Follow by Email

Saturday, February 26, 2011

પરિક્રમા - બિહાર ભાગ ૨: પ્રસ્થાન

૧૦.
રૂપનો તાર મળતાં જ રામ અભિલાષ અકબરપુર પહોંચી ગયો. બાટા કંપનીની કામદાર નીતિ સારી હતી તેથી તેને પાંચ દિવસની કૉમ્પેશનેટ લીવ મળી. રૂપે કિશોરની જવાબદારી લીધી તેથી તેને થોડી ચિંતા જરૂર થઇ: તેમના ખુદના ત્રણ બાળકો હતા અને દર મહિને પગારમાંથી માબાપને પણ પૈસા મોકલવા પડતા હતા. તેમ છતાં તેને પત્નિના નિર્ણય પર અભિમાન ઉપજ્યું. આવું પગલું એકલી રૂપ જ લઇ શકે, જેને પોતાના પરિવાર વિશે ગૌરવની તથા નિષ્ઠાની ભાવના હતી. રામ અભિલાષ તેના લગ્નજીવનમાં ખુશ હતો. એક તો તેની પત્નિ ખુબસુરત હતી, ગૃહકાર્યમાં નિષ્ણાત અને તેના માતાપિતાની અત્યંત ઇજ્જત કરતી હતી. ન કદી તેણે કદી કોઇ કરજ થવા દીધું હતું, ન તેણે પરિવારને કોઇ ચીજની ઉણપ ભાસવા દીધી. રામેશ્વરે અણીના વખતે મદદ ન કરી હોત તો તેના લગ્ન રૂપવતી સાથે થયા ન હોત, અને તેના વગરની જીંદગીની કલ્પનાથી જ તે કાંપી ઉઠ્યો હતો. વળી રામેશ્વરે ક્યાં ફળની આશા રાખીને પોતાનું કર્તવ્ય નીભાવ્યું હતું?
રામ અભિલાષે અકબરપુર પહોંચતાં વેંત કામ સંભાળી લીધું. તેણે પંડિતજીને બોલાવી એક દિવસમાં બધાં ધાર્મિક કાર્ય પૂરા કરાવ્યા. યોગ્ય દક્ષીણા મળે તો રાહુ-કેતુ-શનિ-મંગળ જેવા ગ્રહોને કાબુમાં રાખી શકનાર પુરોહિતજી માટે કશું અશક્ય નથી હોતું. પુત્રે કરવી જોઇતી ક્રિયા ગોર જાતે સદ્ગતના ‘ધર્મપુત્ર‘ તરીકે અધિષ્ઠીત કરીને પૂરા કરી શકે છે. ગામના પટવારી પાસે જઇને તેણે રામપ્રતાપના ઘર-બગીચાના સાત-બારના ઉતારામાં રૂપનું નામ કરાવ્યું. રજા પૂરી થઇ અને તે પટના જવા નીકળ્યો ત્યારે રૂપે તેને બાપુજીનો જુનો ઇસ્કોતરો લઇ જવાનું કહ્યું. તેમાં બાપુજીનાં જુના કાગળ-પત્ર, જમીનની માલિકીના દસ્તાવેજ, મિલીટરીની સર્વિસબુક, મેડલ તથા અગત્યનાં કાગળ હતા. જતાં પહેલાં તેણે પત્નિને ચારસો રૂપિયા આપ્યા. તેણે કંપનીમાંથી લોન લીધી હતી. રૂપને બે ઘર સમેટવાના હતા. વિષ્ણુપુરમાં કોના કેટલા પૈસા આપવાના હશે તેનો કોઇને ખ્યાલ નહોતો, રામ અભિલાષે તેની અંદાજી જોગવાઇ કરી હતી.
પતિ પટના ગયા પછી રૂપે ઘરનો બિનજરૂરી સામાન તથા જુની વસ્તુઓ ગરીબોને દાનમાં આપી અને ઘર બંધ કર્યું. ઘરની એક ચાવી માધોને આપી.
“માધોકાકા, બાબુજીનું ઘર હવે તમારે સંભાળવાનું છે. તેમનો બાગ તમે જ ઉભો કર્યો છે. તેમાંથી જે ઉપજે, તમારૂં જ છે. ના ન પાડશો. બનશે તો અમે કોઇ વાર તમને મળવા આવીશું.” માધો અને મિસરીના દુ:ખનો પાર નહોતો. મિસરીએ તેની ‘રૂબ્બતી’ને છાતી સરસી ચાંપી અને રજા આપી. “દિકરી, ટેમ મળે તો ચિઠી પતર લખી તારી ખુશહાલી જણાવતી રહેજે. અમે તો અભણ માણસ છીએ, પણ પંડિતજી પાસેથી ચિઠી વંચાવી લઇશું. અમને ભુલતી નહિ.”
આખું ગામ તેને મૂકવા બસ સ્ટૉપ પર ગયું. ભારે હૃદયે રૂપ બાળકોને લઇ ભાઇને ગામ વિષ્ણુપુર જવા નીકળી.
*********

રૂપ વિષ્ણુપુર પહોંચી તે પહેલાં જ રામેશ્વર-રાધાનાં સમાચાર ત્યાં પહોંચી ગયા હતા. બસ સ્ટૉપથી ગામ સુધી જવાના કાચા રસ્તા પર તે ચાર બાળકોને સાથે ચાલવા લાગી, ત્યારથી જ ગામના લોકો તેને મળવા આવવા લાગ્યા. બે ત્રણ યુવાનોએ તેનો સામાન ઉપાડી લીધો અને ઘર સુધી પહોંચાડી. ગ્રામવાસીઓ રામેશ્વરના ઋણી હતા. તેમની કચેરીમાં ખેડૂતોને હંમેશા કામ પડતું. તેમનાં તગાવી, ગ્રાન્ટ તથા સરકારી લોનનાં ફૉર્મ ભરી આપવાથી માંડી બડાબાબુ અને બ્લૉક ડેવેલપમેન્ટ અૉફીસર સાહેબ સુધી પહોંચાડવા સુધીનાં કામ તેમણે કરી આપ્યા હતા.
લોકો ઘેર ગયા બાદ રામેશ્વરના ઘરધણી અને તેમનાં પત્નિ રૂપ અને બાળકો માટે ભોજન લઇ આવ્યા. રાધા આ ઘરમાં છ-સાત વર્ષ રહી હતી તેથી તેમની સાથે ઘર જેવો સંબંધ હતો. ભોજન બાદ તેણે ઘરધણીને પૂછ્યું, “ગુપ્તા કાકા, ભૈયાજી તો ગયા. કિશોરને હું મારી સાથે લઇ જઉં છું. ઘરભાડાનો હિસાબ...”
“આ તું શું બોલે છે, રૂબ્બતી? તારા ભૈયાજી કદી કોઇનું ઉધાર નહોતા રાખતા. ઘરભાડું પણ અગાઉથી આપેલું છે. હિસાબમાં મારે જ તને બાકી રહેલા દિવસોનું ભાડું પાછું આપવાનું છે,” કહી ખિસ્સામાંથી પાકીટ કાઢવા લાગ્યા. રૂપે તેમને રોક્યા.
બીજા દિવસે સવારના પહોરમાં જ બજારમાં ગઇ અને દુકાનદારોને પૂછ્યું કે ભાઇ પાસે તેમની કોઇ રકમ લેણી નીકળતી હતી. ‘ના. તમારા ભાઇ બધું રોકડેથી લેતા.’
તેના માટે એક મોટું કામ બાકી હતું અને તે ભૈયાજીની કચેરીમાં જઇ તેમના અવસાનના સમાચાર ‘અૉફિશીયલી’ આપવાના હતા. રામ અભિલાષે તેના પાંચ દિવસના વાસ્તવ્ય દરમિયાન ડેથ સર્ટિફિકેટ મેળવ્યું હતું. તે લઇ અગિયારની બસ પકડી રૂપ નાલંદા ગઇ. આત્મવિશ્વાસપૂર્વક તે બડાબાબુ પાસે ‘પેશ’ થઇ તથા સરકારી કામગિરી પતાવી. બડાબાબુ તેને બીડીઓ સાહેબ પાસે લઇ ગયા. તેમણે દિલસોજી દર્શાવી. રામબાબુના પેન્શનના કાગળ વહેલી તકે મોકલી આપશે, તથા તે ભરવામાં કોઇ મદદની જરૂર હોય તો તેમનો સીધો સમ્પર્ક સાધવા કહ્યું.
રૂપ માટે હવે અત્યંત વ્યથા-સભર કામ કરવાનું બાકી હતું. રાધાભાભીએ પ્રેમથી સજાવેલ ઘર બંધ કરવાનું.
આ વખતે તેણે ઘરને નવી દૃષ્ટીથી નિહાળ્યું. આંગણામાં તુલસીનો ક્યારો હતો અને કમ્પાઉન્ડની દિવાલની પાસે પુલની ક્યારીઓ. ચમેલીની વેલ દિવાલ પર પાંગરી હતી. મોગરાના અને ગુલબાક્ષીનાં ફૂલથી નાનકડો બગીચો ફાલ્યો હતો. કોણ જાણે રાધા ક્યાંથી ‘ફુલકસીયા‘ - ફ્લૉક્સ-ના બીજ લાવી હતી, તે પણ ઉગી નીકળી આવ્યા હતા. એક ખુણામાં જમરૂખડી હતી. મકાનની લાંબી પરસાળના એક ખુણામાં પાર્ટીશન બાનવી તેમાં રાધાએ રસોડું બનાવ્યું હતું. રસોડામાં અભરાઇઓ હતી અને તેના પર પિત્તળનાં વાસણ ચળકતા હતા. એક ખુણામાં નાનકડી કોયલાની સગડી તથા સુંદર લીંપેલો નાનકડો ચુલો હતો. એક રૅક પર સમાન આકારના અનાજના ડબા હતા. ચુલાની સામે બે આસનીયા હતા. ભૈયાજી અને કિશોર માટે.
પરસાળના બીજા હિસ્સામાં ભીંતને અઢેલીને પહોળી પાટલી હતી - દિવાન જેવી. કામ પરથી આવ્યા બાદ ભાઇ અહીં બેસતા. રાધા તેમના માટે ચ્હા બનાવીને લઇ આવતી અને બાજુમાં રાખેલા મુંઢાના સ્ટુલ પર બેસીને વાત કરતી.
અંદરના એક ઓરડામાં ‘બેડરૂમ’ હતી. બીજો ઓરડો પૂજા, કિશોરના અભ્યાસ માટે કે કોઇ બેસવા આવે તો બેઠક તરીકે વપરાતો. અહીં રોજ સાંજે રામેશ્વર જમ્યા બાદ કિશોર પાસેથી પુસ્તક વંચાવતા. કોઇ વાર તે પોતે તેને વાંચી સંભળાવતા અને તેણે પૂછેલા પ્રશ્નોનો સમજાવીને ઉત્તર આપતા. કિશોરના પ્રિય પુસ્તકો હતા મહાન વ્યક્તિઓના જીવનચરીત્ર અને પરિકથાઓ. પૂજાના ખુણામાં રામ પંચાયતનનું ફ્રેમ કરેલ ચિત્ર, શિવલિંગ અને તેમની સામે લાલ કપડામાં લપેટેલું રામાયણ. એક દિવાલ પર રામેશ્વરના માતાપિતાની છબી હતી. બીજી દિવાલ પર સ્વામી વિવેકાનંદ અને લોકનાયકની છબીઓ. દર શનિવારે તેઓ અહીં રામાયણ વાંચતા અને રાધા અને કિશોર તેમની સામે બેસીને સાંભળતા. કોઇ વાર ગુપ્તાજી અને તેમનાં પત્નિ પણ આવીને બેસતા. રૂપવતી તેમની સાથે રહેતી ત્યારે તે પણ આ કૌટમ્બીક સત્સંગમાં ભાગ લેતી તે તેને યાદ આવ્યું. રાધા સાથે તે ગીતો ગાતી, તેણે કરેલા હાસ્ય વિનોદને સાંભળી તે ખિલખીલાટ હસતી. રસોઇ કરતાં પણ તે અહીં જ, રાધા પાસે શીખી હતી. આજે તેના પર આ જ ઘરની વસ્તુઓ ખાલી કરવાનો વારો આવ્યો હતો.
એક આનંદમય, સુખી ઘરનાં આત્મા અને પ્રાણ એક સાથે ચાલ્યા ગયા હતા અને તેના ખાલી ખોખાનો નિકાલ કરવાની જવાબદારી તેના માથે આવી હતી.
ભારે મનથી રૂપે બધી વસ્તુઓ ગરીબોમાં વહેંચી. બેડરૂમમાં બે ટ્રંક હતી તે ખોલી. એકમાં રાધાનાં કપડાં તથા અખરોટના લાકડાનો નક્ષીકામ કરેલ નાનકડો ડબો હતો. તેમાં સોનાની કાનની બૂટી, ચૂની, પાતળી ચેન, ચાંદીની ચાર બંગડીઓ અને ચાંદીના પાયલ હતા. રૂપે રાધાની ગોટાનું કામ કરેલી સુંદર સાડી - કદાચ તેના લગ્નના પોષાક તરીકે તેના પતિએ આપી હતી, તે અને ઘરેણાંનો ડબો ટ્રંકમાં મૂક્યા. સાથે કિશોરનાં કપડાં. બીજી ટ્રંકમાં રામાયણ, પૂજાની વસ્તુઓ, છબીઓ તથા તેમના અગત્યના કાગળ ભર્યા. બાકીના કપડાં ગામમાં વહેંચ્યા.
સવારે અંતરમાં વેદના સાથે તેણે ભાઇ-ભાભીના ઘરને અંતિમ નમસ્કાર કર્યા.
ગામના લોકોને જાણ થઇ કે રૂપ કિશોરને લઇને કાયમ માટે જાય છે, તેઓ તેને મળવા આવ્યા. યુવાનોએ તેનો સામાન ઉંચકી લીધો અને બસ સ્ટૉપ પર તેની સાથે ચાલવા લાગ્યા. રૂપની આંખમાં વર્ષા ઋતુ બેઠી હતી. તેણે કિશોરનો હાથ પકડ્યો હતો. રાકેશ, સરિતા અને નીતા તેની પાછળ ચાલતા હતા.
બસ આવી. જુવાનોએ રૂપની બન્ને ટ્રંક બસની છત પર ચઢાવી. ગામ લોકોએ તેને છેલ્લી વારના જુહાર કહ્યા. તે ક્યાં પાછી વિષ્ણુપુર આવવાની હતી?
લોકો ગયા. વહેતા આંસુઓને સારવા રૂપવતીએ આંખો બંધ કરી. એક ક્ષણ તેને લાગ્યું, આ રાત હતી અને બંધ આંખે તે દુ:સ્વપ્ન જોઇ રહી હતી. “ભગવાન, આ ખરાબ સપનું મહેરબાની કરીને ખતમ કરો. હું આંખો ખોલું તો મારી સામે ભૈયાજી અને રાધા ભૌજાઇના હસમુખા ચહેરા મને દેખાય!”
એટલામાં આંચકા સાથે બસ સ્ટાર્ટ થઇ. કંડક્ટર બસની ટિકીટ આપવા આવ્યો.
“એક પૂરી ઔર તીન આધી ટિકટ ભૈયા, પટનાકે લિયે.”
“બહનજી આપકે તો ચાર બચ્ચે હૈં!” કંડક્ટરે બાળકો ગણ્યા અને કહ્યું
રૂપના જીવનમાં એક નવું પ્રસ્થાન શરૂ થયું હતું તેનો આ સાક્ષાત્કાર હતો.