Follow by Email

Thursday, February 24, 2011

પરિક્રમા - બિહાર : ભાગ ૨- અનન્યા!

૮.

રૂપવતીએ હવે કમર કસી. તેણે પરિસ્થિતિ પર કબજો લેવાની શરૂઆત કરી. તેણે માસ્ટરજીને બોલાવ્યા અને પતિને ટેલીગ્રામ કરવાની વિનંતી કરી. તેના પોતાના પરિવારમાં કોઇ નજીકના સગાં નહોતા. સુમિત્રા ફોઇ ત્રીસ વર્ષ પહેલાં દુષ્કાળ વખતે પતિ સાથે દેશ છોડીને ગઇ હતી તે પાછી આવી નહોતી. તે ક્યાં હતી તે કોઇ જાણતું નહોતું. રાધાને સાવકા ભાઇ બહેનો હતા. રાધાના લગ્ન બાદ તેમણે તેની સાથે કોઇ સંબંધ રાખ્યો નહોતો. તેમને ડર હતો કે તેમના પિતાના બિસ્માર મકાનમાં તે ક્યાંક ભાગ ન માગે! રાધાના ભાઇ શ્યામલાલની પુત્રીના લગ્નમાં તે રાધા સાથે ગઇ હતી, તેથી તેનું સરનામું તે જાણતી હતી. તેણે શ્યામલાલને પત્ર લખ્યો. બહેનોએ તો તેના પત્રની દખલ ન લીધી, પણ દસે’ક દિવસ બાદ શ્યામલાલ આવ્યા.
શ્યામલાલે રૂપવતીના આંગણામાં પ્રવેશતાં જ પોક મૂકી. “આ શો ગજબ કર્યો ભગવાન! મારી વહાલી બહેના રાધા! કેટલું વહાલ હતું તેને મારા પર અને ભગવાને અમારા આવો અન્યાય કર્યો! હે ભગવાન!” કહી તે જમીન પર બેસી ગયા, અને અશ્રુહિન આંખોને ખિસ્સા રૂમાલ વડે લૂછવા લાગ્યા. “મેં મારી બહેન પર મારી દીકરીની જેમ વહાલ કર્યું હતું, પણ ભગવાનને તે મંજુર નહોતું.....”
રૂપવતી તથા તેની પાસે બેઠેલી સ્ત્રીઓને તેની દાંભીકતા દેખાઇ આવી. કોઇ કશું બોલ્યું નહિ. એક મિનીટમાં તો તે સ્વસ્થ થઇ ગયા.
ભોજનનો સમય હતો. રૂપે તેમને ખાવાનું પીરસ્યું. જમીને મોટો ઓડકાર આપ્યા બાદ તેઓ ઉભા થયા.
“રૂપવતી, સારૂં કર્યું તેં અમને સમાચાર આપ્યા, નહિ તો અમને ખબર પણ ન પડી હોત. ચાલ, હવે મારે જવું જોઇએ. મારા ઘણાં કામ બાકી પડ્યા છે. સંભાળીને રહેજે. અને કોઇ કામકાજ હોય તો મને જણાવજે,” કહી બારણા તરફ પગલું ભર્યું. કિશોર તરફ તો તેમણે જોયું સુદ્ધાં નહિ. ‘આ બલા ક્યાંક મારા માથા પર ન આવી પડે!’
રાધા કશું બોલી નહિ, પણ મિસરી ચૂપ ન રહી. “અરે મામા શ્યામલાલ! તારો મતલબ શું છે? કહે છે મારે જવું જોઇએ! જરા તો શરમ કર! તારી વહાલી બહેનાનો દિકરો, તારો ભાણો કિશોર તારી જવાબદારી છે, અને તું બેશરમ થઇને તેને મૂકીને જાય છે? તેના માથા પર હાથ મૂકવા જેટલી પણ તારામાં શરાફત બાકી નથી રહી? વાહ મામા, વાહ!”
“અરે, હું તો કહેવાનું ભુલી ગયો! જો, રૂપવતી, આજકાલના મોંઘવારીના જમાનામાં એક વધારે પેટ પાળવાની મારી ત્રેવડ નથી. ખરૂં તો તેના બાપે - માફ કરજે - જીજાજીએ કશીક તો જોગવાઇ કરવી જોઇતી હતી ને? તેમણે તો કશું ન કર્યું, પણ મેં તો તપાસ કરી. અહીં આવતાં પહેલાં હું પટના રોકાયો હતો. ત્યાં એક સારૂં અનાથાશ્રમ છે. આપણે તેમને કશું દાન દેવાની જરૂર નથી. રૂપવતી, તું કહેતી હોય તો કિશોરને મારા ખર્ચે ત્યાં મૂકી આવું. કંઇ નહિ તો તેને બે વખતની રોટી, કપડા-લત્તા અને થોડું ઘણું શિક્ષણ મળી રહેશે. તું પટના રહે છે તો વારે-તહેવારે .....”
“મહેરબાની કરીને ચૂપ રહેશો, ભાઇસા’બ?” અત્યાર સુધી શાંત રહેલી રૂપ ઉભી થઇ ગઇ. તેનો ગૌર ચહેરો ક્રોધથી તપેલા તાંબા જેવો થઇ ગયો. તેનું શરીર કાંપતું હતું. પોલાદને પણ કાપી નાખે તેવા હિમ-શીત સ્વરે તેણે કહ્યું, “કિશોર મારો દિકરો છે. એને હું અનાથાશ્રમ તો દૂર, આપની પાસે પણ ન મોકલું, સમજ્યા? આવી નિમ્ન કક્ષાની વાત કરવી હતી તો અહીં આપને આવવાની કોઇ જરૂર નહોતી. અહીં આવવા માટે ધન્યવાદ. આવજો. રામ રામ.”
શ્યામલાલ આગળ કોઇ પ્રલાપ કરે તે પહેલાં વૃદ્ધ મિસરી બોલી, “શ્યામલાલ, હવે રસ્તે પડ, નહિ તો... તારી બસ નીકળી જશે.”
કોઇ અદૃશ્ય હાથે તેને લપડાક મારી હોય તેમ શ્યામલાલ ઝંખવાણો થઇ ગયો. તેણે બોલવાનો પ્રયત્ન કરી જોયો, પણ શબ્દો ન નીકળ્યા. સંતપ્ત રૂપવતીએ કેવળ હાથ જોડીને નમસ્કાર કર્યા. શ્યામલાલ તો રૂપવતીની દયા કે ઘૃણાને પણ લાયક નહોતો.
હોઠ ફફડાવી, માથું હલાવી શ્યામલાલ ચાલવા લાગ્યો. શરમના માર્યા તેણે પાછળ જોવાની હિંમત ન કરી.
રૂપ બારણા સુધી પણ ન ગઇ. કિશોરને અંકમાં લઇ તેના મસ્તક પર સ્નેહાળ હાથ ફેરવતાં રાધાનો વિચાર કરવા લાગી. વૃદ્ધ પિતા, ભાઇ અને બહેનોની સેવામાં જીવન ન્યોચ્છાવર કરનાર સુચરિતા રાધાને સાવકો કેમ ન હોય, પણ આવો ભાઇ હતો?
તેને પિતાએ રાધાના કષ્ટમય જીવન વિશે કહેલી વાતો યાદ આવી. રાધાએ તો તેની વહાલસોયી માતાની સુખદ છાયાની, તેના સાન્નિધ્યના આનંદની જ વાતો કહી હતી. મુશ્કેલીમાં પણ કોઇ આનંદથી જીવી શકે છે? કોઇની વાત તો અલગ હોઇ શકે, પણ આ તો રાધા હતી.
અનન્યા!