Thursday, February 24, 2011

પરિક્રમા - બિહાર : ભાગ ૨- અનન્યા!

૮.

રૂપવતીએ હવે કમર કસી. તેણે પરિસ્થિતિ પર કબજો લેવાની શરૂઆત કરી. તેણે માસ્ટરજીને બોલાવ્યા અને પતિને ટેલીગ્રામ કરવાની વિનંતી કરી. તેના પોતાના પરિવારમાં કોઇ નજીકના સગાં નહોતા. સુમિત્રા ફોઇ ત્રીસ વર્ષ પહેલાં દુષ્કાળ વખતે પતિ સાથે દેશ છોડીને ગઇ હતી તે પાછી આવી નહોતી. તે ક્યાં હતી તે કોઇ જાણતું નહોતું. રાધાને સાવકા ભાઇ બહેનો હતા. રાધાના લગ્ન બાદ તેમણે તેની સાથે કોઇ સંબંધ રાખ્યો નહોતો. તેમને ડર હતો કે તેમના પિતાના બિસ્માર મકાનમાં તે ક્યાંક ભાગ ન માગે! રાધાના ભાઇ શ્યામલાલની પુત્રીના લગ્નમાં તે રાધા સાથે ગઇ હતી, તેથી તેનું સરનામું તે જાણતી હતી. તેણે શ્યામલાલને પત્ર લખ્યો. બહેનોએ તો તેના પત્રની દખલ ન લીધી, પણ દસે’ક દિવસ બાદ શ્યામલાલ આવ્યા.
શ્યામલાલે રૂપવતીના આંગણામાં પ્રવેશતાં જ પોક મૂકી. “આ શો ગજબ કર્યો ભગવાન! મારી વહાલી બહેના રાધા! કેટલું વહાલ હતું તેને મારા પર અને ભગવાને અમારા આવો અન્યાય કર્યો! હે ભગવાન!” કહી તે જમીન પર બેસી ગયા, અને અશ્રુહિન આંખોને ખિસ્સા રૂમાલ વડે લૂછવા લાગ્યા. “મેં મારી બહેન પર મારી દીકરીની જેમ વહાલ કર્યું હતું, પણ ભગવાનને તે મંજુર નહોતું.....”
રૂપવતી તથા તેની પાસે બેઠેલી સ્ત્રીઓને તેની દાંભીકતા દેખાઇ આવી. કોઇ કશું બોલ્યું નહિ. એક મિનીટમાં તો તે સ્વસ્થ થઇ ગયા.
ભોજનનો સમય હતો. રૂપે તેમને ખાવાનું પીરસ્યું. જમીને મોટો ઓડકાર આપ્યા બાદ તેઓ ઉભા થયા.
“રૂપવતી, સારૂં કર્યું તેં અમને સમાચાર આપ્યા, નહિ તો અમને ખબર પણ ન પડી હોત. ચાલ, હવે મારે જવું જોઇએ. મારા ઘણાં કામ બાકી પડ્યા છે. સંભાળીને રહેજે. અને કોઇ કામકાજ હોય તો મને જણાવજે,” કહી બારણા તરફ પગલું ભર્યું. કિશોર તરફ તો તેમણે જોયું સુદ્ધાં નહિ. ‘આ બલા ક્યાંક મારા માથા પર ન આવી પડે!’
રાધા કશું બોલી નહિ, પણ મિસરી ચૂપ ન રહી. “અરે મામા શ્યામલાલ! તારો મતલબ શું છે? કહે છે મારે જવું જોઇએ! જરા તો શરમ કર! તારી વહાલી બહેનાનો દિકરો, તારો ભાણો કિશોર તારી જવાબદારી છે, અને તું બેશરમ થઇને તેને મૂકીને જાય છે? તેના માથા પર હાથ મૂકવા જેટલી પણ તારામાં શરાફત બાકી નથી રહી? વાહ મામા, વાહ!”
“અરે, હું તો કહેવાનું ભુલી ગયો! જો, રૂપવતી, આજકાલના મોંઘવારીના જમાનામાં એક વધારે પેટ પાળવાની મારી ત્રેવડ નથી. ખરૂં તો તેના બાપે - માફ કરજે - જીજાજીએ કશીક તો જોગવાઇ કરવી જોઇતી હતી ને? તેમણે તો કશું ન કર્યું, પણ મેં તો તપાસ કરી. અહીં આવતાં પહેલાં હું પટના રોકાયો હતો. ત્યાં એક સારૂં અનાથાશ્રમ છે. આપણે તેમને કશું દાન દેવાની જરૂર નથી. રૂપવતી, તું કહેતી હોય તો કિશોરને મારા ખર્ચે ત્યાં મૂકી આવું. કંઇ નહિ તો તેને બે વખતની રોટી, કપડા-લત્તા અને થોડું ઘણું શિક્ષણ મળી રહેશે. તું પટના રહે છે તો વારે-તહેવારે .....”
“મહેરબાની કરીને ચૂપ રહેશો, ભાઇસા’બ?” અત્યાર સુધી શાંત રહેલી રૂપ ઉભી થઇ ગઇ. તેનો ગૌર ચહેરો ક્રોધથી તપેલા તાંબા જેવો થઇ ગયો. તેનું શરીર કાંપતું હતું. પોલાદને પણ કાપી નાખે તેવા હિમ-શીત સ્વરે તેણે કહ્યું, “કિશોર મારો દિકરો છે. એને હું અનાથાશ્રમ તો દૂર, આપની પાસે પણ ન મોકલું, સમજ્યા? આવી નિમ્ન કક્ષાની વાત કરવી હતી તો અહીં આપને આવવાની કોઇ જરૂર નહોતી. અહીં આવવા માટે ધન્યવાદ. આવજો. રામ રામ.”
શ્યામલાલ આગળ કોઇ પ્રલાપ કરે તે પહેલાં વૃદ્ધ મિસરી બોલી, “શ્યામલાલ, હવે રસ્તે પડ, નહિ તો... તારી બસ નીકળી જશે.”
કોઇ અદૃશ્ય હાથે તેને લપડાક મારી હોય તેમ શ્યામલાલ ઝંખવાણો થઇ ગયો. તેણે બોલવાનો પ્રયત્ન કરી જોયો, પણ શબ્દો ન નીકળ્યા. સંતપ્ત રૂપવતીએ કેવળ હાથ જોડીને નમસ્કાર કર્યા. શ્યામલાલ તો રૂપવતીની દયા કે ઘૃણાને પણ લાયક નહોતો.
હોઠ ફફડાવી, માથું હલાવી શ્યામલાલ ચાલવા લાગ્યો. શરમના માર્યા તેણે પાછળ જોવાની હિંમત ન કરી.
રૂપ બારણા સુધી પણ ન ગઇ. કિશોરને અંકમાં લઇ તેના મસ્તક પર સ્નેહાળ હાથ ફેરવતાં રાધાનો વિચાર કરવા લાગી. વૃદ્ધ પિતા, ભાઇ અને બહેનોની સેવામાં જીવન ન્યોચ્છાવર કરનાર સુચરિતા રાધાને સાવકો કેમ ન હોય, પણ આવો ભાઇ હતો?
તેને પિતાએ રાધાના કષ્ટમય જીવન વિશે કહેલી વાતો યાદ આવી. રાધાએ તો તેની વહાલસોયી માતાની સુખદ છાયાની, તેના સાન્નિધ્યના આનંદની જ વાતો કહી હતી. મુશ્કેલીમાં પણ કોઇ આનંદથી જીવી શકે છે? કોઇની વાત તો અલગ હોઇ શકે, પણ આ તો રાધા હતી.
અનન્યા!

4 comments:

  1. You have fantastic power of words. Congrats for giving such intricatly woven story.

    ReplyDelete
  2. @ Narendra,

    Thank you, my namesake! Your comment is appreciated.

    ReplyDelete
  3. 'આજે ભાઇ-ભાભી સાથે વિતાવેલા સમયની એક એક ઘડી તેની અંતર્દૃષ્ટિ સામે સ્પષ્ટ રીતે ઉભરીને આવતી હતી. વેદનાની લાગણીના પૂરમાં તણાઇને ડૂબી જતાં વારે વારે બેભાન થઇ જતી હતી.' અને 'શોકના સમુદ્રમાં ડુબેલી રૂપવતી શ્વાસ લેવા બહાર આવી ત્યારે તેનું ધ્યાન પોતાના બાળકો તરફ ગયું. રાકેશ, સરિતા અને નીતા મા તરફ જોઇને આંસુ સારતા હતા. તેમનાથી થોડે દૂર કિશોર સ્તબ્ધ, અવાક્ હાલતમાં મીણના પુતળાની જેમ બેઠો હતો. તેની આંખો જાણે સ્ફટીકની હોય તેમ અવકાશમાં સ્થિર થઇને તાકી રહી હતી. શું થઇ રહ્યું છે તે તેની સમજ બહાર હતું. તેના શરીરમાં જીવનનાં કોઇ ચિહ્ન હોય તો તે હતા તેનો ધીમો શ્વાસોચ્છ્વાસ અને નયનનાં નીર.'

    આવા હ્રુદયદ્રાવક દ્રુષ્યો જેવા લખાણો દ્વારા અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા અંગે સમજાવવા/સુધારા અંગે સામાન્ય પ્રજાને કેળવી શકાય છે.પોતાના આનંદ માટે માણસ કાવ્યો વાંચી શકે છે, પરંતુ દેશની વ્યવસ્થા સમજવા માટે તેણે ઉપર લખેલી બાબતોને સ્પર્શતાં પુસ્તકો પણ વાંચવાં જોઈએ.અમુક માનવી કે માનવસમુદાય બીજાં માનવી કે માનવસમુદાયનું શોષણ કઈ રીતે કરતો રહ્યો છે અને તેમાંથી મુક્તિ મેળવવા શોષિત લોકોએ અને અન્ય લોકોએ કેવી રીતે પ્રયત્નો કર્યા છે તેનો અભ્યાસ કરવો જોઈએ.મિલના નાનકડા પુસ્તક ‘ઓન લિબર્ટી’ સાથે કોઈ સંપૂર્ણ સહમત થાય કે ન થાય પણ તેનાં મંતવ્યો કોઈ પણ વ્યક્તિને વિચાર કરતા કરી મૂકે તેવાં છે.

    બીજી તરફ આ દ્રશ્યો,'આપણો સમાજ પણ અજબ છે. આમ તો પાડોશીઓમાં ઘણી વાર એકબીજાની કુથલી, ઇર્ષ્યા ચાલતી હોય, પણ તેમાંના કોઇ એક પાડોશી પર કોઇ આફત આવી પડે તો તેની માવજતમાં રાતોના ઉજાગરા કરી તેમની સારવાર કરવામાં બાકીના પાડોશીઓ પાછી પાની કરતા નથી. કોઇના ઘરમાં મૃત્યુ થાય તો શોકાતુર પરિવારને આશ્વાસન આપવા, તેમનાં બાળકોને તથા પરિવારના અન્ય સભ્યો માટે જમવાનું લઇ જવાનું વિના કહે કરતા હોય છે.' હોય ત્યાં સુધી નીરાશ થવાની જરુર નથી.

    આવા જ વિચારોવાળા પુસ્તકો અન ટુ ધીસ લાસ્ટ” એ લેબર પાર્ટી અને ગાંધીજીને જન્મ આપ્યો. “અંકલ ટોમ્સ કેબિને” “અબ્રાહમ લિંકન”ને ગુલામોના તારણહાર બનાવ્યા અને “દાસ કેપિટલ” પુસ્તકે લેનીન, ખૃશ્ચોવથી માંડીને માઓ-ત્સે-તુંગને જન્મ આપ્યો. પ્રેસિડેન્ટ બરાક હુસેન ઓબામાએ હેરિયેટ બિચર સ્ટોવના પુસ્તક “અંકલ ટોમ્સ કેબિન”માંથી પ્રગટેલી વિચારધારાનો લેટેસ્ટ વારસો છે.

    અને

    શ્યામલાલ આગળ કોઇ પ્રલાપ કરે તે પહેલાં વૃદ્ધ મિસરી બોલી, “શ્યામલાલ, હવે રસ્તે પડ, નહિ તો... તારી બસ નીકળી જશે.”
    કોઇ અદૃશ્ય હાથે તેને લપડાક મારી હોય તેમ શ્યામલાલ ઝંખવાણો થઇ ગયો. તેણે બોલવાનો પ્રયત્ન કરી જોયો, પણ શબ્દો ન નીકળ્યા. સંતપ્ત રૂપવતીએ કેવળ હાથ જોડીને નમસ્કાર કર્યા. શ્યામલાલ તો રૂપવતીની દયા કે ઘૃણાને પણ લાયક નહોતો.

    એના કેરેનીનાની યાદ આપી ગઈ
    પ્રજ્ઞાજુ વ્યાસ

    ReplyDelete
  4. T took the liberty of copy/pasting my comment meant for this Posr was by mistake on the Next Post>>>>

    Anonymous said...
    નરેન્દ્રભાઈ,
    પોસ્ટ વાંચી....
    શ્યામલાલ (કિશોરના મામા) આવ્યા.
    ભાણેજ કિશોરની સંભાળની ચિંતા દર્શાવ્યા વગર , અને કિશોર તરફ જોયા વગર જ
    સલાહો આપવા લાગ્યા કે હવે એના માટે "અનાથ આશ્રમ" જ છે..ત્યારે રૂપવતીની આશાઓ નિરાશામાં બદલાય ગઈ..અને સેવા આપનાર મિસરી પણ ક્રોધીત થઈ ગઈ.
    આ વાર્તા ભલે "કલ્પના" હોય....પણ જગતમાં ખરેખર આવી જ ધટનાઓ બનતી હોય છે.
    આ જ દુઃખભરી કહાણી છે.

    - ડૉ. ચંદ્રવદન મિસ્ત્રી

    ReplyDelete