસીઓનાં તથા બાળકોનાં રજીસ્ટર બનાવવાનું શરૂ કર્યું. જે નર્સરી સાથે કરાર કર્યો હતો તેમની પાસે બાળકો ન જાય તો તેમને પૈસા ન મળે, તેથી તેમના કારકૂનને બોલાવી બાળકોને નર્સરીમાં લઇ જવાની વ્યવસ્થા શરૂ કરાવી. સરખું સુપરવિઝન ન હોય તો કામ કેટલી હદ સુધી બગડી શકે તેનો આ અજબ નમૂનો હતો.
તે અરસામાં વોલન્ટરી વર્ક કોઓર્ડીનેટરે સુંદર કાર્યક્રમ યોજ્યો. તેમણે વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં આવેલા જનરલ ફૂડ્ઝ, નેસલે વગેરે જેવા મોટા કૉર્પોરેશનના પ્રેસીડેન્ટ્સને મળી બાળકો માટે ગિફ્ટ પાર્સલની યોજના કરી. શાળાઓ શરૂ થવાની હતી તેથી મોટેલમાં રહેનાર દરેક બાળકને બે જોડી જીન્સ, બે ટી શર્ટ, ટ્રેઇનર્સ તથા બૅકપૅકનાં પાર્સલ બનાવડાવ્યા. અમે સૌ નેસલેના કૉર્પોરેટ કૅફેટેરીયામાં ગયા, જયાં બાળકોને આ ભેટ આપવામાં આવી. અન્ય કોઇના ધ્યાનમાં આવ્યું કે નહિ તે કોણ જાણે, પણ કૅફેટેરીયાના ઉપરના મજલા પર (જયાં ઘણું ખરૂં નેસલેના ઉચ્ચ અધિકારીઓ માટે ભોજનની વ્યવસ્થા હતી) ત્યાં કંપનીના પ્રેસીડેન્ટ, વી.પી. તથા ડાયરેક્ટરોનાં બાળકો હતા અને નીચે બેઘર બાળકોના હર્ષ અને ઉલ્લાસને ઉત્સુકતાપૂર્વક જોઇ રહ્યા હતા. તેમની સાથે તેમની માતાઓ હતી અને નીચે આનંદથી નાચતાં બાળકો તરફ અંગુલી નિર્દેશ કરી કશું કહેતી હતી. કદાચ, "તમે કેટલા નસીબદાર છો..." કહેતી હશે. તેમની જ ઉમરના આ કમનસીબ બાળકો સાથે સહાનુભૂતિના બે શબ્દો બોલવા તેમની માતાઓ તેમને નીચે મોકલવા તૈયાર નહોતી.
નીચે કંપનીના PRO ધડાધડ ફોટા પાડતા હતા. ગમે તે હોય, પણ આવી શ્રીમંત કંપનીઓએ જે કામ કર્યું, ગરીબ બાળકોને નવાં નકોર અને ઉંચી કંપનીઓએ બનાવેલા પોશાક અને શાળામાં કામ આવી શકે તેવી વસ્તુઓ આપીને ઉત્કૃષ્ટ કામ કર્યું હતું. જીપ્સીને યાદ આવ્યું: ૧૯૬૫ની લડાઇ બાદ જવાનોને અને અફસરોને આવા ગિફ્ટ પાર્સલ આખા ભારતમાંથી કેવળ એક ઉદ્યોગસમૂહે મોકલ્યા હતા: ટાટા ફાઉન્ડેશને. હૃદય તો દરેક વ્યક્તિને હોય છે. દરેકના શરીરમાં તે લોહીનું પ્રસરણ કરવા તેનો પમ્પ ચાલે છે. કેવળ ટાટા અને આપણા ગુજરાતના અરવિંદ મફતલાલ જેવા ઉદ્યોગપતિઓનાં હૃદયમાંથી લોહીની સાથે કરૂણા વહે છે. ઉત્તર ગુજરાતના રણપ્રદેશમાં દુકાળ વખતે ફેલાયેલા ભૂખમરા વખતે અરવિંદ મફતલાલ ગ્રુપ તરફથી સેંકડો મણ સુખડી વહેંચવામાં આવી હતી. જીપ્સી તે વખતે સુઇગામ સેક્ટરમાં કાર્યરત હતો અને તેણે આ નજરે જોયું છે.

આ છેલ્લા અઠવાડીયાનું કામ પતાવી જીપ્સી પાછો લંડન ગયો. છેલ્લા પ્લેસમેન્ટના રિપોર્ટ બાદ કોર્સની પૂર્ણાહૂતિ થઇ. જીપ્સીને પોસ્ટગ્રૅજ્યુએટ ડિપ્લોમા તથા સર્ટીફીકેટ અૉફ ક્વૉલીફીકેશન ઇન સોશિયલ આપવામાં આવ્યું.
હવે તેને ‘ક્લૉલીફાઇડ’ સોશિયલ વર્કરની માન્યતા મળી.
આગળની દિશાના માર્ગ હવે દેખાવા લાગ્યા હતા! આ માર્ગ પર શીતળ છાયા હતી અને તે મળી રહી હતી ગુજરાતી સાહિત્યના મીઠાં વૃક્ષોની. આની વાત જીપ્સી આગળ જતાં કહેવાની કોશિશ કરશે.